Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: અર્જુને કર્ણને મારી નાખ્યા પછી યુદ્ધ નો અંત તો તરત જ આવી ગયો. દુર્યોધન, કૃપાચાર્ય અને અશ્વત્થામા સિવાય બધા કૌરવોનું મૃત્યુ થઈ ગયું છે.

યુદ્ધ સમાપ્ત થયું, પણ વેર હજી બાકી છે

સદ્‍ગુરુ: યુદ્ધ પૂરું થઈ ગયું છે. પાંડવો જીતી ગયા છે; દુર્યોધન છાવણી છોડીને જતો રહે છે. હારી ગયાની શરમને કારણે તે બળી રહ્યો છે. વ્યાસે વર્ણન કર્યું છે કે, તેની દશા એવી હતી માનો કે તેની ચામડી પર કોઈ ગરમ તેલ રેડી રહ્યું હોય. દુર્યોધન ત્યાંથી એક નાનું તળાવ હતું ત્યાં જાય છે, અને તે પોતે મેળવેલી ક્ષમતાનો ઉપયોગ કરી તળાવના ઠંડા પાણીમાં જઈને બેસે છે. તે પોતાને થઈ રહેલું દુઃખ શમાવી દેવા ઇચ્છે છે; તેને ઊકળતા તેલમાં બેઠો હોય તેવી બળતરા થઈ રહી હતી, તેથી તે પાણીમાં અંદર જઈને બેઠો. કૃષ્ણ કહે છે, “દુર્યોધન હજુ માર્યો નથી, માટે યુદ્ધ પૂરું થયું નથી. જાઓ, જઈને જુઓ કે તે ક્યાં છે.” તેઓ આસ-પાસ જઈને તેને શોધે છે - તે મળતો નથી. પછી ગુપ્તચરો ને મોકલીને નજીકમાં, આજુબાજુના જંગલોમાં, શક્ય તેટલી બધી જગ્યાએ તેની ભાળ મેળવવાનો પ્રયત્ન કરે છે.

ત્યાર બાદ તેમનું ધ્યાન પેલા તળાવમાં જઈ રહેલા પગલાં તરફ ગયું, જેમાં પાછા ફર્યાના ચિન્હો ન હતા. પાંડવો ત્યાં હયા અને ભીમ જોરથી દુર્યોધનને બૂમ મારી, “હે કાયર, તું પાણીની અંદર શું કરી રહ્યો છે? બહાર આવ.” દુર્યોધન તે સાંભળે છે પણ તે પોતાને રોકે છે; એ જાણે છે કે આ સમય સામે વિસ્ફોટ કરવાનો નથી. પછી તેઓ સહુ વિચારે છે કે હવે શું કરવું, કારણ તે સહુ દુર્યોધનની જેમ પાણીની અંદર જઈને કશું કરી શકે તેમ ન હતા. કૃષ્ણ ભીમને કહે છે, “તેને મહેણા માર. તું તે કામ કરવા માટે સૌથી ઉત્તમ છે. તારા શબ્દકોષમાં જે કોઈ અભદ્ર શબ્દો હોય, તેમનો ઉપયોગ કર.” ભીમ તેને આવડતી બધી અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે અને ઘણી રીતે દુર્યોધનનું અપમાન કરે છે.

દુર્યોધનને પાણીની અંદર બળતારા થાય છે

કન્નડ સાહિત્યમાં એક ખૂબ સુંદર કવિતા છે, જે મને યાદ આવી રહી છે. કવિ કહે છે કે ભીમ દુર્યોધનને એવી રીતે અપમાનિત કરે છે કે તેને ઠંડા પાણીમાં પણ પરસેવો વળે છે. સહન ન કરી શકવાને કારણે તે બહાર આવે છે. જેણે યુદ્ધ જીતનાર રાજા યુધિષ્ઠિર આગળ આવીને કહે છે, “દુર્યોધન, આ યુદ્ધ તેં અમારા પર લાદયું છે. અમે યુદ્ધ નહોતા ઇચ્છતા, પણ દુર્ભાગ્યપણે, જે અમારું હતું તે પણ તું અમને આપવા રાજી ન હતો. મેં કહ્યું હતું કે મને માત્ર પાંચ ગામ આપ, પણ તું અમને સોયની અણી જેટલી જમીન પણ આપવા રાજી ન હતો. અમારે તારા ભાઈઓને મારવા પડ્યા. અમારે એવા ઘણા લોકોને મારવા પડ્યા જે અમને પ્રિય હતા. અમારા અમુક પુત્રો માર્યા ગયા, ઘણા આમને પ્રિય મિત્રો પણ મૃત્યુ પામ્યા. હવે જો હું તને છોડી દઉં, તો તે તારે માટે નામોશી બનશે, જે તું સહી નહીં શકે. તેથી, હવે તું અમારા પાંચમાંથી કોઈ પણ એક ને પસંદ કરીને, તારી પસંદગીના હથિયારથી દ્વંદ્વ કર. જો તું જીતે તો તને તારું રાજ્ય પરત મળી જશે.”

