દિવાળી શું છે અને કેમ દિવાળીને પ્રકાશનું પર્વ કહેવામાં આવ્યું છે?

સદ્‍ગુરુ: દિવાળી કે દિપાવલી, “પ્રકાશનું પર્વ” છે. પ્રકાશ શા માટે મનુષ્ય જીવનમાં આટલું મહત્ત્વ ધરાવે છે તેનું એક કારણ એ કે, તે આપણી દૃષ્ટિ ઇન્દ્રીય સાથે સંબંધિત છે. બીજા બધાં જીવો માટે પ્રકાશનો અર્થ જીવન ટકાવી રાખવા માત્ર છે. પરંતુ એક મનુષ્ય માટે, પ્રકાશ માત્ર જોવા કે ન જોવા સુધી સીમિત નથી. આપણા જીવનમાં પ્રકાશનો ઉદય એક નવી શરૂઆત સૂચવે છે ખાસ કરીને સ્પષ્ટતા. મોટાભાગના જીવો સહજવૃત્તિથી જીવે છે, તેથી તેમને કોઈ પ્રકારની મૂંઝવણ નથી હોતી કે શું કરવું કે ન કરવું. એક યુવા વાઘ બેઠાં બેઠાં પોતાની જાતને પૂછતો નથી કે, “શું હું એક સારો વાઘ બની શકીશ કે પછી એક પાલતુ બિલ્લી?” જો તે માત્ર પૂરતો આહાર લેશે તો તે એક યોગ્ય વાઘ બની રહેશે. 

તમે એક મનુષ્ય તરીકે જીવ લીધો હશે પરંતુ એક સારા મનુષ્ય બનવા માટે, તમારે કેટલી બધી વસ્તુઓ કરવી પડે છે. અને તે પછી પણ, તમને ખબર નથી કે તમે ક્યાં ઊભા છો, સરખામણી કરીને કદાચ તમે વિચારશો કે, તમે બીજા કરતાં સારા છો. પરંતુ માત્ર પોતાના પ્રમાણથી તમે નહીં જાણી શકો કે તમે ક્યાં ઊભા છો. મનુષ્યની બુદ્ધિમત્તા એવી છે કે જો તમે તેનું યોગ્ય આયોજન નહીં કરો તો તે જીવોના અનુભવની સરખામણીમાં કે, તે તમારી માટે જેમને તમારા કરતાં દસ લાખમાં ભાગનું મગજ છે તેના કરતાં પણ વધારે મુંઝવણ અને પીડા ઊભી કરશે - તેઓને બધી સ્પષ્ટતા હોય તેમ લાગે છે. એક અળસિયું અથવા જીવડું સારી રીતે જાણે છે કે તેણે શું કરવું કે ન કરવું- એક મનુષ્યને તેની જાણ નથી. અમુક બુદ્ધિમત્તાની જરૂર પડે છે મૂંઝવણમાં પડવા માટે. માનવ સંઘર્ષ આપણી પોતાની મગજની ક્ષમતાને કારણે છે.

એક અળસિયું અથવા જીવડું સારી રીતે જાણે છે કે તેણે શું કરવું કે ન કરવું- એક મનુષ્યને તેની જાણ નથી. મૂંઝવણમાં પડવા માટે અમુક બુદ્ધિમત્તાની જરૂર પડે છે.

