અનુક્રમણિકા
1. કેમ નાગ પંચમીનું મહત્ત્વ ઘટી ગયું છે
2. નાગ પંચમીનું યોગિક મહત્ત્વ અને મનુષ્યની ઉત્ક્રાંતિના ત્રણ સ્તર
2.1 શ્વાન અથવા કૂતરો – જીવન ટકાવવામાં સ્માર્ટ
2.2 કાક અથવા પક્ષી – સમજ અને સંવેદનશીલતા
2.3 નાગ અથવા સાપ – પાંચ ઈન્દ્રિયોથી પરેનો બોધ
3. અધ્યાત્મમાં સાપનું મહત્ત્વ
4. વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં સાપનાં પ્રતીકો
5. નાગનાં બાર પરિમાણો
6. દંતકથાઓમાં આદીશેષ સાપ
7. નાગ પંચમી – સદ્‍ગુરુએ લખેલી કવિતા

કેમ નાગ પંચમીનું મહત્ત્વ ઘટી ગયું છે

સદ્‍ગુરુ: નાગ પંચમી, અથવા નાગર પંચમી, જે નામે તે દક્ષિણ ભારતમાં ઓળખાય છે, તે એક સમયે ભારતના સૌથી મહત્ત્વના તહેવારોમાંનો એક હતો. તેનું મહત્ત્વ ઘટવાનું કારણ એ છે કે જેમ આપણે વધુ તાર્કિક બન્યા તેમ, કેમ કે આપણો તર્ક અમુક વસ્તુને સમજી ન શક્યો, તેથી આપણે તેવી વસ્તુઓને છોડવા લાગ્યા. આ ત્યારથી થઈ રહ્યું છે જ્યારથી યુરોપિયન શિક્ષણ પદ્ધતિ વિશ્વમાં બધે પ્રમાણિત શિક્ષણ પદ્ધતિ બની. તે એક પ્રકારના વિકાસ તરફ દોરી ગયું છે, જેનાથી સુવિધા અને સગવડ આવ્યા છે, પરંતુ જ્યારે તમે જીવન પ્રત્યેના આ અભિગમના પરિણામો તરફ જુઓ, તો આપણે જેના પર જીવીએ છીએ તે ગ્રહનો જ નાશ કરી રહ્યા છીએ.

એવી સંસ્કૃતિ હતી, જે હજુ પણ ઈશા યોગ સેન્ટરમાં જીવંત છે, જેમાં આપણે આપણા શરીર, મન અને ઊર્જાઓને એવી રીતે રાખવાનું પસંદ કર્યું કે જેથી આપણે એક ખડક પર આરામથી બેસી શકીએ. આપણને ઓશિકાની જરૂર ન પડતી. જો ઓશીકું હોય તો આપણે તેનો આનંદ લેતા પણ આપણે ક્યારેય તેને ગોતવા ન નીકળતા. તેવું એટલા માટે થયું કેમ કે આપણે આરામ અને સગવડનો વિચાર તાર્કિક રીતે નહોતો નિર્મિત કર્યો. આપણે આરામ અને સગવડનો વિચાર જીવનના આપણા અનુભવ આધારિત પરિમાણ પરથી નિર્મિત કર્યો હતો. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ખૂબ જ આનંદિત અને શાનદાર અનુભવતા હોઈએ ત્યારે આપણે એક ખડક પર બેસીને એકદમ આરામપૂર્ણ અનુભવીએ શકીએ છીએ. જ્યારે આપણે દુઃખી અને હતાશ અનુભવતા હોઈએ ત્યારે દુનિયાનું સૌથી સારું ઓશીકું ખૂબ જ અગવડ ભર્યું બની જાય છે. તે તમને આરામ નથી આપી શકતું કારણ કે તમે જીવનને એક એવી પ્રક્રિયા સમજવાની ભૂલ કરી છે જેને વિચ્છેદ દ્વારા સમજી શકાય. આપણને લાગે છે કે આપણે આપણા તર્કના ચપ્પુ દ્વારા દરેક વસ્તુને કાપી શકીએ અને સમજી શકીએ. આપણે તેની કિંમત ચૂકવી છે અને હજુ પણ ચૂકવી રહ્યા છીએ. જો આપણે અમુક વસ્તુઓને ઠીક નહિ કરીએ તો, આવનારી પેઢીઓ માટે કિંમત ચૂકવી ન શકાય તેટલી વધી જશે.  

