ક્યારે સુવું  અને કેટલું સુવું  આ પ્રશ્નો સાથે મોટા ભાગના લોકોએ તેમના જીવનમાં કોઈક તબક્કે સંઘર્ષ કર્યો હોય છે. સદ્ગુરુ આપણને ઊંઘ અને આરામ વચ્ચે તફાવત સમજાવે છે અને સમજાવે છે કે ઊંઘની માત્રા નહીં પણ ગુણવત્તા મહત્વની છે. તેઓ એમ પણ કહે છે કે કઈ રીતે યોગનો અભ્યાસ વ્યક્તિના હૃદયનો 'આરામના વખત' નો ધબકારાનો દર ઓછો કરવામાં મદદ કરી શકે છે.

સદ્ગુરુ: તમે રાત્રે ઊંઘી જાઓ છો તેથી તમારી સવાર અને સાંજની અવસ્થામાં કઈંક ફરક જણાય છે. જો તમે રાત્રે સારી રીતે આરામ ના કર્યો હોય તો તમારી સવાર પણ તેટલી જ ખરાબ હશે. તો આ ફેર જે કરે છે તે ઊંઘ નથી, પણ આરામનું સ્તર છે. સારી સવાર એક સારી શરૂઆત હોય છે પણ જેમ જેમ દિવસ જાય છે તેમ તમે તમારી શાંતિ ગુમાવી દો છો અને તમે તણાવમાં આવી જાઓ છો. આપણે સમજવું જોઈએ, કે તણાવ તમારા કામના લીધે નથી. દરેકને એવું લાગે છે કે તેમનું કામ તણાવ વાળું છે પણ ખરેખર કોઈ કામ એવું નથી હોતું. તમારી પોતાની સિસ્ટમને સરખી રીતે સંભાળવાની તમારી અસમર્થતા છે જે તમને તણાવમાં મૂકે છે.

તમે તમારી સિસ્ટમને તણાવમુક્ત કઈ રીતે રાખી શકો, જેથી સવાર હોય કે સાંજ, તમારા આરામ અને ઉત્સાહનું સ્તર સરખું હોય? મેડિકલ શબ્દોમાં, જો તમે મારો, સારી રીતે જમ્યા પછીનો પલ્સ રેટ તપાસો, તો તે 47 થી 48ની આસપાસ અથવા તેની નજીક જ હશે. જો મારો પલ્સ રેટ ખાલી પેટે જોશો, તો તે 35 થી 40ની આસપાસ હશે. શારીરિક દૃષ્ટિએ તેનો અર્થ એ છે કે હું ઊંડી ઊંઘની અવસ્થામાં છું. હું દુનિયામાં કોઈ પણ પ્રકારનું કામ કરવા પૂરતો જાગૃત છું, પણ મારું શરીર ઊંડી નિદ્રામાં છે. તો તમે જ્યારે સતત ઊંઘમાં હોવ, ત્યારે તણાવનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. જ્યારે કોઈ તણાવ છે જ નહીં, તો પછી તમે સવારે 4 વાગ્યે જેમ છો તેના કરતાં રાત્રે 9 વાગ્યે જુદી અવસ્થામાં શું કામ હશો?

તો અત્યારે  જરૂરી એ છે કે તમારી સિસ્ટમને એવી રીતે રાખવી કે તે પોતાની રીતે જ આરામમાં રહે, અને પ્રવૃત્તિ તમારા ઉપર ખરાબ અસર ના કરે. તમે શારીરિક રૂપે થાકેલા હોઈ શકો, પણ તમે તણાવમાં હોવા જરૂરી નથી. તમારી સિસ્ટમને આ રીતે રાખવી આવશ્યક છે. પ્રવૃત્તિના ભોગે તમે તમારી સિસ્ટમને ધીમી ના પાડી શકો. પણ, તમે કોઈ કામ ના કરી શકો તેટલા આરામમાં હોવ - આ પણ કઈં સારી બાબત નથી. આના માટે એક ટેકનૉલોજિ છે; આમ કરવા માટે એક આખી વ્યવસ્થા છે. જો તમે અમુક સરળ યોગાભ્યાસ શરૂ કરો, તો હું કહીશ કે 3 થી 4 મહિનામાં તમારો પલ્સ રેટ ઓછામાં ઓછા 8 થી 20 કાઉન્ટ ઘટી ગયો હશે. શરીર વધુ કાર્યક્ષમતાથી અને આરામદાયક ગતિથી કામ કરશે.

તમારું શરીર એલાર્મના આવાજથી ના જાગવું જોઈએ. તેને જ્યારે વ્યવસ્થિત અને જોઈતો આરામ મળી જાય તો તેણે પોતે જ, આપમેળે જાગી જવું જોઈએ.