એક મહાન સંભાવના બનવાના બદલે મોટાભાગના લોકો માટે બુદ્ધિમત્તા એક સમસ્યા બની ગઈ છે. તેઓ પોતાની પીડાઓને વિભિન્ન નામો આપે છે, તેને તણાવ, વ્યગ્રતા, ડીપ્રૅશન, ગાંડપણ અથવા વ્યથા કે દુઃખ કહે છે. પરંતુ મૂળભૂત રીતે તેનો અર્થ છે કે, તેઓની બુદ્ધિમત્તા તેમની વિરુદ્ધ કાર્ય કરી રહી છે. જો તમે પોતાની જાતે પીડા ભોગવો છો, કોઈ બીજાના ત્રાસ વગર તો તેનો અર્થ છે કે, તમારી બુદ્ધિમત્તા તમારી વિરુદ્ધ કામ કરી રહી છે. આ માનવ અસ્તિત્ત્વનો સ્વભાવ હોવાથી, સ્પષ્ટતાનું સર્વોચ્ચ મહત્વ છે. તેથી જ પ્રકાશ મહત્વપૂર્ણ છે. પ્રકાશ એટલે સ્પષ્ટતા. દિવાળી મહત્વપૂર્ણ છે કારણ કે, તે તમારામાં રહેલી મૂર્ખતાને દૂર કરવા માટે સ્પષ્ટતા માટે સમર્પિત તહેવાર છે.

દિવાળી કેમ ઉજવવામાં આવે છે?

ઐતિહાસિક રીતે આ દિવસે કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર તેનું સાચું નામ નહોતું, પરંતુ તે બધાને નર્ક સમાન ત્રાસ આપતો હતો એટલે તેઓ તેને નરકાસુર કહેતાં હતા. જે બીજા બધાને ત્રાસ કે પીડા આપે તે નરકાસુર કહેવાય. જયારે કૃષ્ણએ આ “ત્રાસથી” મુક્તિ અપાવી ત્યારે લોકોએ ઘેર ઘેર દીવાઓ પ્રગટાવીને તેની ઉજવણી કરી. એવું મનાય છે કે આ નરકાસુરવાળી ઘટના ઘણા સમય બાદ ઘટી, પરંતુ આ સમયે દીવા પ્રગટાવવાની સંસ્કૃતિ અને પરંપરા લગભગ બારથી પંદર હજાર વર્ષ પુરાણી છે. લોકોને સમજાયું કે વર્ષના આ સમયે જીવન એક નિષ્ક્રિયતા તરફ પ્રયાણ કરે છે. તેનો હેતુ એ છે કે તમે એક ફટાકડા સમાન જીવંત ન હો તો ઓછામાં ઓછું તમારી આસપાસ ફૂટતા ફટાકડા તમને થોડાક અંશે જગાડી દેશે. આ કારણે નરક-ચતુર્દશી પર લગભગ સવારનાં ચાર વાગ્યાથી આખા દેશમાં ફટાકડા ફોડવામાં આવે છે કે જેથી સૌ કોઈ જાગી જાય અને જીવંત બને.દિવાળી આ નિષ્ક્રિયતાનો નાશ કરવાનું પ્રતિક છે કારણ કે, નિષ્ક્રિયતા નરકનો સ્ત્રોત છે. એકવાર નિષ્ક્રિયતાની શરૂઆત થાય એટલે તમે નરકમાં નહીં જાઓ પરંતુ નર્ક બની જશો.

આ તો વાત થઈ તહેવારની પ્રકૃતિની, પરંતુ મહત્ત્વનું પાસું છે કે, નિષ્ક્રિયતા દૂર થાય. જીવન સમય અને ઊર્જાનો ખેલ છે. તમારી પાસે અમુક પ્રમાણમાં સમય અને અમુક પ્રમાણમાં ઊર્જા છે. તમે વ્યસ્ત હો કે સુસ્ત, સજા કે માંદા, સમય પસાર થયા કરે છે. આપણા સૌ માટે, સમય સરખી માત્રામાં પસાર થાય છે. કોઈપણ તેને ધીમો નથી પાડી શકતું કે વધારે જલ્દી ચલાવી નથી શકતું. પરંતુ તમારો સમયને અનુભવવાનો આધાર અલગ હોય શકે છે, જે તમારા આનંદિત કે દુ:ખી હોવા પર નિર્ભર છે. જો તમે અતિઆનંદમાં છો, તો ચોવીસ કલાક એક ક્ષણની જેમ પસાર થતો જણાશે. જો તમે દુ:ખી કે હતાશ હશો તો ચોવીસ કલાક તમારા માટે એક યુગ સમાન જણાશે.

