સદગુરુ : તમારે કઈ રીતનું ભોજન લેવું જોઇએ એ તમે ભોજન વિષે જે વિચારો છો અથવા તમારા મૂલ્યો કે તમારી નૈતિકતા ઉપર આધારિત ન હોવું જોઇએ પણ, એ તમારા શરીરને શું જોઇએ છે તેની ઉપર આધારિત હોવું જોઇએ. ભોજન એ તમારા શરીર વિષે છે, તો આપણે આપણા શરીરને પૂછવું જોઇએ કે એ કયા પ્રકારના ભોજનથી એ ખરેખર ખુશ છે? તમે જુદા જુદા પ્રકારના ભોજન લઈ જુઓ અને ધ્યાન આપો કે તમારા શરીર ને કેવું લાગે છે. જો તે ખોરાક લીધા પછી શરીરને ખૂબ સક્રિયતા અને ઊર્જા અનુભવાય તો એનો અર્થ એ થાય કે શરીર ખુશ છે. જો શરીરમાં સુસ્તી અનુભવાય અને એને જાગૃત રાખવા માટે ચા-કોફી કે અન્ય નિકોટીનયુક્ત પદાર્થોની જરૂર પડે તો સમજવું કે શરીર ખુશ નથી.

જો તમે તમારા શરીર ને સાંભળશો તો એ તમને સ્પષ્ટ પણે કહેશે કે કયા પ્રકારના ભોજનથી એ ખુશ છે. પણ, હમણાં તો તમે તમારા મનને જ સાંભળો છો અને મન તો હંમેશા તમારી સાથે ખોટું જ બોલશે. શું પહેલા પણ એ તમારી સાથે ખોટું નથી બોલ્યું? આજે એ તમને કહે છે, "આ આવું છે." આવતીકાલે જે તમે આજે માની લીધું તેના માટે એ તમને મૂર્ખ મહેસુસ કરાવશે. તમે તમારા મનના કહેવા પ્રમાણે ના જાવ. તમારે ફક્ત તમારું શરીર શું કહે છે એ સાંભળતા શીખવવાનું છે.

....તમે જે ભોજન કરો છો એ જીવન છે. આપણું જીવન ચલાવવા માટે બીજી ઘણી જીવિત વસ્તુઓ પોતાના જીવન નો ભોગ આપી રહી છે. જો આપણે તે બધાની પ્રત્યે કૃતજ્ઞતા ભાવ રાખીને ખાઈ શકીએ તો આપણી અંદર એ ભોજન જુદી જ રીતે વર્તશે.

તમે તમારા શરીરને સાંભળી શકો એના માટે તમારે એ તરફ ધ્યાન આપવું પડે. એક વાર જ્યારે તમે એ શીખી લો ત્યારે તમને જણાશે કે તમારે શું ખાવું અને શું નહીં. દરેક પ્રાણી જાણે છે. માણસજાત આમ તો આ બાબતે સૌથી વધુ બુદ્ધિમાન હોવી જોઇએ પણ આપણને તો એ પણ નથી ખબર કે આપણે શું ખાવું જોઇએ?

તમારે એ પ્રકારનો આહાર લેવો જોઇએ કે જેનાથી તમારું શરીર એ આરામની અવસ્થામાં રહે, કે જેમાં એણે કદી પણ પોષણ મેળવવા માટે સંઘર્ષ ન કરવો પડે. જો તમારે તમારો વેપાર બરોબર રીતે ચલાવવો હોય અથવા બરોબર રીતે અભ્યાસ કરવો હોય કે કોઇ પણ કામ વ્યવસ્થિત રીતે કરવા માટે તમારા શરીરનું એક આરામની અવસ્થામાં હોવું ખૂબ જ જરૂરી છે. અહીં આપણે નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ નથી જોઈ રહ્યાં. આપણે આ તંત્ર માટે શું અનુકૂળ છે તે જોઈ રહ્યાં છીએ – આપણે એ ખોરાક ખાવા પ્રયત્ન કરવો જોઇએ કે જે આપણા શરીરને આરામદાયક સ્થિતિમાં રાખે.

