યોગની આખી પ્રક્રિયા જ તમારા મનની મર્યાદાઓથી પરે જવા માટે છે. જ્યાં સુધી તમે તમારા મનમાં છો ત્યાં સુધી તમે તમારા ભૂતકાળ દ્વારા સંચાલિત થાવ છો. જો તમે તમારા જીવનને માત્ર તમારા મન વડે જ જુઓ છો તો તમે તમારું ભવિષ્ય તમારા ભૂતકાળ જેવું જ બનાવશો. એનાથી ઓછું પણ નહીં કે વધુ પણ નહીં. શું આ દુનિયા એનું પૂરતું ઉદાહરણ નથી? આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી વડે ગમે તેટલી સગવડો ઊભી થઈ હોય પણ શું આપણે તેના તે જ ઇતિહાસના દ્રશ્યો ફરી નથી ભજવી રહ્યા?

જો તમે તમારા પોતાના જીવનને થોડું ઝીણવટથી જોશો તો તમને જણાશે કે એક ની એક જ વસ્તુઓ ફરી ફરી ભજવાઈ રહી છે, કારણ કે જ્યાં સુધી તમે માત્ર તમારા મન વડે જ સંચાલિત થાઓ છો ત્યાં સુધી તમે માત્ર જૂની માહિતીઓ દ્વારા કાર્ય કરો છો. તમારો ભૂતકાળ માત્ર તમારા મગજમાં જ છે. તમારા ભૂતકાળનું અસ્તિત્ત્વ માત્ર તમારા મગજને કારણે જ છે. ધારો કે તમારા આખેઆખા મગજને ખતમ કરી દેવામાં આવે તો શું તમારો ભૂતકાળ અહીં રહેશે? અહીં કોઈ ભૂતકાળ નથી, માત્ર વર્તમાન છે. વર્તમાન એ જ વાસ્તવિકતા છે, ભૂતકાળનું અસ્તિત્ત્વ તો માત્ર તમારા મનમાં જ છે. બીજા શબ્દોમાં કહીએ તો મન એ કર્મ છે. જો તમે તમારા મનની મર્યાદાઓને પાર કરી જશો તો સાથે સાથે જ તમે તમારા કર્મના બંધનોને પણ પાર કરી જશો. જો તમે તમારા કર્મના બંધનો એક પછી એક ઉકેલવા બેસશો તો એમાં લાખો વર્ષ નીકળી જશે. અને એને ઉકેલવાની ક્રિયામાં તમે કર્મોનો નવો જથ્થો બાંધી લેશો.

તમારા જૂના કર્મો એ તમારે માટે કોઈ સમસ્યા નથી. તમારે શીખવું જોઈએ કે તમે કઈ રીતે નવા કર્મના બંધનો ન બનાવો. એ જ મુખ્ય વાત છે. જૂના કર્મો તો એની મેળે જ ઓગળી જશે. એને માટે કોઈ મોટી વસ્તુઓ કરવાની જરૂર નથી. પણ મૂળભૂત વસ્તુ એ છે કે તમે કર્મના નવા બંધનો ન બાંધો એ શીખો. તો જૂના કર્મોને છોડી દેવા તો ખૂબ સહેલા છે.

જો તમે મનની મર્યાદાઓને ઓળંગી જાઓ છો તો તમે તમારા કર્મના બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાઓ છો. તમારે એની માટે કોઈ કામગીરી નથી કરવાની કારણ કે જ્યારે તમે તમારા કર્મો સાથે રમી રહ્યા છો, ત્યારે તમે એવી વસ્તુઓ સાથે રમો છો કે જેનું કોઈ અસ્તિત્ત્વ જ નથી. એ માત્ર તમારા મનની તમને છેતરવા માટેની યુક્તિ છે. ભૂતકાળનું કોઈ અસ્તિત્ત્વ જ નથી. પણ તમે તો અવાસ્તવિક વસ્તુ સાથે વાસ્તવિક ચીજની જેમ જ કામ કરો છો. એ જ તો મોટો ભ્રમ છે અને તમારું મન જ એનું મૂળ છે. જો તમે માનસિક મર્યાદાઓને ઓળંગી જાઓ તો તમે એકી ઝાટકે બધી જ વસ્તુઓને ઓળંગી જશો.

