અનુક્રમણિકા
1. અગ્નિના પ્રકાર
    1.1 જઠરાગ્નિ
    1.2 ચિતાગ્નિ
    1.3 ભૂતાગ્નિ
    1.4 સર્વાગ્નિ
2. અગ્નિ વડે આકાશ તત્ત્વ સુધીની પહોંચ કેવી રીતે બનાવવી
3. અગ્નિ તત્ત્વ અને આકાશ વચ્ચેનો ગાઢ સંબંધ
4. આરતીનું મહત્ત્વ
5. યોગિક સંસ્કૃતિમાં અગ્નિ
6. તમારી અંદરના અગ્નિ તત્ત્વને સ્પર્શવું

સદ્‍ગુરુ: કોઈપણ સમાજમાં, ખાલી જોરથી “આગ” એમ કહેવામાં આવે તો પણ ઘણી ઉત્તેજના આવી જાય છે. અગ્નિને સામાન્ય રીતે એક ખતરા તરીકે જોવામાં આવે છે– જે તે છે જો તમે તેને સરખી રીતે સંભાળો નહિ તો. ચાલો અગ્નિ ના તાત્ત્વિક પરિમાણ વિષે જાણીએ – તેના પ્રાગટ્ય, તેને સંભાળવાના રસ્તા અને સૌથી મહત્ત્વનું કે તેના પર પ્રભુત્વ મેળવવાના રસ્તા વિષે જાણીએ. જો કે પાંચ તત્ત્વોમાંથી મનુષ્યના શરીરના ઘટક તરીકે અગ્નિનું પ્રમાણ સૌથી ઓછું છે, પણ તેની અસર ઘણી વધારે છે. ઘણી રીતે જોતા, અગ્નિ જીવનને રજુ કરે છે. તમે જીવિત છો કે મરી ગયા છો તેનો એક મોટો સંકેત એ છે કે તમારી અંદર અગ્નિ હજુ પ્રજ્વલિત છે કે નહિ, અથવા તમારું શરીર ઠંડુ પડી ગયું છે કે નહિ. આ પૃથ્વી પરનું જીવન મૂળભૂત રીતે સૌરઊર્જા પર આધારિત છે. સૂર્ય અગ્નિનો એક વિશાળ ગોળો છે જે આ ગ્રહ પરના જીવનને ઇંધણ પૂરું પાડે છે. દરેક મશીન જયારે કાર્ય કરે ત્યારે, ન છૂટકે, ઉષ્મા ઉત્પન્ન કરે છે કેમ કે મૂળભૂત રીતે અગ્નિ ઇંધણ છે. તમે તેને ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ, લાકડું, કોલસો અથવા બીજું જે પણ કહો, પરંતુ મૂળભૂત રીતે, તે અગ્નિ છે જે કોઈપણ મશીનને ચલાવે છે, તમારા શરીર સહિત.

220px-Agni_18th_century_miniature.jpg

આ સંસ્કૃતિમાં, અગ્નિના તત્ત્વને અગ્નિ દેવના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જેઓ એક બે મોઢા ધરાવતા દેવ છે જેઓ જ્વલંત ઘેટાની સવારી કરે છે. બે મોઢા એ વસ્તુની પ્રતીકાત્મક અભિવ્યક્તિ છે કે અગ્નિ જીવન આપનાર અને જીવન લેનાર છે. આપણી અંદર આગના પ્રજ્વલિત થયા વિના, જીવન શક્ય નથી. પરંતુ જો તમે ધ્યાન ન રાખો, તો આગ તરત નિયંત્રણની બહાર જઈને સર્વનાશ કરી શકે છે. જ્યારે તે તમારા શરીરને બાળે છે ત્યારે તેને અગ્નિદાહ કહે છે. બીજું પાસું એ છે કે આપણે રાંધવા માટે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ, જેથી આપણે તે ખોરાક ખાઈ શકીએ જે નહીંતર આપણને ખાવા યોગ્ય કે સ્વાદિષ્ટ ન લાગે.

