સદ્ગુરુ માટીના પુનરોદ્ધારની અગત્યતા વિષે વાત કરે છે તેમજ માટીને બચાવવા માટેની  પદ્ધતિઓ જણાવે છે.

અંદર વાંચો:
૧. માટીની ગુણવત્તા ઓછી થવાના ૩ કારણો
૧.૧ ખેતીનું ઔદ્યોગિકરણ 
૧.૨ માંસાહાર અને ગૌચર
૨. માટીની અધોગતિની ૪ અસરો
૨.૧ મનુષ્યોનું આરોગ્ય બગડે છે
૨.૨ માટીમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ નીચું જાય છે
૨.૩ પૂર અને દુષ્કાળના સંકટ ચક્ર શરૂ થાય છે
૨.૪ ખોરાકની અછત નાગરિક સંઘર્ષ સર્જી કરી શકે છે

માટીની અધોગતિના ૩ કારણો 

#૧ ખેતીનું ઔદ્યોગિકરણ 

સદ્ગુરુ: જ્યારથી આપણે યાંત્રિકી અને ઔદ્યોગિકી પ્રકારની ખેતી કરવાનું શરૂ કર્યું છે ત્યારથી દુનિયાભરની માટીની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું થયું છે. કોઈ પણ માટીને ખેતી માટે યોગ્ય હોવા માટે તેની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ૩થી ૬% જેટલું હોવું જોઈએ. પણ, દુનિયામાં મોટેભાગે તે ૧%થી ઓછું છે. ભારતની ૬૨% માટીમાં જૈવિક દ્રવ્ય ૦.૫%થી ઓછું છે. આવું શા માટે થયું? 

જ્યારે આપણે એક ટન પાક લઈએ છીએ, એનો અર્થ એ કે આપણે જમીનના ઉપલા પડમાંથી એક ટન કાઢી નાખ્યું. તેને પાછું મૂકવાના ઉપાયો શું છે? જ્યારે પશુઓ અને વૃક્ષો ખેતરમાં હતા ત્યારે આપણે કુદરતી રીતે જ તેને પાછું મૂકતાં હતાં કારણ કે, વૃક્ષોમાંથી ખરતાં પાંદડા અને ડાળખાઓ અને પ્રાણીઓના મળમૂત્ર જમીનના ઉપલા પડમાં જૈવિક દ્રવ્યો પાછા મૂકવા માટેનો એકમાત્ર રસ્તો છે. લોકોને લાગે છે કે ટ્રૅક્ટર કામનું છે પણ તે માટીને પશુઓ અને વૃક્ષોની માફક સમૃદ્ધ નહિ કરે.

#૨ માંસાહાર અને ગૌચર 

હાલમાં, દુનિયાની ૫.૧ કરોડ ચો.કિમી જમીન ખેતી માટે વપરાય છે. તેમાંથી, ૪ કરોડ ચો.કિમી જમીન માત્ર પશુપાલન અને ગૌચર માટે વપરાય છે, જે તેના ૭૫% છે. જો તમે માંસાહારને ૫૦% નીચો લાવો તો ૨ કરોડ ચો. કિમી જમીન માટીને પુનર્જીવિત કરવા માટે ઉપલબ્ધ બનશે. આપણે તે માટીને ૮થી ૧૦ વર્ષના ગાળામાં પુનર્જીવિત કરી શકીએ છીએ.

માટીની અધોગતિની ૪ અસરો 

#૧ મનુષ્યોનું આરોગ્ય બગડે છે

ભારતની માટીની સ્થિતિ એટલી ખરાબ છે કે, પૌષ્ટિકતાના સ્તરો આપત્તિજનક રીતે નીચા જઈ રહ્યા છે. ખાસ કરીને ભારતીય શાકભાજીઓની પૌષ્ટિકતાનું પ્રમાણ છેલ્લા ૨૫ વર્ષોમાં ૩૦% જેટલું ઘટી ગયું છે. દુનિયામાં બીજે બધે જ ડૉક્ટરો માંસાહાર છોડીને શાકાહાર અપનાવવાનું કહી રહ્યા છે પણ, ભારતમાં ડૉક્ટરો માંસ ખાવાની સલાહ આપી રહ્યા છે. જ્યારે દુનિયા માંસાહારથી વળીને શાકાહારી જીવનશૈલી તરફ વળવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે આપણે મોટેભાગે શાકાહારી દેશ રહ્યા હોવા છતાં માંસ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે, આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ તેમાં પૂરતું પોષણ નથી. આ આપણે માટીની સંભાળ રાખી નથી તેના કારણે જ છે. માટીના સૂક્ષ્મ પોષકદ્રવ્યો ખૂબ નાટકીય રીતે ઘટી ગયા છે તેમજ ભારતના ૩ વર્ષથી નીચેના ૭૦% બાળકો લોહીની ઉણપવાળા હોય છે.