જો તમે આનંદિત હશો તો આ જીવન ખુબ ટૂંકું છે. જે પ્રમાણની ક્ષમતા એક મનુષ્ય ધરાવે છે, જો તમે સો વર્ષ જીવશો તો પણ તે ઘડીક વારમાં પસાર થઇ જશે. પરંતુ તમારામાં જો નિષ્ક્રયતા આવી ગઈ છે અને તમે દુ:ખી છો, તો પછી એવું લાગે કે સમય પસાર જ નથી થતો. જયારે લોકો દુ:ખી હોય છે ત્યારે મનોરંજનની જરૂરિયાત ઘણી વધી જાય છે. જયારે લોકો આનંદિત હોય છે ત્યારે તેમને મનોરંજન માટે સમય નથી હોતો. તમારો પૂરો સમય આનંદથી ભરપૂર હોય છે. તમે સવારે ઉઠો છો અને તમે નોંધ લો તે પહેલા તો રાત પડી જાય છે. જયારે તમે આનંદિત હો છો, ત્યારે તમારાથી જે શક્ય છે તે બધું તમે કરો છો. જયારે તમે દુ:ખી હો છો ત્યારે તમે હમેશા જોશો કે બધી વસ્તુઓને કેવી રીતે ટાળવી.

“ભગવાનની મહેરબાની, આવતીકાલે શનિ-રવિ છે.” એવી સંસ્કૃતિ ફેલાઈ રહી છે. જેનો અર્થ છે કે, પાંચ દિવસની પીડા બાદ બે દિવસ. આનંદના બે દિવસ નહીં પરંતુ મોટાભાગે બે દિવસનો નશો. જો તમારે લોકોને હસાવવા, ગાવા,નચાવવા, કે પછી કોઈ આનંદપ્રમોદ માટે તેમને નશો કરાવવો પડે છે, ઓછામાં ઓછું દારૂનો એક ગ્લાસ આપવો પડે છે - નહીંતર આ બધું શક્ય નથી. આ બધું એટલા માટે થયું છે કારણ કે, ઘણી બધી વિવિધ રીતે લોકો પોતાની અંદર નિષ્ક્રિયતાનું નિર્માણ કરી રહ્યાં છે. જયારે નિષ્ક્રિયતા અંદર સેટલ થઈ જાય છે, ત્યારે જીવન ખૂબ લાંબુ લાગે છે. દિવાળી આ નિષ્ક્રિયતાનો નાશ કરવાનું પ્રતિક છે કારણ કે, નિષ્ક્રિયતા નરકનો સ્ત્રોત છે. એકવાર નિષ્ક્રિયતાની શરૂઆત થાય એટલે તમે નરકમાં નહીં જાઓ પરંતુ નરક બની જશો. રોષમાં, ઈર્ષામાં, દ્વેષમાં અને ભયમાં તમે એક નરકનું નિર્માણ કરો છો અને નરકાસુર બની જાઓ છો. જો આ બધું નષ્ટ કરવામાં આવે તો આ નવો પ્રકાશ ચમકશે.

દિવાળીનું મહત્વ

sadhguru-significance-of-diwali

દિવાળીના દિવસે દરેક ગામડા, કસ્બા કે શહેરને દીવાઓ વડે શણગારવામાં આવે છે. પણ આ ઊજવણી માટે માત્ર બહાર દીવા બળવા જ પૂરતા નથી, અંતરમાં પણ ઉજાસ પ્રગટવો જોઈએ. અજવાળાનો એક અર્થ સ્પષ્ટતા છે. સ્પષ્ટતાના અભાવે તમારા દરેક બીજા સારા ગુણો પણ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે કારણ કે, સ્પષ્ટતા વગરનો વિશ્વાસ એક આફત છે અને આજે દુનિયામાં ઘણી બધી વસ્તુઓને વગર સ્પષ્ટતાએ કરવામાં આવતી  હોય છે.

