Mahabharat All Episodes

સહભાગી: સદ્‍ગુરુ, આપે કહ્યું કે દરેક વ્યક્તિને પોતાનું જીવન, સ્વતંત્રતા અને ધર્મ હોઈ શકે અને તે બીજી વ્યક્તિનાં ધર્મ સાથે અથડામણમાં આવ્યા વગર આ શક્ય છે. પણ શું હાલમાં તેનાથી સાવ ઉલટું નથી થઈ રહ્યું? આપણે આપણો ધર્મ પોતાના વ્યક્તિત્વને અનુકૂળ પડે તે પ્રમાણે ઘડીએ છીએ અને તેને પરિણામે એક મેક સાથે ઘર્ષણ થાય છે.

સદ્‍ગુરુ: એટલે જ મેં તેમ કહ્યું હતું કે તે એક અતિશય સભ્ય વિચાર છે. જો આપણી જરૂરિયાતો નાની હોય અને આપણે તેને પૂરી કરવા માટે તેની આસપાસ આપણા ધર્મનું ગઠન કરીએ તો બીજા સાથે અથડામણ અચૂક થશે. તેથી લોકોએ પોતાના અંગત ધર્મને એ પ્રમાણે સ્થાપિત કર્યો કે જેથી તેમની અંતિમ અથવા પરમ્ની આકાંક્ષા બીજા કોઈની આકાંક્ષા સાથે અથડામણ ઊભી ન કરે, પણ ગલીમાં, ઘરમાં કે બજાર જેવા સ્થળો માટે એક સામાન્ય ધર્મ હોય જેનું પાલન કરવું બધાને માટે ફરજિયાત હોય. વાહન ચલાવતી વખતે, તે જરૂરી છે કે આપણે સૌ વાહન વ્યવહારના નિયમોનું પાલન કરીએ. આ એક સામાન્ય ધર્મ છે જેને તમે એમ કહીને તોડી ન શકો કે મારે મારો જુદો વ્યક્તિગત ધર્મ છે.

ધર્મ અનેક સ્તરનો હોય છે.

તમારો વ્યક્તિગત ધર્મ તમારા અસ્તિત્વની ચરમ સીમાએ પહોંચવા વિષે છે. મૂળભૂત રીતે, તે એક આંતરિક પ્રક્રિયા છે અને તેથી તે બીજા કોઈના ધર્મ સાથે ટકરાશે નહિ. તેથી વિપરીત, બહારની દુનિયામાં લાગુ પડતા આચરણના નિયમો સૌનો સામાન્ય ધર્મ છે જેનું બધાએ પાલન કરવાનું છે. જ્યારે આપણે તેનું પાલન ન કરીએ, ત્યારે અથડામણ અને ઘર્ષણ થશે જ. ધર્મના અનેક સ્તર હોય છે. પરિવારમાં રહેવા માટે, એક પ્રકારનો ધર્મ હોય. સન્યાસી બનવા માટે બીજા પ્રકારનો ધર્મ હોય. રાજાને વળી પોતાનો રાજા તરીકેનો ધર્મ હોય. વ્યાપારી હોય તો, વ્યાપારને લગતો ધર્મ હોય. અને આમ ઘણા અલગ અલગ ધર્મ હોય છે. પરંતુ એક મનુષ્ય તરીકે, તમને તમારો પોતાનો ધર્મ પસંદ કરવાની અને તેને વળગી રહેવાની સ્વતંત્રતા મળે છે. જીવનમાં મુક્તિ કોઈ ખાસ વસ્તુ કરવાથી મળી જતી નથી, પરંતુ તમે જે કરો તેને ડગ્યા વગર કરતા રહેવાથી મળે છે - નિશ્ચલ તત્વમ્, જીવન મુક્તિ:. જો તમે દરરોજ દિશા બદલતા રહો તો સ્વાભાવિક રીતે તમે ગોળ ગોળ ફરતા રહેશો.

સહભાગી: સદ્‍ગુરુ, આપ જ્યારે અસ્તિત્વની ચરમ સીમા અને ધર્મની વાત કરો છો ત્યારે હું ધર્મને નિયમોની ગોઠવણી તરીકે સમજુ છું. શા માટે જીવન અને પરિસ્થિતિઓ સાથે જ્યારે તે જે પ્રમાણે આવે તે પ્રમાણે વ્યવહાર ન કરવો અને અગાઉથી નિયમો નક્કી કરીને જીવવું?

