Mahabharat All Episodes

 

સદ્‍ગુરુ: ભારત વર્ષના સહુ ક્ષત્રિયોની સાથે પાંચ પાંડવોએ પણ દ્રૌપદીના સ્વયંવરની ઘોષણા સાંભળી. દ્રુપદે શક્ય એટલી બધી જ જગ્યાઓએ આમંત્રણ પાઠવ્યા હતા જેથી સૌથી બહાદુર અને કુશળ યોદ્ધો દ્રુપદનો જમાઈ બની શકે. છેવટે તો સ્વયંવરનો  મૂળભૂત આશય દ્રોણ અને કુરુ રાજવંશ સાથે બદલો લેવાનો હતો.

 

દ્રૌપદીનો હાથ મેળવવાની મનીષા સહુના દિલમાં હતી. તેના અનેક કારણોમાંનું એક એ હતું કે તેનું સૌંદર્ય અપ્રતિમ હતું . . .

જ્યારે સ્વયંવરનો દિવસ આવ્યો ત્યારે બધા જ યોદ્ધાઓ એકઠા થયા, જેમાં બીજા કૌરવોની સાથે દુર્યોધન, કર્ણ અને પાંડવો, જેઓ હજુ છૂપા વેશમાં હતા તેઓ પણ સમાવિષ્ટ હતા. કોઈને જાણ ન હતી કે તેઓ હજુ જીવિત છે - સિવાય કે કૃષ્ણ, જેણે પોતે ગુપ્તચર મોકલીને જાણી લીધું હતું કે, તે નિશાદ સ્ત્રી અને તેના પાંચ પુત્રો હતા જે લાક્ષાગૃહમાં સળગી ગયા હતા, નહીં કે કુંતી અને પાંડવ ભાઈઓ. કૃષ્ણ તે નહોતા જાણતા કે તેઓ ક્યાં છે પરંતુ એ વાતની ખાતરી હતી કે, સ્વયંવરની ઘોષણા સાંભળ્યા પછી તેઓ તેમાં શામેલ થવાની ઈચ્છા રોકી નહીં શકે - તેઓ જરૂર ભાગ લેશે.

કૃષ્ણ પોતાના યાદવ યોદ્ધાઓ સાથે લાવ્યા જેથી સ્વયંવર સમયે જો કોઈ મુશ્કેલી આવે તો કાબૂમાં લાવી શકાય. દ્રૌપદીનો હાથ મેળવવાની મનીષા સહુના દિલમાં હતી. તેના અનેક કારણોમાંનું એક એ હતું કે તેનું સૌંદર્ય અપ્રતિમ હતું; બીજું કે દ્રુપદ શક્તિશાળી રાજા હતો. તેનું સામ્રાજ્ય વિશાળ હતું અને બધા જ તેની સાથે મૈત્રી કરવા ઇચ્છતા હતા.

સ્પર્ધાના દિવસે પ્રસંગોની ઘટમાળને લઈને ખાસી ઉત્તેજના હતી. એક પછી એક ઉમેદવાર આવ્યા, પણ ઘણાને તો આ ખાસ પ્રકારે બનાવેલું ગૂઢ શક્તિથી કવચ કરાયેલું બાણ ચઢાવતા પણ ન ફાવ્યું. અને જે થોડા તેમ કરવામાં સફળ થયા તે સતત ફરી રહેલી માછલીનું પ્રતિબિંબ જોઈને તેને સીધું તાકી ન શક્યા.

દુર્યોધને સ્પર્ધા ટાળી

દુર્યોધન સ્પર્ધામાં ભાગ લઈને જીતવાનું વિચારી શકતો હતો, પણ તે કોશિશ કર્યા પછી હારવા નહોતો ઈચ્છતો, તેથી તેણે પ્રથમ તેના ભાઈ દુઃશાસનને મોકલ્યો સ્પર્ધામાં ભાગ લઇ જીત્યા વિના સ્પર્ધાનો તાગ મેળવવા. દુઃશાસન, એક અભિમાની અને હિમતવાન યોદ્ધા હતો. તેણે ધનુષની પણછ ખેંચવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યો. ભાઈને નિષ્ફળ ગયેલો જોયા પછી, દુર્યોધને શરમજનક સ્થિતિમાં મૂકાવાને બદલે, સ્પર્ધામાંથી હટી જવાનું મુનાસીબ ગણ્યું. પછી કર્ણ આગળ વધ્યો. તે બાકી રહી ગયેલા યોદ્ધાઓ - જે પોતાનું નસીબ અજમાવવા માંગતા હતા, તેમાં લગભગ છેલ્લો જ હતો.

