સદ્‍ગુરુ માટીની અધોગતિના ૩ કારણો અને તેની ૪ અસરો વિષે કહે છે – જે આ ધરતીની પર્યાવરણીય પરિસ્થિતિની અધોગતિનું અત્યંત નાજુક પાસું છે.

અંદર વાંચો:
૧. આપણને માટીને બચાવવાની શા માટે જરૂર છે?
૨. માટીનો પુનરોદ્ધાર કરવો પર્યાવરણ માટે કઈ રીતે લાભકારક છે?
૩. માટીનો પુનરોદ્ધાર કરવાની ૫ પદ્ધતિઓ
  ૩.૧ જૈવિક તત્ત્વો માટીને સમૃદ્ધ બનાવે છે
  ૩.૨ કૃષિ-વનીકરણ અથવા વૃક્ષ-આધારિત ખેતી
  ૩.૩ માંસાહાર ઘટાડવો
  ૩.૪ ફળાહાર – તમારા અને ધરતી, બન્ને માટે સારો
  ૩.૫ એક જાગરુક ધરતીનું નિર્માણ કરવું

૧. આપણને માટીને બચાવવાની શી જરૂર છે?

સદ્‍ગુરુ: આ ધરતી ઉપર ૮૭% જીવન – સૂક્ષ્મજીવો, અળસિયાઓ, જંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો, છોડવાઓ, વૃક્ષો અને દરેક પ્રકારની વનસ્પતિઓ ઉપરની સરેરાશ ૩૯ ઇંચ માટી પર નભે છે અને તેની ઉપર અત્યારે મરણતોલ સંકટ છે. છેલ્લા ૪૦ વર્ષોમાં, ધરતીની ૪૦% માટીનો ક્ષય થયો છે. સંયુક્ત રાષ્ટ્ર કહે છે કે, આપણી પાસે માટી ખેતીલાયક માત્ર આગામી ૮૦ થી ૧૦૦ પાક પૂરતી જ બચી છે, એટલે કે આવનારા ૪૫ થી ૬૦ વર્ષો જ ખેતી માટે બચ્યા છે. ત્યારબાદ, આપણી પાસે ખોરાક પેદા કરવા માટે માટી નહિ રહે. તમે ધરતી ઉપર આવનારા સંકટની કલ્પના કરી શકો છો. ભારતની ૩૦% જમીનનું તો અધ:પતન થઈ જ ચુક્યું છે અને ભારતના ૯૦% રાજ્યો માટીને રણમાં પરિવર્તિત થતા જોઈ રહ્યા છે, તેનો અર્થ એ કે ત્યાં કોઈ પાક લઈ શકાશે નહિ. તેથી, આ પ્રદેશની માટીને આગામી પેઢીઓ માટે સુરક્ષિત રાખવી એ સૌથી અગત્યનું છે. 

માટીનો પુનરોદ્ધાર કરવો પર્યાવરણ માટે કઈ રીતે લાભકારક છે?

હું જર્મનીમાં સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી ખાતે બોલી રહ્યો હતો અને તેઓએ મને પૂછ્યું, “પર્યાવરણીય આપત્તિને નિવારવા માટે આપણે કઈ ત્રણ વસ્તુ કરવાની જરૂર છે?” મેં કહ્યું, “ત્રણ વસ્તુઓ છે, ‘માટી, માટી અને માટી.” આ એક વસ્તુ છે જેની તરફ નજર કરવામાં જ નથી આવી કારણ કે, શહેરોમાં વાયુપ્રદૂષણ વિષે વાત કરવું ફૅશનેબલ છે. હું એમ નથી કહી રહ્યો કે તે મહત્ત્વનું નથી પણ, જો તમે માટીને સ્વસ્થ કરવા માટે આવશ્યક કાર્ય કરશો તો તે કાર્ય પાણીની પણ કાળજી લઈ લેશે. જો આપણે આપણી આર્થિક સમૃદ્ધિને થોડી જતી કરવા તૈયાર થઈએ તો વાયુ પ્રદૂષણને નાનકડા સમયગાળામાં રોકી શકાય છે, પણ જો તમારે તમે વિનાશ કરેલી માટીને સ્વસ્થ કરવી હોય તો, જો પૂરેપૂરા જોશથી કામ કરવામાં આવે તો તેને ૧૫-૨૫ વર્ષ લાગશે. જો તમે પૂરતો રસ લીધા વિના તેને કરશો તો જમીનને અમુક સ્તર સુધી આવતાં ૪૦-૫૦ વર્ષ લાગશે.

