સદ્ગુરુ: ખુશ રહેવું કે દુખી રહેવું એ ખરેખર તમારી પસંદગીની વાત છે. લોકોએ એટલા માટે દુઃખી રહેવાનું પસંદ કર્યું છે કારણ કે તેમને એમ લાગતું હોય છે કે દુઃખી રહેવાથી તેમને કશુંક મળશે! એવું શીખવાડવામાં આવે છે કે જો તમે તકલીફમાં હશો, તો સ્વર્ગમાં જશો. પણ, જો તમે એક દુઃખી મનુષ્ય હોવ, તો પછી સ્વર્ગમાં જઇને પણ શું કરશો? તમારા માટે નર્ક વધારે ઘર જેવું હશે! જો તમે દુઃખી જ હોવ, તો તમને કઈં પણ મળે, શું ફેર પડે છે? અને જો તમે ખુશ હોવ અને તમને કઈં ના મળે, તો પણ શું ફેર પડે છે? આ કોઈ ફિલસૂફીની વાત નથી, આ તમારો ખરો સ્વભાવ છે. સ્વાભાવિક રીતે, તમે ખુશ રહેવા માંગો છો. તમને હું કોઈ ઉપદેશ કે શિખામણ આપવા નથી માંગતો કે "ખુશ રહો, ખુશ રહો." દરેક પ્રાણી ખુશ જ રહેવા માગે છે. તમે જે પણ કઈં કરી રહ્યા છો, જે દરેક કાર્ય તમે કરી રહ્યા છો તે કોઈ અર્થમાં ખુશ રહેવા માટે જ કરી રહ્યા છો. 

આ પૃથ્વી પર દરેક માણસ જે કઈં પણ કરી રહ્યો છે, પછી તે ગમે તે હોય, કોઈ ફરક નથી પડતો, જો તે પોતાના પ્રાણ પણ કોઈને આપી
રહ્યો હોય તો તે ફક્ત એ કારણે જ છે કે તેનાથી તેને ખુશી મળે છે.

દાખલા તરીકે, તમે લોકોની સેવા કરવા કેમ માંગો છો? કેમ કે, લોકોની સેવા કરવા થી તમને ખુશી મળે છે. કોઈ સારા કપડાં પહેરવા માંગે છે; તો કોઈને ખૂબ પૈસા કમાવવા છે, કારણ કે તેમને તેનાથી ખુશી મળે છે. આ પૃથ્વી પર દરેક માણસ જે કઈં પણ કરે છે, પછી તે ગમે તે હોય, કોઈ ફરક નથી પડતો, જો તે પોતાના પ્રાણ પણ કોઈને આપી રહ્યો હોય, તો તે ફક્ત એ કારણે જ છે કે તેનાથી તેને ખુશી મળે છે. ખુશી એ જીવનનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. તમે સ્વર્ગમાં જવા કેમ માગો છો? ફક્ત એટલા માટે જ કે કોઈએ તમને કહ્યું છે કે જો તમે સ્વર્ગમાં જશો તો તમે ખુશ રહેશો.

દુઃખનો સ્ત્રોત

તમે જે કઈં કરી રહ્યા છો, તે બધું જ કર્યા પછી પણ જો ખુશી ના મળતી હોય તો ચોકકસથી ક્યાંક ને ક્યાંક જીવનની કોઈ મૂળભૂત વાત ચૂકાઈ ગઈ છે. તમે જ્યારે બાળક હતા ત્યારે તમે બસ એમ જ ખુશ રહેતા. કઈં પણ કર્યા વગર, તમે ખુશ હતા. પછી, આગળ જતાં તમે આ ગુણ ગુમાવી દીધો. તમે તેને કેમ ગુમાવી દીધો? તમે તમારી આજુ બાજુની ઘણીબધી વસ્તુઓ, તમારા શરીર, તમારા મન સાથે ઊંડાણપૂર્વક ઓળખાવા લાગ્યા. તમે જેને તમારું મન કહો છો, એ બસ એવી બધી વાતોનો સંગ્રહ છે, જે તમે તમારી આસપાસની સામાજિક પરિસ્થિતિઓમાંથી એકઠી કરી છે. તમે કેવા પ્રકારનું મન ધરાવો છો તે તમે કયા પ્રકારના સમાજમાં ઉછર્યા છો તેના પર આધાર રાખે છે.