તે ગર્વ અને આત્મવિશ્વાસથી આગળ વધ્યો, અત્યંત આસાનીથી ધનુષને ઉઠાવીને પણછ ચઢાવી અને માછલીને વીંધવા તૈયાર થયો. તેને જોઈને અર્જુનને ખાતરી થઈ ગઈ કે તે ચોક્કસ માછલીની આંખ વીંધી શકશે. પણ તે એ વાત થી પણ જ્ઞાત હતો કે ભલે દુર્યોધને તેને રાજા બનાવી દિધો હતો, અને તેના લોકોમાં શામેલ કરી દીધો હતી, પરંતુ તેની ઓળખ સુત પુત્ર તરીકેની હતી - એક સારથીનો પુત્ર. તેવી જ રીતે કૃષ્ણએ જોયું કે કર્ણનો સ્પર્ધામાં ભાગ લેવો યોજનાનો ભાગ નથી, અને કર્ણ જેવો દૂર્જેય યોદ્ધો ચોક્કસ જ કસોટીમાં પાર ઊતરશે.

કર્ણની બેઇજ્જતી

જેટલી વખત નવો યોદ્ધો સ્પર્ધામાં ભાગ લેવા આગળ આવતો, દ્રૌપદી કૃષ્ણની સામે નજર કરતી, એવા ઈશારા માટે કે આ યોદ્ધો તેને યોગ્ય છે કે કેમ. હમણાં સુધી, દરેક વખતે, કૃષ્ણએ માત્ર સ્મિત આપ્યું હતું અને જે ચાલી રહ્યું હતું તેની મઝા લીધી હતી. તેથી તે સમજી જતી કે આ તેને યોગ્ય નથી. આમ પણ, ઘણા રાજાઓ તો ધનુષ્યની પણછ પણ ચડાવી શક્યા ન હતા, માછલીની આંખ વિંધવાની વાત તો ઘણી દૂર હતી. પણ જો તેઓ સ્પર્ધામાં અસફળ રહે તો પણ દ્રૌપદી ઇચ્છે તો તેમાંથી કોઈ એકને પસંદ તો કરી જ શકે.

જ્યારે કર્ણ નજીક આવ્યો ત્યારે તેણીએ તેના ભાઈને કર્ણ સાંભળી શકે તેટલા મોટા અવાજમાં કહ્યું, "મારે સુત સાથે લગ્ન નથી કરવાં."

જ્યારે કર્ણ આવ્યો ત્યારે કૃષ્ણએ પોતાની આંખ બંધ કરી અને દ્રૌપદીને કહ્યું, "મને તારે માટે ડર લાગે છે કારણ કે આ યોજનાનો ભાગ નથી. આ એક જણ માછલી વીંધી શકશે." દ્રૌપદી ત્યાં હાથમાં વરમાળા લઈને ઉભેલી હતી અને તેનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન તેની બાજુમાં ઉભો હતો. જ્યારે કર્ણ નજીક આવ્યો ત્યારે તેણીએ તેના ભાઈને કર્ણ સાંભળી શકે તેટલા મોટા અવાજમાં કહ્યું, "મારે સુત સાથે લગ્ન નથી કરવાં." તેણે "સુત પુત્ર" એમ પણ ન કહ્યું.

ધૃષ્ટદ્યુમ્નએ જાહેર કર્યું, "મારી બહેન સુત સાથે લગ્ન કરવા નથી માંગતી માટે કોશિશ કરવા જેટલી તસ્દી પણ ન લેશો." ભરી સભામાં અપમાનિત થયેલા કર્ણએ માથું ઝુકાવ્યું પણ દ્રૌપદી તરફ એક નજર નાખી જેમાં બદલો લેવાનો નિર્ધાર સ્પષ્ટ હતો અને તેણે કહ્યું, "મારો સમય આવશે ત્યારે હું તને નહીં બક્ષુ." ખૂબ શર્મિંદગી સાથે તે મંચ છોડી ગયો.

