કેન્સર : એક યોગિક દ્રષ્ટિકોણ
૪થી ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ છે. આ પ્રસંગે, કેન્સર વિષે જાગૃતિ ફેલાવવા અને તેના વિષે સંશોધનો કરવા, તેને અટકાવવા અને તેના ઈલાજ માટે ભંડોળ એકત્ર કરવા માટેના અભિયાન ગોઠવવામાં આવે છે. આ લેખ જે "કેન્સર : એ યોગિક દ્રષ્ટિકોણ" નો એક ભાગ છે, તેમાં સદ્ગુરુ યોગિક પ્રણાલી કેન્સરને કઈ રીતે જુએ છે અને આ રોગને ટાળવા શું કરી શકાય તેના વિષે વાત કરે છે.
કેન્સર શા માટે થાય છે?
સદ્ગુરુ: જો તમે કેન્સર વિષે જે લખાયેલું છે તે વાંચ્યું હોય તો, તમે કદાચ જોયું હશે કે અભિપ્રાયો અને ધારણાઓ વારંવાર બદલાઈ છે, ક્યારેક તો નાટકીય ઢબે. પરંતુ મૂળભૂત રીતે શારીરિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને તમારા અસ્તિત્વનો આધાર બદલાયો નથી. તો પછી આ બધી ધારણાઓ કેમ બદલાતી રહે છે? ધારણાઓ અને ચેતના વચ્ચે ઘણું અંતર છે. ધારણાઓમાં ચેતના ના હોઈ શકે. તેથી, બહારનું બધું વાંચીને શું સાચું અને શું ખોટું એ મુંઝવણમાં મુકાવાને બદલે, જો તમે તમારા શરીરને સાંભળવા લાગો અને તમારા શારીરિક તંત્રની વધારે ઊંડી સમજણ અને સૂઝ કેળવો તો તમે તેને કુશળતાપૂર્વક સાચવી શકો.
આપણે અનુભૂતિના દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ, કારણ કે જે તમે છો એ જ બધું છે. જો તમે આંતરિક દ્રષ્ટિ કેળવવા ઇચ્છુક બનો તો જે પણ જાણવા યોગ્ય છે તે એક ક્ષણમાં જાણી શકાય. તમે કદાચ ન્યુક્લિઅર રિએક્ટર કેમ બનાવવું તેની શોધ ના કરો પરંતુ તમે તમારા શરીરમાં પરમાણુઓ કેવી રીતે વર્તી રહ્યા છે તે જાણી શકશો. જો તમે આંતરિક દ્રષ્ટિ કેળવો તો બધું ત્યાં સામે જ છે - તમે તમારામાં જ એક બ્રહ્માંડ છો.
લાખો લોકો હાલમાં કૅન્સરની અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થઈ રહ્યા છે. આ વસ્તુઓ વિવિધ કારણોને લીધે થાય છે અને આપણે બધા તેનો એક ભાગ છીએ. આ માત્ર બાહ્ય પરિસ્થિતિને કારણે નથી, પરંતુ તમે તમારા તંત્રને કેવી રીતે જાળવો છો તેના કારણે પણ છે. આ માત્ર બાહ્ય રસાયણોની તમારા પર અસરને લીધે નથી. તમારું શરીર સૌથી મોટું રાસાયણિક કારખાનું છે. જો તમે આ કારખાનાને વ્યવસ્થિત ન જાળવો, તો તે ખોટા પ્રકારના રસાયણો ઉત્પન્ન કરે છે, જે તમને કોઈક રીતે નુકશાન કરે છે.
યોગની દ્રષ્ટિએ કૅન્સર
યોગમાં આપણે કૅન્સરના વિવિધ પ્રકારોને અલગ રીતે જોતા નથી. કોઈ એક વ્યક્તિમાં ક્યાં અને કઈ રીતે કેન્સર થાય તેનો આધાર વિવિધ પાસાં જેવા કે વ્યક્તિના શરીર, આનુવંશિકતા, જીવનશૈલી, આહાર વગેરે પર રહેલો છે, પરંતુ આપણે હંમેશા પ્રાણમય કોષ અથવા ઊર્જા શરીરના અસંતુલનને તેના મૂળભૂત કારણ તરીકે જોઈએ છીએ.