આજે દુનિયા, સંઘર્ષ, ભૂખ, યુદ્ધ અને સૌથી મહત્ત્વનું કે ઈકોલોજિકલ અધોગતિ નો સામનો બસ એટલા માટે કરી રહી છે કે જીવન વિશેનો આપણો વિચાર એક સીધી લીટીનો બની ગયો છે. આપણે જીવનને તે જેવું છે તે રીતે જોવા રાજી નથી. આપણે ઈચ્છીએ છીએ કે આખું બ્રહ્માંડ આપણા મગજના નાનકડા કાણામાં સમાઈ જવું જોઈએ. જ્યારે આપણો જીવનનો બોધ સર્વાંગી હતો ત્યારે આ સંસ્કૃતિમાં નાગ પંચમી સૌથી મહત્ત્વના તહેવારોમાંનો એક હતો. 

નાગ પંચમીનું યોગિક મહત્ત્વ અને મનુષ્યની ઉત્ક્રાંતિના ત્રણ સ્તર

ઉત્ક્રાંતિમાં, યોગિક સિસ્ટમ વિકાસના  ત્રણ સ્તરને ખૂબ મહત્ત્વના ગણે છે. એક અમીબાથી લઈને તમે અત્યારે જે છો તે સુધીમાં, એવા ત્રણ પ્રાણીઓ છે જે હજુ તમારી અંદર અલગ અલગ રીતે જીવે છે અને અલગ અલગ પાસાંઓને રજુ કરે છે. તેમને શ્વાન, કાક અને નાગ કહે છે.  યોગમાં, આપણે ઉત્ક્રાંતિના આ ત્રણ તબક્કાઓને તમારી અંદરના મહત્ત્વના સીમાચિહ્નો તરીકે જોઈએ છીએ. નાગ પંચમી તેનું અમુક પાસું રજુ કરે છે. જેઓ દુનિયામાં સ્માર્ટ થવા માંગતા હોય તેમના માટે – શ્વાન. જેઓ એક સારાંશ મેળવવા અને પોતાની અંદર બુદ્ધિશાળી અનુભવવા માંગતા હોય તેમના માટે – કાક. જેઓ પોતાને જીવનમાં તરબોળ કરવા માંગતા હોય તેના માટે –  નાગ.  

#1 શ્વાન અથવા કૂતરો – જીવન ટકાવવામાં સ્માર્ટ  

શ્વાન નો મતલબ છે એક કુતરો. તે એક એવું સસ્તન પ્રાણી છે જે તેના જીવન નિર્વાહની પ્રક્રિયામાં ખૂબ કુશળ છે. લાંબા સમય સુધી, લોકો કહેતા કે એક કૂતરો માણસનો સૌથી સારો મિત્ર છે. એક માણસ કૂતરાને પાળતો કેમ કે જ્યારે તે માણસ બહાર હોય ત્યારે તે તેના જીવનના સંરક્ષણમાં ખૂબ મદદરૂપ હતો; એક કુતરાનો સૂંઘવાનો અને સાંભળવાનો બોધ ઘણો વધારે હોય છે. જ્યાં સુધી યોગની વાત છે તો કુતરાનો ગુણ શ્વાસ અને મગજને લગતો છે. તમારી અંદરનું શ્વાન પાસું, તમારા મગજના ચોક્કસ પરિમાણને ઉત્તેજિત કરે છે જેથી તમારી જીવનના સંરક્ષણની પ્રક્રિયા મોટા પ્રમાણમાં ઉત્કૃષ્ટ બને છે અને તમે સ્માર્ટ બની જાઓ છો. સ્માર્ટ હોવાને બુદ્ધિમત્તા ન સમજશો. બુદ્ધિમત્તા એક ખૂબ જ સમાવેશ વાળી પ્રક્રિયા છે. સ્માર્ટ હોવું હંમેશા કોઈની સાથેની સ્પર્ધામાં અથવા કોઈ વ્યક્તિથી વધુ સારા હોવા વિષે હોય છે.  

