Mahabharat All Episodes

સદ્‍ગુરુ: અંબા નિરાશાથી ઘેરી હતાશામાં સરી પડી, હતાશા આગળ વધીને ગુસ્સો, ગુસ્સાથી વધીને ક્રોધનો આવેશ, ક્રોધાવેશ પછી બદલો લેવા માટેની તીવ્ર ઈચ્છામાં બદલાઈ ગઈ. ભીષ્મને મારી શકે એવી વ્યક્તિની શોધમાં એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભમવા લાગી. પણ ભીષ્મના શૌર્યને કારણે કોઈ તેની સાથે  કરવા રાજી ન થયું. બીજું કારણ એ હતું કે, જ્યારે ભીષ્મએ  લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી અને પોતાની ખસી કરી, ત્યારે શાંતનુએ કહ્યું હતું, "તેં આજે મારા માટે જે કર્યું છે, તેને માટે હું તને આશીર્વાદ આપું છું. આ અઢાર વર્ષ હું બ્રહ્મચારી રહ્યો છું અને મેં તપસ્યા કરી છે. મારી અંદર તપસ્યાના જે કંઈ ગુણ હશે, મારી અંદર જે શક્તિ એકત્રિત થઇ છે, હું તેને આશીર્વાદ સ્વરૂપે તને અર્પણ કરું છું, તારા જીવનમાં તારું મૃત્યુ તું પોતે નક્કી કરી શકીશ. તું પોતે નક્કી કરીશ કે તારે ક્યારે જીવનનો અંત લાવવો." આ આશીર્વાદનું બળ અને તે જે રીતનો યોદ્ધો હતો, કોઈ તેને લલકારવા નહોતું ઇચ્છતું.

ભીષ્મ પરશુરામ સાથે યુધ્ધ કરે છે

પછી અંબા પરશુરામને શોધે છે. પરશુરામ યુદ્ધાભ્યાસમાં ભીષ્મના ગુરુ હતા, ખાસ કરીને તીરંદાજીમાં. જ્યારે અંબા એ તેમને દંડવત પ્રણામ કર્યા અને પોતાની દુર્દશા વર્ણવી, પરશુરામે કહ્યું," ચિંતા નહિ કર, તારા માટે આનો ઉકેલ હું લાવીશ." તેમણે ભીષ્મને બોલાવ્યા. ભીષ્મ આવ્યા અને દંડવત પ્રણામ કર્યા. પરશુરામે કહ્યું, "બસ હવે! તારી સોગંદ વાળી વાત બહુ થઈ. આ સ્ત્રી સાથે લગ્ન કરી લે." પ્રથમ વખત ભીષ્મએ સામે જવાબ આપ્યો, "તમે મારા ગુરુ છો. તમે મને મારું માથું કાપીને આપવા આદેશ કરશો, તો હું તેમ કરીશ પરંતુ મને મારી પ્રતિજ્ઞા તોડવાનું ના કહેશો. મેં એવી પ્રતિજ્ઞા કરી છે જેને હું તોડી નહિ શકું."

આ એવો સમય હતો જ્યારે લોકો સંપૂર્ણ અસંસ્કૃત સમાજને બદલે શિષ્ટ સમાજની રચના માટે પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નોમાં એક પુરુષનું વચનપાલન ઘણું કિંમતી હતું.

તમે કથામાં ઠેક ઠેકાણે જોશો કે, તેમાં ઘણા પુરુષ પાત્રો છે જે પ્રતિજ્ઞા લે છે - અને ભલે ગમે તે થઈ જાય, જીવન મરણનો પ્રશ્ન આવીને ઊભો રહે,  પ્રતિજ્ઞાનું શું પરિણામ આવશે એની પરવા કર્યા વગર તેઓ તેને નભાવતા. તેનું કારણ એ કે આ એવો સમય હતો જ્યારે લોકો સંપૂર્ણ અસંસ્કૃત સમાજને બદલે શિષ્ટ સમાજની રચના માટે પ્રયત્નશીલ હતા. એ પ્રયત્નોમાં એક પુરુષનું વચનપાલન ઘણું કિંમતી હતું. ત્યારે કોઈ સંવિધાન ન  હતું અને કોઈ દંડના ધોરણ નક્કી નહિ હતા. તે સમયે એક પુરુષનું વચન જ સૌથી વધુ મહત્વનું રહેતું. જો હું કઈંક કહું, તે કરું, અને કોઈ પણ ભોગે તે કરું. જ્યારે કોઈ કાયદો અસ્તિત્વમાં ન હોય ત્યારે એક પુરુષનું વચન જ કાયદો બને છે.

