કેવી રીતે સારી ઊંઘ મેળવવી તેના માટેની ૬ ટિપ્સ

સદ્‍ગુરુ: તમને લાગે છે કે ક્યારેક સવારે જ્યારે તમે ઊઠો છો, ત્યારે કોઈ કારણ વિના તમે ખરાબ અનુભવો છો? જો તે વર્ષમાં બે કે ત્રણ વાર પણ થઈ રહ્યું હોય, તો સૂતા પહેલા તમારે કેટલીક વસ્તુઓ કરવી જ જોઇએ. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમે અચેતનપણે જ ઘણી બધી નકારાત્મક અથવા સકારાત્મક બાબતોનું ઊંઘમાં મનોમંથન કરતા હોવ છો. તમે ઊંઘમાં ખૂબ અસરકારક અને અવિરતપણે સુખદ અથવા દુઃખદ બાબતોનું  મનોમંથન કરી શકો છો. તમે દિવસ દરમિયાન પણ તેમ કરતા હોઈ શકો છો, પરંતુ ત્યારે ઘણા બધા વિક્ષેપને લીધે તે અસરકારક રીતે થતું નથી. પરંતુ જો તમને કોઈ ચોક્કસ રીતે સૂવા જવાનું વલણ છે અને તમે સવારે ઊઠો છો ત્યારે કોઈ કારણ વગર ખરેખર અપ્રિય લાગણી થાય છે, તો તેનો અર્થ એ છે કે તમે રાત્રે ખૂબ જ અસરકારક રીતે ખોટા વિચારોનું સેવન કરી રહ્યા છો.

આ ફક્ત માનસિક ખલેલ વિશે નથી; તે લાંબા ગાળે મોટી શારીરિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તે મહત્વપૂર્ણ છે કે તમે એવી બાબતોને તમારા જીવનમાંથી દૂર કરો. તેથી તમારે રાત્રે સુવા જાઓ તે પહેલાં, કેટલીક વસ્તુઓની કાળજી લેવાની જરૂર છે.

ટીપ #૧: સ્નાન કરો

તમે સુતા પહેલા હંમેશા સ્નાન કરો. તેનાથી ઘણો ફરક પાડશે. ઠંડા હવામાનમાં ઠંડા પાણીથી ન્હાવું મુશ્કેલ હોય, તો હૂંફાળા પાણીથી સ્નાન કરો, પરંતુ રાત્રે ગરમ પાણીથી સ્નાન ના કરવું.

ઠંડા પાણીનું સ્નાન તમને સતર્ક રાખશે. તમને કદાચ વીસ મિનિટ અથવા અડધા કલાક મોડી ઊંઘ આવશે, પરંતુ ઊંઘ ઘણી સારી આવશે કારણ કે, તે અમુક વસ્તુઓ દૂર કરી દેશે. જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે માત્ર ચામડી પરનો મેલ જ દૂર નથી થતો. શું તમે નોંધ્યું છે કે, ક્યારેક તમે ખૂબ જ તંગ અને બેચેન હો, અને સ્નાન કરીને બહાર નીકળો ત્યારે એવું લાગે કે તમારો ભાર ઘટી ગયો છે? તે ફક્ત શરીરને બહારથી સાફ કરવા વિષે નથી. જ્યારે તમારા શરીર પર પાણી વહે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ થાય છે. સ્નાન કરવું એ ખૂબ જ પ્રારંભિક કક્ષાની ભૂતશુદ્ધિ છે કારણ કે, વાસ્તવમાં તમારા શરીરમાં સિત્તેર ટકાથી વધુ પાણી છે. જ્યારે તમે શરીર પર પાણી રેડો છો, ત્યારે એક ચોક્કસ શુદ્ધિકરણ થાય છે જે ત્વચાને સાફ કરવાથી કંઈક વિશેષ છે.