આ પરિમાણ તમારી અંદર રહેલું છે અને શ્વાસને અમુક ચોક્કસ રીતે સાંભળીને, શ્વાનને કાર્યરત કરી શકાય છે, જે તમારા મગજની જીવનના સંરક્ષણની વૃત્તિને વિકસિત કરશે. આવું એટલા માટે છે કે તમારા શ્વાસ અને તમારું મગજ આ પાસાં સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે.  

#2 કાક અથવા પક્ષી – સમજ અને સંવેદનશીલતા 

તેના પછી છે કાક. કાકનો અર્થ ખાલી કાગડો નથી થતો, પરંતુ એક પક્ષી થાય છે. સુંઘવા અને સાંભળવાનો બોધ શ્વાન અથવા કૂતરામાં પ્રબળ હોય છે. પરંતુ એક પક્ષીમાં, જોવાની અને સંવેદનાની ક્ષમતા વધુ પ્રબળ હોય છે. 

એક પક્ષી પાસે દ્રષ્ટિ હોય છે. ઉડાનને કારણે, એક અંતર હોય છે અને તેણે વસ્તુઓને અમુક રીતે જોવાની હોય છે, જે અમુક સમજ તરફ દોરી જાય છે. ઘણા સમાજોમાં, અમુક પક્ષીઓને સમજુ ગણવામાં આવે છે. ભારતમાં, કાગડાઓને એવા પક્ષી ગણવામાં આવે છે જેમની પાસે પૂર્વજોની સમજ હોય છે. બીજી અમુક સંસ્કૃતિઓમાં ઘુવડને સમજુ ગણવામાં આવે છે. ભારતમાં, એક ઘુવડને મૂર્ખ ગણવામાં આવે છે! આ બધું સાંસ્કૃતિક છે, પરંતુ એકવાર તમારી પાસે કોઈ વસ્તુનું વિહંગાવલોકન હોય, પછી તમે સ્વાભાવિક રીતે સમજુ બની જાઓ છે કેમ કે તમારી પાસે એક વ્યાપક દ્રશ્ય હોય છે, જે પૃથ્વી પર ચાલતા જીવો પાસે નથી હોતું. તેથી, જો તમે દુનિયાની વસ્તુઓ પ્રત્યે એક મોટી સમજ શોધી રહ્યા છો, તો તમારે તમારી અંદર કાકને સક્રિય કરવાની જરૂર છે. 

બીજું પાસું છે સંવેદના. એક પક્ષી પીછાઓથી ઢંકાયેલું હોય છે. પરંતુ પીછાઓ ખરેખર જીવન નથી. પીછા જીવંત હોય છે પણ બાકીના શરીર જેટલા નહિ. તે તમારા વાળ જેવું છે. પીછા શરીર સાથે એવી રીતે જોડાયેલા હોય છે કે તે પક્ષીને બહુ ઊંડી રીતે સંવેદનાનો અનુભવ કરાવે છે. જો એક પક્ષી રાતે સૂતું હોય અને એક નાગ વૃક્ષ પર ચડવાનું શરુ કરે, તો બસ તે હિલચાલથી તેને સંવેદન થશે. હું ઘણા દિવસ વૃક્ષ પર સૂતો છું, તેથી મેં આ જોયું છે. બંધ આંખે, તેઓ બસ કૂદી જશે. તેઓ જ્યારે હજુ નિંદ્રામાં હોય ત્યારે જ ડાળીના છેડે ચાલ્યા જશે. તમારામાંથી જેઓ નીંદરમાં ચાલતા હોવ તેઓ સમજી શકો છો કે હું શું કહી રહ્યો છું. તેઓ આસપાસ થઈ રહેલી નાની વસ્તુઓ વિષે જાણી લે છે કેમ કે તેમની સંવેદના ખૂબ ગહન છે.