પણ પરશુરામને હુકમના અનાદરની આદત ન હતી. એ પોતે આજ્ઞાંકિતતાનાં અવતાર સમા હતા. જ્યારે તેમના પિતાએ તેમને તેમના બધા ભાઈઓ અને માતાનું માથું વાઢવાની આજ્ઞા કરી, જરા પણ વિચાર્યા વગર તેમણે ચારે ચાર માથા વાઢી દીધા. તેમના પિતા આ આજ્ઞાંકિતતા જોઈ ખુશ થયા અને કહ્યું,"વરદાન માંગ. તને શું જોઈએ છે?" પરશુરામે કહ્યું, "હું મારા ભાઈઓ અને માતાને પુન: જીવિત જોવા ઈચ્છું છું." તેથી તેમના પિતાએ એ સહુને ફરી જીવંત કર્યા.

પોતાના હુકમનો અનાદર પરશુરામ માટે અસ્વીકાર્ય હતો કારણ કે તેઓ પોતે એ પ્રમાણે ઉછર્યા હતા. તેમણે જ્યારે જોયું કે ભીષ્મ આજ્ઞા પાળવા તૈયાર નથી, તે ક્રોધિત થઈ ગયા અને બન્ને વચ્ચે દ્વંદ્વયુદ્ધ થયું - એક અદ્ભુત દ્વંદ્વયુદ્ધ. પરંતુ પરશુરામે ભીષ્મને પોતે જે જાણતા હતા એ બધુ જ શીખવી દીધું હતું અને તે ભીષ્મને હરાવી ન શક્યા. દિવસો સુધી બંને પૂરા ઝનૂનથી લડ્યા અને જ્યારે સમજાઈ ગયું કે બે માંથી કોઈ એક જીતી શકે તેમ નથી, ત્યારે પરશુરામે સખત અણગમાથી અંબાને કહ્યું, "તારે કોઈ બીજાને શોધવા પડશે."

કાર્તિકેય મધ્યસ્થી કરે છે

અંબા હિમાલયની કંદરામાં જતી રહી અને કઠોર તપ કરવા લાગી. તે બરફ છવાયેલા પર્વતની ચોટી પર બેઠી અને શિવનાં પુત્ર કાર્તિકેયની સ્તુતિ કરતાં ઊંડી સાધનામાં સરી પડી, કાર્તિકેય એક મહાન યોદ્ધો હતો. તેના મનથી એમ કે કાર્તિકેય જેવો મહાન યોદ્ધો ભીષ્મને મારી શકે. કાર્તિકેય તેના કઠોર તપથી પ્રસન્ન થઈ પ્રગટ થયા અને જ્યારે અંબાએ કહ્યુ કે,"આપે ભીષ્મને મૃત્યુદંડ આપવો જ જોઈએ" તેમણે જવાબ આપ્યો, "મારો મારવાનો સમય સમાપ્ત થઈ ગયો છે.”

ફરી એક વખત તેણીએ હાર હાથમાં લીધો - કમળ નાં પુષ્પોનો હાર - અને ફરી એક વખત એ નગર નગર, ગામે ગામ ફરી, "કોઈ છે જે આ હારને પહેરવા અને ભીષ્મને મારવા ની હિંમત ધરાવતું હોય?"

તમે કદાચ  આ નહિ જાણતા હોવ તો, કાર્તિકેય દક્ષિણમાં આવ્યા હતા અને  ન્યાય શું છે તેની દુષ્કર ખોજમાં તેમણે  એ સર્વેની  કતલ  કરી  જેમાં તેમની દ્રષ્ટિએ  અન્યાય થયો હોય. તેઓ તે  જગ્યાએ આવ્યા જે આજે કર્ણાટકમાં સુબ્રમણ્ય નામથી પ્રસિદ્ધ છે.
તેમણે છેલ્લી વખત પોતાની લોહી વાળી તલવાર સાફ કરી, "હવે આ તલવાર કયાંરેય લોહી નહિ જુએ." તેમણે હિંસા ત્યજી દીધી અને પર્વત પર જતા રહ્યા જે આજે કુમાર પર્વત તરીકે પ્રખ્યાત છે, અને ત્યાં તેમણે દેહ ત્યાગ કર્યો. તેમની નિર્દેહી અવસ્થામાં, જ્યારે  અંબાએ  તેમને સાદ કર્યો, તેમણે કહ્યું, "હું ભીષ્મને મારી ન શકું પણ તારી વ્યથા અને ભક્તિ જોઈને હું તને વરદાન આપું છું." તેમણે તેણીને કમળના પુષ્પોનો એક હાર આપ્યો અને કહ્યું, "આ હાર લે. જે કોઈ આ હાર પહેરશે તે ભીષ્મને મારશે."

