મહાભારત અંક ૭: દેવવ્રત ભીષ્મ બને છે
મહાભારતના આ અંકમાં, આપણે કથાને ત્યાંથી આગળ વધારીએ છીએ જ્યારે ગંગા દેવવ્રતને શાંતનુ પાસે છોડીને જાય છે, અને એ જોઈશું કે કઈ રીતે દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે.
મત્સ્યગંધી, માછીમાર રાજકુમારી
સદ્ગુરુ : એક વખત, ચેદીનો રાજા ઉપરિચાર, અઠવાડિયાઓ સુધી જંગલમાં શિકાર કરવા રોકાયો. તે સમય દરમિયાન એક માછીમાર કન્યા દ્વારા તેને સંતાનપ્રાપ્તિ થઈ. તેને જોડિયા બાળકો થયાં, જેમને મત્સ્યરાજ અને મત્સ્યગંધી એવા નામ આપ્યાં. રાજા પોતાના પુત્રને પોતાની સાથે લઈ ગયો અને પુત્રીને માછીમારોની પાસે જ છોડી ગયો. માછીમારોની વચ્ચે ઉછરેલી તે, મત્સ્યગંધી તરીકે ઓળખાઈ, જેનો અર્થ થાય, "માછલી જેવી વાસ વાળી."મત્સ્યગંધી એક શ્યામ વર્ણ ધરાવતી રૂપવતી કન્યા હતી, દાસ તરીકે ઓળખાતા માછીમારોના નાયકે એને સારી રીતે ઉછેરી. એક વખત પરાશર - જે ખૂબ વિદ્વાન અને આત્મજ્ઞાની હતા, તેમના આશ્રમ પર હુમલો થયો અને તેમાં તેમને ઇજા થઈ અને એમનો પગ ખૂબ ઘવાઈ ગયો પણ, તેઓ કોઈક રીતે ત્યાંથી છટકવામાં સ્ફળ રહ્યાં અને મહામહેનતે તેઓ આ નાનકડા ટાપુ પર પહોંચી ગયા જ્યાં આ માછીમારો રહેતાં હતાં. તેમની હાલત જોઈને, માછીમારોએ તેમને આશ્રય આપ્યો અને તેમને મત્સ્યગંધીની દેખભાળ હેઠળ રખાયા.
તેણી સ્વાભાવિક રીતે તેમની તરફ આકર્ષાઈ કારણ તેમની વિદ્વતા અને શાણપણને કારણે તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. મત્સ્યગંધીની અંદર હંમેશા માનસિક સંઘર્ષ રહેતો કારણ કે, તેનો જોડીયો ભાઈ મહેલમાં રહેતો હતો અને તેણી માછીમારોની વચ્ચે. તેને લાગ્યું કે જો તે ઋષિ સાથે કોઈક રીતે સંકળાયેલી રહે તો, તેનું જીવન બદલાઈ શકે. તેઓ નદીની વચ્ચે એક ટાપુ પર રહ્યા અને તેણીએ પરાશરના પુત્રને જન્મ આપ્યો. બાળકનો જન્મ દ્વિપ ઉપર થયો હોવાને કારણે એ દ્વૈપાયન તરીકે ઓળખાયો અને શ્યામવર્ણ હોવાથી કૃષ્ણ કહેવાયો. આગળ જતાં કૃષ્ણ દ્વૈપાયન; વેદ વ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા, જેમણે વેદોને ગ્રંથસ્થ કર્યા, અને જેમણે મહાભારતની કથા કહી.
પરાશર દીકરાને પોતાની સાથે લઈને ચાલ્યા ગયા. જતાં પહેલાં તેમણે મત્સ્યગંધીને વરદાન આપ્યું જેથી તેનામાંથી આવતી માછલીની વાસ ચાલી ગઈ અને તેની જગ્યા એવી સ્વર્ગીય સુવાસે લીધી જે કોઈ મનુષ્યએ પહેલા ક્યારેય ન સૂંઘી હોય. તેનામાંથી એવા ફૂલની સુગંધ આવતી હતી જેનું આ લોકમાં અસ્તિત્વ જ ન હતું. આ અલૌકિક સુગંધને કારણે તેમણે તેનુ નામ બદલીને સત્યવતી રાખ્યું, "સત્યની સુવાસ". અને તે જ તેણીની આકર્ષણ શક્તિ બની ગઈ.
શાંતનુ સત્યવતીને પોતાની સાથે લગ્ન કરવા વિનવે છે
એક દિવસ શાંતનુની નજર આ સ્ત્રી પર પડી અને તે તેની સાથે પ્રેમમાં પડી ગયા. તેઓ સત્યવતીના પિતા પાસે ગયા અને સત્યવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે દાસ, જે માછીમાર સમુદાયનો નાયક હતો, અને પોતાના અધિકાર ક્ષેત્રમાં, ભલે નાનો એવો પણ રાજા હતો, તેણે જોયું કે સમ્રાટ તેની પાલક પુત્રીના હાથની માગણી કરી રહ્યો હતો અને તેણે વિચાર્યું કે સોદાબાજી માટે આ ઉત્તમ સમય છે. તેણે કહ્યું, "હુ મારી પુત્રીના આપ સાથેના લગ્ન માટે ત્યારે જ રાજી થઈશ, જો તેના પુત્રો કુરુ રાજવંશના રાજા બનશે." શાંતનુએ કહ્યું,"તે શક્ય નથી. હું મારા પુત્ર દેવવ્રતનો રાજ્યાભિષેક કરી ચૂક્યો છું. કુરુ સામ્રાજ્યને મળેલો તે સૌથી ઉત્તમ રાજા છે."