#3 નાગ અથવા સાપ – પાંચ ઈન્દ્રિયોથી પરેનો બોધ 

ત્રીજું છે નાગ અથવા સાપ. તમારા શરીર તંત્રમાં, તે તમારા શરીરના અંદરના અવયવોના પાસાંને લાગતું છે. કોષીય પ્રવૃત્તિ અને લોહીનું પરિવહન નાગ સાથે સંકળાયેલા છે. શ્વાન અને કાક તમારી સાંભળવા, સુંઘવા, જોવા અને અનુભવવાની ઈન્દ્રિયોને તેજ બનાવવા વિષે છે, પરંતુ નાગ તે પરિમાણને રજુ કરે છે જે ઈન્દ્રિયો દ્વારા જાણી ન શકાય. તેથી જ યોગિક સંસ્કૃતિમાં, સૌથી વધુ ધ્યાન નાગને આપવામાં આવ્યું છે. જ્યાં પાંચ ઈન્દ્રિયો નિષ્ફળ જાય ત્યાં નાગનું કામ શરુ થાય છે.   

અધ્યાત્મમાં સાપનું મહત્ત્વ 

એક તો બુદ્ધિ છે અને એક છે બોધ. જો તમે બુદ્ધિને પ્રબળ બનાવો તો તમે બહુ સ્માર્ટ હશો, પણ તમારે તમારી આસપાસ મુર્ખાઓની જરૂર પડશે; નહિ તો, તમે કઈ રીતે ચતુર બનશો? જીવનની મારી સમજ મુજબ, એક અબજ ડોલર ભેગા કરવા એ તમે કરી શકો તેમાંની સૌથી મૂર્ખામીભરી વસ્તુ છે, કેમ કે મને ખબર છે કે આ ગ્રહ સિવાય બીજે ક્યાંય બેંકો નથી અને હું જાણું છું કે અહીં મારો સમય માર્યાદિત છે. હું શું કામ એક અબજ ડોલર ભેગા કરું? શેના માટે? પણ લોકોને લાગે છે કે તે સ્માર્ટ વસ્તુ છે, તેથી મેં કહ્યું, “સ્માર્ટ અનુભવવા માટે, તમારી આસપાસ મુર્ખાઓ હોવા જોઈએ.” પરંતુ જો તમે જીવનને તમારી સાથે તેની પૂરી ભવ્યતામાં ઘટિત થવા દો, તો કદાચ તમને સમાજમાં સ્માર્ટ નહિ ગણવામાં આવે. જો તમે તમારી આંખો બંધ કરીને અહીં બેસો તો તમે ન તો સ્માર્ટ છો કે ન તો મૂર્ખ, તમે બસ જીવન છો અને બસ તેનું જ મહત્ત્વ છે. તમે કેટલું જીવંત,ઉલ્લાસપૂર્ણ, આનંદિત અને શાનદાર જીવન છો બસ તેનું જ મહત્ત્વ છે. આ કરવામાં, નાગનું ખૂબ મહત્ત્વ છે. 

જ્યાં પણ લોકોએ આંખ બંધ કરીને વધુ સમય પસાર કર્યો અને પાંચ ઈન્દ્રિયોથી પરે કશાકનો બોધ મેળવ્યો ત્યાં નાગ મહત્ત્વના બની ગયા.

સાપનું મહત્ત્વ આ રીતે સમજી શકાય. જ્યારે તમે તાર્કિક હોવ, ત્યારે તમે જીવનને પકડવાનો પ્રયત્ન કરો છો. જ્યારે તમે ખૂબ આંતરદ્રષ્ટિ વડે અને સહજ રીતે ચાલતા થાઓ અને તમારો બોધ વધે ત્યારે તમે જીવન તમને પકડે તે માટે રાજી થઈ જાઓ છો કેમ કે તમે પોતે જે છો તેની સીમાઓને જોઈ છે. અત્યારે પણ, એવું ન વિચારશો કે જીવન તમારું કરેલું છે; જીવન તમારી સાથે ઘટિત થઈ રહ્યું છે. અહીં અત્યારે સૌથી મોટી વસ્તુ જે ઘટિત થઈ રહી છે તે જીવન છે, તેમાં કોઈ પ્રશ્ન નથી. જ્યારે તે મફતમાં ઘટિત થઈ રહ્યું હોય ત્યારે તમારે ખાલી એટલું જ કરવાનું છે કે કૈક શોધીને પેટમાં નાખવાનું જેથી શરીર ચાલતું રહે. તેના માટે, કેટલી બધી પિંજણ!  