એક દિવસ એક નવો નવો ભરતી થયેલો પોલીસવાળો એના અનુભવી સાથી સાથે પહેલી વખત એક નગરમાંથી પસાર થઈ રહ્યો હતો. એમને રેડિયો સંદેશ દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાંની એક ગલીમાં અમુક લોકો રખડપટ્ટી કરી રહ્યા છે અને એમને હટાવવાના છે. એ લોકો એ ગલીમાં પહોંચ્યા અને જોયું કે એક ખૂણામાં કેટલાક લોકો ટોળે વળીને ઊભા હતા. જેવી કાર તેમની નજીક પહોંચી કે તરત પેલા નવા નવા પોલીસે ઉત્સાહમાં આવીને ગાડીનો કાચ ઉતાર્યો અને ખૂણામાં ઊભેલા લોકોને વિખેરાઇ જવા કહ્યું. લોકો ગુંચવાઈને એક બીજા સામે જોવા લાગ્યા. પેલાએ ફરી વાર વધારે મોટો ઘાંટો પાડ્યો, “સાંભળ્યું નહીં ? મેં તમને એ ખૂણો ખાલી કરવા કહ્યું.” લોકો વિખેરાઈ ગયા. પોતાની પહેલીજ કામગીરીમાં લોકો પર પોતાનો આટલો પ્રભાવ જોઈને ખુશ થતા એણે એના અનુભવી સાથીદારને પૂછ્યું, “શું મેં બરાબર કર્યું?” સાથીદારે કહ્યું, “જો એની પર ધ્યાન આપીએ કે આ એક બસ સ્ટોપ હતું તો ખરાબ તો ન જ કહી શકાય.” 

જીવનનો રસ્તો, એનું રહસ્ય આજ છે - બધી જ બાબતો ને અ-ગંભીરતાથી લેવી, પરંતુ પૂરા ધ્યાન અને સમર્પણ સાથે- એક રમતની જેમ.

જરૂરી સ્પષ્ટતા વગર તમે જે પણ કરવાનો પ્રયત્ન કરશો તે આફત જ લાવશે. પ્રકાશ તમારે માટે દૃશ્ય સ્પષ્ટ કરશે - માત્ર ભૌતિક રૂપમાં નહીં. તમે કેટલી સ્પષ્ટતાથી જીંદગીને અને આસપાસની બાબતોને જોઈ અને સમજી શકો છો એના પર તમે કેટલી સંવેદનશીલતાથી જીવનનું સંચાલન કરી શકો એનો આધાર છે. દિવાળી એ દિવસ છે જ્યારે આસુરી અંધકારનો અંત થયો અને પ્રકાશ પથરાયો. આ માનવ જીવનની પણ વિટંબણા છે. જેમ કાળા વાદળો વિષાદી વાતાવરણ ઊભું કરે છે, ત્યારે ખ્યાલ નથી રહેતો કે એ સૂર્યનો પ્રકાશ રોકે છે. માણસે પ્રકાશ અન્ય ક્યાંયથી લાવવાનો નથી. એ જો માત્ર પોતાની અંદર એકઠા થયેલાં કાળા વાદળોને હટાવી દે તો પ્રકાશ આપોઆપ ફેલાશે. પ્રકાશનું પર્વ માત્ર આ વાત યાદ કરાવે છે. 