મૂળભૂત રીતે, યોગિક પ્રણાલી શરીરને પાંચ વિવિધ સ્તર તરીકે જુએ છે. આપણે પ્રથમ ત્રણ વિષે વાત કરીએ; બાકીના બે સ્વાસ્થ્ય સાથે સંબંધિત નથી. પ્રથમ સ્તરને અન્નમય કોષ અથવા આહાર શરીર કહે છે. તમે જે ખોરાક લો તેનાથી આ શરીર બને છે, ખરું કે નહિ? જો તમે કઈ ખાશો નહિ, તો આ શરીરનો નાશ થઈ જશે. તેથી, ભૌતિક શરીરને આહાર શરીર કહે છે.
હજુ હમણાં સુધી, તબીબી વિજ્ઞાન માત્ર આહાર શરીર અથવા અન્નમય કોષ સાથે જ સંકળાયેલું હતું. તેઓએ બીજા કશાં પર ધ્યાન આપેલું નહિ. તેઓ વિચારતા હતા કે તેઓ દુનિયાના બધા ચેપને પહોંચી વળશે, પરંતુ પછી તેમણે જાણ્યું કે તેઓ દીર્ઘકાલીન રોગો જેવા કે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ વિષે કશું કરી શક્યા નથી. આવું એટલા માટે છે કે તેઓ માત્ર આહાર શરીર સાથે જ સંકળાયેલા હતા જે માત્ર એક બાહ્ય સ્વરૂપ છે.
તેની અંદર મનોમય કોષ એટલે કે માનસિક શરીર છે. આજે તબીબી વિજ્ઞાન સ્વીકારે છે કે માણસ સાયકો-સોમા એટલે કે મન-શરીર બંને સાથેનો જીવ છે - જે મનમાં થાય તે સ્વાભાવિક રીતે શરીરમાં થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે માનસિક તણાવ ઉત્પન્ન કરો તો તમારું બ્લડ પ્રેશર વધશે. એટલે એક માનસિક શરીર છે જેની બરાબર સંભાળ લેવી જરૂરી છે. આ શારીરિક શરીર અને માનસિક શરીર ફક્ત ઊર્જા શરીરના કારણે જ કામ કરી શકે છે. યોગનું કામ મૂળભૂત રીતે ઊર્જા શરીર અથવા પ્રાણમય કોષના સ્તર પર છે. યોગિક દ્રષ્ટિકોણ મુજબ, કેન્સર અને બીજા વિઘ્નો અથવા રોગો જે તંત્ર અંદરથી ઉત્પન્ન કરે છે તે ઊર્જા શરીરમાં અસંતુલનના કારણે છે.
કૅન્સરના કોષો બધાના શરીરમાં રહેલા છે, પરંતુ થોડા અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા કૅન્સરના કોષો તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ રીતે અસર નહિ કરે. પરંતુ જો તમે ઊર્જા શરીરમાં અમુક ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ કરો તો તેઓ ભેગા થઈને વ્યવસ્થિત રીતે ગોઠવાશે - તેઓ નાના-મોટા ગુના છોડી સંગઠિત ગુનાઓ કરશે.