ટીપ #૨: જમ્યા પછી તરત ના ઊંઘો

જો તમે માંસ અને બીજા એવા પ્રકારનું ભોજન ખાતા હોવ તો, સૂતાં પહેલાં ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક પહેલાં ખાવું શ્રેષ્ઠ છે કે જેથી પાચનની પ્રક્રિયા સમાપ્ત થઈ જાય. સુતા પહેલા, અમુક માત્રામાં પાણી પીઓ; તમે તે જોશો કે ઊંઘ સારી આવશે.

ટીપ #૩: દીવો પ્રગટાવો

એક બીજી વસ્તુ જે તમે કરી શકો છો તે છે; ઑર્ગેનિક(સેંદ્રિય) તેલનો દીવો કરો. રૂ ની દિવેટ નો ઉપયોગ કરો, બીજું કઈ વાપરશો નહીં. તમે કપાસની વાટ સાથે અળસીનું તેલ, રઈસ-બ્રાન ઑઇલ, તલનું તેલ, ઓલિવ ઑઇલ(જૈતુનતું તેલ) અથવા કોઈપણ ઑર્ગેનિક તેલનો ઉપયોગ કરી શકો છો. તમે જે રૂમમાં સૂતા હો ત્યાં ક્યાંક એક નાનો દીવો પ્રગટાવો અને તમે જોશો કે તણાવ, બેચેની એ બધું સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.

ટીપ #૪: યાદ રાખો કે સમય સમાપ્ત થઈ રહ્યો છે!

એ ધ્યાનમાં રાખો કે તમે ખરેખર નશ્વર છો. ફક્ત શબ્દોમાં જ નહીં, ખરેખર માનો કે તમે આ ઘડીએ પણ મરી શકો છો. હું તમને દીર્ઘાયુ થવાનાં આશીર્વાદ આપીશ, પરંતુ સંભવ છે કે આ પળે જ મને કે તમને મૃત્યુ આવે.

તમે સૂતાં પહેલાં પથારીમાં એ વિચાર સાથે બેસો કે આ મારી મૃત્યુશૈયા છે અને મારી પાસે જીવવાની હવે પછીની મિનિટ છેલ્લી છે.

મહેરબાની કરીને આ વિષે સભાન બનો. આ કંઇ ભય ઉભો કરવા માટે નથી પરંતુ વાસ્તવિકતાને જાણવા માટે છે. જો તમે જાણતા હોવ કે, "હું ખરેખર નશ્વર છું અને મારો સમય ખૂબ જ મર્યાદિત છે," તો તમારી પાસે ગુસ્સે થવાનો, કોઈ સાથે ઝગડો કરવાનો, અથવા જેની સાથે તમને કોઈ મતલબ ન હોય એવું કંઈ પણ કરવાનો સમય નહિ હોય.. જો તમે તમારા મૃત્યુ પરત્વે સભાન હોવ, તો તમે ફક્ત તે જ કરશો જેની તમને જીવનમાં સાચી દરકાર છે.

તમે સૂતાં પહેલા, પથારીમાં એ વિચાર સાથે બેસો કે આ મારી મૃત્યુશય્યા છે અને મારી પાસે જીવવા માટે હવે પછીની  મિનિટ છેલ્લી છે. થોડું પાછળ વળો અને જુઓ, આજે તમે જે કંઈ કર્યું, તે સાર્થક છે? ફક્ત આ એક સરળ માનસિક કસરત કરો. અને જ્યારે ખરેખર મરણપથારી પર સુવાનું આવે, ત્યારે કોણ જાણે છે કે તમે તમારી શય્યા પર હશો કે બધી જાતની નળીઓ ખોસાયેલા હોસ્પિટલની પથારીમાં હશો. તો દરરોજ તમારી મૃત્યુશૈયા પર બેસવાનો આનંદ માણો, પાછળ વળો અને જુઓ, "આજે, હું છેલ્લા ચોવીસ કલાક જે રીતે રહ્યો છું, શું તે યોગ્ય છે? કેમ કે હવે હું મરી રહ્યો છું?" જો તમે આ કરો, તો તમે સાર્થક જીવન જીવશો. મારો વિશ્વાસ કરો.