કપટી માછીમાર રાજાની દશા જોઈને સમજી ગયો કે તે પોતાની પુત્રીના પ્રેમમાં સાવ નાસીપાસ છે, અને કહ્યું, "તો મારી પુત્રીને ભૂલી જાઓ." શાંતનુએ તેને વિનંતી કરી. તે જેટલી વધુ વિનવણી કરતા ગયા, માછીમાર સમજી ગયો કે, રાજન કાંટામાં ફસાઈ ચૂક્યા છે. મોટી માછલી ખેંચવાનો સમય આવી ગયો છે. એણે કહ્યું, "તે આપની ઉપર નિર્ભર છે. જો આપ મારી પુત્રીને ચાહો છો, તો તેના પુત્રો ભવિષ્યમાં રાજા બનવા જોઈએ. નહીં તો, આપ સુખેથી મહેલમાં જઈને રહો."
શાંતનુ મહેલમાં પાછા ફર્યા - ફરી એક વખત હતાશ થઈને. તે સત્યવતીને ભુલાવી નહોતા શકતા. તેની સુગંધે તેમનો એવો પીછો કર્યો કે તે ફરી એક વખત રાજ્યના કારભારમાંથી રસ ગુમાવી બેઠા અને ગુમસુમ બની બેસી રહેતાં. દેવવ્રતે પિતાની દશા જોઈને પૂછ્યું,"રાજ્યમાં બધું સુચારુ રીતે ચાલી રહ્યું છે. તે શું છે જે આપને પરેશાન કરે છે?" શાંતનુએ માત્ર માથું ધુણાવ્યું અને શરમથી ઝુકાવી દીધું, તેઓ પુત્રને કહી ન શક્યા કે મુશ્કેલી શું હતી.
કર્તવ્યનિષ્ઠ પુત્ર દેવવ્રત એ સારથિ પાસે ગયો જે શાંતનુને શિકાર પર લઈ ગયો હતો અને પૂછ્યું,"આ વખતના શિકાર પછી, મારા પિતાશ્રી પહેલા જેવાં નથી રહ્યાં. તેમને શું થયું છે?" સારથિએ ઉત્તર આપ્યો, "હું ચોક્કસપણે નથી જાણતો કે શું બન્યું. હું તેમને માછીમારોના નાયકને ત્યાં લઈ ગયો હતો. આપના પિતાશ્રી તેના ઘરમાં એક રાજાની જેમ દાખલ તો થયા, ખૂબ ઉત્સાહ અને પ્રેમથી સભર. તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે માનો પ્રેત બની ગયા."
દેવવ્રત ભીષ્મ બને છે
દેવવ્રત જાતે જ તપાસ કરવા ગયાં કે ત્યાં શું થયું હતું. દાસે કહ્યું, "તેઓ મારી પુત્રી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. હું માત્ર એટલું જ ઇચ્છુ છું કે તેના પુત્રો ભવિષ્યમાં રાજા બને. આ એક સામાન્ય શરત છે. એક માત્ર મુશ્કેલી એ છે કે તમે વચમાં છો." દેવવ્રતે કહ્યું,"એ કોઈ સમસ્યા નથી. મારે રાજા બનવું જરૂરી નથી. હું વચન આપું છું કે હું ક્યારેય રાજા નહીં બનું. ભલે સત્યવતીના પુત્રો રાજા બનતા." માછીમારે હસીને કહ્યું, "એક યુવાન તરીકેના આડંબરમાં તમે આમ કહી શકો છો. પણ પછી, જ્યારે તમારા પુત્રો થશે, ત્યારે તેઓ સિંહાસન માટે લડાઈ કરશે." પછી દેવવ્રતે કહ્યું,"હું ક્યારેય લગ્ન નહીં કરું અને મને ક્યારેય બાળકો નહીં હોય જેથી તે ખાતરી જાય કે માત્ર સત્યવતીના પુત્રોને જ રાજા બનવાનો અધિકાર મળે."
માછીમાર ભોજન કરતાં કરતાં, સાવધાનીપૂર્વક માછલીના હાડકાં બાજુ પર કરી રહ્યો હતો. તેણે ઉપર જોયું અને અકળાઈને કહ્યું, "નવયુવાન, તું જે કહી રહ્યો છે તે બધી વાતની હું કદર કરું છું. પણ તું જીવન રીતિઓને જાણતો નથી. તું લગ્ન ન કરે, તેમ છતાં તને બાળકો તો થઈ શકે છે." પછી દેવવ્રતે પોતાની ખસી કરવાનું અંતિમ પગલું ભર્યું. તેણે સોગંદ ખાધા. "મને ક્યારેય બાળકો નહીં થાય. હું હવે બાળક પેદા કરવા અસમર્થ છું. હવે તમને સંતોષ થશે?" આખરે માછીમારે હા કહી. બધાએ કહ્યું, "આ એક પુરુષ પોતાની સાથે કરી શકે તે કઠોરમાં કઠોર વસ્તુ છે." તેથી તેમણે તેને ભીષ્મ કહ્યા, જે પોતાની જાત પરત્વે ભયંકર રીતે કઠોર બન્યો હોય, જ્યારે બીજા કોઈ તરફથી આવું પગલું ભરવા દબાણ ન થયું હોય. અને પછી, શાંતનુનાં લગ્ન સત્યવતી સાથે થયા.
ક્રમશ:...
Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower June 2015. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.