Mahabharat Episode 9: Amba Thirsts For Revenge

હવે હૃદયમાં ભરપૂર આશા લઈને, ફરી એક વખત  અંબા  આ હાર હાથમાં લઈને નીકળી પડી - હાર એને માટે હંમેશા આફતરૂપ રહ્યા છે. પ્રથમ વખત તેણીએ હાર લીધો ત્યારે કઇંક અણધારેલું બની ગયું. ફરી એક વખત તેણીએ હાર હાથમાં લીધો - કમળનાં ફૂલોનો હાર - અને  નગરથી નગર, ગામે ગામ  ફરી,"કોઈ છે જે આ હાર પહેરવા અને ભીષ્મને મારવાની હિંમત ધરાવતું હોય!" પણ કોઈ પુરુષ એને હાથ લગાડવા રાજી ન થયો.

તેણીનું હાર લઈને એકથી બીજી જગ્યાએ રઝળવાનું ચાલુ રહ્યું અને એમ કરતાં તે રાજા દ્રુપદનાં દરબારમાં આવી પહોંચી, પંચાલ દેશનો રાજા દ્રુપદ, જે તે સમયે ભારતવર્ષનું બીજા ક્રમે આવતું સૌથી મોટું સામ્રાજ્ય હતું. પરંતુ દ્રુપદ તો અંબાની નજીક ફરકવા પણ રાજી ન હતા કારણ ત્યાં સુધીમાં અંબાની કીર્તિ બધે પ્રસરી ચૂકી હતી. ભૂતની જેમ એ ગામે ગામ, નગરે નગરે ફરી રહી હતી, ભીષ્મના લોહીને તરસતી. જ્યારે દ્રુપદે એને મળવાની ના પાડી, ફરી એક વાર વિફળ થયેલી તેણે કમળના હારને દ્રુપદના  મહેલના એક થાંભલા પર લટકાવી દીધો અને ફરી પાછી તે હતાશ અને નાસીપાસ થઈને સીધી હિમાલય પહોંચી ગઈ. આ કમળનાં ફૂલ તાજા જ રહ્યા અને દ્રુપદ આ હાર જોઈને એટલો ડરી ગયો હતો, એ કોઈને એને હાથ પણ લગાડવા દેતો નહતો. એ લોકો રોજ દીવો કરીને હારની પૂજા કરતા પણ કોઈ તેને અડતા નહિ,  કોઈને તેની સાથે કોઈ સરોકાર રાખવો ન હતો.

શિવનું વરદાન

અંબાએ હિમાલય તરફનો પ્રવાસ ચાલુ રાખ્યો. ત્યાં એણે કઠોર તપશ્ચર્યા આદરી. ધીમે ધીમે, એક યુવાન સ્ત્રીનું સુંદર શરીર મુરઝાઇને માત્ર હાડકા અને ચામડીનું માળખું થઈ ગયું અને તેણી શિવને પોકારતી ગઈ. શિવે દર્શન આપ્યાં. તેણીએ કહ્યું,"તમારે ભીષ્મને મારવા જ જોઈએ."શિવે જવાબ આપ્યો, "શું એ સૌથી સારું ન હોય કે તું પોતે ભીષ્મને મારી શકે?" અચાનક તેની આંખો ચમકી અને તેણે કહ્યું, "એ કંઈ રીતે શક્ય બને? હું એક સ્ત્રી છું અને તે એક મહાન યોદ્ધા છે. હું તેમને કઈ રીતે મારી શકું?" શિવે જવાબ આપ્યો, "હું તને આશીર્વાદ આપીશ, તારા આવતા જન્મમાં તું તેને મારી શકીશ." પછી અંબાએ કહ્યું, "પણ મારા આવતા જન્મમાં મને આ બધું યાદ નહિ હોય, તેથી બદલો લેવાની મીઠાશ (સંતોષ) હું નહિ જાણી શકું." શિવે કહ્યું, "ફિકર નહિ કર, હું સુનિશ્ચિત કરીશ કે તને યાદ રહે. સમય આવે ત્યારે તને યાદ આવી જશે. બદલો લીધાની મીઠાશ તું અનુભવી શકશે. તેં જેટલું સહન કર્યું છે એના બદલારૂપે તને એ મળશે." તેથી તેણીએ ત્યાં બેઠા જ દેહ ત્યાગ કર્યો, ફરી જન્મ લેવા માટે.

ક્રમશ:...

More Mahabharat Stories

Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower September 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.