ટીપ #૫: અમુક બાબતોને બાજુ પર રાખો

સૂતા પહેલા તમે આટલું કરો. છેલ્લી ત્રણ મિનિટમાં, તમે જે એકત્રિત કર્યું છે તે બધું - શરીર, મનના વિચારો નાની નાની બાબતો, બધાને બાજુએ મૂકી દો. નાની બાબતોને અવગણશો નહીં; આ નાની બાબતોનું જ મોટું મહત્વ છે. મેં જોયું છે કે લોકો પોતાનું અલગ ઓશીકું રાખે છે કારણ તેતેમના માટે ખૂબ મહત્વનું છે. તમારું ઓશીકું, તમારા પગરખાં, જો તમે સંબંધો બનાવ્યા છે તો તે, જે બધું તમે એકત્રિત કર્યું છે તે - બાજુએ મૂકો અને સૂઈ જાઓ.

જો તમે આ રીતે સૂવાની ટેવ પાડી શકો, તો તમે કંઇક અલગ જ ઊઠશો. તમે ધાર્યા કરતા વધારે હળવાશ, ઊર્જા અને શક્યતાઓ સાથે ઊઠશો. માત્ર એક જીવન તરીકે સૂઈ જાઓ - એક પુરુષ અથવા સ્ત્રી તરીકે નહીં, આ અથવા તે બનીને નહીં.  આ બધી બાબતોને બસ બાજુ પર રાખો.

ટીપ #૬ ઉત્તર દિશા તરફ માથું રાખી ના ઊંઘો

જો તમે રાત્રે ઉત્તર તરફ માથું કરીને ક્ષિતિજને સમાંતર સૂઈ જાઓ છો, તો ધીમે ધીમે લોહી તમારા મગજ તરફ ખેંચાય છે. જ્યારે મગજમાં પરિભ્રમણ વધી જાય, ત્યારે તમે શાંતિથી સૂઈ શકતા નથી. જો તમારા મગજમાં કોઈ પણ પ્રકારનાસ્વાભાવિક રીતે નબળા પાસાં હોય અથવા જો તમે વૃદ્ધ હોવ, તો તમે ઊંઘમાં ને ઊંધમાંજ મૃત્યુ પામી શકો છો. કોઈને હેમરેજ થવાની શક્યતા રહે છે કારણ કે વધારાનું લોહી મગજમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, જ્યાં રક્તવાહિનીઓ વાળ જેટલી પાતળી હોય છે.

માત્ર એક જીવન તરીકે સૂઈ જાઓ - એક પુરુષ અથવા સ્ત્રી તરીકે નહીં, આ અથવા તે બનીને નહીં.  આ બધી બાબતોને બસ બાજુ પર રાખો.

ગ્રહના ચુંબકીય ખેંચાણને કારણે કંઇક વધારાનું ખેંચાય છે. જ્યારે તમે ઉભેલી સ્થિતિમાં હોવ છો, ત્યારે આવું નથી થતું.  જેવા તમે આડા પડો છો, તરત જ મગજ તરફ લોહીનું ખેંચાણ વધે છે. આ ફક્ત ઉત્તર ગોળાર્ધ માટે સાચું છે. જો તમે ઑસ્ટ્રેલિયામાં હોવ, તો તમારે દક્ષિણ તરફ માથું ન રાખવું  જોઈએ. જો તમે ભારતમાં છો તો તમારે ઉત્તર તરફ માથું ન રાખવું જોઈએ. જો તમે બીજી કોઈપણ બાજુ માથું રાખીને ઊંઘો તો તે ઠીક છે.

પ્રશ્નકર્તા: મને ઊંઘમાં મને ઘણા બધા દૃષ્યો આવે છે. શું તમે તેના વિષે વાત કરી શકો?