શાકાહારી કઈ રીતે થવું

તમારી અંદર જે ભોજન જઈ રહ્યું છે તેની ગુણવત્તાના સંદર્ભમાં માંસાહારી ભોજન કરતા શાકાહારી ભોજન ચોક્કસપણે જ તમાર તંત્ર માટે વધુ સારું છે. તમે પ્રયોગ કરી જુઓ. તમે જ્યારે શાકાહારી ભોજન એની જીવંત સ્થિતિમાં લો છો ત્યારે શું ફરક પડે છે. વિચાર એ છે કે શક્ય હોય એટલું વધુમાં વધુ ભોજન એના જીવંત સ્વરૂપમાં લેવું જોઇએ - જે પણ કંઇ રાંધ્યા વગર એના મૂળ સ્વરૂપમાં કાચું જ લઇ શકાય તમારે તે લેવું જોઇએ. એક જીવિત કોષમાં જીવન ટકાવી રાખવા માટે બધા ગુણ હોય છે. જો તમે એક જીવંત કોષને ગ્રહણ કરો છો તો તમે જોશો કે તમારા તંત્રમાં એક અલગ જ પ્રકારની સ્વસ્થતા હશે તેમજ તે સ્વસ્થતા અત્યાર સુધી તમે જે પણ કંઇ અનુભવ્યું હશે તેના કરતાં તદ્દન અલગ હશે. આપણે જ્યારે ખોરાકને રાંધીએ છીએ ત્યારે આપણે એની અંદરનાં જીવનને નષ્ટ કરી નાખીએ છીએ. આ પ્રકારે જીવનનો નાશ થઈ ગયા પછી આપણે જે ખાઇએ છીએ તેનાથી જરૂરી પ્રમાણમાં જીવનઊર્જા મળતી નથી. પણ, જ્યારે તમે જીવંત આહાર લો ત્યારે તે આહાર તમારી અંદર કંઇક જુદા જ સ્તરની જીવંતતા લાવે છે. જો તમે પોતાના આહારમાં ઓછામાં ઓછું ૩૦ થી ૪૦% ભોજન તેની જીવંત અવસ્થામાં લો - ફણગાવેલા કઠોળ, ફળ અથવા જે શાકભાજી એના જીવંત સ્વરૂપમાં લઈ શકાય તે તમે લેશો તો તમે જોશો કે તમારા અંદરના જીવનને એ ખૂબ સારી રીતે માફક આવે છે.

અને સૌથી મહત્વનું એ કે, તમે જે ભોજન કરો છો, એ જીવન છે. આપણું જીવન ચલાવવા માટે જીવનના બીજા પ્રકારો પોતાના જીવનનો ભોગ આપી રહ્યા છે. જો આપણે એ બધાની પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના રાખીને ખાઈ શકીએ તો ભોજન આપણી અંદર જુદી જ રીતે વર્તશે.

શાકાહાર કે માંસાહાર – શું શ્રેષ્ઠ?

પ્રશ્ન:) સદગુરુ, હું ખાવા પીવાનો ખૂબ શોખીન છું. જો માંસાહાર મને માફક આવતું હોય તો શું માંસાહારી બનવું ઠીક છે?

સદગુરુ: ભલે તમે કોઈ વનસ્પતિ ખાઓ કે કોઈ પ્રાણીને, એ બંને જ હિંસા છે. આજે આ વાતના અનેક પુરાવાઓ છે કે વનસ્પતિઓ પણ એટલીજ સંવેદનશીલ હોય છે, એ પણ રડે છે, કકળે છે તે સાબિત કરવા માટે આજે ઘણા પુરાવાઓ છે.

