સારું સ્વાસ્થ્ય બનાવવા માટે, ત્રણ મૂળમંત્ર છે, જેની તમારે કાળજી લેવાની જરૂર છે - આહાર, પ્રવૃત્તિ અને આરામ.

# 1 યોગ્ય આહાર

સદગુરુ: જ્યારે ભોજનની વાત આવે છે, ત્યારે એક મહત્વપૂર્ણ પાસું કે જેના વિશે તમારે સચેત રહેવું જોઈએ તે એ છે કે કોઈ ચોક્કસ પ્રકારનો ખોરાક કેટલો ઝડપથી પચે છે અને તમારો પોતાનો એક ભાગ બની જાય છે. જો તમે કંઇક ખાવ છો અને તે ત્રણ કલાકમાં પચતું નથી, તો તેનો અર્થ એ છે કે તમે એવું કંઈક ખાધું છે, જે કાં તો ન ખાવું જોઈએ અથવા તેના પ્રમાણમાં ઘટાડો કરવો જોઈએ. જો ખોરાક ત્રણ કલાકની અંદર તમારા પેટમાંથી બહાર નીકળી જાય છે, તો તેનો અર્થ એ છે કે ભલે તે શ્રેષ્ઠ ખોરાક ન હોય, તો પણ તે તમારી સિસ્ટમને થોડું ઘણું નિયંત્રિત કરવામાં સક્ષમ છે.

જો તમે સંપૂર્ણ ભરેલા પેટ સાથે પથારીમાં જાઓ છો, તો તે પેટમાં અન્ય અવયવો પર દબાણ લાવે છે. આનાથી વિવિધ પ્રકારની સ્વાસ્થ્યની તકલીફો થાય છે.

જો તમે એક ભોજન અને બીજા ભોજન વચ્ચે કંઈપણ ખાધા વિના પાંચથી છ કલાકનું સ્પષ્ટ અંતર જાળવી રાખો, તો શરીરમાં સફાઈ, સેલ્યુલર(કોષીય) સ્તર પર થશે. તંદુરસ્ત જીવન માટે સેલ્યુલર(કોષીય) સ્તર પરની આ સફાઇ સૌથી મહત્વપૂર્ણ છે. જો તમારી ઉંમર 3૦ વર્ષથી વધુ છે, તો દિવસમાં બે વાર સારું ભોજન પૂરતું રહેશે - એકવાર સવારે અને સાંજે એકવાર.

સાંજના ભોજન પછી અને તમારા સૂતા પહેલા ત્રણ કલાકનો અંતર હોવા જ જોઈએ. જો આમાં ઓછામાં ઓછી 20 થી 30 મિનિટની હલકી શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે - જેમ કે થોડું ચાલવું – તો તમારી સિસ્ટમ (શરીર) ઉચ્ચ પ્રમાણમાં સ્વસ્થ રહેશે. જો પેટની અંદર હજી પણ ખોરાક છે અને તમે સૂઈ જાઓ છો, તો તે સિસ્ટમ(શરીર)માં ચોક્કસ સ્તરની જડતા/નિષ્ક્રિયતા ઉત્તપન્ન કરે છે. શારીરિક રીતે, આ જડતા/નિષ્ક્રિયતા મૃત્યુ તરફના વેગ જેવું છે. મૃત્યુ અંતિમ જડતા/નિષ્ક્રિયતા છે.

બીજું પાંસુ એ છે કે જો તમે સંપૂર્ણ ભરેલા પેટ સાથે પથારીમાં જાઓ છો, તો તે પેટના અન્ય અવયવો પર દબાણ લાવે છે. આનાથી વિવિધ પ્રકારના સ્વાસ્થ્યની તકલીફો પણ થાય છે. આ જ કારણોસર, એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા સૂતા પહેલા, તમે જે ખોરાક ખાધો છે તે પેટની બહાર નીકળી ગયો હોય. જો તમે જુદી જુદી મુદ્રામાં ઊંઘશો, તેથી પેટ કોઈપણ બિંદુએ અન્ય અવયવો પર દબાણ ન મૂકે.

