સદગુરુ:આયોજિત લગ્ન ખોટી પરિભાષા છે કારણકે બધા લગ્નો આયોજિત હોય છે. કોણ આ ગોઠવે છે એ જ પ્રશ્ન છે. તમારાં માતા-પિતા આયોજન કરે કે મિત્રો કે વ્યવસાયિક વેબસાઈટ કે ડેટિંગ એપ કે તમે પોતે આયોજિત કરો- કોઈ પણ રીતે તે એક આયોજન છે.

મેં સરળ પ્રશ્ન પૂછ્યો,"તમે છોકરી સાથે લગ્ન કરવા માંગો છો કે કોઈની સંપત્તિ સાથે?"

એવો ખ્યાલ કે આયોજિત લગ્ન કોઈ પ્રકારની ગુલામી છે તે ત્યાં શોષણ છે કે નહિ તેના પર આધારિત છે. શોષણકારી લોકો દરેક જગ્યાએ છે. કોઈવાર તમારા માતાપિતા પોતે પણ શોષણકારી હોઈ શકે - તેઓ પોતાના ઉદેશ્યો જેમ કે પ્રતિષ્ઠા, તેમની સંપત્તિ તેમની નાસમજી માટે કાર્યો કરતા હોઈ શકે.

હમણાં કોઈએ મને તેમના પુત્ર માટે કન્યા પસંદ કરવા અંગે પૂછ્યું. એક છોકરી ભણેલી ગણેલી અને સુંદર છે પણ બીજી છોકરીનાં પિતા ધનવાન છે. તેઓએ મને પૂછ્યું કે કોની પસંદગી કરવી. મેં એક સરળ પ્રશ્ન પૂછ્યો, "તમારે છોકરી સાથે લગ્ન કરવાં છે કે કોઈની સંપત્તિ સાથે?" તમારી પ્રાથમિકતા કઈ છે તેના પર તે આધાર રાખે છે. જો તમારી પ્રાથમિકતા એવી છે કે કોઈની સંપત્તિ લગ્ન કરવાથી તમારી થઇ જાય અને ફક્ત એજ તમારાં માટે અગત્યનું હોય, તો તે ઠીક છે. તમે એ પ્રકારનું જીવન પસંદ કર્યું છે.

આયોજિત લગ્ન અને છુટાછેડાનો દર

કોઈ વસ્તુની સફળતા તેના પરિણામમાં હોય છે. એક નાનકડો દેશ - લક્સમબર્ગ જેને આર્થિક રીતે સૌથી સમૃધ્ધ અને મુક્ત સમાજ તરીકે ગણવામાં આવે છે, ત્યાં છૂટાછેડાનો દર ૮૭% છે. સ્પેનમાં છૂટાછેડાનો દર ૬૫%ની આસપાસ છે, રશિયા ૫૧%, અમેરિકા ૪૬% . ભારતનો દર :૧.૫%. તમે નિર્ણય કરો કઈ વસ્તુ ઉત્તમ કામ કરે છે.

લોકો કદાચ કહેશે કે અહિયાં છૂટાછેડાનો દર સામાજિક લાંછનને કારણે નીચો છે, પરંતુ ચોક્કસપણે કેવી રીતે લગ્ન આયોજિત થયા છે તે પણ અગત્યનું પરિબળ છે.

તમે દુનિયામાં શ્રેષ્ઠ પુરુષ કે સ્ત્રી શોધી ન શકો કારણકે આપણે નથી જાણતા કે તેઓ ક્યાં છે!

જયારે માતાપિતા લગ્ન આયોજિત કરવા પાછળ હોય ત્યારે સફળતાનો દર થોડો વધારે સારો હોય છે કારણકે તેઓ લાંબા ગાળાનું વધારે વિચારશે. તમે કદાચ છોકરીના પહેરવેશ ગમવાથી આજે લગ્ન કરવા ઇચ્છતા હો. તો, કાલે સવારે તમે કદાચ સમજશો કે તમારે તેની સાથે કઈ લેવાદેવા નથી! જયારે તમે વીસ વરસનાં હો ત્યારે ઘણી મજબૂરીઓ કે મિત્રોના દબાવમાં એવા નિર્ણયો લો જે કદાચ આજીવન ના ટકે. અલબત્ત કોઈવાર તમે કોઈની સાથે ખરેખર જોડાઈ જાવ અને તે સફળ રહે તે અલગ બાબત છે.