પછી એક યુવાન બ્રાહ્મણનાં વેશમાં આવેલો અર્જુન ઊભો થયો, આગળ આવ્યો અને બોલ્યો, "હવે જ્યારે કોઈ ક્ષત્રિય સ્પર્ધા જીતી નથી શક્યું, હું એક કોશિશ કરીને જોઉં?" ધૃષ્ટદ્યુમ્ન ગૂંચવાઈ ગયો. તેને સમજાયું નહીં કે એક બ્રાહ્મણને સ્પર્ધામાં ભાગ લેવા દેવો કે નહીં. તેણે કૃષ્ણની સામે નજર કરી. કૃષ્ણએ કશુંક નીચે પાડ્યું અને તેને ઊંચકવા નીચે નમ્યા, જે સંમતિ સૂચક ઈશારો હતો. ધૃષ્ટદ્યુમ્નએ કહ્યું, "હા તમે ઇચ્છો તો કોશિશ કરી શકો છો, પણ જેમાં બધા જ યોદ્ધાઓ અસફળ રહ્યા છે, ત્યારે તમે કઈ રીતે જીતી શકશો?"

અર્જુનની જીત

બ્રાહ્મણ આગળ વધ્યો, ધનુષ્યની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, દંડવત પ્રણામ કર્યા જાણે તે તેના પ્રારબ્ધની પરાકાષ્ઠા હોય, પછી ધનુષ્ય ઉઠાવ્યું, ખૂબ આસાનીથી પણછ ચડાવી, પછી માછલીના પ્રતિબિંબ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તીર છોડ્યું. દરેક યોદ્ધાને માછલીની આંખ વીંધવા માટે પાંચ તક મળે તેવું નિર્ધારિત હતું. તેણે એટલી ત્વરાથી એક પછી એક પાંચ બાણ છોડ્યા કે એક સીધી રેખામાં માછલીની આંખ વીંધાઈ ગઈ અને તે નીચે પડી.

દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી. અર્જુન અને તેના ચાર ભાઈઓ દ્રૌપદીને લઈને તેમની માતાના ઘરે આવ્યા. કુંતી ખાવાનું બનાવી રહી હતી . . .

સ્પર્ધા જોવા માટે એકઠા થયેલા લોકોમાંના જેઓ ક્ષત્રિયો ના હતા અને ઉપસ્થિત બ્રાહ્મણો હર્ષની કિકિયારી કરી ઉઠ્યા. ક્ષત્રિયો ગુસ્સામાં ગર્જના કરી ઉઠ્યા, "આ યોગ્ય નથી! એક રાજકુમારી બ્રાહ્મણને કઈ રીતે વરી શકે? હવે એક બ્રાહ્મણ સ્પર્ધા જીત્યો છે, આર્ય ધર્મ પ્રમાણે આપણે બ્રાહ્મણને મારી પણ ન શકીએ. તેને અનુમતિ ધૃષ્ટદ્યુમ્નએ આપી હતી. આપણે તેને મારી નાખીએ." તે સહુએ તલવાર ખેંચી.

તરત જ ભીમ, નકુલ, સહદેવ અને અર્જુન ઊભા થઈ ગયા, લડવા માટે તૈયાર. ભીમે ત્યાં રહેલું એક નાનું ઝાડ મૂળમાંથી ખેંચી કાઢ્યું અને જે લોકો ધૃષ્ટદ્યુમ્નને મારવા આગળ વધ્યા તેમની ઉપર વીંઝવા માંડ્યું. અર્જુને બાણ ઉઠાવ્યું અને આસપાસ વિધ્વંસ ફેલાવી દીધો. પછી યાદવો તેમની મદદમાં આવ્યા. સાથે મળીને તેઓ પરિસ્થિતિને કાબુ કરવામાં સફળ રહ્યા.

દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી. અર્જુન અને તેના ચાર ભાઈઓ દ્રૌપદીને લઈને તેમની માંના ઘરે આવ્યા. કુંતી ખાવાનું બનાવી રહી હતી. જ્યારે તેઓ બ્રાહ્મણનાં વેશમાં, ભિક્ષા માંગવા બહાર જતા, પાછા ફરીને તેઓ હંમેશા જે મળ્યું હોય તે, માતાનાં ચરણોમાં ધરી દેતા. પછી ભિક્ષાનાં ભાગ પાડવાનું કામ કુંતી કરતી, અને તે હંમેશા તેના બે ભાગ કરતી, એક ભીમ માટે અને બાકીનું અડધું બીજા ચાર ભાઈઓ માટે.

તેઓ અંદર દાખલ થયા અને બોલ્યા, "મા, જુઓ આજે અમે શું લાવ્યા છીએ." ઉપર જોયા વગર જ કુંતીએ કહ્યું, "જે પણ લાવ્યા હોવ, અંદર અંદર વહેંચી લો." હેબતાઈ ગયેલા તેઓ બોલ્યા, "મા, તે એક સ્ત્રી છે. અમે એક રાજકુમારી લાવ્યા છીએ." કુંતીએ પાછળ ફરી, દ્રૌપદીને જોઈ, તેણે ક્યારેય આટલી સુંદર સ્ત્રી જોઈ ન હતી, અને તે બોલી, "કોઈ ફરક નથી પડતો, મેં તમને વહેંચવા કહ્યું છે, અને તેમ જ કરવાનું."

