પ્રશ્ન: સદ્‍ગુરુ, અમુક ચોક્કસ અભ્યાસોને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી કરવાનું શું મહત્ત્વ છે?

સદ્‍ગુરુ: સૂર્ય નમસ્કાર અને શિવ નમસ્કાર જેવા યોગ અભ્યાસો સંધ્યાકાળ દરમિયાન એટલે કે રાત અને દિવસ જ્યાં મળે છે તે સમય દરમિયાન થવા જોઈએ. આ સૂર્યોદય અને સૂર્યાસ્તના સંધ્યાકાળ દરમિયાન દરેક વસ્તુ સતત પ્રવાહની સ્થિતિમાં હોય છે. જો તમે આ સમય દરમિયાન અભ્યાસ કરો તો તમારી પોતાની મર્યાદાઓને ઓળંગી જવાની ક્ષમતા વધુ સારી થશે કારણ કે, તમારી જીવન ઊર્જાઓ પ્રવાહની સ્થિતિમાં હોય છે. આ તેનો એક આશય છે.

શું તાપમાનનો પારો ઊંચો છે? ના, આ શ્રેષ્ઠ સમય નથી!

બીજો આશય છે કે આ દરેક અભ્યાસ અમુક પ્રકારની ઉષ્ણતા ઉત્પન્ન કરે છે. ઉષ્ણતા એટલે તાપમાનના સંદર્ભમાં નહિ – તે માનવ સિસ્ટમને નિયંત્રિત રાખનારા ત્રણ પાસાઓ ઉષ્ણ, શીત અને પિત્તમાંનું એક પાસું છે. જો તમારી અંદર વધુ પડતી ઉષ્ણતા હોય અથવા તો બીજા શબ્દોમાં તમારો સમત્પ્રાણ વધુ હોય તો તમને તમારું શરીર ગરમ લાગશે પણ, જો તમે તમારું તાપમાન માપશો તો એ સામાન્ય હશે. ઉષ્ણતા એટલે તાવ નહિ – એ એક આનુભવિક ગરમી છે.

યોગ ભારતના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં વિકસિત થયો હોવાથી અમે હંમેશા કહ્યું છે કે દરેક યોગાભ્યાસ સવારે ૮:૩૦ પહેલા અને સાંજે ૪:૦૦ કે ૪:૩૦ પછી જ કરવો.

સમત્પ્રાણ અથવા સમાનવાયુ શરીરમાં તાપમાન જાળવી રાખે છે. એક યોગીને હંમેશા તેનું શરીર હળવું ગરમ રાખવું હોય છે કારણ કે, તાપમાન એ તીવ્રતા અને ગતિશીલતા પણ દર્શાવે છે. શરીર અમુક સ્તર કરતા ઠંડુ પડી જાય તો તે સિસ્ટમમાં એક પ્રકારની જડતા ઉપજાવે છે. લગભગ દરેક અભ્યાસ તમને સામાન્ય રીતે લોકો જીવે છે તેના કરતા થોડા ઉચ્ચ પરિમાણોમાં લઈ જવા માટે છે. ઉચ્ચ પરિમાણ એટલે ચયાપચયની ક્રિયા(મૅટાબોલિઝમ)ના ઉચ્ચ સ્તર નહિ. જો ચયાપચય ઊંચું જાય તો તે તમને શારીરિક રીતે થકવી નાખશે.

જ્યારે તમારી ઊર્જાઓ ઉચ્ચ સ્તરોમાં હોય છે ત્યારે તમારું શરીર સરળતાપૂર્વક અને અલગ રીતે કાર્ય કરશે. અમે આ તમારી આગળ ત્રણથી છ અઠવાડિયાની અંદર સાબિત કરી શકીએ છીએ – જો તમે અમુક સાધનાઓ કરીને તમારી ઊર્જાઓને અમુક સ્તર સુધી લઈ આવો તો તમારા શારીરિક પરિબળો સ્થાયી થઈ જશે અને સરળ ગતિએ કાર્ય કરશે. જ્યારે તમારી ઊર્જાઓ ઓછી હોય છે ત્યારે તમારું શરીર જીવનપ્રક્રિયાને ચાલુ રાખવા માટે ઉચ્ચ ગતિ તરફ જાય છે, જે સિસ્ટમનો ક્ષય કરશે. જો તમારા શારીરિક કાર્યો અમુક ગતિથી ચાલે તો તમારું મન ગાંડું થઈ જશે અને સૌથી વધુ તે તમારું આયુષ્ય ઘટાડશે.