કૃષ્ણએ આશ્ચર્યથી આકાશ તરફ નજર કરી. આ માણસને શું કહેવું! યુધિષ્ઠિર એટલો સારો માણસ હતો. હજારોની સંખ્યામાં લોકોને માર્યા પછી, જીતેલા યુદ્ધનું ફળ તે પાછું આપી દેવા માંગતો હતો. યુધિષ્ઠિરે જ્યારે તેને હથિયારની પસંદગીનો વિકલ્પ આપ્યો ત્યારે દુર્યોધનને તેમાં તરત જ પોતાને માટે તક દેખાઈ ગઈ. જો તે ગદા પસંદ કરે, તો તેને હટાવી શકે તેવું બીજું કોઈ હતું નહીં. ભીમ માનતો હતો કે તે દુર્યોધનને હરાવી શકે, પણ સત્ય એ હતું કે તે પણ ગદાયુદ્ધમાં દુર્યોધનને મારી શકે તેમ નહતો. ભીમ તેના કરતાં વધુ બળવાન હતો, પણ તે થોડો ગઠ્ઠા જેવો હતો. દુર્યોધન ગદાયુદ્ધનો વર્ષોથી રોજેરોજ અભ્યાસ કરતો હતો. પાંડવો જ્યારે વનમાં ભટકતા હતા ત્યારે પણ તે અભ્યાસ કરતો હતો અને ખૂબ પાવરધો ગદાયોદ્ધો બની ગયો હતો.

અંતિમ દ્વંદ્વ

યુધિષ્ઠિર કહે છે કે, “શસ્ત્રની પસંદગી તારી.” આવી અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ, યુધિષ્ઠિર ભાષાના તેણે  સ્થાપિત કરેલ ધોરણનો જ પ્રયોગ કરે છે અને તે જાણે પણ છે. તે તો એવું પણ કહે છે, “તું અમારા પાંચમાંથી કોઈ એકની પસંદગી કર.” જો દુર્યોધન નકુલ અથવા સહદેવને પસંદ કરે, તો તેમને તો તે માખી ની જેમ મસળી દઈ શકે. પણ તેનું અભિમાન તેને નકુલ અથવા સહદેવની પસંદગી કરવા નથી દેતું. તે કહે છે, “હથિયારમાં હું ગદા પસંદ કરું છું અને નિ:સંદેહ, યુદ્ધ હું ભીમ સાથે કરીશ, કારણ કે, જેને તમે તમારો ભાઈ કહો છો, તે માંસના લોંદા જેવા ભીમને મારવાનું મારું હંમેશા સ્વપ્ન રહ્યું છે.  

કૃષ્ણ આંખોથી ઈશારો કરી દે છે. દ્વંદ્વ શરૂ થાય છે.  દુર્યોધનનું પ્રભુત્વ શરૂઆતથી જ રહે છે, તેનું કારણ યુદ્ધ દરમિયાન બનેલો એક પ્રસંગ હતો. ગાંધારીએ સભાનતાપૂર્વક ઘણા વર્ષો સુધી આંખો બંધ રાખી હતી, તેને કારણે તેની અંદર એક ખાસ પ્રકારની શક્તિ એકત્રિત થઈ હતી. જ્યારે ગાંધારીએ સંજયની દૃષ્ટિથી જાણ્યું કે, આ યુદ્ધમાં હવે કોઈ પણ પક્ષ વિજયી થઈ શકે છે, ત્યારે તેણે પોતાની શક્તિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. તેણે દુર્યોધનને કહ્યું, “આજે રાત્રે તું મારા આવાસમાં સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને આવજે. હું તને માત્ર એક વખત જોઈશ અને તું અજય બની જશે; તને કોઈ મારી નહીં શકશે. પરંતુ તારે સંપૂર્ણ નગ્ન થઈને આવવું પડશે.”

