મહાભારત ધારાવાહિકના બધા અંક

સદ્‍ગુરુ:રાજ્યાભિશેક થયો ત્યારથી જ યુધિષ્ઠિર હંમેશા ધર્મનિષ્ઠ, આજ્ઞાંકારી, વિશ્વાસપાત્ર; વડીલોને માન આપનારો રહ્યો હતો. આ જ કારણ હતું કે અંતે પાંડવો સફળ રહ્યા. જ્યારે યક્ષના તળાવ પાસે ચાર ભાઈઓ મૃત પડ્યા હતા, ત્યારે જો યુધિષ્ઠિરે વિનમ્રતા ન દાખવી હોત તો કદાચ તેનું પણ મૃત્યુ થયું હોત, અથવા તેના ચાર ભાઈઓ તો પુનર્જીવિત ન જ થઈ શક્યા હોત. એવા ઘણા પ્રસંગો હતા જેમાં યુધિષ્ઠિરની વિનમ્રતા, ભલે મૂર્ખામી લાગે, પણ તે જ કારણે પાંડવો જીવિત રહી શક્યા અને સફળ થઈ શક્યા. તેણે હંમેશા તેમને વાર્યા હતા, નહિ તો તેઓ કોઈ સાહસ કરીને માર્યા ગયા હોત.

જ્યારે તમે એવું કોઈ સાહસ કરી નાખો જેનું ધારેલું પરિણામ ન આવે અને તમે માર્યા જાઓ, તો તેને મૂર્ખામી કરી કહેવાય - બહાદુરી નહિ. તમારું કર્મ એવું હોય કે જેમાં તમે જીવો કે મરો તેની તમને દરકાર ન હોય, પણ પરિસ્થિતિને તમે એક ખાસ ઊંચાઈ પર લઈ જાઓ, તો તમે તેને બહાદુરી કહી શકો. પણ એવું તો તમે શેરીના ગલુડિયામાં પણ જોઈ શકશો, જો તેને એમ લાગે કે, તમે તેને નુકસાન પહોંચાડી શકો છો, તો તે અચાનક બહાદુર બની જશે. મૃત્યુ પહેલાં, માનવો જીવવા માટે મરણતોલ પ્રયત્ન કરતા જ હોય છે, પરિણામ આવે કે ન આવે. તે સાચી બહાદુરી નથી, તે માત્ર મૃત્યુ સામે લડવાનો પ્રયત્ન છે. જો તમે નિર્ભય હો તો વાત અલગ છે. બહાદુર હોવાનો અર્થ છે, તમારા હૃદયમાં ડર છે, પણ તમે તેને નિયંત્રણની બહાર જવા દેતા નથી.

ભીષ્મ કહે છે, “મારા સમગ્ર જીવન દરમિયાન, ભલે મેં ગમે તેવા તકજીફ અને દુઃખમાંથી પસાર થયો હોઉં, ભલે લાંબો સમય મેં આ બાણોની પીડાવાળી અવસ્થામાં પ્રતિક્ષા કરી, છેવટે હું તમને જોઈ શક્યો છું, અને તે જ સર્વસ્વ છે. તમારું આ દર્શન જ મારે માટે પર્યાપ્ત છે.”

યુધિષ્ઠિર અને તેના ચાર ભાઈઓ સાથે ભીષ્મને તેમના અંતિમ સમયે મળવા ગયો. ભીષ્મ યુદ્ધના મેદાનમાં બાણોથી વિંધાયેલા, મૃત્યુશૈયા પર પડ્યા હતા. તેમની પાસે પોતાના મૃત્યુનો સમય નક્કી કરવાનો અધિકાર હતો, તેથી તેમણે ઉત્તરાયણની દરમિયાન દેહ છોડવાનું નક્કી કર્યું કારણ કે, મરવા માટે તે સમય સારો ગણાય છે. યુદ્ધ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં સમાપ્ત થઈ ગયું હતું, ઉત્તરાયણ શરૂ થવાના અમુક જ સમય પહેલા, તેથી ભીષ્મએ રાહ જોવાનું નક્કી કર્યું. તેમણે જે દિવસે દેહત્યાગ કરવાનું નક્કી કર્યું તે તિથિ હાલ ભીષ્માષ્ટમી તરીકે ઓળખાય છે. તે દિવસે, તેઓ દેહત્યાગ કરે તે પહેલા, પાંડવો તેમની પાસે એકઠા થયા.

હવે જ્યારે યુધિષ્ઠિર પાસે પોતાનું રાજ્ય હતું, ત્યારે તેણે ભીષ્મ પાસે શિખામણ માંગી કારણ કે, તેને નવા રાજા તરીકે શ્રેષ્ઠ કાર્ય કરવું હતું. પરંતુ ભીષ્મ પીડામાં હતા, તેથી તેમણે કૃષ્ણ તરફ નજર કરી અને કહ્યું, “મારી અંદર માત્ર એક ઈચ્છા બાકી છે, કૃષ્ણ. મહેરબાની કરીને તે પૂરી કરો. મને તમારું સાચું સ્વરૂપ જોવું છે! મને તમને તમારી સંપૂર્ણ મહિમામાં જોવા છે.” તેથી કૃષ્ણએ ભીષ્મના શરીરનો સ્પર્શ કર્યો અને તેમની બધી પીડા દૂર કરી દીધી, જેથી તેઓ યુધિષ્ઠિર સાથે વાત કરી શકે. પછી તેમણે માત્ર ભીષ્મને પોતાનું વિશ્વરૂપ દર્શન અનુભવના સ્તરે કરાવ્યું, જ્યારે બીજા સહુ ત્યાં ઊભા હતા ત્યારે ભીષ્મે કહ્યું, “મારા સમગ્ર જીવન દરમિયાન, ભલે હું ગમે તેવા તકજીફ અને દુઃખમાંથી પસાર થયો હોઉં, ભલે લાંબો સમય મેં આ બાણોની પીડાવાળી અવસ્થામાં પ્રતિક્ષા કરી, છેવટે હું તમને જોઈ શક્યો છું, અને તે જ સર્વસ્વ છે. તમારું આ દર્શન જ મારે માટે પર્યાપ્ત છે.” અને યુધિષ્ઠિરને જે જાણવું હોય તે કહેવા માટે તેઓ રાજી થઈ ગયા.

