મહાભારત અંક ૩૪: વિદુર સ્પષ્ટપણે વિરોધ કરે છે.
કુરુ રાજસભામાં દ્રૌપદીના અપમાન સમયે વિદુરે સવિનય પણ મક્કમતાપૂર્વક પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, તે ફરીથી તેના ભાઈ ધૃતરાષ્ટ્ર પાસે આવે છે અને દુર્યોધન તથા કર્ણને કામ્યક્ વનમાં, જ્યાં પાંડવો નિ:શસ્ત્ર હતા ત્યાં શિકાર કરવા જવાથી રોકવા કહે છે.
હમણાં સુધી શું બન્યું: પાંડવોએ તેમનો બાર વર્ષનો વનવાસ પ્રારંભ કર્યો. દુર્યોધન અને કર્ણ આ તકનો લાભ લઈને તેમને હણી નાખવાની યોજના ધડે છે. તે માટે તેઓ ધૃતરાષ્ટ્રની પરવાનગી માંગે છે. વિદુર તે યોજના વિષે સાંભળે છે.
ધૃતરાષ્ટ્રના બાળપણથી જ વિદુર તેનો સક્ષમ આધાર રહ્યો હતો. આથી, ભાઈ હોવાને કારણે અને આજીવન તેના ડહાપણને કારણે વિદુર બીજા લોકો ન કરી શકે તે રીતે ધૃતરાષ્ટ્ર સાથે વાત કરી શકતો હતો. વિદુરે તેને કહ્યું, “આ આપણે માટે અશોભનીય છે. પહેલેથી જ આ મહેલ પાપોથી એટલો ભરાઈ ચૂક્યો છે કે, હું અહીં જમી પણ શકતો નથી. પણ હવે આ છોકરાઓનો વનમાં તેમનો પીછો કરીને તેમને મારી નાખવાનો જે ઇરાદો છે, તે કોઈ પ્રકારે સ્વીકાર્ય નથી. તેની પરવાનગી અપાઈ શકે નહિ. હું આપને કહું છું કે, આપના પુત્રો શાંત રહે તેમ નથી. તેઓ જરૂર કશુંક કરવા ધારે છે.
એક કામ કરો: પાંડવોને પાછા બોલાવી લો અને તેમને તેમનું અડધું રાજ્ય તેમને પાછું સોંપી દો. તેમને બધું ભૂલી જવા કહો. પાંડવો દેવતા પુત્રો હોવાને કારણે ઘણા સુસજ્જ છે અને મોટા ભાગના રાજાઓની સહાનુભૂતિ પણ તેમની સાથે છે. સહુથી મહત્વનું તો એ છે કે કૃષ્ણ તેમની સાથે છે. જો આપણે યુદ્ધ કરીએ તો આપણે સહુનું મૃત્યુ નક્કી છે. આ બાબતમાં કોઈ ભ્રમ રાખવા જેવો નથી. મારી વાત માનો, અત્યારે પરિસ્થિતિ જેવી પણ લાગતી હોય, જ્યારે ખરેખર યુદ્ધ થશે ત્યારે અર્જુન દેવતાની જેમ ઊભો થઈને સહુને હરાવી દેશે. તમે તેમને કાલે પાછા બોલાવી લઈને રાજ્ય સોંપી દો તે સહુના હિતમાં રહેશે.”
ધૃતરાષ્ટ્રએ આ બધું સાંભળ્યું અને પછી બોલ્યા, “તું પાંડવોના વખાણ કરતા કદી થાકતો કેમ નથી? હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે તું પાંડુના પુત્રોની તરફદારી કરે છે અને તને મારા પુત્રો તરફ દ્વેશભાવ રાખે છે. મારા પુત્રએ જે જીત્યું છે તે હું તેને પાછું આપી દેવા કઈ રીતે કહું, તે જુગારમાં એ બધું ધર્મસંગત રીતે જીત્યો છે.”
વિદુરે જવાબ આપ્યો, “તમે ખૂબ સારી રીતે જાણો છો કે તે પાસાઓ મંત્રેલા છે, તમે ખૂબ સારી રીતે જાણો છો કે શકુનિ કપટી છે, તમે એ પણ સારી રીતે જાણો છો કે યુધિષ્ઠિરને પાસાની રમતનું કોઈ જ્ઞાન નથી. આ બધું જાણવા છતાં તમે દ્યૂતક્રીડાની પરવાનગી આપી અને હવે તમે ધર્મની વાત કરી છો. એ શબ્દનો ઉપયોગ ન કરો.