જીવન એક ઊજવણી છે

ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં એક સમય એવો હતો જ્યારે રોજ કોઈ ને કોઈ તહેવાર રહેતો, વર્ષના ત્રણસો પાંસઠ તહેવારો. એની પાછળનો ઉદ્દેશ આપણા જીવનના દરેક દિવસને ઊજવવાનો હતો. આજે કદાચ ત્રીસ કે ચાલીસ તહેવારો જ રહી ગયા છે. આપણે આજે એ પણ ઊજવી નથી શકતા કારણ કે, આપણે ઑફિસે જવાનું હોય છે કે પછી કોઈ બીજું કામ હોય છે. એટલે લોકો વર્ષના માત્ર આઠ કે દસ તહેવારો ઊજવી શકે છે. જો આપણે તેને આમજ ઘટાડતાં રહીશું તો આવતી પેઢી પાસે કોઈ તહેવાર જ નહીં રહે. તેઓને તહેવાર શું છે એ જ ખબર નહીં રહે. એ લોકો માત્ર કમાશે અને ખાશે, કમાશે અને ખાશે, આમ જ ચાલ્યા કરશે. આજે ઘણા લોકો સાથે આવું થઈ જ રહ્યું છે. તહેવારનો અર્થ એ તમને રજા મળે અને તમે છેક બપોરે ઊઠો. પછી તમે વધારે પડતું ખાઓ, ફિલ્મ જોવા જાઓ અથવા ઘરે બેસીને ટૅલિવિઝન જુઓ. અને લોકો જો કોઈ કૅફી પદાર્થ લે તો જ એવા લોકો થોડો ડાન્સ કરે. નહીંતર તો નાચે પણ નહીં કે ગાય પણ નહીં. પહેલા આવું નહીં હતું. તહેવાર અર્થ આખું ગામ એક જગ્યા પર ભેગુ થતું અને તહેવારની મોટા પાયે ઊજવણી થતી. તહેવારને દિવસે સવારે ચાર વાગે ઊઠીને ઘરમાં પ્રવૃત્તિઓ ધમધમતી.આ સંસ્કૃતિને ફરી જીવંત કરવા માટે ઈશા ચાર મુખ્ય તહેવાર  પોંગલ અથવા મકરસંક્રાંતિ, મહાશિવરાત્રિ , દશેરા અને દિવાળી ઊજવે  છે 

ગંભીર રીતે નહીં પરંતુ સંપૂર્ણ શામેલ થઈને

જો તમે દરેક વખતે બધી બાબતોમાં ઊજવણીનો અભિગમ રાખી શકો તો તમે જીવનમાં વધુ પડતાં ગંભીર રહેવાને બદલે જીવનની પ્રક્રિયામાં શામેલ થતા શીખી શકશો. અત્યારે મોટા ભાગના લોકોની સમસ્યા એ છે કે, જો એ લોકો કંઇ અગત્યનું વિચારતા હોય તો તેઓ વધુ પડતા ગંભીર થઈ જાય છે. જો વિષય એટલો મહત્ત્વનો નહીં હોય તો શિથિલ થઈ જાય, પરંતુ તેઓ જરૂર હોય તેટલા સહભગી નથી થતા. જ્યારે કોઈ કહે છે કે, “એ ખૂબ ગંભીર સ્થિતિમાં છે,” અર્થ તમે જાણો કે, હવે પછી એ ક્યાં  હશે. ઘણા લોકો એવી ગંભીર સ્થિતિમાં હોય છે. એમની બાબતમાં એક જ એવી વસ્તુ થઈ શકે કે જેનું એમને માટે થોડું પણ મહત્ત્વ હોય. બીજી બધી બાબતો એમને અડ્યા વિના આમ જ પસાર થઈ જશે, કારણ કે, એમના મતે જે બાબતો તેમના માટે એટલી ગંભીર નથી એના માટે તો તેઓ કોઈ ભાગીદારી કે સમર્પણ બતાવતા જ નથી. આજ સંપૂર્ણ સમસ્યા છે. જીવનનો રસ્તો, એનું રહસ્ય આજ છે - બધી જ બાબતોને અ-ગંભીરતાથી લેવી, પરંતુ પૂરા ધ્યાન અને સમર્પણ સાથે, જેમ કોઈ રમતમાં હોય છે. આજ કારણથી જીવનની ઘણી ગહન બાબતોને ઉત્સવ સાથે સાંકળી લેવામાં આવે છે જેથી તમે કોઇ મુદ્દો ચૂકી ન જાવ. દિવાળી પર્વ મનાવવાનો આશય ઊજવણીના આ પાસાને તમારી જીંદગીમાં લાવવાનો છે.