સદ્‍ગુરુ: એકવાર, એક ચોર ચોરી કરતા ઝડપાયો અને તેને અદાલતમાં લઈ જવામાં આવ્યો. દેખીતી રીતે તે સુખી અને સંપન્ન માણસ હતો. તેથી ન્યાયાધીશે તેને પૂછ્યું, “તારી પાસે જીવનમાં પૂરતું છે. શા માટે તું અન્ય લોકો પાસેથી ચોરી રહયો છે?” ચોર બોલ્યો, “જુઓ, તમે તો જાણો છો, ડાહ્યા માણસો હંમેશા કહેતા હોય છે, માણસ પાસે ગમે તેટલું હોય, તેને હંમેશા તેનાથી વધારે જોઈએ છે.” ન્યાયાધીશે તેની તરફ જોયું અને કહ્યું, “ઠીક છે. હું તને 10 વર્ષની સજા આપું છું. જો તને વધારે જોઈએ, તો મને કહે."

ઓછામાં ઓછું ઊંઘમાં, વધારે માટે અપેક્ષા ન રાખો. જો તમે જાગ્રત હો ત્યારે પણ 'વધારે'ની અપેક્ષાઓ નહીં રાખો તો ઉત્તમ રહેશે - બસ સહજતાથી રહો. જો હમણાં તમારા માટે તે શક્ય ન હોય તો, ઓછામાં ઓછું ઊંઘમાં, વધુ માટે ન વિચારો - બસ સૂઈ જાઓ. તમે ઊંઘને અસાધારણ રીતે ફળદાયક પ્રક્રિયા બનાવી શકો છો જેથી તમારી ઊંઘની જરૂરિયાત ઓછી થઈ જશે. જો તમે સંપૂર્ણ આરામથી સૂઈ જાઓ, તો શરીરમાં રહેલી વારસાગત અથવા જનીનદ્રવ્યોને લગતી અભિવ્યક્તિઓ અને અન્ય પ્રક્રિયાઓ વધુ ઝડપથી અને વધુ અસરકારક રીતે થશે. તેનો મતલબ કે તમે વહેલા ઉઠશો.

જો તમે જાગ્રત અવસ્થામાં બિનકાર્યક્ષમ હોવ, તો તે સારું નથી, પરંતુ અમે તે ચલાવી લેશું. પરંતુ જો તમે ઊંઘની બાબતમાં પણ કાર્યક્ષમ ન હોવ, તો મૃત્યુ એકમાત્ર વિકલ્પ હશે, કારણ કે મૃત્યુ જ એકમાત્ર એવું ક્ષેત્ર હશે જ્યાં તમે બિનકાર્યક્ષમ ન રહી શકો. જ્યારે તમે મૃત્યુ પામશો ત્યારે તમે મરી જ જશો, બીજું કંઇ નહીં કરી શકો. જો તમે કેવી રીતે ઊંઘવું તે શીખી લેશો, તો જાગ્રત અવસ્થામાં "બસ સહજતાથી રહેવું" તે આગળનું પગલું હશે.

ઊંઘ એવી અવસ્થા છે જ્યાં તમે ધ્વનિની દુનિયા અને મૌનની દુનિયા વચ્ચેની ધાર પર હોવ છો, પરંતુ જ્યારે તમે જાગ્રત હોવ ત્યારે જ તમે મૌનની દુનિયામાં આગળ વધી શકો છો. તમે અચેતન રહીને અવાજ અને સ્વરૂપની દુનિયામાં આગળ વધી શકો, પરંતુ તમે અચેતન રહીને કંપનોરહિત, સ્વરૂપોરહિત અને મૌનની દુનિયામાં આગળ વધી નથી શકતા.