બધું જ આયોજિત કરેલું છે. તમે તેના વિષે ઘણીબધી વસ્તુઓ વિચારી શકો છો, પરંતુ તે તમારી ભાવના, તમારી લાલચ કે કોઈ બીજાથી આયોજિત કરેલા હોય છે. તે એક આયોજન હોય છે. તેને જવાબદાર અને સમજદાર લોકો જે તમારી ખુશહાલી માટે સૌથી વધુ સંબંધિત હોય અને જેમની પહોંચ વધારે હોય, તેમના દ્વારા કરવામાં આવે તે ઉત્તમ છે. તમે દુનિયામાં શ્રેષ્ઠ પુરુષ કે સ્ત્રી શોધી ન શકો કારણકે આપણે નથી જાણતા કે તેઓ ક્યાં છે! આપણી પાસે જે સિમિત સંપર્કો છે તેના દ્વારા આપણે કંઈક એવું આયોજિત કરી શકીએ જે એકંદરે સારું હોય. બસ એટલું જ.

જો યુવાન પુરુષ કે સ્ત્રી લગ્ન કરવા માંગતા હોય તો તેઓ કોની સાથે લગ્ન કરશે? તેમના સંપર્કો બહુ સીમિત હોય છે. જે ૧૦ વ્યક્તિઓને તેઓ જીવનમાં જાણે છે તેમાંથી એક છોકરા કે છોકરી સાથે તમે લગ્ન કરશો. ૩ મહિનાની અંદર તમે જાણી જશો કે તે ખરેખર શું છે. પણ મોટાભાગના દેશોમાં કાયદો છે કે જો તમે ભૂલ કરો તો છૂટાછેડા લેતા પહેલાં ઓછામાં ઓછા ૨ વર્ષ તમારે પીડા ભોગવવી જ પડશે. એ જેલની અવધિ જેવું છે. તો, ઘણા ધર્મોએ નક્કી કરી નાખ્યું છે કે તમે છૂટાછેડા ન આપી શકો, એ તદ્દન ખોટું છે. પણ જ્યાં આવા ધર્મો પાળવામાં આવે છે ત્યાં છૂટાછેડાનો દર સૌથી ઉંચો છે! ભગવાનનું ફરમાન કે કાયદો બ્રેકઅપને રોકી નથી શકતા.

જયારે માતાપિતા લગ્ન આયોજિત કરે છે ત્યારે તેમનો નિર્ણય કદાચ શ્રેષ્ઠ ન હોય પણ એકંદરે તમારું હિત જ તેમના મનમાં હોય છે. જો તમે તમારા માતાપિતાના નિર્ણયો કે પક્ષપાતથી વિશેષ પરિપક્વ થઇ ગયા હો તો તે અલગ વાત છે - હવે તમે પોતાના નિર્ણયો જાતે લઇ શકો છો.

તમારા લગ્ન જવાબદારીપૂર્વક નિભાવો

જયારે મેં લગ્ન કર્યા ત્યારે મને મારી પત્નીનું પૂરું નામ ખબર ન હતી.હું તેના પિતાનું નામ જાણતો ન હતો. હું તેની જ્ઞાતિ જાણતો ન હતો. જયારે મેં મારા પિતાને કહ્યું કે હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું, તેઓએ કહ્યું, "શું? તું તેના પિતાનું નામ નથી જાણતો? તેઓ કોણ છે કે કેવા છે તે તું નથી જાણતો? તું તેની સાથે લગ્ન કેવી રીતે કરી શકે?”

જો તમે પોતાને આનંદિત અને અદ્ભૂત વ્યક્તિ બનાવો તો તમે જોશો કે તમારું કામ, ઘર અને લગ્ન અદ્ભૂત બની જશે. બધું જ અદ્ભૂત બની જશે કારણકે તમે પોતે અદભુત છો.

