મહાભારત અંક ૨૭: રાજસૂય યજ્ઞ – સત્તાના વિસ્તરણ માટેનો માર્ગ

મહાભારત શ્રેણીના આ અંકમાં આપણે જોઈશું કે, પાંડવો પોતાનું સામર્થ્ય અને સામ્રાજ્ય વધારવાના રસ્તે આગળ વધી રહ્યા છે. આસપાસનું જંગલ બાળીને નગરનો વિસ્તાર કરવા માટે કૃષ્ણ અર્જુનને સમજાવે છે અને તે દરમિયાન, બંનેનો સામનો માયાસુર નામના અસુર સાથે થાય છે, જેને સુંદર ઇન્દ્રપ્રસ્થ નગર માટે એક ઉત્કૃષ્ટ સભાગૃહ બનાવી આપવાના બદલામાં જીવનદાન આપવામાં આવ્યું. જ્યારે પાંડવો રાજસૂય યજ્ઞ કરવાની તૈયારીઓ આરંભે છે જે સફળ થયા પછી તેમને સમ્રાટ તરીકેની માન્યતા મળવાની છે. ત્યારે દુર્યોધનનો ગુસ્સો અને ઈર્ષા ચરમસીમાએ પહોંચી જાય છે.
Mahabharat Episode 27: Rajasuya Yagna - Paving the Path to Power
 

સદ્‍ગુરુ: ઘણા જન્મોમાં કૃષ્ણ અને અર્જુન નર અને નારાયણ તરીકે એકસાથે હતા. આ જન્મમાં, ઈન્દ્રપ્રસ્થ પહોંચી ગયા પછી તેઓ ઘણો સમય ઘોડે સવારી કરવામાં, નદી કાંઠે બેસવામાં અને અર્જુનને જે બધી વાતો સમજવી જરૂરી હોય તેની ચર્ચા કરવામાં સાથે વિતાવવા લાગ્યા. આ તે સમય હતો જ્યારે અર્જુન ફરી એક વખત કૃષ્ણ સાથે સભાનપણે જોડાયો.  

એક દિવસ તેઓ યમુના કિનારે એક સુંદર ઝાડ નીચે બેઠા હતા. ખાંડવપ્રસ્થના તે ગાઢ જંગલમાં અને કૃષ્ણ બોલ્યા, “હવે સમય આવી ગયો છે કે આપણે નગરનો વિસ્તાર વધારીને બીજી ઇમારતો ઊભી કરીએ. તેના માટે આપણે આ જંગલ બાળી નાખવું પડશે.” અર્જુન બોલ્યો, “આ કેટલું સુંદર વન છે અને તેમાં ઘણાં જીવો વસવાટ કરે છે. આપણે તેને કઈ રીતે બાળી નાખીએ?” કૃષ્ણ બોલ્યા, “હવે તમે રાજા બનવાનું પસંદ કર્યું છે તો તમારે રાજ્યનો વિકાસ પણ તો કરવો જોઈએ. આ જવાબદારી નો ભાર લીધા સિવાય તમને કોઈ ખ્યાતિ નહીં મળે.”

ઘણા જન્મો સુધી કૃષ્ણ અને અર્જુન નર અને તરીકે નારાયણ એકસાથે હતા.

જ્યારે કૃષ્ણ અને અર્જુન જંગલને આગ લગાડવા નીકળ્યા ત્યારે કૃષ્ણએ ઉમેર્યું, “જો કોઈ જીવ આગથી બચીને છટકવાનો પ્રયત્ન કરે તો તારે તેને મારી નાખવાનો.” અર્જુને પૂછ્યું, “મારી શું કામ નાખવો?” કૃષ્ણએ જવાબ આપ્યો, “જો તારે રાજયમાં શાંતિપૂર્વક જીવવું અને રાજ્ય કરવું હોય, તો તારા શત્રુઓને જવા ન દઈશ. જો તું આજે તેમને જીવતા છોડીશ, તો કાલે તેઓ પાછા ફરશે.” 

કૃષ્ણ જેવી ક્રૂરતાપૂર્વક વર્તે છે તેને ઇતિહાસના તે સમયના અનુસંધાનમાં સમજવાની જરૂર છે. આ પાંચ હજાર વર્ષ પૂર્વેની વાત છે, જ્યારે હિમાલયની તળેટીથી લઈને કન્યાકુમારી સુધીનો સમગ્ર વિસ્તાર ગાઢ જંગલોથી છવાયેલો હતો અને તેમાં જંગલી જાનવરોની ગીચ વસ્તી રહેતી હતી. મનુષ્યોને વસવાટ યોગ્ય જગ્યા વિસ્તારવા જંગલની સાથે જંગલી જાનવરોનો નાશ કરવો જરૂરી હતો. તે સમયે પર્યાવરણની સુરક્ષાના વિચાર અસ્તિત્વમાં ન હતા કારણ કે, પરિસ્થિતિ એકદમ જુદી હતી.