સદ્‍ગુરુ:

જીવન આમ જ નથી આવતું - જીવન સતત રચાતી પ્રક્રિયા છે. ક્યાં તો તમે ગઇકાલે તેનું સર્જન કર્યું હતું અને તે આજે તમારા માથે પડે છે, અથવા તો આજે સક્રિયપણે તમે તેનું સર્જન કરી રહ્યા છો. કશું એની મેળે નથી આવતું. તેના બે પાસા છે - ધર્મ અને કર્મ. યોગ્ય કર્મ કરવા માટે તમને ધર્મની જરૂર પડે છે. નહિ તો દરરોજ, દરેક ક્ષણે, તમારા કર્મો ગૂંચવણોની હારમાળા હશે. ધર્મ એ સુનિશ્ચિત કરશે કે તમારે કઇ રીતે કર્મ કરવા, જેથી તમે તમારા જીવનનું સર્જન તે દિશામાં કરો જ્યાં તમે જવા માંગો છો. જીવનનું સર્જન એ ઘર, કાર, પતિ કે પત્ની પસંદ કરવા જેટલું સીમિત નથી. આ બધી ગૌણ બાબતો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે કેવી વ્યક્તિ બનશો. આ તમે કોણ છો તેની ગુણવત્તા, તમારા જીવનની ગુણવત્તા, અને જો તમે સારી રીતે જીવો તો, તમારું અત્યારનું અને ત્યાર પછીનું જીવન પણ નિર્ધારિત કરે છે. તમે કોની સાથે છો, તમારી આસપાસ શું છે, તમે મહેલમાં જીવો છો કે નહીં, તમે અનાજ ખાઓ છો કે સોનું તેનાથી કોઈ ફેર પડતો નથી. હા, એટલો ફરક પડશે કે જો તમે સોનું ખાશો, તો જલ્દી મૃત્યુ પામશો! પ્રથમ વાત તો એ કે તમને ખબર નથી કે જીવન ક્યાં છે. તમે બધા જ ખોટા દરવાજા ખખડવી રહ્યા છો. તે કોઈ રીતે કામ નહીં કરે. તમારો ધર્મ સ્થાપિત કરવો તે એ માટે છે જેથી તમારું કર્મ, જીવનની મૂળભૂત પ્રક્રિયાથી ચલિત નહિ થાય. તે તમને સતત યાદ અપાવતું રહેવું જોઈએ કે અમુક ચોક્કસ રીતે રહેવું તે તમારો ધર્મ છે.

તમારો ધર્મ સ્થાપિત કરો

આ બ્રહ્માંડના કાયદાની વાત છે, બ્રહ્માંડના ધર્મની વાત છે, કારણ કે તમે જે પણ કરો છે, જે રીતે તમારું હૃદય ધબકે છે, જે રીતે તમે શ્વાસ લો છો, જે રીતે તમારું શરીર કામ કરે છે તે બાકીના બ્રહ્માંડ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. જો તમે સભાનપણે બ્રહ્માંડના નિયમોને અનુસરો, તો તમે અસાધારણ રીતે કાર્ય કરશો. અત્યારે, તમને ક્યારેક શરીરથી તો ક્યારેક મનથી સારું નથી લાગતું કારણ કે તમે બ્રહ્માંડના મૂળભૂત નિયમોનું પાલન નથી કરી રહ્યા, બની શકે કે અજાણતા. પણ આ સભાનતાથી થાય કે અભાનપણે, પરિણામ તો સરખું જ રહેવાનું છે. અસ્તિત્વનો આ જ નિયમ છે. તમે જાગૃત અવસ્થામાં છાપરા પરથી નીચે પડો કે અજાગૃત અવસ્થામાં, વાગશે તો સરખું જ. બસ એટલું છે કે જો તમે સજાગ અવસ્થામાં પડો તો તમે ઓછામાં ઓછા નુકસાનનો પ્રયત્ન કરશો. નહિ તો તમે માથું ફૂટે તેમ પડી શકો છો. પણ તે સિવાય, પીડા અને દુઃખનો અનુભવ અલગ નહિ હોય. જો તમારો રસ્તો અજાણતા ફંટાઈ જાય તો પણ, જીવન તો ખોરવાઈ જ જાય છે. ધર્મ તેવા લોકો માટે કામ નહીં કરે, જે એમ વિચારે છે કે તેઓ ધર્મને સમજે છે. તે ફક્ત તેમને જ ફાયદો કરશે, જે તેને આચરણમાં મૂકે છે, જે પોતે ધર્મ સ્વરૂપ બને છે.

પહેલા ધર્મ, પછી કર્મ

ભીષ્મએ કહ્યું, “મારો ધર્મ કઠિન છે - મેં તેને લીધો છે અને હવે હું તે જ બની ગયો છું. હવે ભલે ગમે તે થાય. તેની કિંમત મારું જીવન હોય તો પણ હું હવે તેને બદલી નહીં શકું કારણ કે હવે તો તે જ મારો પર્યાય બની ગયો છે.”  જો તમે આવા છો તો તમારો ધર્મ સ્થાપિત કરીને તમે તેનો પર્યાય બની જાઓ તેમ બને. યોગસ્થ: કુરુ કર્માણિ એટલે કે, પહેલા તમે પોતાના હોવાની રીત પ્રસ્થાપિત કરો - પછી કર્મ કરો. હવે તમે ઘણા કર્મો કરો છો - સ્વધર્મને ઓળખ્યા વગર - આ જ સમસ્યા છે.