# 2 તમારા શરીરનો ઉપયોગ કરો

જ્યારે પ્રવૃત્તિની વાત આવે છે, ત્યારે એક સરળ બાબત કે જે તમારે ધ્યાનમાં લેવાની જરૂર છે તે એ કે આપણું શરીર આગળ, પાછળ એમ બંને તરફ વાળવા માટે સક્ષમ હોવું જોઈએ. આટલી પ્રવૃત્તિ કોઈક રૂપમાં થવી જ જોઇએ. શાસ્ત્રીય હઠ યોગ તે માટેનો શ્રેષ્ઠ માર્ગ છે, અને વૈજ્ઞાનિક પણ. જો શાસ્ત્રીય હઠ યોગ હજી સુધી તમારા જીવનનો ભાગ નથી, તો તમારે કોઈક રીતે ખાતરી કરવી આવશ્યક છે કે દરરોજ, તમે આગળ, પાછળ, બંને બાજુ શરીરને વાળો, અને ઊખડા (સ્ક્વોટિંગ) પગે બેસો જેથી કરોડરજ્જુ ખેંચાય. જો તમે આખી સિસ્ટમને સ્વસ્થ રાખવા માંગતા હોવ - ખાસ કરીને ન્યુરોલોજીકલ સિસ્ટમ તો દૈનિક ધોરણે દરેક વ્યક્તિ માટે આ આવશ્યક છે, જે અન્યથા ઉમરની સાથે એક મુદ્દો બની જશે.

# 3 પૂરતો આરામ મેળવવો… પણ વધારે નહીં!

આરામનું પ્રમાણ જે એક વ્યક્તિ માટે જરૂરી છે તે વિવિધ પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. એક અગત્યનું પરિબળ એ છે કે તમે જે પ્રકારનો અને જે જથ્થામાં ખોરાકનો ઉપભોગ કરો છો તે છે. તમારે વિવિધ પ્રકારનાં ખાદ્યપદાર્થોનો પ્રયોગ કરવો જ જોઇએ અને તે જોવું જોઈએ કે કયો ખોરાક તમને ભારે પડે છે, અને કયો ખોરાક તમારા માટે હલકો છે અને સક્રિયતા પ્રદાન કરે છે. જો તમે ખાતરી કરો કે તમારા આહારમાં ઓછામાં ઓછા 40% તાજા શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે, તો શરીરમાં હળવાશ રહેશે.

શરીરને જેની જરૂર છે તે આરામ છે, ઊંઘની જરૂર નથી. ઊંઘ એ આરામ કરવાનો એકમાત્ર રસ્તો છે તે વિચારવું ગેરસમજ છે. તમે બેસો અથવા તો ઊભા રહો ત્યારે પણ, તમે કાં તો આરામની સ્થિતિમાં, ઉશ્કેરાટની સ્થિતિમાં અથવા જડતા/નિષ્ક્રિયતાની સ્થિતિમાં હોઈ શકો છો. જો તમે આરામદાયક સ્થિતિમાં છો, તો તમારા જીવનની દરેક ક્ષણમાં, તમને ઊંઘની જરૂરિયાત ઓછી રહેશે.

શરીરના પાંચ સ્તર

યોગમાં, આપણે માનવ શરીરને પાંચ આવરણ અથવા સ્તરો, તરીકે જોઈએ છીએ. મન સહિતની માનવ પ્રણાલીના દરેક પાસાને શરીર તરીકે જોવામાં આવે છે, અને યોગ તેનામાં પરિવર્તન લાવવાની તકનીક (ટેકનિક) છે. શરીરના આ પાંચ સ્તરોને અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ કહે છે.

અન્ન એટલે ખોરાક. તમારું ભૌતિક શરીર અથવા અન્નમય કોષ મૂળરૂપે તે ખોરાક છે જે તમે ખાવ છો - ઓછો અથવા વધુ ખોરાક ખાવું એ તમારી પસંદગી છે, પરંતુ શરીર એ ખોરાકનો ઢગલો છે. જેવી રીતે કોઈ ભૌતિક શરીર છે જે તમે બહારથી ભેગું કરેલ છે, તેમ માનસિક શરીર છે. મન શરીરના એક ખાસ ભાગમાં નથી હોતું - શરીરના દરેક કોષની પોતાની સ્મરણશક્તિ અને બુદ્ધિ હોય છે. આ માનસિક શરીરને મનોમય કોષ તરીકે ઓળખવામાં આવે છે. ભૌતિક શરીર એ હાર્ડવેર છે - માનસિક શરીર એ સોફ્ટવેર છે.

જો તમે ભૌતિક શરીર, માનસિક શરીર અને ઉર્જા શરીરને યોગ્ય ગોઠવણી અને સંતુલનમાં લાવો છો, તો તમને કોઈ શારીરિક અથવા માનસિક બિમારીઓ નહીં થાય.