તમે એમને સાંભળી નથી શકતા, બસ એટલું જ. ધારો કે અહીં હજાર અથવા દસ હજાર વૃક્ષો છે અને એક હાથી આવીને કોઇ એક ઝાડના પાંદડા ખાવાનું શરૂ કરે છે. તો એ ઝાડ ચોકાસપણે જ પોતાની પ્રજાતિના બીજા ઝાડોને સંદેશો મોકલાવશે કે એને કોઇ આવી રીતે ખાઈ રહ્યું છે. થોડીજ મિનિટોમાં જો હાથી બીજા વૃક્ષો પાસે જાય તો ત્યાં સુધી બાકીના વૃક્ષોએ એમના પાંદડાઓમાં અમુક માત્રામાં એક પ્રકારનો ઝેરી પદાર્થ બનાવી દીધો હશે. જ્યારે હાથી એવા ઝાડના પાંદડા ખાશે ત્યારે તેને એ થોડા કડવા લાગશે જેથી એ તેમને નહીં ખાય. વૃક્ષો આટલી હદે સંવેદનશીલ હોય છે.

પોતાની જાતને ખાવાના શોખીન ના કહો કારણ કે ભોજન કદી પણ કોઈની ઓળખાણ ના બનવું જોઈએ.

તમે કોઈ ફળ કે શાકભાજી તોડીને અથવા તો કોઈ પ્રાણીને કાપીને ખાઓ છો, એ બધું જ નિર્દયી છે. આપણે તે કામ થોડું સમજણપૂર્વક અને માત્ર તેટલા જ પ્રમાણમાં કરવું જોઇએ જેટલા પ્રમાણમાં કરવું જરૂરી હોય. તમારે ખાવાના શોખીન બનવાનો વિચાર છોડી દેવો જોઇએ. આપણે બધાએ ભોજન તો કરવું જ પડે છે નહીંતર આપણે પોતાના શરીર સાથે નિર્દયી થઇશું. પણ, આપણી ઓળખાણ ભોજન દ્વારા થાય એ યોગ્ય ના કહેવાય કારણ કે, એનો અર્થ એવો થાય કે આપણે શરીરને પોષણ આપવાનું છોડી ને ખાવામાં જ મંડી પડ્યા છીએ. એક જીવન તરીકે આપણને આપણા શરીરને પોષણ આપવાનો આપણને અધિકાર છે – આજ રીતે જગતમાં આહારચક્ર ચાલી રહ્યું છે પણ, આ જગતમાં જે અન્ય જીવો છે તેમના જીવન ફક્ત ભોગવિલાસ ખાતર લઈ લેવાનો આપણને કોઈ અધિકાર નથી. આવું કરવું સહેજ પણ યોગ્ય નથી. આપણા જીવનને પોષણ આપવાનો આપણને પૂરેપૂરો અધિકાર છે પણ માત્ર આનંદ ખાતર બીજાનું જીવન લઈ લેવાનો આપણને કોઈ અધિકાર નથી. પોતાને ખાવાના શોખીન ના કહો કારણ કે ભોજન કદી પણ કોઈની ઓળખાણ ના બનવું જોઇએ. જીવતા રહેવા માટે અને પોષણ મેળવવા માટે જે-તે ક્ષણમાં જે જરૂરી હશે તે આપણે લઈશું.

આહાર અને માનસિક સ્વાસ્થ્ય

pablo-merchan-montes-Orz90t6o0e4-unsplash

પ્રશ્ન ) શું આપણા મન, મિજાજ, ભાવનાત્મક અવસ્થા, માનસિક સ્વાસ્થ્ય અને જે ભોજન આપણે લઈએ છીએ તેનો કોઈ સંબંધ છે? સામાન્ય રીતે, આપણા શરીર અને મન વચ્ચે શું સંબંધ છે?