આ બધા દુઃખોનું મૂળ એ છે કે તમે પોતાને અસત્યમાં સ્થાપિત કર્યા છે. તમે તમારી ઓળખાણ એવી વસ્તુઓ જોડે બનાવી છે, જે તમે નથી.

અત્યારે તમારા મનમાં જે કઈં પણ છે તે કઈંક એવું છે જે તમે બહારથી ઉઠાવ્યું છે. આ બધી બકવાસ તમારી સાથે આવી ન હતી. તમે આ બધું ઉપાડ્યું, ભેગું કર્યું અને એ બધાની સાથે તમારી ઓળખાણ બનાવી દીધી. તમે તેની સાથે એટલા ઓળખવા લાગ્યા કે હવે એ જ તમને દુઃખ આપી રહ્યું છે. તમે ઈચ્છો તેવો કોઈ પણ પ્રકારનો કચરો ભેગો કરી શકો છો, એ ઠીક છે. જ્યાં સુધી તમે તેની સાથે કોઈ પણ પ્રકારની ઓળખાણ ના બનાવો ત્યાં સુધી કોઈ સમસ્યા નથી. આ શરીર તમારું નથી, આ તમે પૃથ્વી પાસેથી લીધું છે. તમે એકદમ નાનકડા શરીર સાથે જન્મ્યા હતાં જે તમારા માતા-પિતાએ તમને આપ્યું હતું. પછી તમે અન્ન, માંસ વિગેરે ખાઈ ખાઈને મોટા થયા. તો આ શરીર તમે પૃથ્વી પાસેથી ઉધાર લીધું છે, તે તમારું નથી. તમારે તેને થોડા સમય માટે ઉપયોગમાં લેવાનું છે, તો તેને માણો. પણ તમે તમારા શરીર સાથે તમારી ઓળખાણ એટલી ઊંડી બનાવી લીધી છે કે તમને એવું લાગે છે કે તમે આ શરીર જ છો. એટલે આ કોઈ આશ્ચર્યની વાત નથી કે તમે દુઃખી થાઓ છો. આ બધા દુઃખોનું મૂળ એ છે કે તમે પોતાને અસત્યમાં સ્થાપિત કર્યા છે. તમે તમારી ઓળખાણ એવી વસ્તુઓ જોડે બનાવી છે, જે તમે નથી.

તમે જે નથી, તેને બાદ કરી દો

આખી આધ્યાત્મિક પ્રક્રિયા તમે જે નથી તેની સાથે તમારી ઓળખાણ દૂર કરવા માટે જ છે. તમે જ્યારે જાણતાં જ નથી કે ખરેખર તમે કોણ છો, તો શું તમે તેની શોધ કરી શકો ખરા? જો તમે શોધશો, તો ફક્ત તમારી કલ્પનાઓ જ ચારે બાજુ દોડશે. જો તમે એવું વિચારવા લાગો, "હું કોણ છું"?, તો કોઈ તમને કહેશે કે તમે ઈશ્વરની સંતાન છો. બીજું કોઈ એવું પણ કહી શકે છે કે તમે શેતાનની સંતાન છો. અન્ય લોકો તમને બીજું જ કઈંક કહેશે. આ બધી બસ અંતહીન માન્યતાઓ છે અને ચારે બાજુ દોડતી કલ્પનાઓ છે. તમે ફક્ત એક જ કામ કરી શકો છો અને એ છે કે તમે જે નથી, તેને બાદ કરવાનું શરૂ કરો. જ્યારે બધુ જ બાદ થઈ જશે ત્યારે કઈંક એવું રહેશે જેને બાદ ન કરી શકાય. તમે જ્યારે ત્યાં સુધી પહોંચો, ત્યારે તમને ખબર પડશે કે આ સંસારમાં દુઃખનું કોઈ જ કારણ નથી.

તંત્રીની નોંધ: ન્યૂયોર્ક ટાઈમ્સની સહુથી વધુ વેચાતી પુસ્તક "ઇનર એન્જીનિયરિંગ : યોગીઝ ગાઈડ ફોર જોય" નો લાભ લો. (ટૂંક સમયમાં ગુજરાતીમાં પણ ઉપલબ્ધ થશે)