સમયાંતરે શરીરનું શુદ્ધિકરણ શરીર ને ઉચ્ચતમ સંભાવનાઓ માટે ઉપલબ્ધ કરાવવા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે. શરીર ને કુદરતી રીતે ડિટોક્ષ કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે, અને એની શરૂઆત ઘેર બેઠાં કરી શકાય છે. યોગી અને રહસ્યવાદી, સદગુરૂ,તંત્ર નાં પાંચ તત્વો નું શુદ્ધિકરણ કરવા ની સાદી રીતો સમજાવે છે અને શરીર ને કુદરતી રીતે ડિટોક્ષ અને વિશુદ્ધ કઈ રીતે કરવું એની સમીક્ષા કરે છે.

સદગુરૂ: શરીર પાંચ તત્વો – જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને આકાશ- નો ખેલ છે. ભારત માં સામાન્ય રીતે શરીર નો ઉલ્લેખ પંચતત્વો થી બનેલા પૂતળા તરીકે કરવામાં આવે છે. સંયોજનની રીતે જોઈએ, તો શરીર બોંતેર(૭૨%) ટકા જળ, બાર(૧૨%) ટકા પૃથ્વી, છ(૬%) ટકા વાયુ, ચાર(૪%) ટકા અગ્નિ અને બાકીના છ(૬%) ટકા આકાશ છે.

બીજું બધું એની ઉપર નિર્ભર કરે છે કે આ પાંચ તત્વો તમારી અંદર કઈ રીત નું વર્તન કરે છે. “ભૂત” નો અર્થ તત્વ થાય છે; “ભૂત સિદ્ધિ” એટલે એ પાંચ તત્વો ના દોષ/વિકાર માંથી મુક્ત થવું. એનો અર્થ, ભૌતિક સ્થિતિ માં થી મુક્ત થવું, એમ પણ થાય. ભૂત સિદ્ધિ, એ ભૌતિક ની મર્યાદાઓ પાર કરવા માટે ની તેમજ ભૌતિક ની સીમાઓ ની પાર ના કોઈ એક વિશિષ્ટ પરિમાણ માટે ઉપલબ્ધ થવા માટે ની,યોગ ની મૂળભૂત સાધના છે.

કુદરતી રીતે ભૂત સિદ્ધિ કરવા માટે, તમે અમુક સરળ ઉપાય કરી શકો. એ અંતિમ ચરણ ની ભૂત સિદ્ધિ નહીં હોય, પણ તમે પાંચ તત્વો નું થોડું શુદ્ધિકરણ જરૂર કરી શકો.

જળ

પાંચ તત્વો માં આપણી સૌથી મોટી ચિંતા છે, જળ. તમારે જળ ની ચીવટપૂર્વક કાળજી લેવી જોઈએ કારણકે એ બોંતેર ટકા છે અને એની યાદશક્તિ જબરજસ્ત છે. તમે કરી શકો એવો એક સરળ ઉપાય એ છે કે એમાં થોડાંક લીમડા નાં પાન અથવા તુલસી નાં પાન નાખો. એ રાસાયણિક અશુદ્ધિઓ દૂર નહીં કરે પણ પાણીને ખૂબજ ગતિશીલ અને ઉર્જાવાન બનાવી દેશે. બીજો ઉપાય છે પાણી ને તાંબા માં સંઘરવાનો જેથી કરીને એ પાણી તાંબાનો ગુણ ધારણ કરે જે શરીર માટે ખૂબજ ફાયદાકારક છે.

પૃથ્વી

પૃથ્વી બાર ટકા છે. ખોરાક તમારા પાચનતંત્ર માં કઈ રીતે દાખલ થાય છે, એ કોના હાથમાં થઈને તમારી પાસે આવે છે, તમે ખોરાક કઈ રીતે ગ્રહણ કરો છો, તમારો ખોરાક પ્રત્યે નો અભિગમ શું છે, એ બધીજ વસ્તુઓ મહત્વ ધરાવે છે. સર્વાધિક મત્વપૂર્ણ વાત એ છે કે તમે જે ખોરાક ગ્રહણ કરો છો, એ જ જીવન છે. આપણું જીવન ટકાવી રાખવા માટે જીવન નાં અન્ય સ્વરૂપો પોતાનાં જીવન નો ત્યાગ કરી રહ્યાં છે. આપણે જો આપણું જીવન ટકાવી રાખવા માટે પોતાનાં જીવન નો ત્યાગ કરી રહેલાં, જીવન નાં એ બધાંજ સ્વરૂપો પ્રત્યે પ્રચંડ આભાર વ્યક્ત કરી ને ખોરાક ગ્રહણ કરી શકીએ, તો એ ખોરાક પણ આપણાં પાચનતંત્ર ની અંદર જુદા જ પ્રકાર નું વર્તન કરશે.

