Mahabharat All Episodes

પ્રશ્નકર્તા: પ્રણામ, સદ્‍ગુરુ. મારો પ્રશ્ન ધર્મના એ પાસાને લગતો છે, જેને વ્યક્તિ પરમ્ મુક્તિ માટે પોતે જ નિર્ધારિત કરે છે - જ્યારે ભીષ્મ બ્રહ્મચર્ય પાળવાનું નક્કી કરે છે, કર્ણ મિત્રતા નિભાવવાનું અને અર્ધાંગિની તરીકે ગાંધારી પરમ્ પ્રકૃતિ સુધી પહોંચવા માટે અર્ધાંગિની બનવાનું નક્કી કરેછે. કયા આધારે વ્યક્તિ આ નિર્ણય કરી શકે?

સદ્‍ગુરુ: જ્યારે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી ત્યારે તેમની તેમના પિતા પ્રત્યેના લગાવ અને આમન્યા કારણભૂત હતા. પણ એક વખત તેણે પ્રતિજ્ઞા કરી લીધી પછી તેને પાળવાને જીવનનું અંતિમ ધ્યેય માની લે છે કારણ કે, ક્ષત્રિય હોવાને કારણે તે પોતાના વચન માંથી પીછેહઠ ન કરી શકે. આ પ્રકારની પ્રતિજ્ઞા તમારી પરમ્ સુખાકારી માટેનો સર્વોત્તમ માર્ગ ન હોઈ શકે. પરંતુ એક વખત પ્રતિજ્ઞા લઈ લીધા પછી, તેઓ તેનો ઉપયોગ પરમ્ સુખાકારી પામવા માટે કરે છે. ગાંધારીએ ધૃતરાષ્ટ્રને પસંદ કરીને લગ્ન નથી કર્યા. તે હસ્તિનાપુર આવી ત્યાર પછી તેને ખબર પડી કે તેનો પતિ અંધ છે. જ્યારે તેને ખ્યાલ આવ્યો ત્યારે ઘણા કારણોસર તેણે પોતે આંખો બંધ કરી લેવાનું નક્કી કરી લીધું. 

ધારો કે, એક યુવતી તરીકે તમારા લગ્ન નક્કી જાય છે અને તમે ત્યાં જાઓ પછી તમને ખબર પડે કે તમારો પતિ અંધ છે. એ આઘાત ઘણો મોટો હતો. તે ઉપરાંત, જો તમે થોડા વધુ પાછળ જાઓ તો, તેના જન્માક્ષર કહે છે કે, “તેની સાથે જે લગ્ન કરશે તે ત્રણ માસમાં મૃત્યુ પામશે.” જ્યારે તેના માતા-પિતા અને ભાઈઓને ખબર પડી હશે કે, તેઓ તેના લગ્ન કરી નહિ શકે ત્યારે તે ઘણી બધી વસ્તુઓમાંથી પસાર થઈ હોઈ શકે. ખાસ કરીને એવા પરિવારમાં, જેમાં શકુનિ જેવો ભાઈ હોય તેમાં ઘણી અપ્રિય ઘટનાઓ બની શકે.

પછી તેના બકરી સાથે લગ્ન કર્યા તેની માનહાનિ, પછી પોતાના “પતિ”ની હત્યા અને બીજા પતિ સાથે પોતાના પહેલા લગ્નની વાત ન કરીને છેતરપીંડી કરવી અને પછી ત્યાં જઈને જ્યારે જાણ થાય કે, તે તો અંધ છે. જો તમે વિચારો તો, આ બધી બાબતો ની તમારા મન પર જે અસર પડે તે ઓછી તો નહિ હોય. આજના સમાજમાં તમે સહુ ભણેલા છો. તમે કહેશો, “ખાડામાં જાય આ લગ્ન - હું ક્યાંક જઈને નોકરી કરીશ.” તે સમયે પરિસ્થિતિ આવી ન હતી. પાંચ હજાર વર્ષ પહેલાં, ક્યાં તો તમે લગ્ન કરીને તમારું જીવન બનાવી શકો અથવા તમારી પાસે કોઈ જીવન હોય નહિ.

