અહીં સદ્ગુરુ સમજાવે છે કે સંશયવાદી હોવું આધ્યાત્મિક પ્રક્રિયાની વિરુદ્ધ નથી.

સંશયવાદ કોઈ ખરાબ વસ્તુ નથી કારણ કે તમારે પહેલાં તો એ સમજવું જોઈએ કે સંશયવાદનો અર્થ શું છે? સંશયવાદનો અર્થ એ થાય કે તમે જાણતા નથી એટલે તમને દરેક વાતમાં સંદેહ હોય. પણ, જો સંશયવાદ દરેક વસ્તુ માટે વારંવાર થતાં અવિશ્વાસનું સ્વરૂપ લઈ લે, તો પછી આ એક બીમારી છે. દરેક બાબતે અવિશ્વાસ હોવાનો અર્થ છે કે તમે પહેલાં જ એક નિષ્કર્ષ પર પહોંચી ગયા છો. તમે સંશયવાદી છો એનો અર્થ એ છે કે તમે હજું પણ શોધી રહ્યા છો, શોધકામ કરી રહ્યા છો અને વસ્તુઓને ખોલી, સ્પષ્ટ કરી જુવા માંગો છો. પણ, જો તમને ફક્ત અવિશ્વાસ જ હોય તો તમે વસ્તુઓને ખોલીને ના જુવો કારણ કે તમે પહેલેથી જ દરેક બાબતે નિષ્કર્ષ કાઢીને બેઠા છો. તો, સંશયવાદ તમારા આધ્યાત્મિક વિકાસને ધીમો નહીં પાડે. ખરેખર તો એ તમારા આધ્યાત્મિક વિકાસને ઝડપી બનાવશે. ફક્ત સાચા સંશયવાદીઓ જ આધ્યાત્મિક થઈ શકે કારણ કે તેઓ કઈંક શોધી રહ્યા હોય છે. અન્ય લોકોએ દરેક બાબતમાં મૂર્ખામીભર્યા નિષ્કર્ષ કાઢી લીધા હોય છે. શંકાશીલ લોકોએ નકારાત્મક નિષ્કર્ષ કાઢ્યા હોય છે, તો વિશ્વાસુઓએ સકારાત્મક નિષ્કર્ષ કાઢ્યા હોય છે. પણ, આ બન્ને એક જ પ્રકારના હોય છે. સકારાત્મક કે નકારાત્મક, એનાથી ફરક નથી પડતો. એ બધા જ એકસરખી રમત રમતા હોય છે, સંખ્યાની રમત.

સંશયવાદ તમારા આધ્યાત્મિક વિકાસને ધીમો નહીં પાડે. ખરેખર તો એ તમારા આધ્યાત્મિક વિકાસને ઝડપી બનાવશે. ફક્ત સાચા સંશયવાદીઓ જ આધ્યાત્મિક થઈ શકે, કારણ કે તેઓ કંઈક શોધી રહ્યા છે.