જો તમે સ્વધર્મ સ્થાપિત નથી કર્યો, તો તમારા કર્મો તમને સુખાકારીથી દૂર લઈ જશે કારણ કે તમારા મોટા ભાગના કર્મો અભાનપણે થયેલા છે.

કર્મ એ માત્ર એ કાર્યો નથી જે તમે આ દુનિયામાં કરો છો - તે એવી બકવાસ વસ્તુઓમાં છે જે તમે તમારા મનમાં કરો છો. આ કર્મ છે. કર્મનો અર્થ છે કરવું. કર્મના ચાર સ્તર છે - શારીરિક કર્મ, માનસિક કર્મ, ભાવનાત્મક કર્મ અને ઊર્જાત્મક કર્મ. તમારા જીવનની પ્રત્યેક ક્ષણે તમે આ ચાર સ્તરના કર્મો કરતા રહો છો. તમે ભોજન લેતી વખતે કર્મ કરો છો, ચાલતી વખતે કરો છો, જો તમે ગાઢ નિંદ્રામાં હોવ તો તે સમયે પણ તમે આ ચાર સ્તરના કર્મ કરતા રહો છો - જાગૃતિ અને નિંદ્રાની પ્રત્યેક ક્ષણે કર્મ થતું રહે છે. આ રીતે થતું કર્મ તમને સુખાકારીથી દૂર ન કરે તેટલા માટે તમારે ધર્મ સ્થાપિત કરવો જરૂરી છે.

જો તમે તમારો ધર્મ સ્થાપિત નથી કર્યો તો, કર્મ તમને સુખાકારીથી દૂર લઈ જશે કારણ કે તમારા મોટાભાગના કર્મો અભાનપણે થયા છે. પણ જો તમે ધર્મને પ્રસ્થાપિત કરો છો તો, કર્મ સ્વાભાવિક રીતે તે ઢાંચાને અનુસરશે - તમારા કર્મોનો એક ક્રમ હશે, દિશા હશે, ધ્યેય હશે અને પરિપૂર્ણતા હશે. જો તમે તમારો ધર્મ સ્થાપિત નહિ કર્યો હોય, તો તમારું કર્મ દિશાવિહીન થઈને ભટકે છે. તમે જે કંઈ પણ જુઓ - તમારું મન, લાગણી અને શરીર તેની પાછળ દોડશે. તે રીતે, તમે એક ગૂંચવાયેલા જીવ બનો છો. જ્યારે તમારો જીવ આ શરીર છોડીને જાય, ત્યારે તે એમ પણ નહીં જણાતું હોય કે ક્યાં જવું, કારણ કે તે ગૂંચવાયેલું છે. હું ગૂંચવાયેલા મનની વાત નથી કરી રહ્યો, તેને તમે સ્પષ્ટ રીતે જાણો છો - હું એક ગૂંચવાયેલા અસ્તિત્વની વાત કરું છું. જીવ ગૂંચવાયેલો છે કારણ કે ધર્મ ગેરહાજર છે. જ્યારે તમે આ શરીર છોડો ત્યારે આ જીવને જાણ ન હોય કે ક્યાં જવું, તે સૌથી વધુ દુષ્કર પીડા છે. મનુષ્ય સાથે બની શકે તેવી સૌથી ખરાબ ઘટના છે. અને કમનસીબે, તે બહોળા પ્રમાણમા થઈ રહ્યું છે, કારણ કે લોકો પોતાને માટે કોઈ ધર્મ સ્થાપિત નથી કરી રહ્યા, એમ વિચારીને કે તે સ્વતંત્રતા છે.