સહુથી વધુ તો, અંધ વ્યક્તિ સાથે રહેવાનો અર્થ છે તમારે તેને માટે બધું કરવું પડે. પણ જો તમે અંધ હોવ તો બીજા તમારે માટે બધું કરશે. માર્ક ટ્વેઇને કહ્યું છે: “ક્યારેય કશું કામ કરતા શીખતા નહિ. તમે કશું નહિ શીખો તો તમને કોઈ તો મળી જશે જે તમને કામ કરી આપે.” રાણી હોવાને કારણે ગાંધારીનું કામ કરવાવાળા તો ઘણા હતા. હું આખી વાતનો ઉપહાસ નથી કરી રહ્યો. આવું તો તેણે ઘણું વિચાર્યું હશે. માણસનું મગજ બધું જ વિચારે છે. સાવ દોષ રહિત તો કોઈ હોતું નથી.

બીજુ પાસુ જોઈએ તો, જ્યારે તમે સ્વેચ્છાએ અંધાપો સ્વીકારો ત્યારે, તમારી મહાનતા અવિશ્વસનીય થઈ જાય છે. કેટલું મોટું બલિદાન! તમારા જીવનની પ્રત્યેક પળે લોકો વખાણે, “વાહ, શું સ્ત્રી છે! તેના અંધ પતિ માટે તે પણ અંધ બનીને રહી.”  જો તમે એક સમજદાર સ્ત્રી હોવ અને તમે તમારા પુરુષને પ્રેમ કરતી હોવ, જો તમારા માથામાં થોડી બુદ્ધિ અને હૃદયમાં પ્રેમ હોય, તો તમારે તેની આંખો બનવું જોઈએ. પણ તેણે બીજો માર્ગ પસંદ કર્યો કારણ કે, બલિદાન આપવામાં પ્રશંસા રહેલી છે. રોજ સવારે ઊઠીને જરૂરી હેય તે બધું કરે તો કોઈ તેની પ્રશંસા ન કરે. આંખ ઉપર પટ્ટી બાંધી દેવામાં તો તેની ખ્યાતિ વધી ગઈ. હવે તે બંનેને સહાયતાની જરૂર પડે તેવું થયું.

અને એકવાર જ્યારે તમે જાહેરમાં પ્રતિજ્ઞા કરો પછી પીછેહઠ કરી શકો નહિ. રાણી તરીકે, તે બાથરૂમમાં પણ આંખની પટ્ટી ખોલી ન શકે કારણ કે, દરેક સ્થળે તેને મદદ કરવા દાસીઓ હાજર હોય. અગર કોઈ સામન્ય માણસ હોત, તો કંઇ નહિ તો બાથરૂમમાં તો આંખ પરથી પટ્ટી હટાવીને નાચી શકત. આ સઘળું ધ્યાનમાં રાખીને તેણે આ પગલું લીધું. એક વખત તમે આવું પગલું ભરી લો, પછી તે ગમે તેટલું ખરાબ હોય, શરૂઆતમાં તમે ફરિયાદ કરશો; મથામણ કરશો; હતાશ થશો; લડાઈ કરશો. પણ એક વખત તમને ખ્યાલ આવી જાય કે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી, તો તમે જોશો કે, કઈ રીતે તેનો મહત્તમ ઉપયોગ કરી શકાય. કારણ કે, બુદ્ધિ તો હંમેશા પરિસ્થિતિનો મહત્તમ ફાયદો લેવા તરફ જ પ્રેરિત કરશે.

અને તેણે વિચાર્યું, “કોઈ પણ રીતે, મેં અંધત્વ સ્વીકાર્યું છે – હવે હું મારી સુખાકારી માટે મારા અંધત્ત્વનો ઉપયોગ કરીશ.”  આ કોઈ વિચાર સુદ્ધા નથી - જીવન સહજ રીતે આ જ દિશા તરફ જાય છે. જો પ્રતિકૂળ સ્થિતિમાં જીવન સાથે સમાધાન કરી લેવાની સમજણ ન હોત, તો અત્યાર સુધીમાં સહુ કોઈ માનસિક રીતે પડી ભાંગ્યું હોત.

ક્રમશ:...

More Mahabharat Stories