મેં કહ્યું,"હું ફક્ત તેની સાથે લગ્ન કરી રહ્યો છું, હું તેણીની સાથે આવતી બીજી ઘણી વસ્તુઓ સાથે લગ્ન કરવાનું આયોજન નથી કરી રહ્યો.બસ એટલું જ." હું તેણીની ક્ષમતા અને તે શું લાવશે તેના અંગે સંપૂર્ણ સ્પષ્ટ હતો, અને તેણી અમે મળ્યા ત્યારથી પ્રેમમાં પાગલ હતી. જોકે મેં જીવનમાં કદી કોઈની સલાહ નથી લીધી, પોતાને જાતે જ સલાહકાર માનવા વાળા લોકોએ મને કહ્યું કે, "તું તારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી રહ્યો છો, આ સદંતર નિષ્ફળ થવાનું છે." મેં કહ્યું,"જે પણ થાય, જે કઈ રીતે એ બને, એ મારા ઉપર છે કે હું તેને આફત બનાવું છું કે સફળતા." હું આટલું જાણતો હતો.

કારણકે તમે કોની સાથે લગ્ન કરો, કેવી રીતે લગ્ન કરો, કઈ રીતે તેને આયોજિત કરવામાં આવ્યા કે કોણે તેને આયોજિત કર્યા તે અગત્યનું નથી. તમે કેટલા જવાબદારીપૂર્વક જીવો છો - બસ તે જ મહત્વનું છે. કેવી રીતે લગ્નનું આયોજન કરવું એ તમારી પસંદગી છે. હું એવું નથી કહેતો કે આ કે પેલો રસ્તો સાચો છે, પણ કોઈ પણ રીતે તમે કરો, મહેરબાની કરીને તેને જવાબદારીપૂર્વક અને આનંદિત રહીને નિભાવો. તમારે એ સમજવું જોઈએ કે તમે તમારી શારિરીક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને બીજી જરૂરિયાતને પુરી કરવા મળી રહ્યા છો. જો તમે હંમેશા યાદ રાખો કે, "મારી જરૂરિયાતને પુરી કરવા હું તારી સાથે છું", તો તમે આને જવાબદારીપૂર્વક નિભાવશો.

જો શરૂઆતમાં તમે આ સમજતા હો, પણ થોડા સમય પછી તમે વિચારો કે તેને કે તેણીને મારી જરૂર છે તો તમે બેફામ વર્તન કરવા લાગશો અને સ્વાભાવિકપણે સંબંધમાં કુરૂપતા ઘણી રીતે શરુ થઇ જશે.

આવું બનેલું. એક યુવાન પુરુષ અને યુવા સ્ત્રીની સગાઇ થઇ. જયારે તેણીની આંગળીમાં વીંટી સરકાવી ત્યારે યુવાન સ્ત્રીએ તેને કહ્યું,"તું તારું દુઃખ, તારો સંઘર્ષ વહેંચવા મારો આધાર લઇ શકે છે. જે કોઈ પીડામાંથી તું પસાર થઇ રહ્યો હોય, તું હંમેશા તેને મારી સાથે વહેંચી શકે છે."

યુવાને કહ્યું,"પણ, મારી પાસે કોઈ સંઘર્ષ, પીડા કે સમસ્યા નથી."

તેણીએ કહ્યું,"પણ આપણાં લગ્ન હજુ સુધી નથી થયા."

જો તમે વિચારતા હો કે તમે પીડા, સંઘર્ષ અને સમસ્યાથી ભરચક છો અને ટેકો લેવા કોઈની જરૂર છે તો મુશ્કેલી સર્જાશે. તમે જાણો છો કે તેઓ કહે રાખે છે કે લગ્ન સ્વર્ગમાં નક્કી કરવામાં આવે છે. પણ તમે પોતાની અંદર નર્ક બનાવી રહ્યા છો. જો તમે એવું વિચારતા હો કે કોઈ બીજી વ્યક્તિ તમને ઠીક કરી દેશે તો સમસ્યા સર્જાશે અને સ્વાભાવિકપણે દુઃખદ પરિણામો બીજી વ્યક્તિ માટે પણ હશે.જો તમે પોતાને આનંદિત અને અદ્ભૂત વ્યક્તિ બનાવો તો તમે જોશો કે તમારું કામ, ઘર અને લગ્ન અદ્ભૂત બની જશે. બધું જ અદ્ભૂત બની જશે કારણકે તમે ખુદ અદભુત છો.

 

સંપાદકની નોંધ: શું તમે ખુદને અદ્ભૂત વ્યક્તિ બનાવા માંગો છો પણ નથી જાણતા કે કેવી રીતે? ઇનર એન્જિનિરીંગ ઓનલાઇન કોવીડ યોધ્ધાઓ માટે નિઃશુલ્ક અને અન્ય લોકો માટે ૫૦% છૂટ સાથે ઉપલબ્ધ છે.