અગ્નિના પ્રકાર

#1 જઠરાગ્નિ

આપણી અંદર અને બહાર, અગ્નિના ઘણા પરિમાણ છે. ચાલો આપણે આપણી અંદર પ્રજ્વલિત અગ્નિના ત્રણ સ્વરૂપો વિષે જાણીએ. એક જઠરાગ્નિ તરીકે ઓળખાય છે. જઠર એટલે પેટ અથવા પાચનની પ્રક્રિયા. તમારા પેટમાં થોડી આગ વિના તમે જે ખાઓ છો તે ખોરાકને પચાવી ન શકો. ખોરાક એ ઇંધણ તરીકેનું કામ કરે છે જેને, તમારે જે ઊર્જા જોઈએ છે તે તેમાંથી છૂટી પાડવા માટે, તોડવું પડે છે. જો પાચનની અગ્નિ સારી રીતે પોષિત હોય અને તેને સરખા પ્રમાણમાં ઇંધણ મળ્યું હોય, તો તે પ્રજનનની અગ્નિ પણ બની જાય છે. પાચન અને પ્રજનન બંને જઠરાગ્નિ પર આધારિત છે.

#2 ચિતાગ્નિ

બીજા પ્રકારની આંતરિક અગ્નિને ચિતાગ્નિ કહેવામાં આવે છે. તે મન અને તેની પરેનું પરિમાણ છે. ચિત્ત તમારી અંદરનું બુદ્ધિમત્તાનું તે પરિમાણ છે જે ભૌતિક સ્વરૂપની સીમાઓથી પરે છે. તમારું ભૌતિક સ્વરૂપ તમારી આનુવંશિક અને કાર્મિક સ્મૃતિનું પરિણામ છે. તેના કરતા અલગ, ચિત્ત બુદ્ધિમત્તાનું તે પરિમાણ છે જે સ્મૃતિની અસરથી રહિત છે. બુદ્ધિમત્તાની અગ્નિ ઘણા અલગ અલગ સ્તરો પર અભિવ્યક્ત થઈ શકે છે, અભિવ્યક્તિનું પહેલું સ્તર બુદ્ધિ છે. જો આપણે તમારી અંદરની વિવિધ અગ્નિઓ વિષે જોઈએ તો, તો તમારી પાચનની અગ્નિ સારી રીતે કાર્યરત હશે તો જ પ્રજનનની અગ્નિ કાર્યરત થશે. જો તમને સરખું ભોજન ન મળતું હોય તો પ્રજનનની વૃત્તિ ચાલી જશે. તે જ રીતે, જો તમારી ચિતાગ્નિ પૂરતા પ્રમાણમાં પ્રજ્વલિત નહિ હોય, તો તમારી બુદ્ધિ નબળી અને બિન-અસરકારક બની જશે. પરંતુ, જો તમારી ચિતાગ્નિ પ્રજ્વલિત હોય, તો તે પોતાને બુદ્ધિના રૂપમાં અભિવ્યક્ત કરશે - જો તમે બુદ્ધિમત્તાના અન્ય પરિમાણો સુધી જાગરૂક રીતે પહોંચવાની સ્થિતિમાં ન હોવ તો પણ. જો તમારી ચિતાગ્નિ શક્તિશાળી રીતે પ્રજ્વલિત હોય તો તમે ખોરાક, કામુકતા અને શરીરને લગતી બીજી વસ્તુઓમાંથી રસ ગુમાવી દેશો. આ સંદર્ભમાં જેને દુર્ભાગ્યે ત્યાગ તરીકે ફેલાવવામાં આવે છે તે ખરેખર તેની પરે જવાની વાત છે.

તે મહત્ત્વનું છે કે બુદ્ધિમત્તાની અગ્નિ તમારી અંદર પ્રજ્વલિત હોય. જ્યારે તમારી અંદર ખાલી શારીરિક અગ્નિઓ જ પ્રજ્વલિત હોય પરંતુ બુદ્ધિમત્તાની અગ્નિ પ્રજ્વલિત ન હોય, ત્યારે જીવન દુઃખદ અને બેડોળ બની શકે છે. જયારે બહુ વધારે જઠરાગ્નિ હોય અને પૂરતી ચિતાગ્નિ ન હોય ત્યારે લોકો અત્યંત મૂર્ખામીભરી વસ્તુઓ કરશે.