યોગાભ્યાસ કરવાથી અમારી ઉષ્ણતામાં વધારો થશે તે વિષે અમે જાગૃત છીએ. જો બહારનું તાપમાન વધુ હોય અને ઉષ્ણતા અમુક હદ કરાતા વધી જાય તો તે કોષિય સ્તર પર ક્ષતિ પહોંચાડશે. તેથી જ યોગાભ્યાસને હંમેશા દિવસના ઠંડા સમયગાળા દરમિયાન જ કરવામાં આવે છે. દિવસ અને રાત્રિ વચ્ચે એક પ્રકારનો સંક્રમણકાળ હોય છે જે સિસ્ટમમાં ઘર્ષણને ઘટાડે છે અને તેથી જ, અભ્યાસ ઓછી માત્રામાં ઉષ્ણતા ઉત્પન્ન કરશે. યોગ ભારતના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં વિકસિત થયો હોવાથી અમે હંમેશા કહ્યું છે કે દરેક યોગાભ્યાસ સવારે ૮:૩૦ પહેલા અને સાંજે ૪:૦૦ કે ૪:૩૦ પછી જ કરવો.

સંધ્યાકાળ – યોગ અને ધ્યાન કરવા માટેના ઉત્તમ સમય

મોટું ચિત્ર જોવા માટે અહીં ક્લિક કરો

યોગાભ્યાસ દ્વારા તમે તમારી જાતને ફરીથી ઘડો છો. તમને તમારા માતાપિતા માટે ખૂબ માનસન્માન અને આદરભાવ હોઈ શકે પણ, તમારે માત્ર જેવા તેઓએ તમને ઘડ્યા છે અથવા તેઓ પોતે જેવા છે તેવા જ નથી બની રહેવું. તમારે કંઇક અલગ બનવું છે અથવા કંઇક વધુ બનવું છે. જો તમે માત્ર શારીરિક અને ભાવનાત્મક રીતે જ પોતાને ફરીથી ઘડો તો તમારા જીવનમાં કોઈક સ્તરે તમે પાછા નીચે પડી જશો. એવા લોકો હશે કે, ધારોકે ૧૮ વર્ષની વયે તેઓ “અશક્ય છે!” કહીને તેમના માતાપિતા આગળ બળવો કરે છે પણ, ૪૫ વર્ષેની વયે તેમની ચાલવાની ઢબ, વાત કરવાની ઢબ અને વર્તન તેમના જેવા જ થઈ જાય છે કારણ કે, માનસિક પરિવર્તનો તેટલે સુધી જ આવે છે.

જો તમારે ભવિષ્યના મનુષ્ય બનવું હોય તો તમે જે છો તેની મૂળભૂત વસ્તુઓને ફરીથી ઘડવી ખૂબ જ જરૂરી છે. અમે યોગાભ્યાસો દ્વારા તે જ કરવાનો પ્રયત્ન કરા રહ્યા છીએ – અમારે પોતાને તદ્દન અલગ રીતે ફરીથી ઘડવા છે.

વર્તનમાં કરેલા પરિવર્તનો લાંબા નહિ ટકે. થોડા સમય બાદ, જેમ જીવનના સંજોગો બદલાય છે અને તમે ઓછા જાગૃત બનો છો તેમ તમે પાછા નીચે પડો છો. જો તમે એમ કહો કે, તમે જેવા છો એવા એટલા માટે છો કારણ કે, તમારા પિતા એવા હતા અથવા એ તમને વારસાગત છે તો તમે કહી રહ્યા છો કે, તમે ભૂતકાળનો જીવ છો. જો તમારે ભવિષ્યના માનવી બનવું હોય તો તમારી મૂળભૂત વસ્તુઓને ફરીથી ઘડવી ખૂબ જ જરૂરી છે. અમે યોગાભ્યાસો દ્વારા આ જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ – અમારે પોતાને તદ્દન અલગ રીતે ફરીથી ઘડવા છે.

યોગાભ્યાસ કરવાનો સૌથી ઉત્તમ સમય સંધ્યાકાળ છે જ્યારે આ ગ્રહની ઊર્જાઓ અમુક પ્રકારના પરિવર્તનમાંથી પસાર થાય છે અને સિસ્ટમની અંદર ઘર્ષણ મોટા પ્રમાણમાં નીચું આવે છે. જે તમારી જાતને ખૂબ જ સરળતાપૂર્વક ફરીથી ઘડવામાં મદદરૂપ છે. તેના બીજા પાસાં પણ છે છતાંય, યોગનો અભ્યાસ સવારે અને સાંજે જ કરવો જોઈએ તેના આ બે સૌથી મૂળભૂત કારણો છે.