આવું એટલા માટે થયું છે કે આપણે સાપની રીત છોડી દીધી છે, આપણે જીવનને આપણી આસપાસ લપેટાવા દેતા નથી. આપણે તેને “સમજવાનો પ્રયત્ન”કરી રહ્યા છીએ. જો તમે તે વૃત્તિને જરાક ઢીલી કરો, તો જીવન હંમેશા તમારી આસપાસ લપેટાયેલું છે.

વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં સાપનાં પ્રતીકો 

જ્યાં પણ લોકોએ આંખ બંધ કરીને વધુ સમય પસાર કર્યો અને પાંચ ઈન્દ્રિયોથી પરે કશાકનો બોધ મેળવ્યો ત્યાં નાગ મહત્ત્વના બની ગયા. તેઓએ ઉત્ક્રાંતિમાંથી બાકી રહેલા અવશેષ રૂપી પરિમાણનું મહત્ત્વ સમજ્યું અને તે જોયું કે કઈ રીતે આપણે તેને ઈન્દ્રિયોની સીમાઓથી પરે જવા માટે સક્રિય કરી શકીએ. દરેકે દરેક સંસ્કૃતિની દંતકથાઓ અને પુરાણોમાં સાપનાં અસંખ્ય પ્રતીકો જોવા મળે છે. તમે વિશ્વમાં બધે અલગ અલગ પ્રકારની કલાકૃતિઓમાં એવા પ્રતીકો જોઈ શકો છો જે દર્શાવે છે કે કઈ રીતે સાપે તે જાતિની રહસ્યવાદની ખોજમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી. ઘણા વિવિધ સ્થળોએ સાપનાં પ્રતીકો રહેલા છે જેમ કે – રશિયા, ચીન, આફ્રિકા, ઈજિપ્ત, ગ્રીસ, સાઉથ અમેરિકા અને સ્વાભાવિક રીતે, ભારત.  

નાગનાં બાર પરિમાણો  

નાગનાં બાર પરિમાણો છે જેને ભારતમાં પૂજવામાં આવે છે. તેને અનંતા, વાસુકી, શેષ, પદ્મ, કમ્બાલા, કારકોટકા, અશ્વત્ર, ધ્રીતરાષ્ટ્ર, શંખપાલા, કાલીયા, તક્ષક અને પિંગળા કહે છે. આ બાર પાસાંઓ કેલેન્ડરના બાર પાસાંઓ સાથે પણ સંકળાયેલા છે.

દંતકથાઓમાં આદીશેષ સાપ 

શિવના ગળે વીંટળાયેલા સાપને વાસુકી કહે છે. વિષ્ણુના સાપને શેષ કહે છે. ભારતની સ્થાનિક ભાષાઓમાં ગણિતમાં ભાગાકારમાં વધતા ભાગને “શેષ” કહે છે. આ શબ્દ વધતા ભાગ માટે વપરાય છે કેમ કે જ્યારે કોઈ સર્જનનો અંત આવે ત્યારે એક ચોક્કસ મૂળભૂત પાસું પાછળ વધે છે જેમાંથી બીજું સર્જન અંકુરિત થાય છે. આ તે શેષ છે જેના પર વિષ્ણુ આરામ કરે છે. તેનો અર્થ છે કે જ્યારે સંભાળવા માટે કોઈ સર્જન ન હોય ત્યારે તેઓ શેષ પર અથવા વધેલા ભાગ પર આરામ કરે છે.  