વાયુ

વાયુ છ ટકા છે. એ પૈકી, ફક્ત એક ટકો કે એનાથી ઓછો તમારો શ્વાસ છે. બીજું બધું અન્ય અનેક પ્રકારે થઈ રહ્યું છે. તમને ફક્ત એ જ હવા (વાયુ) અસર નથી કરતી જે તમે શ્વાસ માં લો છો, પણ તમે એ હવા ને તમારા શ્વસનતંત્ર ની અંદર કઈ રીતે રાખો છો, એ પણ અસર કરે છે. એ એક ટકા ની સંભાળ રાખવી પણ તમારી માટે જરૂરી છે પણ તમે જો શહેર માં રહેતા હો, તો તમે કયા પ્રકાર ની હવા શ્વાસ માં લો છો, એનો વિકલ્પ તમારા હાથમાં નથી હોતો. એટલા માટે તમે બગીચા માં અથવા તળાવ-કાંઠે ચાલવા જાઓ.

 

ખાસ કરીને જો તમારાં બાળકો હોય, તો એ મહત્વપૂર્ણ છે કે તમે એમને ઓછામાં ઓછું માહિનામાં એક વાર બહાર લઈ જાઓ – નાટક-સિનેમા જોવા નહીં કેમકે એ બંધિયાર હૉલ ની મર્યાદિત હવા, ત્યાં પડદા પરના તેમજ દર્શકો નાં માનસ ઉપર પ્રકટ થતા અવાજો, ઈરાદા અને ભાવનાઓ થી દૂષિત થાય છે. બાળકો ને સિનેમા જોવા લઈ જવા કરતાં, એમને નદી-કાંઠે લઈ જાઓ, તરતાં કે પર્વતારોહણ કરતાં શીખવાડો. એ માટે તમારે છેક હિમાલય સુધી જવાની જરૂર નથી, નાનકડી ટેકરી પણ બાળક માટે પર્વત સમાન જ હોય છે. નાનકડો ખડક પણ ચાલશે. જાઓ અને એની ઉપર ચઢીને બેસો. બાળકો એનો ભરપૂર આનંદ પણ લેશે અને સ્વસ્થ પણ રહેશે. તમે પણ સ્વસ્થ રહેશો, તમારું શરીર અને મન બન્ને, જુદી રીતે કામ કરવા માંડશે, અને સૌથી વધુ મહત્વ ની વાત એ કે તમે સર્જનહાર ના, અત્યંત મહત્વપૂર્ણ એવા એ સર્જન ની સાથે સંવાદ સાધી શકશો.

અગ્નિ

તમારી અંદર કયા પ્રકાર નો અગ્નિ પ્રજ્વલિત છે, એની પણ તમે સંભાળ રાખી શકો છો. દરરોજ થોડો તડકો પોતાના શરીર ઉપર પડવા દો, તડકો હજી પણ શુદ્ધ છે. સદનસીબે, કોઈ એને દૂષિત નથી કરી શકતું. અને તમારી અંદર કયા પ્રકાર નો અગ્નિ પ્રજ્વલિત છે– શું એ લાલચ નો અગ્નિ છે, શું એ નફરત નો અગ્નિ છે, ગુસ્સા નો  અગ્નિ, પ્રેમ નો અગ્નિ કે પછી કરુણા નો અગ્નિ છે. જો તમે એની સંભાળ લો, તો તમારે તમારાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિષે ચિંતા કરવાની જરૂર નથી. એની કાળજી લેવાઇ જાય છે.

આકાશ

જે રચના નું સર્જન થયું છે, અને જે એ રચના નું સર્જન કરનાર સ્ત્રોત છે, એ બન્ને દરમિયાન મધ્યસ્થ પરિસ્થિતિ જે છે, એજ છે આકાશ.

આપણે જો અન્ય ચાર તત્વો નું સંતુલન રાખીએ, તો આકાશ પોતાની કાળજી જાતે જ લેશે. જીવન માં તમારે આકાશ નો સાથ કઈ રીતે મેળવવો એની જાણ હોય તો જીવન એક આશીર્વાદ બની રહેશે.

સંપાદક નોંધ: આ લેખ, શરીર ને કુદરતી રીતે ડિટોક્ષ અને વિશુદ્ધ કરવાના વધુ ઉપાયો વિષે ના આગામી પુસ્તક નો એક અંશ છે. એ યોગિક દ્રષ્ટિકોણ થી કેન્સર વિષે સંશોધન પણ કરે છે.