કૅન્સરના કોષો : શરીરના ગુનેગાર
જો આપણે કૅન્સરના કોષોનાં વર્ણન કરવા એક સમરૂપ ઉદાહરણ આપીએ તો આપણે કહી શકીએ કે તેઓ એક સમાજમાંના ગુનેગારો જેવા છે. જો ગુનેગારો છુટાછવાયા રહીને અહીં તહીં નાના ગુનાઓ કરે તો તે આખા સમાજને અસર નથી કરતા. દરેક ગામમાં નાના ગુનેગારો હોય છે જે વખતોવખત ખિસ્સા કાપતા હોય છે - તેનો વાંધો નહિ. પરંતુ જો આવા પચાસ ગુનેગારો સંગઠિત થાય તો અચાનક આખા ગામનું વાતાવરણ બદલાઈ જાય. જયારે આ પચાસ ગુનેગારો ભેગા થાય ત્યારે તમારાં માટે શેરીમાં નીકળવું પણ ખતરનાક બની જાય. બસ શરીરમાં તે જ થાય છે. જો કૅન્સરના કોષો એકલા ભટકતા રહે તો તેઓ કોઈ સમસ્યા નથી બનતા. એકવાર તેઓ એક જગ્યાએ ભેગા થઈને સંગઠિત થઈ જાય તો સમસ્યા બની જાય છે.
શરૂઆતમાં એક ગુનેગાર ખિસ્સા કાપવાથી ખુશ છે. જો બે ભેગા થાય તો એક ઘરમાં ચોરી કરવાનું સ્વપ્ન જોવા લાગે. જો પાંચ ગુનેગારો ભેગા થાય તો બેંક લૂંટવાનું સ્વપ્ન જોવા લાગે. જો પોલીસ સજાગ અને સક્રિય હોય તો તેઓ ધ્યાન રાખે છે કે ગુનેગારો ક્યારેય મોટી સંખ્યામાં ભેગા થઈને મોટી સમસ્યા ના બને. શરીર વિષે પણ આ સાચું છે. તમારે આ કોષો એકઠા થાય એ પહેલા તેમનો નાશ કરવો જોઈએ.
પ્રાણમય કોષમાં વ્યક્તિના વલણ, જીવનશૈલી, આહાર અથવા બીજા ઘણા કારણોને લીધે અમુક ખાલી જગ્યા સર્જાય છે અને ઊર્જા શરીરને અસર થાય છે. જો શરીરના અમુક ભાગોમાં ઊર્જાનો પ્રવાહ યોગ્ય ના હોય તો સામાન્ય રીતે કૅન્સરના કોષો તેવી જગ્યાઓને પસંદ કરશે અને ત્યાં વિકસિત થશે. દીર્ઘકાલીન રોગોનું મૂળભૂત કારણ હંમેશા ઊર્જા શરીરમાં રહેલુ હોય છે. એકવાર ઊર્જા શરીરને ખલેલ પહોંચે, તે સ્વાભાવિક રીતે શારીરિક અને માનસિક સ્વરૂપમાં વ્યક્ત થશે.
ઉદાહરણ તરીકે, આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે જે લોકો નિયમિત ધુમ્રપાન કરતા હોય તેમનું શ્વસન ધુમ્રપાન ન કરતા લોકોથી ખુબ અલગ હોય છે. આ મર્યાદિત શ્વસન ક્રિયાના લીધે સ્વાભાવિક રીતે તે ભાગમાં ઊર્જાનું સ્તર નીચું રહે છે અને તે જગ્યા તરફ કૅન્સરના કોષો આકર્ષિત થાય છે.
બીજું ઉદાહરણ સ્તન કેન્સર છે, જે અત્યારે, ખાસ કરીને પાશ્ચત્ય સમાજોમાં, ખુબ જ વધ્યું છે. આનું કારણ છે કે ઘણીબધી સ્ત્રીઓ સંતતિ ઉત્પન્ન કરવાની ઉંમરમાં ગર્ભ ધારણ કરતી નથી. સ્તનનું તંત્ર જે મુખ્યત્વે સંતતિના પોષણ માટે રચાયેલું છે તેનો ઉપયોગ નથી થતો અથવા તો અમુક ચોક્કસ સમયે જ ઉપયોગ થાય છે. ભૂતકાળમાં, જો એક સ્ત્રી સામાન્ય ગર્ભ ધારણની પ્રક્રિયામાંથી પસાર થાય તો ૧૬ અથવા ૧૮ વર્ષની ઉંમરથી ૪૫ વર્ષની ઉમર સુધી તેણે સમયાંતરે ગર્ભ ધારણ કર્યું હોય, જેના લીધે તેનું આખું તંત્ર, ગર્ભાશય અને સ્તન સહિત ઘણી રીતે સક્રિય રહ્યું હોય. તેથી ઊર્જાનો પ્રવાહ પણ જળવાઈ રહ્યો હોય.