આ વસ્તુ તેનાથી ઘણે ઊંડે સુધી જાય છે પણ અત્યારે સમસ્યા એ છે કે મારે અંગ્રેજી ભાષામાં બોલવું પડે છે અને મારે તાર્કિક રીતે બોલવું પડે છે. તર્ક આપણા સારી રીતે જીવવા માટેનું એક શક્તિશાળી સાધન છે, પરંતુ તર્ક જીવનના દરેક પાસાંની અંદર ઉતરી શકે તેટલું શક્તિશાળી સાધન નથી.  

દંતકથા કહે છે કે આદીશેષ વીંટળાયેલી અવસ્થામાંથી ખુલે છે અને સમય આગળ વધે છે. તેનો અર્થ છે કે પહેલાના સર્જનમાંથી વધેલો ભાગ રહે છે અને જ્યારે તે ખુલવા લાગે છે, તેને આદીશેષ કહે છે કેમ કે તે સૌથી પહેલાનો વધેલો ભાગ છે. જ્યારે તે ખુલે છે તેનો અર્થ છે કે બીજું સર્જન થવાનું શરુ થાય છે. આ જીવનનું એક ખૂબ જ ગહન પાસું છે જેને પ્રતીકાત્મક રીતે રજુ કરવામાં આવ્યું છે.  

નાગર પંચમી અથવા નાગ પંચમી આ દર્શાવે છે. આ દિવસ એ લોકો માટે ખૂબ મહત્ત્વનો છે જેઓ જીવનને તેમના શરીર અને પાંચ ઈન્દ્રિયોથી પરે જાણવા માંગે છે. આ ખાલી અનુભવવા, સાક્ષાત્કાર કે મુક્તિ વિષે નથી – આ જાણવા વિષે છે. કદાચ બધાં જાણવા માંગતા નથી. અમુક લોકો ખાલી મુક્ત થવા માંગે છે અને તેમને જાણવાની પડી નથી. તે ઠીક છે. પરંતુ જેઓ જાણવા માંગે છે તેમના માટે, તમારી અંદર રહેલું ઉત્ક્રાંતિમાંથી વધેલું આ પાસું ખૂબ મહત્ત્વનું છે. તમે વાસ્તવમાં પ્રતીકો સાથે જોડાયેલા હોવ કે નહિ, તમારે આ પરિમાણને કાર્યરત કરવું પડશે. જો તમે પાંચ ઈન્દ્રિયોથી પરેના પાસાંઓને જાણવા માંગતા હોવ તો તમારો આદીશેષ ખુલવો અને ગતિમાન થવો જોઈએ.  

આ કશુંક એવું છે જેને ભારતીય સંસ્કૃતિમાં હંમેશાથી મહત્ત્વ આપવામાં આવ્યું છે કે લોકો ક્યારેય એક સાપને મારતાં નથી. જો તેઓ અકસ્માતે તેને મારી નાખે તો તેઓ એક માણસ માટે જેમ કરવામાં આવે તેવા જ અંતિમ સંસ્કાર સાપ માટે કરે છે. આવું એટલા માટે છે કે તેઓ સાપ જે છે તેના અમુક પાસાંઓને સમજ્યા છે.   

નાગ પંચમી

જો સાપ ન હોત તો
આદિયોગી એક ઝુલતા ઘરેણાં વગરના હોત.
સૌથી પહેલું મૂઢ યુગલ કંટાળીને બેઠું રહ્યું હોત બેઠું રહ્યું હોત
તેમના મૂળભૂત શારીરિક હેતુથી પણ અજાણ.
મેં સર્જનહાર અને સર્જનની રીતોની
ઝાંખી ન મેળવી હોત
કે ન તો મને ખબર હોત કે
શિવની ઈચ્છાની સહજ અને ઝડપી પૂર્તિ માટે
ક્યારે ગીયર બદલવા 

જો સાપ ન હોત તો …

Editor's Note: Sadhguru reveals about the connection between mysticism and snakes, and the power and energy of this mysterious creature.