ઊંઘની ગુણવત્તા કેવી રીતે સુધારવી

આપણે ઊંઘને જાગૃત થવા માટેના પાયા તરીકે વાપરવા માંગીએ છીએ, જે બધું વાસ્તવિક છે તેની સાથે એકરૂપ થવા માટે. જડ અને મૃત થવા તેમજ વાસ્તવિકતાથી દૂર થવાના રસ્તા તરીકે નહીં. ઊંઘની ગુણવત્તા સુધારવાનો અર્થ એ નથી કે પથ્થરની જેમ સૂઓ. પણ ખરેખર તો, પથ્થર એ એક ખોટું ઉદાહરણ છે, કારણ કે મારા અનુભવમાં, પથ્થરો ખૂબ જીવંત હોય છે - ઘણા માણસો કરતાં ખૂબ વધુ જીવંત. "લાકડાના કપાઇ ગયેલાં ઢીમચાની જેમ સૂવું" એ વધુ સારું ઉદાહરણ રહેશે, કારણ કે તે મૃત હોય છે - તે હવે ઝાડ નથી રહ્યું. તો આ એક લાકડાના ઢીમચાની જેમ ઊંઘવા વિષે નથી, પરંતુ જીવંત રીતે સૂવા વિશે છે - એક જ સમયે જાગ્રત રહેવું અને નિદ્રાધીન હોવું તે વિશે છે. જો તમે આ તત્વનો એક નાનકડો ભાગ પણ તમારી ઊંઘમાં લાવો છો, તો તમે સમય જતાં કુદરતી રીતે ધ્યાનમય બનશો. ધ્યાન એક કાર્ય તરીકે નહીં પણ ગુણ તરીકે, તમારા અસ્તિત્વનો એક ભાગ બનશે.

શાંભવી મહામુદ્રા

શાંભવી મહામુદ્રાથી શરૂ કરીને, અમે આ પાસાને ઘણી રીતે લોકોના જીવનમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. શાંભવી એટલે સંધિકાળ - તમે દિવસ અને રાત, રાત અને દિવસની વચ્ચે હોવ. સંધિકાળનો અર્થ છે કે તમે સૂઈ ગયા છો, પણ તમે જાગ્રત છો; તમે જાગ્રત હોવા છતાં, નિદ્રાવશ હોવ. આપણી ઊંઘની ગુણવત્તા સુધારવી - નહીં કે માત્રા - યોગી બનવા માટે આ પાયાની જરૂરિયાત છે. જાગ્રત અવસ્થામાં, સંપૂર્ણ રીતે જાગ્રત રહેવું આવશ્યક છે પરંતુ જો તમે શરીરના પરિમાણોને તપાસો, તો તે સુષુપ્ત હોવા જોઈએ. નિદ્રામાં, તમારું શરીર સૂતેલું હોવું જોઈએ, તમારું મન સૂતેલું હોવું જોઈએ, પરંતુ તમે જાગ્રત હોવા જોઈએ.

ઊંઘ - ખરી જીવંતતા તરફનો માર્ગ

જીવંત હોવું સંપાદિત કરેલી સ્થિતિ નથી - તે તમારી પ્રકૃતિ છે. " માત્ર હોવું " નો અર્થ છે એક સંપૂર્ણ જીવન હોવું - મન નહિ, વિચાર નહિ, લાગણી નહિ, વિચારધારા નહિ, તત્વજ્ઞાન નહિ, ચોક્કસ માન્યતાઓ નહિ,  જાતિ નહિ, પંથ નહિ - માત્ર જીવન. જો તમે જીવનને આ સ્તરે સ્પર્શી શકો તો તમે અનુભવથી જાણી શકશો કે જીવન અને જીવનનો સ્ત્રોત બંને એકબીજામાં સમાયેલા છે.

જો તમે અહીં માત્ર જીવનના એક ભાગ તરીકે બેસો તો તમારી અને દિવ્યતા વચ્ચે  કોઈ ભેદ નહિ રહે, જો તમે હજુ માત્ર હોવાની સ્થિતિએ નથી પહોંચ્યા, તો ઓછામાં ઓછું જ્યારે તમે ઊંઘી જાવ, ત્યારે માત્ર ઊંઘો. તે ઘણા ચમત્કાર  કરશે. જો તમે એક સાથે સુતેલા અને જાગેલા રહી શકો
તો તમે હંમેશા દિવ્યતાના ખોળામાં હોવ.

Nirgun

As there is nothing that
I truly call as mine, neither
this Body nor Anybody, neither
this World nor the Other
Neither Friends nor Foes belong.
No fear of Losing, no anticipation
of Gain. Here i am a Transparence
without Substance. A Presence
without Persona. A Being
without Self.

 

Hence activity has become Stillness
The Din of the world my Silence
The very Cosmos my Being.

Love & Grace

 

Editor's Note:  Check out our series on sleep for tips on improving sleep quality and a lot more.