#3 ભૂતાગ્નિ

અગ્નિના પછીના પરિમાણને ભૂતાગ્નિ કહે છે, તાત્ત્વિક અગ્નિ. જો તમારી તાત્ત્વિક અગ્નિ પ્રજ્વલિત હોય, તો શરીર અને મનના સર્કસથી તમને જાજો ફેર નહિ પડે. તમારો રસ અને ધ્યાન શરીર અને મનના નખરાઓમાંથી સર્જનના એક વધુ મૂળભૂત પાસાં તરફ જશે - જીવનના સ્ત્રોત તરફ. જો તમે જઠરાગ્નિની કમાન તમારા હાથમાં લો તો તમારી પાસે એક સ્વસ્થ અને મજબૂત શરીર હશે. જો તમે તમારી ચિતાગ્નિની કમાન તમારા હાથમાં લો, તો તમારી પાસે એક એવું મન હશે જેને તમે ઘણી બધી વિવિધ રીતે વાપરી શકો છો. જો તમે તમારી ભૂતાગ્નિની કમાન તમારા હાથમાં લો તો તમારી પાસે મૂળભૂત જીવન પ્રક્રિયા પર પ્રભુત્વ હશે.

શરીરની સીમાઓ એકદમ સ્પષ્ટ અને નાની છે. મનની સીમાઓ મોટી છે. ઉદાહરણ તરીકે, જો તમે વિશ્વના બીજા કોઈ ખૂણા વિષે કશુંક જાણતા હોવ, તો તે તમારા મનની સીમાની અંદર છે. જેમ તમારું જ્ઞાન વિસ્તરિત થાય તેમ તમારા મનની સીમાઓ વિસ્તરિત થઈ શકે છે. પરંતુ જો તમે ભૂતાગ્નિ અથવા તત્ત્વોની અગ્નિ વિષે જાગરૂક બનો તો તમે એક અસીમિત જીવ હશો, કેમ કે તત્ત્વોનો ખેલ આખા સર્જનમાં બધે રમાઈ રહ્યો છે.

#4 સર્વાગ્નિ

આનાથી પરે, તે છે જેને સર્વાગ્નિ કહે છે, કેમ કે, આધુનિક વિજ્ઞાન મુજબ, અસ્તિત્વનું ભૌતિક પરિમાણ પાંચ ટકા કરતા પણ ઓછું છે. તેનો અર્થ એ કે તમે બ્રહ્માંડના આખે આખા ભૌતિક પરિમાણને જાણો, તો પણ તમે અસ્તિત્વના ખાલી પાંચ ટકાને જ જાણો છો. સર્વાગ્નિ તે પરિમાણને સ્પર્શે છે, જ્યાં કોઈ તત્ત્વો નથી, જ્યાં તમે તેને જે રીતે જાણો છો તે રીતનું કોઈ સર્જન નથી, અથવા બીજા શબ્દોમાં, જ્યાં કોઈ ભૌતિક પ્રકૃતિ નથી.

સામાન્ય રીતે, એક યોગી જે જીવનની પ્રકૃતિ સુધી પહોંચ બનાવવા માંગે છે તે જઠરાગ્નિ, ચિતાગ્નિ અને ભૂતાગ્નિમાં રસ નહિ લે. તે ખાલી સર્વાગ્નિ પર જ ધ્યાન આપશે, કારણ કે તે સર્વોચ્ચ અગ્નિ છે - પણ તે એક ઠંડી આગ છે. જઠરાગ્નિ બવ દેખીતી આગ છે. ચિતાગ્નિ એટલી બધી દેખાતી નથી પણ સ્પષ્ટ રીતે મોજુદ છે. ભૂતાગ્નિ દેખાતી જ નથી પણ તે પણ મોજુદ છે. સર્વાગ્નિ લગભગ જાણે અનુભવમાં આવતી જ નથી, પરંતુ તેના વગર, કંઇ થઈ શકે નહિ. તે મૂળભૂત અને સર્વોચ્ચ અગ્નિ છે જે બીજી બધી અગ્નિઓને આવરી લે છે.