અનુવાંશિક કર્મોથી મુક્તિ મેળવો

જો, સ્વતંત્રતાના નામે આપણે રસ્તા પર કાર ચલાવવાના નિયમને રદ કરી નાંખીએ, જો બધા તેમની મરજી મુજબ ગમે ત્યાં કાર ચલાવે, તો લોકો સ્વતંત્ર નહીં રહે - તે ફક્ત ફસાઈ જશે. સ્વતંત્રતા નિયમોના તોડવાથી નથી આવતી - સ્વતંત્રતા ફક્ત ત્યારે જ હકીકતના સ્વરૂપમાં અભિવ્યક્તિ પામે છે જ્યારે તમારો માર્ગ એકદમ સ્પષ્ટ હોય. તેથી, એમ ન વિચારો કે તમારા જીવનમાં પરિસ્થિતિઓ બસ એમ જ આવે છે અને તમે તેમને જે તે સમયે તમારી મરજી મુજબ નિયંત્રિત કરી લેશો. તે સમયે તે સ્વયં સ્ફુરણા નહીં, તે વિવશતા છે. સ્ફુરણા થવા માટે પણ તમારી પાસે આધાર હોવો જોઈએ. જો તમારી પાસે કોઈ આધાર નહીં હોય, તો તે ફક્ત વિવશતા મુજબ જ હશે, સ્ફુરણા નહીં હોય, કારણ કે જે પ્રમાણે તમારા શરીરની સંરચના થઈ છે તે પણ તમારી નક્કી કરેલી નથી. તમારું શરીર હજી પણ કૃષ્ણના દ્વાપર યુગમાં જન્મેલા તમારા કોઈ પૂર્વજો જેવું જ દેખાય છે. ભલે તેમાં વચ્ચેના ગાળામાં બીજા લોકોનું મિશ્રણ થયું હોય, તેમ છતાં, હજી પણ આ પૂર્વજોની અનુવાંશિક સામગ્રી તમારી સાથે રમત કરી રહી છે.

તમારો પોતાનો ધર્મ સ્થાપિત કરવાનો અર્થ એ છે કે જે મૃત છે તેને મૃત રહેવા દઈ પોતાની માટે નવી કેડી કંડારવી. આ સાચી સ્વતંત્રતા છે.

દસ લાખ વર્ષ પહેલાં આ પૃથ્વી પર રહેલા લોકોના ગુણો આજે પણ તમારી અંદર વારસાગત ઉતરી આવીને રમત કરી રહ્યા છે. તમારી અંદરથી જે તમને પ્રભવિત કરે છે તેનાથી ઉપર ઊઠીને તમારો પોતાનો ધર્મ સ્થાપિત કરવાની વાત સામાન્ય નથી. તમે જ્યારે એમ કહો, “આ મારો ધર્મ છે” ત્યારે તેનો અર્થ એવો છે કે તમે તમારા પિતાની ઉપરવટ જઈ રહ્યા છો, તમારા પૂર્વજોની ઉપરવટ અને બીજા જે કોઈ હોય તેની પણ. તમે પોતાની અનુવાંશિકતાને નકારીને તમારો પોતાનો માર્ગ નક્કી કરો છો. ભીષ્મએ જોયું હતું કે તેમના પિતાની એક ખાસ વર્તણૂક હતી કે તેઓ એક “વિવશતાપૂર્ણ પ્રેમી” હતા. સમયાંતરે, તેઓ પ્રેમમાં પડ્યા છે, પણ તે ન તો ભીષ્મનું કર્મ છે કે ન તો તેનો ધર્મ. “હું મારો જે ધર્મ છે તેમાંથી ચલિત નહીં થાઉં. મારું જીવન રાષ્ટ્રને સમર્પિત છે અને તે જ મારું સંપૂર્ણ અસ્તિત્વ છે.” તેમણે તેમની અનુવાંશિક પ્રકૃતિ તોડી અને પોતાનો અલગ માર્ગ પ્રસ્થાપિત કર્યો. આધ્યાત્મિક સાધના આને જ કહેવાય છે - તમારો પોતાનો ધર્મ તે રીતે પ્રસ્થાપિત કરો કે ભૂતકાળ તમારા જીવન પર હાવી ન થાય. તમે જાણો છો, જ્યારે કોઈએ જીસસને કહ્યું કે, તે પોતાના પિતાને દફનાવવા જવા માંગે છે. ત્યારે જીસસે કહ્યું હતું, “મૃતને મૃત પર છોડી દો.”

કોઈ વ્યક્તિએ જ્યારે પોતાના પિતા ગુમાવ્યા હોય ત્યારે આમ કહેવું ખૂબ અમાનવીય અને ક્રૂર લાગી શકે છે, પણ તેમણે તેમ કહ્યું, કારણ કે તેઓ માત્ર મૃત પિતાને જ નહીં પરંતુ બીજા બધા જ પૂર્વજોને દફનાવી દેવાનું કહે છે જે તમારા શરીરમાં રહીને તમને નચાવે છે. જો તમે મૃતને મૃત સાથે ન રહેવા દો તો, તો તમારી પાસે તમારો પોતાનો કોઈ ધર્મ નથી હોતો એટલું જ નહીં, તમારી પોતાની કોઈ જિંદગી પણ રહેતી નથી. કોઈ બીજું તમારી અંદર જીવવાનો પ્રયત્ન કરે છે. તમારો પોતાનો ધર્મ પ્રસ્થાપિત કરવાનો અર્થ એ છે કે જે મૃત છે તેને મૃત રહેવા દેવા અને તમારો પોતાનો નવો માર્ગ કંડારવો. આ ખરી સ્વતંત્રતા છે.

ક્રમશ:...

More Mahabharat Stories