જો માટી લાંબા સમય સુધી ખરાબ હાલતમાં હશે તો તેનો અર્થ એ કે, ૨ થી ૩ પેઢીઓ જીવનના દુષ્કર તબક્કા હેઠળ જશે.

માટીનો પુનરોદ્ધાર કરવાની ૫ પદ્ધતિઓ

soil-revitalization-methods-gif

#૧ જૈવિક તત્ત્વો સમૃદ્ધ માટીનું નિર્માણ કરે છે

ભારતમાં, લોકો અમુક જમીન પર હજારો વર્ષોથી ખેતી કરી રહ્યા છે પણ, છેલ્લી પેઢીમાં માટીની ગુણવત્તા એટલી નીચી ગઈ છે કે, તે રણ બનવાની અણી પર છે. જો તમારે માટીને બચાવવી હોય તો તેનો અર્થ છે કે તેમાં જૈવિક પરિબળો જવા જોઈએ પણ, આપણા વૃક્ષો કપાઈ ગયા છે અને લાખોની સંખ્યામાં પ્રણીઓની દેશમાંથી નિકાસ કરવામાં આવે છે. એ પ્રાણીઓ નથી, એ આપણી જમીનનું ઉપલું પડ છે જે બીજા દેશોમાં જઈ રહ્યું છે. જ્યારે આમ થઈ રહ્યું હોય ત્યારે આપણે કઈ રીતે માટીને સ્વસ્થ કરી શકશું?

જો જમીનમાં કોઈ પાંદડાઓ કે પ્રાણીઓના મળમૂત્ર નહિ હોય તો તમે કોઈપણ વસ્તુ પાછી મૂકી શકો નહિ. આ એક સાદી માહિતિ છે જેને દરેક ખેડૂત કુટુંબ જાણતું હતું. તેઓને જાણ હતી કે કેટલી જમીન ઉપર કેટલી માત્રામાં પ્રાણીઓ અને વૃક્ષો હોવા જોઈએ.

ભારતમાં જૂના પ્લાનિંગ કમિશન દ્વારા સેટ કરવાનામાં આવેલું રાષ્ટ્રીય લક્ષ્ય છે કે, ૩૩% ભારત વૃક્ષાચ્છાદન હેઠળ હોવું જોઈએ કારણ કે, જો તમારે માટીને જાળવી રાખવે હશે તો તે એકમાત્ર રસ્તો છે. હું એક કાયદો પસાર કરાવવા પાછળ જોર આપી રહ્યો છું કે જો તમારી પાસે એક હૅક્ટર જમીન હોય તો, તમારી પાસે જમીન ઉપર ફરજીયાતપણે ઓછામાં ઓછા ૫ ઢોર પશુઓ હોવા જ જોઈએ. આ જમીન વિષે એક અદ્ભૂત વાત એ છે કે આપણી પાસે વૈજ્ઞાનિક માહિતિઓ છે પણ હજુ સુધી તેના વૈજ્ઞાનિક કારણો નથી. જો તમે આ દેશમાં એવી જગ્યાએ જાઓ જ્યાં માટીની ગુણવત્તા સારી છે અને તેમાંથી એક ઘનમીટર માટી લો તો એવું કહેવામાં આવે છે કે, તે એક ઘનમીટર માટીમાં આશરે ૧૦,૦૦૦ જીવનની પ્રજાતિઓ હોય છે. આ ધરતી ઉપર મળી આવતું આ સૌથી વધુ સંકેન્દ્રિત જીવન છે. અમને ખબર નથી કેમ. તો, આ માટીને માત્ર થોડી સહાયતાની જરૂર છે. જો તમે તેને એ થોડી સહાય કરશો તો તે તરત જ પાછી સ્વસ્થ થઈ જશે પણ, એક પેઢી તરીકે આપણી પાસે એ નાનકડી સહાય કરવા પૂરતી બુદ્ધિ છે કે પછી આપણે એમ જ બેઠા બેઠા તેનો વિનાશ થતાં જોયા કરીશું?

