પોતાના નજીકના વ્યક્તિના મૃત્યુ નો દુખ કેવી રીતે ઝેલવો? અમીષ ત્રિપાઠી એ પૂછ્યું સદગુરુ ને
સ્વજનને ગુમાવ્યાના તમારા શોકને વખોડવાનો મારો ઉદ્દેશ નથી, પણ હું તમને એ સમજાવવા માંગું છું કે, જો તમે સ્વયંને સંપૂર્ણ બનાવવા માટે સંબંધનો ઉપયોગ કરતા હોવ, તો, જ્યારે તમે તે સંબંધને ગુમાવી દેશો, ત્યારે તમે ખાલી થઈ જશો. જો તમે એટલા માટે સંબંધ પ્રસ્થાપિત કરો છો, કારણ કે તમે તમારી પૂર્ણતા વહેંચવા માગો છો, તો પછી કોઈ શોકની સ્થિતિ રહેશે નહીં.

અમિષ ત્રિપાઠી: મારો પ્રશ્ન શોક વિશે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી ફિલોસોફી કહે છે કે આપણે સંતુલિત રહેવું જોઈએ અને આનંદ અને દુઃખની લાગણી પ્રત્યે સમાન અનાસક્તિભર્યું વલણ દાખવવું જોઈએ. પણ, જો તમે તમારી સહનશીલતા બહારનો સંતાપ અનુભવી રહ્યા હોવ, તો તેવી સ્થિતિમાં શું કરવું? તમે જેને ખૂબ ચાહતા હોવ, તેને તમે ગુમાવી દો, ત્યારે શોકની આ સ્થિતિમાં પોતાની જાતને કેવી રીતે સંભાળવી?
સદગુરુ: આ મુદ્દાને વિગતવાર સમજીએ. અહીં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી, પણ હું તમને એમ સમજાવવા માંગું છું કે તે શોક હંમેશા આપ્તજન ગુમાવ્યા અંગેનો હોય છે. ગુમાવવું એટલે તે આપણે કશુંક ગુમાવ્યું છે તે અંગે છે, કોઈના મૃત્યુ અંગે નહીં.
લોકો માલિકી, હોદ્દો કે ધંધો-વ્યવસાય ગુમાવવાનો શોક કરી શકે છે. તો મુખ્યત્વે તેનો અર્થ એ થાય છે કે વ્યક્તિએ કશુંક ગુમાવ્યું છે. લોકોની બાબતમાં, જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થતાં આપણે તેને ગુમાવી દઈએ, તો માણસ ગુમાવ્યાની ખોટ ભરપાઈ થઈ શકતી નથી. માલિકી બદલી શકાય છે, હોદ્દો બદલી શકાય છે, નાણાં અને સંપત્તિને બદલી શકાય છે, પણ વ્યક્તિની ખોટ પૂરી શકાતી નથી. આવી સ્થિતિમાં સંતાપ વધુ ઘેરો બની જાય છે.
આપણી સાથે આવું બને છે, કારણ કે આપણે આપણા વ્યક્તિત્વને કોલાજ જેવું બનાવ્યું છે. આપણે જે છીએ, તે - આપણે જે ધરાવીએ છીએ, આપણે જે હોદ્દો, દરજ્જો ધરાવીએ છીએ, આપણે જે સંબંધો ધરાવીએ છીએ, આપણા જીવનમાં જે લોકો આપણી સાથે છે – આ તમામ પરિબળોને કારણે છીએ. જો આ પૈકીનું કંઈ પણ ન રહે, તો તેના કારણે આપણા વ્યક્તિત્વમાં એક ખાલીપો સર્જાય છે. તેની વેદના આપણે અનુભવીએ છીએ.
આથી, આપણા સંબંધો આપણા જીવનને સંબંધથી ભરવા માટેનું સાધન ન બની રહેતાં, આપણી પૂર્ણતામાંથી ઉદ્ભવતા હોય, તે અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સ્વયંને સંપૂર્ણ બનાવવા માટે સંબંધનો ઉપયોગ કરો, તો જ્યારે તમે તે સંબંધને ગુમાવી દો છો, ત્યારે તમે ખાલીખમ થઈ જાઓ છો. તેને સ્થાને, જો તમે એટલા માટે સંબંધ સ્થાપો છો, કારણ કે તમે તમારી પૂર્ણતાની વહેંચણી કરવા માગો છો, તો તેવી સ્થિતિમાં કોઈ શોક રહેશે નહીં. હું અગાઉ તમને કહી ચૂક્યો છું કે હું તમારા શોકને વખોડવા નથી માગતો.
જ્યારે આપણે આપણા અત્યંત નિકટના સ્વજનવ્ ગુમાવી દઈએ છીએ, ત્યારે આ તમામ વિચારો કામ ન આવે, તેવું બની શકે. આ વિચારો કોઈને ગુમાવ્યાના આઘાતને નજીવો કે ક્ષુદ્ર બનાવી દેતા હોય તેમ જણાય છે. આ વિચાર આપણા સમગ્ર જીવન દરમિયાન વિકસિત થવો જોઈએ કે, આપણે કોણ છીએ, તે બાબત – આપણી પાસે જીવનમાં શું છે તેના દ્વારા નક્કી ન થવી જોઈએ. આ બાબત દરેક માનવીને લાગુ પડવી જોઈએ – આધ્યાત્મિક પ્રક્રિયાનો આ જ અર્થ છે.
સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org