અગ્નિ વડે આકાશ તત્ત્વ સુધીની પહોંચ કેવી રીતે બનાવવી

અગ્નિ તત્ત્વ આકાશ અથવા ઈથરની સૌથી નજીક છે. જ્યારે અગ્નિ હાજર હોય ત્યારે આકાશિક પરિમાણ વધુ ઉપલબ્ધ બને છે – ખાસ કરીને ત્યારે જ્યારે અમુક ઇંધણ વાપરવામાં આવે. દક્ષિણ ભારતમાં અમે દીવા માટે ઘી અથવા તલનું તેલ વાપરીએ છીએ. જો બંને ઉપલબ્ધ ન હોય, તો સીંગતેલ; જો તે ઉપલબ્ધ ન હોય તો નારિયેળનું તેલ. આ તેલ આધારિત અગ્નિઓની એક ચોક્કસ ગુણવત્તા હોય છે. તેમનો સ્મોક પોઇન્ટ બીજા ઇંધણ કરતા ઊંચો હોય છે. તેથી, જો તમે દીવાની જ્યોતની કિનારી પર જુઓ - તમારે જ્યોતમાં નથી જોવાનું - તો આકાશિક પરિમાણ વધુ ઉપલબ્ધ હોય છે.

જ્યારે પણ તમે એક સાનુકૂળ વાતાવરણ બનાવવા માંગતા હોવ, તો પહેલી વસ્તુ છે તેલ અથવા ઘીનો દીવો કરવો. આ ભારતીય જીવનશૈલીનો એક રોજિંદો ભાગ છે. અને મહત્તમ ફાયદા માટે દીવાનું ઇંધણ ચોક્કસ પ્રકારનું હોવું જોઈએ. મીણબતીમાં સામાન્ય રીતે તેવી અસર નથી હોતી, ખાસ કરીને જ્યારે તેમને રાસાયણિક મીણમાંથી બનાવવામાં આવે. મૂળભૂત રીતે, તમે એ કરવા માંગો છો કે એક એવા ઈંધણથી આગ પ્રજ્વલિત કરવી જે પોતાની આસપાસ અમુક આભા બનાવે છે, જેથી આકાશ ઉપલબ્ધ થાય. એક તેલના દીવા વડે તમે એક આકાશિક ક્ષેત્ર બનાવો છે જેનાથી તમે અને તમારા ઘરના બીજા લોકો લાભ મેળવી શકે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ, બીમાર લોકો માટે તથા સામાન્ય અર્થમાં સ્વાસ્થ્ય માટે તમારા ઘરમાં એક તેલનો દીવો પ્રજ્વલિત રાખવો મહત્ત્વનું છે. આવી આગ ન તો ખાલી તમારી જઠરાગ્નિને વધારીને સ્વાસ્થ્ય અને શરીરની મજબૂતી વધારે છે, પણ ચિતાગ્નિને પણ વધારે છે અને આકાશની ઉપલબ્ધતા વધારે છે.