સદગુરુ : યોગિક પ્રણાલી શરીર અને મનને બે અલગ અલગ વસ્તુ તરીકે નથી જોતી. માત્ર એટલું જ કે જેને આપણે મન કહીએ છીએ તે બસ, એક ચોક્કસ પ્રમાણમાં સ્મૃતિ અને બુદ્ધિ છે. તમારા મગજ એ તમારા શરીર નો જ એક ભાગ છે. સામન્ય રીતે લોકોને એવું લાગે છે કે મગજ જ સર્વસ્વ છે કારણ કે, એ વિચાર પ્રક્રિયાની કામગીરી સંભાળે છે. પણ, મગજ અને બાકીના શરીર વચ્ચે કોની પાસે વધુ સ્મૃતિ અને બુદ્ધિમત્તા છે? જો તમે આને પૂરતાં ધ્યાન સાવચેતીથી જોશો તો તમને જણાશે કે તમારા શરીરની સ્મૃતિઓ લાખો વર્ષ પાછળ જાય છે. એને સ્પષ્ટપણે યાદ છે કે તમારા પૂર્વજો કેવાં હતા. મન પાસે આવા પ્રકારની સ્મૃતિઓ નથી. આપણે જ્યારે બુદ્ધિની વાત કરીએ ત્યારે ડી.એન.એના પ્રત્યેક અણુમાં જે કંઇ થાય છે તે એટલું બધું જટિલ છે કે તમારું આખેઆખું મગજ એને સમજી ના શકે. યોગિક પ્રણાલીમાં, આપણી પાસે એક ભૌતિક શરીર છે અને એક માનસિક શરીર છે - બુદ્ધિમત્તા અને સ્મૃતિ, જે આખા શરીરમાં પ્રવાહિત થતા હોય છે.

આપણે જ્યારે બુદ્ધિની વાત કરીએ ત્યારે ડી.એન.એના પ્રત્યેક અણુમાં જે કંઇ થાય છે તે એટલું બધું જટિલ છે કે તમારું આખેઆખું મગજ એને સમજી ના શકે.

પશ્ચિમમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો એમના જીવનના કોઈને કોઈ તબક્કે ડિપ્રૅશન ઉપર કાબુ મેળવવા માટે દવાઓ લે જ છે. જે ભોજન આપણે લઈએ છીએ તેનો આપણા મન ઉપર ખૂબ મોટો પ્રભાવ પડતો હોય છે. સામાન્ય રીતે એક અમેરિકન વ્યક્તિ વિષે એમ કહેવાય છે કે તે એક વર્ષમાં ૨૦૦ પાઉન્ડ જેટલું માંસ ખાય છે. જો તમે આને ૫૦ પાઉન્ડ સુધી લાવી શકો તો હું કહું છું કે ૭૫% લોકોને ડિપ્રૅશનની દવાઓની જરૂર રહે. જો તમે રણમાં કે જંગલમાં હો તો જીવતા રહેવા માટે માંસ સારો ખોરાક છે. જો તમે કોઈ જગ્યાએ ખોવાઈ ગયા છો તો માંસનો એક ટુકડો તમને જીવતા રાખશે કારણ કે, એ તમને અમુક પ્રકારનું પોષણ આપે છે. પણ, જ્યારે બીજા વિકલ્પો હોય ત્યારે રોજીંદા ખોરાક તરીકે માંસ ના લેવું જોઇએ.