“જે દિવસે તમે લાક્ષાગૃહ બનાવવાની અને તેને આગ લગાડવાની મંજૂરી આપી હતી તે દિવસે જ તમે તમારી વિશ્વસનીયતા ગુમાવી દીધી હતી. જો તમે પોતાને માટે, તમારા પુત્રો માટે અને કુરુસામ્રાજ્ય માટે કશું પણ જીવંત રાખવા માંગતા હો, તો પાંડવોને પાછા બોલાવી લો. તેમને તેમનો હિસ્સો આપી દો, તમારા પુત્રો પાસે તમારું સામ્રાજ્ય રહેવા દો, તેમને શાંતિપૂર્વક રહેવા દો અને આપણે કોઈક રીતે પાંડવો પાસેથી એ વચન લઈ લઈશું કે તેઓ કદી આપણી સાથે યુદ્ધ કરવાનો પ્રયત્ન ન કરે. તેમ કરવાથી આપણે સલામત રહીશું - તમારા પુત્રો તેમનું પૂરું જીવન જીવશે. નહીં તો જે ક્ષણે પાંડવો પાછા ફરશે તે ક્ષણે તમારા પુત્રોનું મૃત્યુ નક્કી જ હશે.”
ધૃતરાષ્ટ્રને આ સાંભળીને ચીડ આવી ગઈ - આ તેને માટે નવું ન હતું. તેને તો હંમેશા કોઈને કોઈ વાતની ચીડ રહેતી હતી. તેણે કહ્યું, “તારી વાતો મેં બહુ સાંભળી. જો તારે માટે પાંડુના પુત્રો મારા પુત્રો કરતા એટલા વધુ મહત્વના હોય તો, જા! તું મને કોઈ કામનો નથી.”
વિદુરે કહ્યું, “તમે મારી સાથે આનાથી ઉત્તમ કંઇ નહિ કરી શકો.” તેણે પ્રણામ કર્યા અને ત્યાંથી નીકળી ગયો. તેણે પોતાની પત્ની અને ઘરમાં રહેતી કુંતી માટે વ્યવસ્થા કરી અને ખુશીથી વનમાં જવા નીકળી ગયો, જ્યાં તે પાંડવોને મળ્યો. વિદુરે તેમને આશ્લેષમાં લીધા અને સહુ રડી પડ્યા. જ્યારે બધું ભાવનાત્મક કાર્ય પૂર્ણ થયું ત્યારે તેમણે તેને પૂછ્યું કે તેઓ વનમાં શા માટે આવ્યા હતા. વિદુરે કહ્યું, “હું તમારી સાથે રહેવા આવ્યો છું. હસ્તિનાપુરમાં હવે મારે માટે કશું નથી. હું જાતે મારા ભાઈને છોડી શકતો ન હતો, પણ હવે મારા ભાઈએ જ મને જતા રહેવા કહ્યું, તેથી હવે હું મુક્ત છું. આખરે મને એ વાતની ખુશી છે કે હવે ત્યાં જે પાપો થઈ રહ્યા છે તેનાથી હું મુક્ત છું.” પાંડવો ખૂબ રાજી થયા. તેમને વિદુર માટે હંમેશા માન હતું. તે એકલાજ એવા હતા જેમણે દ્યૂતક્રીડા સમયે જ્યારે કુરુઓની સભામાં બધું જ ખોટું થઈ રહ્યું હતું ત્યારે વિરોધ કર્યો હતો.
પણ ધૃતરાષ્ટ્રનું જીવન વિદુર વગર અશક્ય હતું, કારણ કે બાળપણથી જ, રાત દિવસ વિદુર તેનો સાથીદાર, સલાહકાર, આંખ, કાન - સર્વસ્વ હતો. અચાનક ધૃતરાષ્ટ્રને લાગ્યું કે તે નિરાધાર થઈ ગયો છે. એટલે માત્ર બે જ દિવસમાં તેણે વિદુરને દૂત મોકલીને સંદેશ પાઠવ્યો, “મહેરબાની કર, જો તું જતો રહે તો હું તો મરી જઈશ. હું ભોજન ત્યજીને મારું જીવન ખતમ કરી દઈશ.” ખૂબ આજીજીઓ પછી વિદુર મહેલમાં પાછો ફર્યો.
જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે આગ્રહ રાખ્યો કે દુર્યોધનને શિકાર પર જવાની પરવાનગી ન જ અપાય. ધૃતરાષ્ટ્રએ દુર્યોધનને બોલાવીને કહ્યું, “કોઈ શિકાર પર જવાનું નથી.” દુર્યોધન અને કર્ણએ ખૂબ આજીજીઓ કરી કે તેઓ તો માત્ર આનંદ-પ્રમોદ માટે શિકાર પર જાય છે, બીજું કોઈ કારણ નથી, પણ તેણે કહ્યું, “તમે શિકાર પર નહિ જઈ શકો અને જો જવું જ હોય તો વિરુદ્ધ દિશામાં જાઓ.” પણ તેમને ત્યાં શિકાર કરવામાં કોઈ રસ ન હતો, તેમને તો જ્યાં પાંડવો હતા ત્યાં જ જવું હતું.
ક્રમશ:...