તેઓ કશું સમજી ના શક્યા, દ્રૌપદી આઘાત પામી ગઈ. તે ખુશ હતી કે એક કાબેલ યોદ્ધાએ સ્પર્ધા જીતી લઇને તેનો હાથ પકડ્યો હતો, પણ અહીં એક મા, પોતાને બીજા ભાઈઓ સાથે વહેંચવાનું કહી રહી હતી. આવી તો કોઈ યોજના હતી નહીં. ભાઈઓ ગૂંચવાઈ ગયા કે હવે શું કરવું. તેઓ દ્રુપદનાં મહેલમાં પાછા ગયા. કૃષ્ણ અને વ્યાસ પણ ત્યાં હાજર હતા.

ચર્ચા શરૂ થઈ. "પાંચ ભાઈઓ એક સ્ત્રી સાથે લગ્ન કઈ રીતે કરી શકે?" પાંડવ ભાઈઓએ દ્રુપદને જણાવ્યું, "એક વખત અમારી મા  આજ્ઞા કરે, પછી તે જે પણ હોય, અમારે તેનું પાલન કરવું જ પડે. માત્ર અર્જુન તેની સાથે લગ્ન કરે તે ન ચાલે. કાં તો અમે પાંચ તેની સાથે લગ્ન કરીએ અથવા તમે તમારી પુત્રીને પાછી સ્વીકારો."

દ્રૌપદીનાં પાંચ પતિ

જો કોઈ સ્વયંવર જીત્યા પછી પોતાની પુત્રીનો અસ્વીકાર કરે તો દ્રુપદને માટે ભયંકર અપમાન ગણાય. પણ હાલ તો તેને પણ સમજાતું ન હતું કે શું કરવું. લોકોએ કૃષ્ણની સલાહ માંગી, પણ તે જાણી જોઈને ખામોશ રહ્યા, ચહેરા પર સ્મિત સાથે છતને તાકતા રહ્યા.

દ્રૌપદી વ્યાસને પગે પડી અને બોલી, "આપ જ્ઞાની છો. મને કહો કે તેઓ મને એ પરિસ્થિતિમાં કઈ રીતે મૂકી શકે કે મારે પાંચ પુરુષો સાથે લગ્ન કરવા પડે? આ ધર્મ નથી અને હું તેમ નહીં કરું." વ્યાસે કહ્યું, "તારી પાસે ત્રણ વિકલ્પો છે. તું માત્ર અર્જુન સાથે લગ્ન કરે. તે તને લઈને ક્યાંક જતો રહે, તે અત્યારે તને પ્રેમ કરશે. પરંતુ થોડા સમય પછી તેને પસ્તાવો થશે કારણ કે તારે કારણે તે તેના ભાઈઓ અને માતાથી દૂર થઈ જશે. સમય જતાં પસ્તાવો કડવાશમાં બદલાઈ જશે, અને કડવાશ નફરતનું સ્વરૂપ લઇ લેશે."

કૃષ્ણએ વચ્ચે પડીને દ્રૌપદી અને તેના પાંચ પતિઓ વચ્ચે લગ્ન વ્યવસ્થા કેવી હોઇ શકે તેનું સૂચન કર્યું.

તેમણે આગળ કહ્યું, "મોટા ભાગના યુગલો આમ જ જીવન વિતાવતા હોય છે.” શરૂઆતમાં, તે એક મહાન પ્રેમની ઘટના હોય છે. પણ જો કોઈ એવો આગ્રહ રાખે કે તમારે માતાથી, ભાઈઓથી કે પરિવારથી વિખૂટા પડવાનું છે તો, સમય જતાં આ પ્રણય પસ્તાવામાં ફેરવાઈ જતો હોય છે. ખાસ કરીને અર્જુનનાં કિસ્સામાં આ સંપૂર્ણપણે  સાચું ઠર્યું  હોત.