આને જોવાની ઘણી રીત છે. એક રીત એ છે કે, પ્રાણીઓમાં એટલા પ્રમાણમાં બુદ્ધિમત્તા હોય છે કે કતલ પહેલાંની અમુક ક્ષણો દરમિયાન તેઓ સમજી જાય છે કે હવે તેમને મારી નાખવામાં આવવાના છે. તમે ગમે તેવી ચાલાકીથી અથવા ગમે તેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી આ કામ કરો, પણ કોઈ પણ પ્રાણી, જેની પાસે અમુક પ્રકારની લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષમતા હોય તે સમજી જ જાય છે કે એને હવે મારી નાખવામાં આવશે. ધારો કે હમણાં જ તમને એવી જાણ થાય કે આ દિવસ ના અંતે તમને કતલ કરી નાખવામાં આવશે તો તમે કલ્પના કરી શકો છો કે તમે કેટકેટલી પીડામાંથી પસાર થશો, કેટકેટલી રાસાયણિક પ્રતિક્રિયાઓ તમારી અંદર થશે. પ્રાણીઓની અંદર પણ અમુક માત્રામાં આવું જ થાય છે. એનો અર્થ એ છે કે જ્યારે તમે કોઈ પ્રાણીને મારી નાખો તો એના માંસમાં નકારાત્મક અમ્લ અને બીજા રસાયણ બને છે. જો તમે આવું માંસ ખાઓ છો તો એ તમારી અંદર બિનજરૂરી માનસિક તાણ ઉત્પન્ન કરે છે.

જે લોકો માનસિક રૂપે બીમાર છે, એમની માંદગી કદાચ વૈજ્ઞાનિક ન હોય પણ એ જાતે ઊભી કરવામાં આવી હોય એવું શક્ય છે. જ્યાં સુધી સામાજિક રૂપે એ વસ્તુ વિકસિત ન થાય ત્યાં સુધી આટલી મોટી સંખ્યામાં લોકો માનસિક રીતે બીમાર ના પડી શકે.

જો તમે વિચારપૂર્વક જે લોકો ડિપ્રૅશનની દવા લેતા હોય તે લોકોને શાકાહાર ઉપર મૂકશો તો આશરે ત્રણ મહિનાની અંદર અંદર એ લોકોને દવા લેવાની જરૂર કદાચ નહીં પડે. અમે ઈશા યોગ કેંદ્રમાં આવનારા અનેક લોકો સાથે આમ થતાં જોયું છે.

સાચી પસંદગી કરવી

મને લાગે છે કે આપણે અમેરિકામાં આહાર માટે એક પ્રભાવશાળી ઝુંબેશ ચલાવવાની જરૂર છે, જેવી ધુમ્રપાનના વિરોધમાં ચલાવવામાં આવી હતી. સિત્તેરના દશકમાં અમેરિકાના કોઈ પણ જાહેર સ્થળે તમારે સિગરેટના ધુમાડામાંથી જ પસાર થવું પડતું હતું. પછી લોકોએ એક સક્રિય અને સફળ ઝુંબેશ ચલાવી જેનાથી હવાનું પ્રદૂષણ દૂર થયું. આજે તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાવ તો ત્યાં ધુમાડો નથી હોતો. તેમ છતાં હજુ પણ, પીણાંઓમાં તો કોર્બન ડાયોક્સાઇડ વાયુ છે જ. એક સમય એવો હતો જ્યારે ઘણા બધા લોકો માટે ધૂમ્રપાન એક જરૂરિયાત નહોતી પણ એક ફેશન હતી. સામેના માણસના મોઢા ઉપર સિગરેટનો ધુમાડો છોડવો એ યોગ્ય ગણાતું. સાચા પ્રકારની ઝુંબેશ વડે એક જ પેઢીમાં આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઇ ગઇ છે. તો આજે જે કંઇ આપણે ખાઇએ પીએ છીએ, એના માટે પણ એક સફળ ઝુંબેશ ચલાવવાની જરૂર છે.

 'ફૂડ બોડી', આ પુસ્તકમાં સદ્ગુરુ એવા ખાદ્યપદાર્થોની વિષે વાત કરે છે જેનાથી શરીર સર્વાધિક આરામની અવસ્થામાં રહે છે અને તેઓ આ પ્રકારનું ભોજન લેવાની સૌથી યોગ્ય રીતો પણ બતાવે છે. તમારા શરીરને સરખું કરવા માટે અને એને સૌથી વધારે શું માફક છે તે જોવા માટે આ ૩૩ પાનાની બુકલેટ પહેલું પગલું છે.

 Photo by Anna Pelzer on Unsplash