સદ્‍ગુરુ: પરિપૂર્ણતા કોઈ કાર્ય કરવાથી પ્રાપ્ત થતી નથી. જો તમે સાવધાની પૂર્વક વિચારો તો, તમે કેટલી બધી વખત એમ વિચાર્યું હશે, "જો આમ થઈ જાય, તો મારું જીવન પરિપૂર્ણ થઈ જશે." તમે એક બાળક તરીકે વિચાર્યું હશે કે, "જો મને આ રમકડું મળી જાય તો જીવનમાં કશું નહિ ખૂટે." તમને તે મળી ગયું, પરંતુ થોડા અઠવાડિયા પછી તમને એની પરવા નહોતી. જીવન તો સંતોષી ન થયું. તમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે વિચારતા કે જો હું પરીક્ષામાં પાસ થઈ જાઉં, તો જીવન સફળ. પાસ તો થઈ ગયા પણ સફળ જીવન જેવું કંઈ ન થયું. પછી તમને થયું, ભણતર પૂરું થઈ જાય, એટલે જીવન સફળ. એ પણ થઈ ગયું. પછી લાગ્યું, આ બધા ભણતરનો શું ઉપયોગ જો તમે તમારા પગ પર ઊભા ન રહી શકો? તે થઈ ગયું. ત્રણ મહિના પછી, તમે વિચાર્યું આમ ગધેડાની જેમ કામ કર્યા કરવાનો શું અર્થ? જો તમે એ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કરી લો જે તમારા દિલ મા વસે છે, તો  જીવન સફળ થશે. એમ થયું અને પછી તમે જાણો છો શું થયું! 

 માણસ જ્યારે એ કક્ષાએ પહોંચી જાય, જ્યારે તેની ભીતરથી તેણે કોઈ કાર્ય કરવાની જરૂરિયાત ન રહે, અને તે જે  કાર્ય કરે તેની હદ માત્ર બહારની પરિસ્થિતિની માંગ પૂરતી મર્યાદિત હોય, તેવો માણસ પૂર્ણ છે.

તમે જે કંઈ કાર્યો કર્યા હોય, જીવન જરાપણ પરિપૂર્ણ થયું નથી. પરિપૂર્ણતા તમારા કોઈ કાર્ય કરવાથી આવતી નથી, માત્ર જો તમારી આંતરિક પ્રકૃતિમાં પૂર્ણતા હોય, તો જ તમને જીવનમાં પરિપૂર્ણતા પ્રાપ્ત થશે. જો તમારી આંતરિક પ્રકૃતિ બંધનમુક્ત હશે, તો તમારું જીવન પણ મર્યાદાઓ રહિત રહેશે. હવે, તમે આંખો બંધ કરીને બેસી શકો છો, અથવા તો વિવિધ કાર્યો કરી શકો છો, બંને રીતે તમારું જીવન સંપૂર્ણ રહેશે. માણસ જ્યારે એ કક્ષાએ પહોંચી જાય, જ્યારે તેની ભીતરથી તેણે કોઈ કાર્ય કરવાની જરૂરિયાત ન રહે, અને તે જે  કાર્ય કરે તેની હદ માત્ર બહારની પરિસ્થિતિની માંગ પૂરતી મર્યાદિત હોય, તેવો માણસ પૂર્ણ છે.

મહેરબાની કરીને સમજો, શા માટે તમે એક પછી એક કાર્ય કરતા રહો છો? એ પરિપૂર્ણ થવા માટેનો પ્રયાસ છે. જે લોકો વધુ પડતું કામ કરે છે, તમે જ્યારે પૂછો કે તેઓ જે બધું કરી રહ્યા છે તે શા માટે કરે છે, તેઓ જવાબ આપે છે કે, "શું કરીએ? ભરણપોષણ, પત્ની, બાળકો - કોણ તેમની સંભાળ રાખશે?" હકીકત એ છે, કે જો તમે તેની બધી જરૂરિયાત પૂરી પાડી દો તો પણ તે માણસ એક દિવસ પણ શાંતિથી બેસી નહિ શકે. તે ત્રણ કલાક માટે પણ બેસી નહિ શકે! તેણે કશુંક કરતા રહેવું પડે. કારણ કે તમારી આંતરિક પ્રકૃતિ પરિપૂર્ણતા અનુભવતી નથી અને તમે કાર્યો દ્વારા તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો છે. તમારા કાર્યો તમારા ભરણપોષણ માટે કે સુખસગવડ માટે નથી થઈ રહ્યા; તે સઘળાં પરિપૂર્ણતાની શોધમાં થાય છે. એ સભાનતાથી થયું હોય કે સભાનતા વગર, કાર્યો એ દર્શાવે છે કે તમારી શોધ બંધનોથી પાર જવા માટેની છે.

 

જો, તમારી ભીતર, તમારી આંતરિક પ્રકૃતિ પરિપૂર્ણતા પ્રાપ્ત કરે છે, તો કાર્ય કરવાની જરૂરિયાત નહિ રહે. જો બાહ્ય પરિસ્થિતિ કોઈ કાર્ય કરવાની માંગ કરે, તો તમે તેને આનંદથી કરી શકો. જો કોઈ કાર્ય કરવાની જરૂર નથી, તો તમે બસ આંખો બંધ કરીને બેસી શકો. જ્યારે કોઈ વ્યક્તિ એવી સ્થિતિ પર પહોંચી ગયો હોય કે જ્યાં તેને કોઈ કાર્ય કરવાની જરૂર ન પડે, તો આપણે કહી શકીએ કે એ વ્યક્તિ બંધનોથી મુક્ત છે. તેનો મતલબ એવો નથી કે તે માણસ કશું જ કાર્ય કરતો નથી. જો ક્યારેક સંજોગવશાત  જરૂરિયાત પડે, તો તે ચોવીસ કલાક કામ કરી શકે છે. પણ તેના આંતરિક સ્તરે તેને પ્રવૃત્તિની જરૂરિયાત હોતી નથી. એ કાર્ય કરવાના બંધનમાં રહેતો નથી. પ્રવૃત્તિ રહિત હોય ત્યારે પણ તે એક સમાન રહે છે.