યુધિષ્ઠિરે સો સવાલો પૂછ્યા જેના વિગતવાર જવાબો ભીષ્મએ આપ્યા, જેનું એક વ્યાખ્યાન  સ્વરૂપે નિરૂપણ થયું. યુધિષ્ઠિરે પૂછ્યું, “એક રાજાનો ધર્મ શું હોય છે?” ભીષ્મએ જવાબ આપ્યો, “રાજાનો સૌપ્રથમ ધર્મ દેવોની આરાધના કરવાનો પ્રબુદ્ધ બ્રાહ્મણોનું સન્માન કરવાનો છે.” પ્રબુદ્ધનો અર્થ કોઈ ખાસ પરિવારમાં જન્મેલી વ્યક્તિ તેવો નહિ, એ દિવસો ના વિચારો તેવા ન હતા. તમારે બ્રાહ્મણત્ત્વ મેળવવું પડે, જન્મથી ન મળે. ભીષ્મએ આગળ કહ્યું, “એક રાજાએ પોતાની નબળાઈઓ છુપાવવી જોઈએ, પોતાના શત્રુઓની નબળાઈઓ જાણી ને તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. એક રાજા કરુણામય હોવો જોઈએ પરંતુ નબળો નહિ. તેણે કદી પોતાના અંતરતમ વિચારો કોઈને કહેવા નહિ, તેના અંગત સલાહકારોને પણ નહિ.

“રાજા તરીકેના ધર્મનો નિચોડ છે કે તે પોતાના આશ્રિતોની સુખાકારી અને સલામતીને પ્રાધાન્ય આપે. તે શત્રુના રાજ્યને તોડવા માટે સમર્થ હોવો જોઈએ. તે વિરોધીઓને મદદ કરતા લોકો વચ્ચે ગુપ્તચરો દ્વારા મતભેદ ઊભા કરાવવાની કાબેલિયત ધરાવતો હોવો જોઈએ. રાજ્યની તિજોરી હંમેશા ભરેલી હોવી જોઈએ કારણ કે, એક રાજાની સત્તાની પકડ સમૃદ્ધિથી જ ટકે છે.  રાજા પાસે પોતાના રાજ્ય અને પ્રજાની સુરક્ષા માટે સૈન્ય હોવું જોઈએ. તેના ગુપ્તચરો સૌથી સખત, ભ્રષ્ટ ન થાય તેવા, મજબૂત અને લાંબી અસુવિધાઓ સહન કરી શકે તેવા, દેશવટો, ઠંડી, ગરમી, હિંસા અને ભૂખ સહી શકે તેવા હોવા જોઈએ.”

“રાજાએ માત્ર ધર્મથી નહિ અધર્મથી પણ રાજ કરવાનું છે. રાજા, જેની પર તેની પ્રજા ભરોસો કરે છે, જરૂર પડે ત્યારે શત્રુ સાથે ક્રૂર થતાં અચકાવું ન જોઈએ. તેણે વિવેકપૂર્ણ રીતે અવિશ્વાસ સાથે વિશ્વાસનું મિશ્રણ કરવું જોઈએ. તેણે એક મંત્રીનો ઉપયોગ બીજા મંત્રી પર નજર રાખવા કરવો જોઈએ. એક સારો રાજા પ્રજા પાસે એ રીતે કર વસૂલે છે જે રીતે મધમાખી પુષ્પ પાસેથી પરાગ લે છે - મૃદુતાથી, પ્રજાને હાનિ પહોંચાડ્યા વિના. તેની નજીક જેટલા પણ લોકો હોય, તેને મૃત્યુ જેવો ભય પોતાના લોહીના સગાઓ તરફથી રાખવો જોઈએ. કારણ કે, રાજાના સંબંધીઓ હંમેશા પોતાને રાજાની બરાબરીના અથવા તેનાથી ચઢિયાતા સમજે છે, તેમનામાં બીજા બધા કરતાં વધુ ઈર્ષ્યાળુ હોય છે.”

તે એક ખૂબ વિસ્તૃત વ્યાખ્યાન હતું. આ તો માત્ર તમને ભીષ્મની અંતર્દૃષ્ટિનો ખ્યાલ આવે તે માટે હતું. તેમનું મન હંમેશા તેમના રાષ્ટ્રની સુખાકારી માટે જે જરૂરી હોય તે કરવા પર વિષે હતું. બીજી કોઈ વાતની દરકાર ન કરે તેવા દેશભક્ત તે હતા. તેઓ આખી જિંદગી એ જ રીતે જીવ્યા અને યુધિષ્ઠિરને પણ તેમણે એ જ સલાહ આપી. અને યુધિષ્ઠિરે એક સફળ રાજા તરીકે છત્રીસ વર્ષ રાજ્ય કર્યું, તેમાં તેણે તે બધી જ સલાહ અમલમાં મૂકી પણ હશે અને પોતે વધુ ઉમેરી પણ હશે.

ક્રમશ:... 

મહાભારતની વાર્તાઓ