તમે ખાતર અને ટ્રૅક્ટર વડે માટીને સમૃદ્ધ રાખી શકો નહિ. તમારે જમીન ઉપર પ્રાણીઓ જોઈશે. પ્રાચીન સમયથી જ, જ્યારે આપણે અમાજ ઉગાડતાં ત્યારે આપણી માત્ર લળણી કરતાં અને બાકીના છોડ અને પ્રાણીઓના મળમૂત્ર હંમેશા માટીમાં પાછા જતાં. એવું લાગે છે કે, આપણે તે ડહાપણ ખોઈ ચૂક્યા છીએ.

#૨ વૃક્ષ આધારીત ખેતી અથવા કૃષિવનીકરણ

“વન્ય-પેદાશ” એ પરિભાષા આપણા શબ્દભંડોળમાંથી જતી રહેવી જોઈએ. વન્યપેદાશ જેવી કોઈ ચીજ નથી કારણ કે પેદાશ માટે આ ધરતી ઉપર પૂરતાં જંગલો નથી. એ સમય જતો રહ્યો છે. તમે ભવિષ્યમાં વન્ય-પેદાશ વિષે વાત કરી શકશો નહિ.

આપણે નવું વરસાદી જંગલ નથી બનાવી શકતાં કારણ કે, તેને માટે હજારો વર્ષોની કામગીરી લાગે છે પણ, આપણે ચોક્કસપણે જ વૃક્ષાચ્છન ઊભું કરી શકીએ છીએ અને જ્યાં સુધી આપણે વૃક્ષ આધારિત ખેતી તરફ ન જઈએ ત્યાં સુધી વુક્ષાચ્છાદન શક્ય નથી અને મોટેભાગની જમીન ખેડૂતોની માલિકી હેઠળ હોવાને કારણે, જ્યાં સુધી આપણે તેમને વૃક્ષો દ્વારા પૈસો નહિ કમાવી આપીએ ત્યાં સુધી જમીન ઉપર વૃક્ષો આવશે નહિ.

વર્ષોના કામ પછી સંયુક્ત રાષ્ટ્ર સ્પષ્ટપણે જોઈ રહ્યું છે કે, મોટાભાગનું નિરાકરણ વૃક્ષ આધારિત ખેતી છે. અમે છેલ્લા ૨૨ વર્ષોથી આની ઉપર જોર આપી રહ્યા છીએ અને અમારી પાસે ૧,૦૭,૦૦૦ કરતા વધુ ખેડૂતો છે જે વૃક્ષ આધારિત ખેતી કરીને સાબિત કરી રહ્યા છે કે એ પર્યાવરણીય અને આર્થિક બન્ને સ્તરે કારગર છે.

#૩ માંસાહાર ઘટાડવો 

લગભગ ૭૭% જમીન, આશરે ૪ કરોડ ચો.કિમી જમીન પ્રાણીઓ ઉછેરવા અને તેમનો ખોરાક પેદા કરવા માટે રોકાયેલી છે. બીજા જે ઉપાયો ઉપલબ્ધ છે તેમની સરખામણીમાં માંસાહાર ઘટાડવો એ તમે કરી શકો એવી સૌથી સરળ વસ્તુ છે. જો તમે માંસાહારને ૫૦% જેટલો ઓછો કરો તો આ ધરતી ઉપર ૨ કરોડ ચો.કિમી જમીન વૃક્ષ આધારિત ખેતી માટે ઉપલબ્ધ હશે. જો તમે એટલા વૃક્ષો ઉગાડશો તો તમને એ બધી વસ્તુઓ ખેતીમાંથી મળી શકશે જે તમે જંગલમાંથી મેળવો છો. ખેડૂતો સમૃદ્ધ બનશે અને તમે માટીને સમૃદ્ધ કરશો. આ સંદર્ભમાં, તમારે માંસાહાર છોડવાની આવશ્યકતા નથી – માત્ર તેને ૫૦% ઘટાડો. તામામ ડૉક્ટરો તમને તેમ કરવા કહી રહ્યા છે. આ માત્ર એક પર્યાવરણ-અનુકૂળ ઉપાય છે તેટલું જ નહિ, આ તમારા આરોગ્ય માટે પણ ઉપાય છે.