અત્યારના સમયમાં, અમુક સ્ત્રીઓ ગર્ભ ધારણ કરતી જ નથી, તથા મોટા ભાગની સ્ત્રીઓ માટે, ૩૦ વર્ષની ઉમર પહેલા જ સંતતિ ઉત્પન્ન કરવાનું કાર્ય પૂરું થઈ જાય છે. પછી બીજા ૧૫ થી ૨૦ વર્ષ જયારે તેઓ સંતતિ ઉત્પન્ન કરવા સક્ષમ હોઈ છે ત્યારે જરૂરી સ્ત્રાવો અને ઉત્સેચકો શરીરમાં ઉત્પન્ન થાય છે પરંતુ ઉપયોગમાં લેવાતા નથી. શરીરનો તે ભાગ જેનો જે રીતે ઉપયોગ થવો જોઈએ એ રીતે ના થવાથી ત્યાં ઊર્જા ઘટી જાય છે અને તે ભાગ કૅન્સરના કોષોને આકર્ષિત કરે છે અને તેમના ભેગા થવાનું સ્થાન બને છે.
શું આનો મતલબ એવો છે કે આપણે વધારે બાળકો ઉત્પન્ન કરવા જોઈએ? મહેરબાની કરીને એવું ના કરશો. દુનિયામાં પહેલેથી જ વધારે પડતી વસ્તી છે. આના બીજા નિવારણો છે. આને તમે જે વાતાવરણમાં રહો છો તેના આધારે થવા દેવાને બદલે, તંત્રને સંતુલિત કરીને સુધારી શકાય, જેથી આ એક નિયંત્રિત પ્રક્રિયા બને. આના નિવારણ માટે અમુક ચોક્કસ પ્રકારના યોગાભ્યાસ અથવા આંતરિક કાર્યથી શરીરના સ્ત્રાવોને નિયંત્રિત કરી શકાય.
ઊર્જા શરીરનો સ્વાસ્થ્ય સાથે સંબંધ
જો તમારું ઊર્જા શરીર પૂરેપૂરું પ્રવાહમાન અને યોગ્ય રીતે સંતુલિત હોય તો ભૌતિક શરીર કે માનસિક શરીરમાં કોઈ રોગ ના હોઈ શકે. ઉદાહરણ તરીકે, દમના દર્દી અમારી પાસે આવે છે અને અમે તેમને ચોક્કસ યોગાભ્યાસ આપીએ છીએ જેનાથી તેઓ આ વ્યાધિથી મુક્ત થાય. કોઈ બીજું મધુપ્રમેહ માટે આવે અને અમે તેમને સમાન યોગાભ્યાસ આપીએ જે તેમના માટે પણ કારગત નીવડે છે. આનું કારણ એ છે કે અમે કોઈ એક રોગને લગતી સારવાર નથી કરી રહ્યા. રોગ તો માત્ર ઊર્જા શરીરના અસંતુલનની અભિવ્યક્તિ છે.
મૂળભૂત રીતે, યોગ એ સારવારનો પ્રકાર નથી. આ તમારી ઊર્જાઓને સંતુલિત કરવાનો રસ્તો છે. અમે તે રીતે જોઈએ તો ક્યારેય શારીરિક કે માનસિક શરીરની સારવાર નથી કરતા. કોઈ પણ રોગ હોય, અમારું લક્ષ્ય માત્ર ઊર્જા શરીરને સક્રિય અને સંતુલિત કરવાનું છે.
Editor's Note: For more of Sadhguru’s insights on cancer and healthy living, download the ebook, Cancer – A Yogic Perspective.