સંશયવાદી માણસ કાંઈ ઉમેરવા નથી માંગતો કે કાંઈ ઘટાડવા નથી માંગતો. એ દરેક વસ્તુને, જેવી છે તેવી જોવા તૈયાર છે. આ જ આધ્યાત્મિક પ્રક્રિયા છે. આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ છે, "હું જીવનને જેવું એ છે તે રીતે જોવા તૈયાર છું. મારે એમાં કાંઈ ઉમેરવું નથી અને એમાંથી કાંઈ પણ ઘટાડવું નથી. હું દરેક વસ્તુને, જેવી એ છે, તેવી જ જોવા માંગુ છું". અને તે જ એક સંશયવાદીની મૂળભૂત મન:સ્થિતિ હોય છે. મને લાગે છે કે એક આધ્યાત્મિક પ્રક્રિયા માટે, આ એક આદર્શ વિચારપ્રાણાલી છે - કે તમારે કોઈ પણ બાબતને વધારે મોટી કરવાની જરૂર નથી અને કોઈ પણ બાબતને નાની કરવાની જરૂર નથી. તમે દરેક વસ્તુને એમ જ જોવા માંગો છો જેવી એ છે પણ, દરેક વસ્તુ માટે તમારાં પોતાનાં સંશયો હોય છે. જો તમને કોઈ પણ સંદેહ ન હોય તો તમે કોઈ પણ શોધખોળ ના કરો. 'શોધખોળ, તપાસ કરવાવાળો', આ શબ્દ કોઈ જિજ્ઞાસુ માટે થોડો તોછડો લાગે. પણ જો તમે જુઓ, કોઈ જિજ્ઞાસુ પણ એક પ્રકારનો તપાસ કરવાવાળો જ હોય છે. વાત એમ છે કે એક સાચો તપાસ કરવાવાળો પણ સત્યનો જિજ્ઞાસુ જ હોય છે. જો તમે કહો કે કોઈ વ્યક્તિ તમારી તપાસ હેઠળ છે અથવા, તમે કોઈની તપાસ કરી રહ્યા છો તો એનો અર્થ એ જ થાય કે એ બાબતમાં તમે સત્ય જાણવા માંગો છો. એ તપાસ છે અને એ જ જાણવાની પ્રક્રિયા પણ છે. આધ્યાત્મિક જિજ્ઞાસા તપાસ જ છે, કોઈ વ્યક્તિની નહીં પણ અસ્તિત્વની. આપણે સંપૂર્ણ અસ્તિત્વની તપાસ કરીએ છીએ. આ જ આધ્યાત્મિક જિજ્ઞાસા છે, જાણવાની પ્રક્રિયા છે.

જો તમે સંશયવાદી ન હોવ તો તમે કદીએ તપાસ શોધખોળ નહીં કરી શકો. તમે, બસ, નિષ્કર્ષ કાઢશો. જો તમારી સામે મૃત્યુ આવી જાય તો બધા નિષ્કર્ષ વ્યર્થ થઈ જશે. હું જાણું છું કે લોકો પોતાની કાલ્પનિક રચનાઓને મૃત્યુ પછી પણ ખેંચવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ આવી કાલ્પનિક રચનાઓ એવી વ્યક્તિઓ માટે કામ નથી કરતી જે આ ક્ષણે મૃત્યુનો સામનો કરી રહ્યા છે. એ ફક્ત એવા લોકો માટે જ કામ કરે છે જે પોતાને અમર માનતા હોય છે. જો તમે તમારા અસ્તિત્વની નશ્વરતાને સ્વીકારી લો, તો તમારા જીવનમાંથી બધા જ નિષ્કર્ષ ગાયબ થઈ જશે અને તમે જીવનની તપાસ કરવાવાળા, એની શોધખોળ કરવાવાળા અથવા સત્યના જિજ્ઞાસુ બની જશો કારણ કે એ બે જુદી વસ્તુઓ નથી. સાચી વાત તો એ છે કે સંશયવાદી બનવાની પ્રક્રિયામાં તમારે પોતાની જાતને નિરાશામાં ના નાખી દેવી જોઈએ, પોતાને જીવનના એક ખૂણામાં ધકેલી ના દેવાં જોઈએ. જો તમે એક આનંદપૂર્ણ સંશયવાદી હોવ તો એક સાચા, મોટા આધ્યાત્મિક જિજ્ઞાસુ બની જશો. જો તમે કોઈ નિરાશ થયેલા, દુઃખી સંશયવાદી હોવ તો પછી કોઈ માનસશાસ્ત્રી માટે એક સારા ગ્રાહક બની જશો. જો તમે આનંદમાં રહેતા સંશયવાદી હશો તો જ આધ્યાત્મિક જિજ્ઞાસુ બનશો અને સત્યને જાણવા માટે આ એક આદર્શ માનસિક અવસ્થા છે.