દુર્યોધન ફરી છેતરાયો

દુર્યોધને નદીમાં ડૂબકી મારી અને નગ્નાવસ્થામાં તેની માતાના પડાવ તરફ જવા લાગ્યો. તેને કૃષ્ણ સામા મળ્યા અને કહ્યું, “અરે દુર્યોધન! આ શું? તું એક બાળકની જેમ ફરી રહ્યો છે, પણ તું હવે બાળક નથી. હું જોઈ શકું છું કે તું હવે એક પુખ્ત પુરુષ છે. દુર્યોધને વસ્ત્ર લપેટી લીધું. કૃષ્ણએ પૂછ્યું, “તું જઈ ક્યાં રહ્યો છે? એમ દેખાય છે કે, તું તારી માતાની છાવણી તરફ જઈ રહ્યો છે. શું તું એટલો બેશરમ થઈ ગયો છે કે માતાની છાવણીમાં એક પુખ્ત પુરુષ થઈને નગ્ન અવસ્થામાં જઈ રહ્યો છે,” તેમણે મજાક ઉડાવતા કહ્યું. “ના, મારી માતાએ મને આ પ્રમાણે આવવા કહ્યું છે માટે હું જાઈ રહ્યો છું.” “તેઓએ શું કહ્યું છે તે મહત્વનું નથી. તેમની આંખ તો હંમેશા બંધ રહી છે. તેમણે તને જોયો નથી. તેમને લાગે છે કે તું હજુ બાળક છે. પણ તું તો પુખ્ત પુરુષ છે, એક રાજા છે અને યોદ્ધો છે. તને એટલી સમજ નથી કે, આર્ય ધર્મ પ્રમાણે આપણે માતાની સામે નગ્ન ઊભા ન રહી શકીએ? કંઈ નહીં તો જરૂરી પ્રમાણમાં ઢાંકીને જા.”

તેથી દુર્યોધને કેળનું પાન તોડીને લપેટી દીધું અને પોતાની માતાને મળવા ગયો. “માં, હું આવી ગયો.” ગાંધારીએ આંખની પટ્ટી ખોલી, આંખો ખોલી અને દુર્યોધન સામે જોયું અને તેનું હૃદય બેસી ગયું. તેણે પોતાની શક્તિ વહેવા દીધી અને પછી પૂછ્યું, “તું શરીર ઢાંકીને કેમ આવ્યો?” દુર્યોધન બોલ્યો, “માં, મને લાગ્યું કે આપની સામે નગ્ન ઊભા રહેવું યોગ્ય નહીં લાગે, માટે હું પાંદડું વીંટાળીને આવ્યો.” ગાંધારીએ હતાશામાં માથું ધુણાવ્યું અને આંખે પટ્ટી બાંધી દીધી, પછી પૂછ્યું, “તને આ આવરણ લગાવવા કોણે કહ્યું હતું?” “કૃષ્ણ.”  ગાંધારીનું હૃદય કૃષ્ણ માટે કડવાશથી ભરાઈ ગયું. તે પોતાને એક તક મળે તેની રાહ જોવા લાગી.

મારવાની કળા

દ્વંદ્વના દિવસે, ભીમ ગમે તેટલા  પ્રહાર કરે, દુર્યોધન ઊભો થઈ જતો. દુર્યોધન સુરક્ષિત હતો એટલું જ નહીં, તે ભીમ કરતા વધારે કુશળ પણ હતો. ભીમમાં તાકાત વધુ હતી પણ દુર્યોધન પાસે કૌશલ્ય વધુ હતું. તેને જયારે ખાતરી થઈ જાય છે કે, આજે ભીમનું મૃત્યુ નક્કી જ છે, દુર્યોધન મોટેથી હસે છે. તેને ભીમને મારવાનો આનંદ તો મળવાનો જ હતો, સાથે રાજ્ય પણ પાછું મળશે તેની ખુશી હતી. તે હસતાં હસતાં ભીમને કટાક્ષ કરતો જાય છે. દુર્યોધન જાણતો હતો કે તે કોઈ પણ ક્ષણે ભીમને મારી શકશે. તે યુદ્ધ નહોતું રહ્યું – તે માત્ર ભીમ સાથે રમી રહ્યો હતો.

ક્રમશ:...

More Mahabharat Stories