બ્રહ્મ મુહુર્ત – આધ્યાત્મિક પ્રક્રિયાઓ કરવાનો શ્રેષ્ઠ સમય​

જો તમે અત્યંત તીવ્ર આધ્યાત્મિક પ્રગતિ ઇચ્છતા હોવ તો, તમારે તમારો અભ્યાસ સૂર્યોદય પહેલા કરી લેવો જોઈએ, સામાન્ય રીતે તેનો અર્થ એ છે કે તમારે બ્રહ્મ મુહુર્તથી શરૂઆત કરવી જોઈએ, જે રાત્રિનો છેલ્લો પ્રહર છે – સવારે ૩:૩૦ થી ૫:૩૦ અથવા ૬:૦૦ સુધી અથવા સૂર્યોદય પહેલા. આ સમય દરમિયાન જો તમે તમારા યોગાભ્યાસો અમુક રીતે કરો તો એક ચોક્કસ પ્રક્રિયા માટે તમે કુદરતી રીતે જ જાગૃત થઈ શકો છો. જો તમે યોગાસન કરો છો, એકવાર પહેલા તમારું શરીર આ ગ્રહ સાથે તાલમેલ બેસાડે તો દરરોજ સવારે તમે તમારી મેળે જ ૩:૨૦થી ૩:૪૦ની વચ્ચે ઊઠી જશો.

જો તમારે તમારી ભૌતિક પ્રકૃતિને ઓળંગીને આપણે જેને આધ્યાત્મિક કહીએ છીએ તેવા પરિમાણો વિષે જાણવું હોય તો બ્રહ્મ મુહુર્ત યોગાભ્યાસ કરવા માટે શ્રેષ્ઠ સમય છે.

હું આ કબૂલાત નથી કરતો પણ મારા માટે આ ગર્વનો વિષય છે – જ્યારે હું બાળક હતો અને થોડો મોટો થયો ત્યાં સુધી, કંઇ પણ થઈ જાય હું સવારે ઊઠી શકતો જ નહોતો. પરિવારના લોકોએ મને ઊઠાડવા એક કલાકની મહેનત કરવી પડતી. થોડા સમય પછી તેઓએ મને ઊઠાડવાનો છોડી દીધો કારણ કે આટલી મહેનત પછી પણ હું સૂએ જ રાખતો. મને ઝંઝોડવાથી કોઈ ફરક પડતો નહિ તેથી તેઓ મને બેઠો કરતા – હું બેઠો થઈને ફરી સૂઈ જતો.

પછી તેઓ મને પલંગની બહાર કાઢી દેતા. મારી મા મને બ્રશ ઉપર ટૂથપેસ્ટ લગાડીને આપતી. હું તેને મોઢામાં મોકીને પાછો સૂઈ જતો. બ્રશ કર્યા પછી તે કહેતી, “નિશાળે જતા પહેલા નાહી લે.” હું બાથરૂમમાં જઈને ત્યાં બેઠો બેઠો સૂઈ જતો. એકવાર હું જાગી ગયો હોઉં પછી તમે મને રોકી નહિ શકો પણ, મને ઊઠાડવો એ કંઇ અલગ હતું. જ્યારે મને ખૂબ જ ભૂખ લાગી હોય ત્યારે જ હું ઊઠતો – નહિ તો, મને કશું જ ઊઠાડી શકતું નહિ.

મેં ૧૧ વર્ષની વયે યોગનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને તેના ૧૨ થી ૧૮ મહિનાઓની અંદર અંદર જ મેં ઊઠી જવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈને તે આમ જ છે, જ્યારે હું સવારે ઊઠીને સમય જોઉં ત્યારે તે ૩:૪૦ જ હોય. હું રાત્રે કેટલા વાગ્યે સૂતો હતો તેના આધારે ઊભો થઈ જાઉં અથવા કદાચ ફરીથી સૂઈ જાઉં પણ, દરરોજ હું દુનિયાના કોઈ પણ ટાઇમ ઝોનમાં હોઉં, એક ક્ષણ માટે તો હું ઊભો થાઉં જ કારણ કે એક વાર તમે તમારી સિસ્ટમ સાથે અમુક વસ્તુઓ કરો પછી તમારી સિસ્ટમ આ ગ્રહ સાથે તાલમેલમાં આવી જાય છે. ૩:૪૦ એવો સમય નથી જે કોઈ વ્યક્તિ સાથે લઈને આવી હોય. માનવ સિસ્ટમમાં એવું કંઇક છે જે આ ગ્રહ સાથે જોડાયેલું છે અને તે તમને જગાડે છે.

બ્રહ્મ મુહુર્ત યોગ અભ્યાસ કરવા માટે શ્રેષ્ઠ સમય છે જો તમે તમારા ભૌતિક સ્વભાવને ઓળંગીને આપણે જેને આધ્યાત્મિક કહીએ છીએ તેવા પરિમાણોને જાણવા ઇચ્છો છો પણ, જો તમે માત્ર શારીરિક સ્વાસ્થ્ય ઇચ્છતા હોવ તો સૂર્યોદય સમયનો સંધ્યાકાળ શ્રેષ્ઠ સમય છે.