"તો હવે તને તક છે - તું તારા પતિ સાથે ટૂંકા ગાળાની, પ્રણય પ્રચુર જીંદગી પસંદ કરી શકે છે, પણ સમય જતાં તેને ભાઈઓ અને માતાથી વિખૂટા પડ્યાનો પસ્તાવો થશે, અને તેને માટે તે તને જવાબદાર ગણશે. અથવા તું આ લગ્નનો અસ્વીકાર કરીને તારા પિતા પાસે પાછી ફરી શકે છે. પણ પછી કોઈ મહાન યોદ્ધો તારી સાથે લગ્ન નહીં કરે કારણ કે પછી તું તેનું ગર્વ નહીં હોય. તું અપરણિત રહીને જીવનભર તારા પિતાના ઘરમાં રહી શકે છે, જે થોડા સમય પછી તારા ભાઈને અણગમતું થઈ પડશે.

અથવા તારી પાસે આ પાંચ પુરુષો છે. જો તું તેમની સાથે રહે તો ભેગા મળીને તેઓ પોતાનું ભવિષ્ય બનાવશે અને એક દિવસ દુનિયા પર રાજ કરશે. અને તને તેમને એકસૂત્રે બાંધી રાખવાનું ગૌરવ પ્રાપ્ત થશે. તારી પાસે આ ત્રણ વિકલ્પો છે. તને જે યોગ્ય લાગે તે પસંદ કર."

તેને અપાયેલા વિકલ્પોથી અભિભૂત થઈને દ્રૌપદી સુધ ખોઈ બેઠી. તેઓ તેને ભાનમાં લાવ્યા. પછી વ્યાસે તેને દર્શાવ્યું કે તેના પાછલા જન્મમાં તે નળ અને દમયંતિની પુત્રી હતી. નળ વિદર્ભના રાજા હતો અને, લોક વાયકા અનુસાર પૃથ્વી પરનો સૌથી કાબેલ રસોઈયો. નળ અને દમયંતીની પ્રેમકથા સુપ્રસિદ્ધ છે. તે જીવનકાળમાં, જ્યારે તે યુવાન હતી, તેણે શિવની પૂજા કરી હતી.

તેની તપસ્યાના પ્રતિભાવમાં શિવે દર્શન આપ્યા, થોડા નશામાં અને ઉદાર હાથે આપવાનાં મિજાજમાં. દ્રૌપદીએ કહ્યું, "ઓહ! મહાદેવ, મને એક ન્યાય સંગત હોય તેવો પતિ આપો;  મને એક બળવાન પતિ આપો; મને એક બહાદૂર પતિ આપો; એક શાણો  પતિ આપો અને મને એક ખૂબ રૂપાળો પતિ આપો." શિવે કહ્યું, "તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ." પાંચ વખત. જ્યારે દ્રૌપદીએ તેના પાછલા જન્મની ઝાંખી જોઈ ત્યારે તેને સમજાયું કે આ તો તેની જ ઈચ્છાની પૂર્તિ થઈ છે જેમાં તેને પાંચ પતિ મળે. જો કે તેની ઈચ્છા એક પતિની હતી જેનામાં આ બધા ગુણો હોય. તેણે અજાણતા પાંચ પતિ માંગ્યા હતા. મહાદેવે તેની ઈચ્છા પૂરી કરી અને તેણે પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા.

કૃષ્ણએ વચ્ચે પડીને દ્રૌપદીને તેના પાંચ પતિ સાથેની લગ્ન વ્યવસ્થા ગોઠવી આપી. તેમણે કહ્યું, "પ્રત્યેક પાંડવ સાથે એક વર્ષ રહેજે. તે સમય દરમ્યાન કોઈ બીજો ભાઈ, અજાણતા પણ તારા શયનકક્ષમાં આવી ચડે, તો તેણે એક વર્ષ જંગલમાં જઈને તપસ્યા કરવાની."

તે લોકોને આ વ્યવસ્થા ઉપરાંત બીજી પત્ની કરવાની છૂટ આપવામાં આવી પરંતુ તેઓ બીજી પત્નીઓને મહેલમાં ન રાખી શકે તેમ નક્કી થયું. દ્રૌપદી, પાંચ પાંડવોની પત્ની તરીકે તેમને એકસુત્રે બાંધવા માટે નિર્ણાયક પરિબળ રહી. તેનાથી તેમનું ભવિષ્ય અને વિધિના લેખ પરિપૂર્ણ કરવા ઘણી શકિત મળી. પાછળથી તેમણે ભારત વર્ષ પર શાસન કર્યું. તદુપરાંત દ્રુપદ સાથેનાં જોડાણને કારણે પણ તેમની તાકાતમાં વધારો થયો અને તેઓ હસ્તિનાપુર પરત ફર્યા.

ક્રમશ:…

 

More Mahabharat Stories

Editor’s Note: A version of this article was originally published in Isha Forest Flower November 2016. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.