અગ્નિ તત્ત્વ અને આકાશ વચ્ચેનો ગાઢ સંબંધ

આ સંસ્કૃતિમાં, લોકોના જીવનની દરેક મહત્ત્વની ઘટના આગની આસપાસ ઘટિત થઈ. અગ્નિ વગર, ન પૂજા થાય, ન લગ્ન થાય કે ન કોઈ મહત્ત્વની વસ્તુ થાય. ઘણી અલગ અલગ અભિવ્યક્તિઓ અને અગ્નિનો ઉપયોગ કરવાની વિવિધ રીતો આ સંસ્કૃતિમાં ઘડાઈ, જેમાં બલિદાનની અગ્નિ જેમ કે હોમ અને હવનનો સમાવેશ થાય છે. અગ્નિ આકાશ અથવા ઈથરને વધુ ઉપલબ્ધ બનાવે છે. આપણે જેના બનેલા છીએ તે બધા તત્ત્વોમાંથી આકાશ સૌથી વધુ પારદર્શક અને તરલ છે. મારા શરીરમાંનું અને તમારા શરીરમાંનું ભૂમિ તત્ત્વ મૂળભૂત રીતે સમાન છે, પરંતુ તેમાંથી તમારા શરીરમાં કયું સમાયેલું છે અને મારા શરીરમાં કયું સમાયેલું છે તે સ્પષ્ટ રીતે અલગ છે. તમારી અંદરનું પાણી અને મારી અંદરનું પાણી અલગ છે - તમે કહી શકો કે તેને અલગ અલગ વાસણમાં રાખવામાં આવ્યું છે. પરંતુ આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેને અલગ ના કરી શકાય. તેની સતત આપ-લે ચાલુ છે. આપણે જે છીએ તેનું અગ્નિ તત્ત્વ હજુ વધુ પ્રમાણમાં બંને વચ્ચે વહેંચાયેલું છે. આકાશ તત્ત્વ પૂરી રીતે વહેંચાયેલું છે. આપણે બધા એક જ આકાશમાં છીએ. જો તમે કોઈ પણ સ્થળના વાતાવરણમાં આકાશિક તત્ત્વને વધારો તો મનુષ્યો વચ્ચે એક ચોક્કસ જોડાણ ઘટિત થશે. અગ્નિની આસપાસ, નિકટતા અને વાતચીતના સંચારમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે કેમ કે જ્યાં અગ્નિ હોય ત્યાં આકાશ તત્ત્વ પ્રભાવી બને છે.

આરતીનું મહત્ત્વ

પ્રશ્ન: ભારતમાં લોકો ગુરુની સામે, ભગવાનના ફોટો કે મૂર્તિ સામે આરતી કરે છે. પછી દીવાની આસપાસ પોતાના હાથ ફેરવીને પછી તેમની આંખો કે માથાને હાથથી સ્પર્શે છે. તેઓ આવું શા માટે કરે છે? શું આરતી પછી અગ્નિમાં કંઇક બદલાવ આવે છે?

સદ્‍ગુરુ: એવું નથી કે અગ્નિમાં બદલાવ આવે છે, જો કોઈ સ્વરૂપ અમુક ઊર્જાનું ઉત્સર્જન કરી રહ્યું હોય અને તમે તેની સાથે સીધે સીધું કઈ રીતે જોડાવું તે જાણતા ન હોવ કે તેવી ક્ષમતા ન હોય, તો તમને તે ઊર્જાના સંપર્કમાં લાવવા માટે અગ્નિ એક સારું માધ્યમ છે. જેમ કે આપણે વાત કરી, અગ્નિનો ઘણી બધી રીતે જોડાણ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં અગ્નિ વગર કોઈ લગ્ન નથી થતા કેમ કે લોકોને સાથે લાવવા માટે તેનો એક જોડાણ તરીકે ઉપયોગ થાય છે.