તમે કેટલા વાગ્યે સૂવા જાઓ છો તે તમારી જીવનશૈલી પર આધાર રાખે છે. તમારે કેટલા કલાકની ઊંઘની જરૂર છે તે મહત્વનુ છે. હું જાણું છું કે ઘણાં લોકો એવું કહેતા હોય છે કે તમારે દિવસમાં 8 કલાક ઊંઘવું જોઈએ. શરીરને જેની જરૂર છે તે ઊંઘ નથી, પણ આરામની અવસ્થા છે, આરામ છે. જો આખો દિવસ તમે તમારા શરીરને ખૂબ આરામથી અને ઢીલું રાખો, જો તમારું કામકાજ, તમારો વ્યાયામ આ બધું તમારા માટે આરામના પ્રકાર જ હોય તો, તમારી ઊંઘની માત્રા સ્વાભાવિક રીતે જ ઓછી થઈ જશે. લોકો બધું જ તણાવમાં કરવા માંગે છે. હું લોકોને બગીચામાં તણાવ સાથે ચાલતાં જોવું છે. હવે આ પ્રકારનો વ્યાયામ તમને સુખાકારી આપવા કરતાં  નુકશાન વધારે કરતો હશે, કારણ કે તમે બધું જ એવી રીતે કરો છો જાણે તે કોઈ યુદ્ધ હોય. તમે આરામથી કેમ નથી ચાલતા? તમે ચાલો કે દોડો, તમે તેને આરામથી, આનંદથી કેમ ન કરી શકો?

જીવન સાથે સંઘર્ષ ના કરશો; પોતાને ચુસ્ત અને સારી રીતે રાખવું એ કોઈ સંઘર્ષ નથી. કોઈ રમત રમો, તરવા જાઓ, ચાલો, તમને જે ગમે તે. જો તમને ચીઝકેક ખાવા સિવાય બીજું કઈં ગમતું ના હોય તો તમે જાણો છો તકલીફ થવાની છે. નહીં તો કોઈ પણ પ્રવૃત્તિમાં આરામથી રહેવામાં કોઈ જ સમસ્યા નથી.

કેટલી ઊંઘ પૂરતી છે?

તો પછી, મારા શરીરને કેટલી ઊંઘની જરૂર છે? તેનો આધાર તમે કરી રહ્યા હોવ તે શારીરિક પ્રવૃત્તિના સ્તર પર રહેલો છે. ભોજન કે ઊંઘ બંને માંથી કઈં નક્કી કરવાની કોઈ જરૂર નથી. મારે આટલી કેલરી ખાવી જ જોઈએ, આટલા કલાકની ઊંઘ લેવી જ જોઈએ - આ જીવનને સંભાળવાની મૂર્ખામીભરી રીત છે. આજે તમારી પ્રવૃત્તિનું સ્તર ઓછું છે, તો તમે ઓછું ખાઓ. આવતીકાલે જો તમારી પ્રવૃત્તિનું સ્તર ઊંચું હોય, તો તમે વધારે ખાઓ. ઊંઘ સાથે પણ આવું જ છે. જે ક્ષણે શરીરને પૂરતો આરામ મળી જાય, તે જાગી જશે, પછી ત્યારે 3 વાગ્યા હોય કે 8. તમારું શરીર અલાર્મના આવાજથી ના જાગવું જોઈએ. તેને જ્યારે વ્યવસ્થિત અને પૂરતો આરામ મળી જાય, તેણે જાગી જવું જોઈએ.

જો શરીર કોઈક રીતે પથારીને કબરનાં રૂપમાં વાપરવાનો પ્રયત્ન કરતું હોય તો તે બહાર આવવા નહીં માંગે. કોઈકે તમને મડદામાંથી ઊભા કરવા પડે છે. આ બધું તેના ઉપર આધાર રાખે છે કે તમે તમારું જીવન કઈ રીતે ચલાવી રહ્યા છો. જો તમે અમુક માનસિક અવસ્થામાં હોવ જેમાં તમે જીવનને ટાળવા માગતાં હોવ, તો સુઈ જવું સારો રસ્તો છે. સ્વાભાવિક રીતે તમે વધું ખાશો અને વધું ઊંઘશો.

હમણાં કેટલાંકલોકો એવી માનસિક અવસ્થામાં હોય છે કે જ્યાં સુધી તે પોતાના પેટને ભોજનથી ભરીને શરીરને સુસ્ત ના બનાવી દે ત્યાં સુધી તે ઊંઘી શકતાનથી. પાચન ક્રિયા થવી જોઈએ; તમારે સૂતા પહેલા પાચન ક્રિયાને પૂરતો સમય આપવો જોઈએ. હું કહીશ કે જો તમે ખાવાના 2 કલાકની અંદર સુઈ જાવ તો તમારું ખાધેલું 80% ભોજન વ્યર્થ થઈ જશે. જો એવી સ્થિતિમાં છો કે  તમારું પેટ પૂરું ભરેલું હોવા સિવાય તમે ઊંઘી જ નથી શકતા, તો તમારે આ પ્રશ્ન ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ ઊંઘ વિષે નથી, આ અમુક પ્રકારની માનસિક અવસ્થા છે.

તો, કેટલી ઊંઘ? બસ એટલી જેટલી શરીરને જરૂરી છે. ભોજન અને ઊંઘ - શરીરને નક્કી કરવા દો, તમારે નહીં, કારણ  કે તમે આ વિષે સાચો નિર્ણય નહીં કરી શકો. ખાવાની અને ઊંઘવાની શ્રેષ્ઠ રીત તમારું શરીર જે માંગે છે તે પ્રમાણે કરવામાં છે. આ શરીર વિષે છે, છે કે નહીં?

 

peasap @flickr