પરમાનંદને પામવા માટે પોતાની અંદર ઝાંકો
સદગુરુ આનંદની પ્રકૃતિનું વર્ણન કરે છે, અને સાથે સાથે તેના વિષે પણ, જે અંદરથી ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન: તમે કહો છો કે જ્યારે એક માણસ આનંદમય હોય છે ત્યારે એ સામાન્ય કરતાં વધુ લવચીક, વધુ સહજ, વ્યક્તિગત રીતે ઓછો બોજા હેઠળ હોય છે. આ પરમાનંદ શું છે? તમે અમને કહેશો કે ખરો આનંદ અથવા પરમાનંદ શું છે?
સદગુરુ: હું તમને કઈ રીતે કહી શકું? આ સવાલ આનંદ વિષેની તમારી ગેર સમજણમાંથી આવ્યો છે. આજે માદક ડ્રગ્ઝ(દવા) પણ ‘બ્લીસ’ એટલે કે પરમાનંદના નામથી વેચવા લાગ્યા છે. જો તમે પશ્ચિમી દેશોમાં જઈને ‘બ્લીસ’(પરમાનંદ) એમ કહેશો તો એ લોકો વિચારશે કે તમે કોઈ ડ્રગ્ઝની કે કોઈ ગોળી વિષે વાત કરી રહ્યા છો.
‘ખરો પરમાનંદ’ કે ‘ખોટો પરમાનંદ’ નામની કોઈ ચીજ નથી. જ્યારે તમે સત્ય સાથે છો ત્યારે તમે પરમાનંદમાં છો. જો તમે ખરેખર જ સત્યના સ્પર્શમાં છો તો કુદરતી રીતે જ તમે આનંદમય છો. આનંદમાં હોવું કે આનંદમાં ન હોવું એ તમારે માટે લિટમસ ટેસ્ટના પારખાં જેવુ છે કે તમે સત્યમાં છો કે સત્યમાં નથી. આ પ્રશ્ન એક ચોક્કસ માનસિક અવસ્થામાંથી આવે છે: “જો હું ફક્ત સૂર્યાસ્ત જોતાં જ આનંદમાં આવી જાઉં છું તો એ ખરો આનંદ છે? જો હું મારા માતા-પિતા વિષે વાતો કરતાં કરતાં આનંદમાં આવી જાઉં છું તો એ ખરો આનંદ હશે? કે પછી ધ્યાનમાં બેસતા થતી આનંદની અનુભૂતિ એ ખરો આનંદ છે?”
મોટેભાગના લોકો સુખ અને આનંદની વચ્ચેનો તફાવત સમજી નથી શક્યા. તમે સુખને કદી શાશ્વત નથી રાખી શકતા. પણ પરમાનંદ એ એવી સ્થિતિ છે જે કોઇની ઉપર આધાર રાખતી નથી. સુખ એ હંમેશા કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. જ્યારે આનંદમય હોવું એ કોઈની ઉપર આધારિત નથી હોતું. એ તમારા પોતાનો સ્વભાવ છે, એક જ વાર જ્યારે તમે એને અડકો છો બસ ત્યારથી જ તમે આનંદમાં છો. વાત બસ એટલી જ છે.
પરમાનંદ એ કાંઇ એવી વસ્તુ નથી જે તમે બહારથી લાવો છો, પરમાનંદને તો તમે તમારી અંદર ઊંડે ઊંડે ઝાંકીને શોધો છો. એ કૂવો ખોદવા જેવુ છે. જો તમે તમારું મોઢું ખુલ્લુ રાખીને ઊભા રહો અને વરસાદના છાંટાઓને તમારા મોઢામાં પાડવા દેવાની રાહ જોતાં રહો તો જ્યારે વરસાદ પડશે ત્યારે એમાંથી થોડા ટીપાઓ તમારા મોંમાં પડશે જ. છતાંય માત્ર વરસાદના પાણીથી જ તરસ છીપાવવી એ ઘણું જ હતાશાજનક છે. અને વરસાદ કાયમ માટે નથી પડવાનો, એકાદ બે કલાકમાં બંધ થઈ જશે.
માટે જ તમારે તમારા પોતાના કૂવામાં ઝાંકવું જોઈએ. એમ કરવાથી તમને આખું વર્ષ પાણી મળશે. તમે જે પણ કોઈ વસ્તુને ‘ખરો આનંદ’ કહેતા હો તે આ જ છે. તમારે જાતે જ અને તે પણ તમારી અંદર તમારો પોતાનો એક કૂવો ખોદવાનો છે જે તમને આજીવન જીવંત રાખે. તમે વરસાદ પડે ત્યારે મોં ખોલો એવું નથી. દરેક વખતે પાણી તમારી ભીતર જ છે. પરમાનંદ પણ એ જ છે.
સંપાદક નોંધ:-સદગુરુ કહે છે કે આ દુનિયામાં માત્ર બે પ્રકારના લોકો છે: રહસ્યમય અને ભૂલ કરવા વાળા (મિસ્ટિક્સ અને મિસટેક્સ). તીક્ષ્ણ, ભેદી અને નિર્મમ. આ પુસ્તક આ ગૂઢ વ્યક્તિની ગૂઢ વાતોને તેમના જ શબ્દોમાં છતી કરે છે. સદગુરુની ઘણી જ અંગત બાબતોને ઈ-બૂક ‘Of Mystics and Mistakes’ માં જાણો, જે ઈશા ડાઉનલૉડ્સમાં ઉપલબ્ધ છે.