જ્યાં સુધી તમે તેને ગુણવત્તાની શક્તિમાં પ્લગ કરશો નહીં ત્યાં સુધી હાર્ડવેર અને સોફ્ટવેર ખાસ કંઈ કરી શકશે નહીં. ભૌતિક શરીરના ત્રીજા સ્તરને પ્રાણમય કોષ અથવા ઉર્જા શરીર કહે છે. ભૌતિક શરીર, માનસિક શરીર અને ઉર્જા શરીર બધુ જ ભૌતિકતાના ક્ષેત્રમાં છે, પરંતુ સૂક્ષ્મતાના વિવિધ સ્તરો પર છે. સમાનતાનો ઉપયોગ કરીએ તો - તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે લાઇટ બલ્બ ભૌતિક છે. પરંતુ જે પ્રકાશ તે ફેલાવે છે તે પણ ભૌતિક છે. અને તેની પાછળની વીજળી પણ ભૌતિક છે. લાઇટ બલ્બ, પ્રકાશ અને વીજળી: બધા ભૌતિક છે પણ સૂક્ષ્મતામાં અલગ છે. એ જ રીતે, ભૌતિક શરીર, માનસિક શરીર, અને ઉર્જા શરીર બધા ભૌતિક છે પરંતુ સૂક્ષ્મતામાં અલગ છે.

શરીરનો આગળનો સ્તર એ એક ક્ષણિક શરીર છે જે વિજ્ઞાનમય કોષ તરીકે ઓળખાય છે. તે ભૌતિકથી બિન-ભૌતિકમાં સંક્રમણની સુવિધા આપે છે. તે કોઈપણ ભૌતિક ગુણોને સ્વીકારતું નથી, પરંતુ તે જ સમયે, એ હજી સંપૂર્ણ રીતે બિન-ભૌતિક નથી. પાંચમા સ્તરને આનંદમય કોષ કહેવામાં આવે છે, જે અંગ્રેજીમાં "આનંદ શરીર" તરીકે ભાષાંતરીત થાય છે. આનો અર્થ એ નથી કે તમારામાં આનંદનો પરપોટો છે. આપણે તેને આનંદમય શરીર કહીએ છીએ કારણ કે આપણા અનુભવમાં જ્યારે પણ આપણે તેનો સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે આનંદિત થઈએ છીએ. આનંદ એ તેનો સ્વભાવ નથી, પણ આપણા આનંદ માટેનું એ કારણ બને છે. આનંદમય કોષ એ એક બિન-ભૌતિક પરિમાણ છે જે દરેક ભૌતિક વસ્તુનો સ્રોત છે.

જો તમે ભૌતિક શરીર, માનસિક શરીર અને ઉર્જા શરીરને યોગ્ય ગોઠવણી અને સંતુલનમાં લાવો છો, તો તમારે કોઈ શારીરિક અથવા માનસિક બિમારીઓ નહીં થાય. હું તમને સેંકડો અને હજારો લોકો બતાવી શકું છું કે જેઓ તેમના સ્વાસ્થ્યના મુદ્દાઓથી બહાર આવ્યા છે - ખાસ કરીને લાંબી બિમારીઓ અને માનસિક સમસ્યાઓ - ફક્ત પોતાની અંદર યોગ્ય અને જરૂરી ગોઠવણી બનાવીને. એ (ભૌતિક, માનસિક અને ઉર્જા શરીરની) ખોટી ગોઠવણ છે જે તમામ પ્રકારની સમસ્યાઓનું કારણ બને છે. જ્યારે શરીર આરામમાં હોય છે, ત્યારે કોઈ રોગ નથી.

ફક્ત જો તમે શરીરના પ્રથમ ત્રણ સ્તરોને સીધમાં લાવો, તો ત્યાં એક માર્ગ અને આનંદમય કોષનો સ્પર્શ થવાની સંભાવના હશે, જ્યાં આનંદની પ્રાકૃતિક સ્થિતિ બની જાય છે. કોઈ વિશેષ વસ્તુ વિષે આનંદિત નથી - આનંદિત છે કારણ કે તે જીવનનો સ્વભાવ છે.

સંપાદકની નોંધ: વ્યસ્ત જીવનશૈલી, ડેસ્ક-જોબ્સ (સ્થિર કાર્ય પદ્ધતિ) અને પ્રદૂષણની દુનિયામાં, આરોગ્ય એકદમ દૂરની વસ્તુ લાગે છે. આ વિડિઓમાં, સદગુરુ આપણને સ્વાસ્થ્ય વિષેનો અનોખો યોગિક દ્રષ્ટિકોણ આપે છે. થોડા સરળ પાયાના તત્વો પર ધ્યાન આપીને, તમે તમારા માટે સારું આરોગ્ય સુનિશ્ચિત કરી શકો છો.

સંપાદકની નોંધ: આ લેખનું સંસ્કરણ મૂળરૂપે ઇશા ફોરેસ્ટ ફ્લાવર (નામક મેગેઝીનમાં) ઓગસ્ટ, 2015 માં પ્રકાશિત થયું હતું. પીડીએફ ફાઇલ તરીકે, “તમારી મનગમતી કિંમતે, કોઈ લઘુત્તમ કિમત નહીં” આધાર પર ડાઉનલોડ કરો અથવા પ્રિંટ સંસ્કરણ પર સબ્સ્ક્રાઇબ કરો.