#૪ ફળાહાર – તમારા અને ધરતી, બન્ને માટે આરોગ્યપ્રદ 

ધારો કે, કોઈ હૉસ્પિટલમાં માંદુ હોય દેખીતી રીતે જ તમે તેમને માટે માંસ કે બિરયાની નથી લઈ જતા. તમે ફળ લઈ જાઓ છો. સંદેશો સ્પષ્ટ છે, “ઓછામાં ઓછું અત્યારે તો સમજદારીપૂર્વક ખાઓ!” પણ જે વ્યક્તિ માટે તે લઈ જવામાં આવે છે તેના સુધી તે સંદેશ પહોંચતો નથી! હ્યુએન ત્સંગ મેગસ્થનસ જેવા પ્રવાસીઓ ભારતમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે, ભારતીયોનો મોટેભાગનો આહાર ફળો વડે ભરેલો છે અને તેમણે કહ્યું કે, “તેમની બુદ્ધિ આટલી તીક્ષ્ણ આ કારણે હોઈ શકે છે.” આપણે મંદબુદ્ધિ બની રહ્યા છીએ કારણ કે, આપણે જે ખાઈ રહ્યા છીએ તેના પ્રત્યે જાગરૂક નથી.

તમે જે ખાઓ છો તેમાં ૭૫% કરતાં વધુ માત્રામાં પાણી હશે તો તમારા સ્વાસ્થ્યની સંભાળ ખૂબ જ સરળતાપૂર્વક લઈ શકાશે. જો તમે એક કાચું શાક ખાઓ તો તેમાં ૭૦% પાણી હોય છે. જો તમે એક ફળ ખાઓ તો તેમાં ૯૦%થી વધુ પાણી હોય છે. તો, તે શ્રેષ્ઠ આહાર છે. તમારા આહારનો ઓછામાં ઓછો ૩૦-૪૦% ભાગ વૃક્ષોમાંથી આવવો જોઈએ, ચાર-ચાર મહિનાના પાકમાંથી નહિ. તેનો અર્થ એ કે, આપણે બધાએ થોડાઘણા ફળો ખાવા જોઈએ. અત્યારે, ફળો મોંઘા છે કારણ કે, આપણે ફળોને ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને થાઇલૅન્ડથી આયાત કરી રહ્યા છીએ. જો તમે સ્થાનિક ઉષ્ણકટિબંધિય ફળોને અહીં જ ઉગાડો તો તે બહુ મોંઘા નથી. 

#૫ એક જાગરુક ધરતીનું નિર્માણ કરવું

આપણે આ ગ્રહને જેટલું નુક્સાન કર્યું છે તેટલું જો કોઈ અન્ય પ્રજાતિએ કર્યું હોત તો આપણે તેને પહોંચી વળવાનો કોઈ રસ્તો શોધી કાઢ્યો હોત. જો મંગળ ગ્રહ પરથી કરોડો તીડ અહીં ઉતરી આવે અને ઝાડ કાપવા લાગે, આપણી માટીને રણમાં ફેરવવા લાગે અને નદીઓનું પાણી ચૂસી કાઢે – તો આપણે ચોક્કસ જ તેમને ખતમ કરી નાખ્યા હોત. સમસ્યા આપણે જ છીએ.