તે શારીરિક હોય, ભાવનાત્મક હોય કે આધ્યાત્મિક, અગ્નિ વગર કોઈ એકત્વ નથી. વધુમાં, જો કોઈ સ્વરૂપ એક દેવતાની મૂર્તિના રૂપમાં કે એક ફોટાના રૂપમાં અમુક ઊર્જાનું ઉત્સર્જન કરી રહ્યું હોય, તો પોતાને તેના પ્રત્યે ઉપલબ્ધ બનાવવા માટે અગ્નિ એક સારું માધ્યમ છે. તમે જોશો કે જો થોડા લોકો લિંગ ભૈરવી મંદિરમાં જઈને ઊભા રહે તો તેઓ અગ્નિ વડે એક આરતી કરશે જેથી તેઓ તેમની સાથે જોડાઈ શકે. એવું નથી કે દેવી અગ્નિ વગર જોડાશે નહિ - તેઓ જોડાશે - પરંતુ આવું તમને તેમના પ્રત્યે ગ્રહણશીલ બનાવવા માટે કરવામાં આવે છે. દેવી દેવતાની આસપાસ ગોળ ફરનારી અગ્નિની આસપાસના આકાશે દિવ્યતાની અમુક ચોક્કસ ગુણવત્તા પ્રાપ્ત કરી લીધી છે. તો, જ્યારે તમારી વાત હોય તો તમે અગ્નિમાં હાથ નથી નાખતા, તમે તેની આસપાસના આકાશને લઈને તમારી આંખોમાં, કે તમારા માથાની ઉપર કે તમારા હૃદય પાસે લઈ જાઓ છો. આરતીની આખી પ્રક્રિયા આ દિશામાં થતો એક પ્રયાસ છે. આ બધી વિવિધ વસ્તુઓ છે જે એક વ્યક્તિને ધીમે ધીમે તેની પોતાની અગ્નિને વિકસિત કરવામાં સહાય કરી શકે છે.

યોગિક સંસ્કૃતિમાં અગ્નિ

દુનિયાભરમાં અગ્નિ માટે ઘણા મંદિર બનાવવામાં આવ્યા હતા. જો તમે મંત્રોના સ્વરૂપમાં ખૂબ શક્તિશાળી સ્પંદનોનો ઉપયોગ કરો, તો અગ્નિ લગભગ તે સ્પંદનનું સ્વરૂપ લઈ લે છે અને અચાનક તમે અનુભવશો કે તમે તમારી અંદર અમુક આઝાદી અને સ્વતંત્રતા અનુભવો છો. યોગિક સિસ્ટમમાં વિવિધ પ્રક્રિયાઓ છે જેમાં બહાર કોઈ અગ્નિ પ્રગટાવવામાં આવતી નથી પણ બધી જ અગ્નિ અંદર પ્રગટાવવામાં આવે છે. તમે પુરાણોથી આ સાંભળતા આવ્યા છો કે યોગીઓ “તપ” કરી રહ્યા હતા.તપ શબ્દનો અર્થ થાય છે ઉષ્મા અથવા અગ્નિ. તો, તમે તમારી પોતાની અગ્નિ પ્રગટાવી રહ્યા છો. જયારે આંતરિક સંભાવના એટલી મોટી ન હોય, ત્યારે બહારથી મદદ લેવાની જરૂર પડે છે. પરંતુ જો અંદરની સંભાવનાઓનું નિર્માણ કરવામાં આવે તો બહારથી કોઈ મદદની જરૂર નથી પડતી.

તમારી અંદરના અગ્નિ તત્ત્વને સ્પર્શવું

સારાંશ આ છે કે: અગ્નિ માત્રાના સંદર્ભમાં તમારો એક નાનો ભાગ છે, પરંતુ ગુણવત્તાના સંદર્ભમાં તે તેની અનોખી પ્રકૃતિને લીધે ખૂબ જ મહત્ત્વનું છે. તમારી અગ્નિ તત્ત્વ સુધી પહોંચ બનાવવાની ક્ષમતા ખૂબ જ ઓછી છે. તે જ સમયે, અગ્નિ તે તત્ત્વ છે જેના પ્રત્યે તમે સૌથી વધુ સંવેદનશીલ છો. અગ્નિ વાતાવરણને કંઇક કહેવા માટે સાનુકૂળ બનાવવા માટેનું, ગ્રહણશીલતાના નિર્માણ માટેનું, સીમાઓથી પરે જવા માટેનું અને તે બીજા પરિમાણને - જેને તમે દિવ્ય અથવા ઈશ્વર અથવા સર્જનના સ્ત્રોતને તમારે જે નામ આપવું હોય તે આપી શકો - તેને સ્પર્શવા માટેનું એક માધ્યમ છે.

Editor's Note:  Learn more about cleansing the five elements and how it can enhance your life in this comprehensive guide on Bhuta Shuddhi