જો માટીની ગુણવત્તા નબળી પડે તો આપણા શરીરો પણ નબળા પડી જશે – માત્ર પોષણના સંદર્ભમાં જ નહિ, પણ ખૂબ જ મૂળભૂત રીતે.

 જો તમે જંગલમાં જઈને માટી હાથમાં લેશો તો તે જીવનથી ભરપૂર હશે. માટીને તે રીતે જ હોવું જોઈએ. જો માટીની ગુણવત્તા નબળી પડે તો આપણા શરીરો પણ નબળા પડી જશે – માત્ર પોષણના સંદર્ભમાં જ નહિ, પણ ખૂબ જ મૂળભૂત રીતે. આનો અર્થ એ કે, આપણી આગામી પેઢી આપણા કરતા ઉણી ઉતરશે. આપણી આગામી પેઢી આપણા કરતા વધુ સારી હોવી જોઈએ. જો એ આપણા કરતા ઉણી ઉતરશે તો આપણે મૂળભૂત રીતે કંઇ ખોટું કર્યું છે. ભારતમાં મોટા પ્રમાણમાં આમ થઈ રહ્યું છે કારણ કે, માટી તેની તાકાત ગુમાવી રહી છે.

#૨ માટીમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ નીચું જાય છે

સૂક્ષ્મજીવો, અળસિયાઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો તેમજ તમારા અને મારા સહિત આ ગ્રહનું ૮૭% જમીનના ઉપરના ૩૯ ઇંચના પડ ઉપર નભે છે. જમીનનું ઉપરનું પડ દુનિયાભરમાં સરેરાશ આટલું જ છે પણ, છેલ્લા ૭૦ વર્ષમાં થયેલું તેનું અધ:પતન ભયાવહ છે. છેલ્લા ૫૦ વર્ષમાં માટીની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ૮૦% નીચું ગયું છે. આ ખરેખર જીવનનું મૃત્યુ છે! જો આપણે આમ જ ચાલુ રાખીશું તો આ સદીના અંત સુધીમાં જીવજંતુઓ અને અળસિયાઓની ૮૦% જીવ સૃષ્ટિ સમાપ્ત થઈ જવાની આશંકા છે.

“ઠીક છે, અળસિયાઓ મરી જાય તો શી સમસ્યા છે? અમે જીવજંતુઓને બિલકુલ પસંદ નથી કરતા.” આધુનિક જનમાનસનો આવો અભિગમ છે. જો બધાં જ જીવજંતુઓ મરી જાય તો અમુક જ વર્ષોમાં આ ગ્રહ ઉપર આખું જીવન નાશ પામશે. જો બધાં જ અળસિયાઓ મરી જાય તો તમારી પાસે બધું જ નાશ પામતા પહેલા અમુક જ મહિનાઓ છે. જો આજે બધાં જ સૂક્ષ્મજીવો મરી જાય તો આવતીકાલે જ બધું નાશ પામી જશે. જે તમને જીવંત રાખે છે તે બધાં જ સ્તરોએ રહેલી સૂક્ષ્મજીવ સૃષ્ટિ છે. માટીમાં દૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઘટી રહ્યું છે તે એક ઍલાર્મ છે કારણ કે, આપણી આ ગ્રહ પ્રત્યેની સમજણ ખૂબ જ છીછરી છે. જો આ માટીને સમૃદ્ધ બનાવવી હશે તો તો તેને જૈવિક દ્રવ્યોની જરૂર પડશે જે માત્ર પ્રાણીઓના મળમૂત્ર અને વૃક્ષોના ખરેલા પાંદડાઓ અને ડાળખાઓમાંથી આવે છે. 

જો આવતીકાલે બધાં જ મનુષ્યો અદૃશ્ય થઈ જાય તો દસ વર્ષમાં જ પર્યાવરણની દ્રષ્ટિથી આ ગ્રહ અતિ સમૃદ્ધ થઈ જશે. મનુષ્યો આ ગ્રહની સૌથી વિકસિત પ્રજાતિ છે પણ તેઓ આ ગ્રહ માટે મરણતોલ સમસ્યા બની ચૂક્યા છે. આ ગ્રહના અસ્તિત્ત્વ ઉપર કોઈ સંકટ નથી તોળાઈ રહ્યું. આ ગ્રહ જીવી જશે પણ તે માનવજીવન માટે અનુકૂળ નહિ રહે.