બધા જ અધ્યાત્મિક વિજ્ઞાનોનો પ્રયત્ન મનની મર્યાદાઓને ઓળંગવાનો અને તમારા જીવનને એની પરે કઈ રીતે લઈ જવો એવો રહ્યો છે. ઘણા બધા લોકો એ યોગને ઘણી અલગ અલગ રીતે વર્ણવ્યો છે. લોકો કહે છે કે,”જો તમે આ બ્રહ્માંડ સાથે એકાકાર થાઓ તો તે યોગ છે.” “જો તમે તમારી જાતથી પરે જાઓ તો તે યોગ છે.” “જો તમે ભૌતિક નિયમોને આધીન નથી તો તે યોગ છે.” આ દરેક વાક્યો એ અદભૂત વર્ણન છે, એમના વિષે કાંઈ ખોટું નથી, પણ તમારા અનુભવમાં તમે એને નથી સાંકળી શકતા. કોઈએ વળી કીધું કે, ”જો તમે ભગવાન સાથે એક થઈ જાઓ તો તમે યોગમાં છો.” તમે ક્યાં છો તેની તમને ખબર નથી. તમને ભગવાન ક્યાં છે તેની પણ નહી ખબર હોય તો તેની સાથે એક કઈ રીતે થશો?

પણ પતંજલિએ આ રીતે કહ્યું છે, “મનના બધા જ પરીવર્તનોથી ઉપર ઉઠવું, જ્યારે તમે તમારા મનને સમાપ્ત કરી દો છો, જ્યારે તમે તમારા મનનો એક ભાગ બનવાનું બંધ કરી દો છો, ત્યારે તમે યોગમાં છો.” આ જગતની બધી જ વસ્તુઓનો પ્રભાવ એ તમારા મન રૂપી સાધન થકી જ પડે છે. જો તમે સંપૂર્ણ જાગરૂકતા સાથે તમારા મન પર પડેલા બધા જ પ્રભાવોથી પરે જાઓ તો તમે કુદરતી રીતે જ બધી વસ્તુઓ સાથે એકાકાર થઈ જાઓ, તમે અને હું, સમય અને સ્થળ એવું વર્ગીકરણ મગજને કારણે જ થયું છે. આ અને તે, અત્યારે અને પછી જેવી કોઈ વસ્તુઓ નથી. દરેક વસ્તુ અહીં અને હમણાં જ છે.

જો તમે તમારા મનના દરેક સુધારા વધારા અને અભિવ્યક્તિથી ઉપર ઉઠો તો તમે તમારા મન સાથે તમારે જે રીતે રમવું હોય તે રીતે રમી શકો છો. તમે તમારા મનનો ઉપયોગ તમારા જીવનને હાનિ પહોચડ્યા વિના કરી શકો છો. પણ જ્યાં સુધી તમે મનમાં ને મનમાં જ જીવશો છો ત્યાં સુધી તમને મનનો સ્વભાવ કદી નહીં સમજાય.

This is an excerpt from Isha’s latest book “Mind Is Your Business,” available for purchase and download at Isha Downloads.

Editor’s Note: Excerpted from Sadhguru’s discourse at the Isha Hatha Yoga School’s 21-week Hatha Yoga Teacher Training program. The program offers an unparalleled opportunity to acquire a profound understanding of the yogic system and the proficiency to teach Hatha Yoga. The next 21-week session begins on July 16 to Dec 11, 2019. For more information, visit www.ishahathayoga.com or mail info@ishahatayoga.com