આપણે સમસ્યાનો સ્ત્રોત છીએ તેથી આપણે જ તેનું નિરાકરણ કરી શકીએ છીએ. આપણે સમસ્યા છીએ કારણ કે આપણે જાગરુક વગર અને વિવશતાપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યા છીએ. જો આપણે જાગરુક હોઈશું તો આપણે સ્વાભાવિક રીતે જ નિરાકરણ બનીશું. તેથી જ હું સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને અન્ય સંગઠનો સાથે કાર્ય કરી રહ્યો છું અને આ “કૉન્શિયસ પ્લૅનેટ” ચળવળના વિચારને રજુ કરી રહ્યો છું.

વિવિધ દેશોમાં મતાધિકાર દ્વારા સત્તાને ચૂંટી શકનારા ૫.૨ અબજ લોકો રહે છે. અમે ઓછામાં ઓછા ૩ અબજ લોકોને સક્રિય કરવા ઇચ્છેએ છીએ કે જેથી પર્યાવરણીય સમસ્યાઓ ચૂંટણીનો મુદ્દો બની રહે. અમારે આ ૩ અબજ લોકોને ૫ પર્યાવરણીય પાસાંઓ, જે તેમના દેશમાં દેશમાં થવા જોઈએ તમના પ્રત્યે જાગરૂક બનાવવા છે. જો આપણે આમ કરીએ તો પર્યાવરણ સમસ્યા ચૂંટણી મૅનિફેસ્ટોનો કદાચ મુખ્ય મુદ્દો ન પણ બને તો બીજોનો સૌથી અગત્યનો મુદ્દો બનશે.

કૉન્શિયસ પ્લૅનેટ ચળવળના ભાગરૂપે, હું આ ધરતીનો પુનરોદ્ધાર કરવાના સૌથી અગત્યનું પરિબળ: માટી પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરીશ. તમે આ ગ્રહ ઉપર જેને જીવન તરીકે જુઓ છો – અળસિયાઓ, જંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિ સૃષ્ટિ અને આપણા સહિત – દરેક જમીનના ઉપરના ૩૯ ઇંચના પડ દ્વારા જ થાય છે. જમીનના આ ઉપલા પડને જે વાસ્તવિક નુક્સાન થઈ રહ્યું છે તે આપણે જે જાણીએ છીએ તે દરેક જીવન તેની ઉપર નભે છે. જો આપણે એ ખાત્રી કરીએ કે માટી જૈવિક રીતે સમૃદ્ધ અને સ્વસ્થ હોય તો ગ્રહ પોતાનું પુનર્નિર્માણ કરવા માટે સક્ષમ છે અને આપણે અન્ય સમસ્યાઓને મોટા પ્રમાણમાં પહોંચી વળી શકીશું.

હાલમાં, ૯૫%થી વધુ વૈશ્વિક જનસંખ્યાને તેમની આસપાસ સર્જાઈ રહેલ પર્યાવરણીય આપત્તિ વિષે કોઈ પ્રકારની જાગૃતિ નથી. પર્યાવરણીય જાગૃતિ માત્ર મુઠ્ઠીભર લોકો સુધી સિમિત છે અને તેમાં પણ તેમનો પર્યાવરણ માટે વિચાર એટલો જ છે કે નહાતી વખતે અને દાંત બ્રશ કરતી વખતે પાણીનો ઓછો વપરાશ કરવો. લોકો તેઓ જેનો વપરાશ કરી રહ્યા છે તેના પ્રત્યે જાગરુક છે તે અદ્ભૂત છે પણ, આ સર્વતોમુખી પર્યાવરણીય ઉપાય નથી. જો પર્યાવરણ જ્યારે ચૂંટણીનો મુદ્દો બને તો જ તે સરકારની પોલિસી બનશે અને માત્ર ત્યારે જ નિરાકરણ માટે મોટા બજેટ ફાળવવામાં આવશે.

Editor's Note: તંત્રીની નોંધ: કૉન્શિયસ પ્લૅનેટ ચળવળ માટે વધુ જાણવા માટે ઉત્સુક છો? કૉન્શિયસ પ્લૅનેટની ઑફિશિયલ વૅબસાઇડ તપાસો.