#૩ પૂર અને દુષ્કાળનું સંકટ ચક્ર શરૂ થાય છે

ભારતમાં તમે થોડાં વર્ષો પાછળ જોશો તો જ્યાં પણ પૂર આવ્યા હતા ત્યાં ત્રણ મહિનાની અંદર અંદર દુષ્કાળ પડ્યો હતો કારણ કે, ભારતમાં પાણીનો એકમાત્ર સ્ત્રોત વર્ષાઋતુ છે. આપણી નદીઓ, સરોવરો કે કૂવાઓ પાણીના સ્ત્રોત નથી. તેઓ તો વરસાદી પાણી માટે માત્ર એક ગંતવ્ય સ્થાન છે. ખાલી અમુક ટકા ભારતની નદીઓમાં હિમક્ષેત્રોમાંથી પાણી આવે છે. ભારતની નદીઓના માત્ર ૪% જ હિમક્ષેત્રોમાંથી આવે છે, બાકી બધું જ વરસાદી પાણી છે.


છેલ્લા સો વર્ષોમાં ચોમાસામાં થતા વરસાદનું પ્રમાણ બદલાયું નથી. માત્ર ૫૦ વર્ષ અગાઉ ચોમાસા ૭૦ થી ૧૪૦ દિવસના હતા. આજકાલ તે ૪૦ થી ૭૫ દિવસના છે. તેનો અર્થ છે કે પડતો વરસાદ વધુ ભારે હોય છે.

જ્યારે વરસાદી પાણી જમીન ઉપર પડે છે ત્યારે માટી દ્વારા ગળાઈને ભૂગર્ભમાં જમા થાય છે; પણ આપણે બધાં વૃક્ષો હટાવી નાખ્યા હોવાથી તે સપાટી ઉપર જ વહી જાય છે, માટીનું ધોવાણ કરે છે અને પૂર લાવે છે. આમ થઈ રહ્યું છે કારણ કે બધે ખુલ્લા મેદાનો છે. કશે વૃક્ષો નથી. જમીનમાં પાણીનું શોષણ કરવા માટે પૂરતા જૈવિક ઘટકો નથી. જો પાણી જમીનમાં ઉતર્યું હોત તો, કૂવાઓ, સરોવરો અને નદીઓમાં પાણી રહેશે. વરસાદી પાણી જળવાતું નથી જેને કારણે અમુક સમય પછી દુષ્કાળ પડે છે.

માટી એ આ ગ્રહનો સૌથી મોટો બંધ છે. જો તે સાચી સ્થિતિમાં હશે તો માટી બધી નદીઓ ધરાવે છે તેના કરતા ૮૦૦% વધુ પાણી સંગ્રહી કરી શકે છે પણ, માટીની જૈવિક ગુણવત્તાનું અધ:પતન થયું હોવાથી તેની પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ નીચી ગઈ છે.

#૪ ખોરાકની અછત નાગરિક સંઘર્ષ સર્જી કરી શકે છે

ભારતમાં આશરે ૧૬ કરોડ હૅક્ટર ખેતીલાયક જમીન છે પણ, તેમાની ૪૦% જમીન નાશપ્રાય: જમીન છે. તેનો અર્થ એ કે આગામી ૨૫ વર્ષના સમયમાં આપણે આ દેશ માટે જરૂરી ખોરાક નહિ ઉગાડી શકીએ. જ્યારે ખોરાક અને પાણી નહિ હોય ત્યારે નાગરિક સંઘર્ષ થશે અને તે દેશને અનેક રીતે તોડી નાખશે. દેશના ગામડાઓ, જ્યાં પાણી તદ્દન સમાપ્ત થઈ જાય છે ત્યાંથી લોકો શહેરો તરફ દોટ મૂકશે. આ સ્થિતિ બહુ દૂર નથી. કોઈ પણ પ્રકારની છત વિના તેઓ રસ્તાઓ ઉપર બેસી રહેશે પણ ક્યાં સુધી? જ્યારે કોઈ ખોરાક અને પાણી નહિ હોય ત્યારે તેઓ ઘરમાં ઘૂસી જશે. હું કોઈ દુર્ઘટનાની ભવિષ્યવાણી કરનારો નથી પણ, જો આપણે અત્યારે કંઇ મોટું નહિ કરીએ તો આગામી ૮ થી ૧૦ વર્ષમાં આપણે આ રીતેની પરિસ્થિતિઓ જોઈશું.

તંત્રીની નોંધ: કૉન્શિયસ પ્લૅનેટ એ માટી અને ગ્રહ પ્રત્યે જાગરૂક અભિગમ લાવવા માટેની વિશ્વવ્યાપી ચળવળ છે. તમારા સમય, કૌશલ્ય અને પ્રયત્નો માટીને બચાવવા અને જાગરૂક વિશ્વ બનાવવા માટે ખૂબ મૂલ્યવાન છે. તમે જે પણ રીતે સહાય કરી શકતા હો તે રીતે સહાય કરો – એક અર્થ બડી તરીકે, પ્લૅનેટ ચૅમ્પિયન તરીકે અથવા તો કૉન્શિયસ પ્લૅનેટ ટીમના સદસ્ય તરીકે!