એક બેજોડ સભાખંડ

મનુષ્યોને વસવાટ યોગ્ય સ્થાન ઊભા કરવાની આ પ્રક્રિયામાં અર્જુન અને કૃષ્ણએ લગભગ બધા ખૂંખાર પ્રાણીઓનો સંહાર કરી નાખ્યો. માત્ર એક ચોક્કસ સાપ, જેણે પાછળથી મુશ્કેલી ઊભી કરી અને તેનો મિત્ર માયાસુર, એક અસુર રાજા, છટકી ગયા. માયસુર અર્જુન અને કૃષ્ણની શરણમાં આવ્યો અને આજીજી કરી, “હું એક મહાન ઇજનેર અને સ્થપતિ છું. હું આપને માટે એક એવો સભાખંડ બનાવી શકું છું જેની દુનિયાએ આજ દિન સુધી કલ્પના પણ કરી ન હોય. મહેરબાની કરીને મને મારશો નહીં.” અર્જુને કૃષ્ણ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું અને કૃષ્ણએ કહ્યું, “તેને ન મારીશ. તે તને ઉપયોગી બનશે.” 

માંયાસુરે મયસભાનું નિર્માણ કર્યુ, એક અદ્વિતીય સભાગૃહ, જે બધી રીતે સુંદર હતો. માયાસુરે અત્યંત બારીક પાતળી પરત બનાવીને લગાવી અને આ તકતીઓની દીવાલ છે તેનો ખ્યાલ આવ્યા વગર લોકો તેની આરપાર જોઈ શકતા. તે દિવસોમાં કોઈએ કાચ જોયા ન હતા. જ્યારે મહેમાનો આવ્યા ત્યારે તેઓ તેને ખુલ્લા રસ્તા સમજીને અજાણપણે કાચ સાથે અથડાઈ ગયા. અને બધા લોકોમાં, પછી એક દિવસે દુર્યોધન તેમાંના એકમાં અથડાઇ ગયો. તે ખૂબ અહંકારી માણસ હતો. એટલે જો તે આકસ્મિક રીતે પણ કશે અથડાઈ જાય અને જો તે તમે કરેલું બાંધકામ હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ. 

નારદ ઈન્દ્રપ્રસ્થ આવે છે

ઈન્દ્રપ્રસ્થ એટલું સુંદર અને સમૃદ્ધ નગર હતું કે ઘણા લોકોએ ત્યાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. હસ્તિનાપુરની અડધી વસ્તી ઈન્દ્રપ્રસ્થ આવીને વસી ગઈ, જેમાં ઘણા હોનહાર માણસો અને વિદ્વાનોનો સમાવેશ થતો હતો. જ્યારે દુર્યોધને જોયું કે હસ્તિનાપુરથી લોકો ઇન્દ્રપ્રસ્થ સ્થળાંતર કરી રહ્યા છે, પાંડવો પ્રત્યે તેના હૃદયમાં રહેલી ધૃણા અને ગુસ્સો વધુ તીવ્ર થઈ ઊઠ્યા. તેના ભાઈઓ પણ ઈન્દ્રપ્રસ્થ જોવા માંગતા હતા, જેણે તેને ક્રોધાયમાન કરી દીધો. 

નારદે તેમને આ સલાહ આપી : “હવે જ્યારે ધર્મની સ્થાપના કરવાની ઇચ્છાથી તમે પોતાનું રાજ્ય સ્થાપિત કરી દીધું છે અને કૃષ્ણ પણ અહીં છે, હવે સમય છે કે તમારે રાજસૂય યજ્ઞ કરવો જોઈએ.” 

અને પછી જે અટલ હતું તે થયું,  નારદ પાંડવો પાસે આવ્યા. જ્યારે નારદ પધારે ત્યારે મુશ્કેલી હંમેશા સારા સ્વરૂપમાં આવતી. પાંચ ભાઈઓએ તેમની આગળ દંડવત્ પ્રણામ કર્યા. નારદ બોલ્યા, “હવે તમે સમૃદ્ધ થઈ ગયા છો.” અને પછી તેમણે તેઓને શુંડ અને અશુંડ નામના બે રાક્ષસ ભાઈઓની કથા કહી. 

એ બંને ભાઇઓએ પોતાના માટે એક વિશાળ રાજ્યનું નિર્માણ કરેલું અને સાથે મળીને રાજ કરતા હતા. તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમનો પ્રભાવ અને શક્તિ સમય સાથે વધી રહ્યા હતા. કેટલાંક લોકો, જેમને તેમની સફળતાની ઈર્ષા થતી હતી, તેમણે  તે બંનેની પાસે એક ગંધર્વીને મોકલી. તેનું નામ તિલોત્તમા હતું. તે મોહ પમાડે એટલી સુંદર સ્ત્રી હતી અને તેઓએ ખાત્રી કરી કે બંને ભાઈઓ નોંધપાત્ર રીતે તેની તરફ આકર્ષાય. જ્યારે મૂળભૂત પ્રશ્ન આવીને ઊભો રહ્યો ત્યારે તેણે કહ્યું, “તમારા બંને માંથી જે વધુ બળશાળી હશે તેની સાથે હું લગ્ન કરીશ.” તરત જ બંને ભાઈઓ યુદ્ધે ચડ્યા. બન્ને ભાઈઓ સરખા જ બળવાન હતા અને છેવટે તેમણે એકબીજાને જ મારી નાખ્યાં.”

આ વાર્તા કહીને નારદે પાંડવોને ચેતવ્યા, “તિલોત્તમા પણ પાંચાલીની જેમ શ્યામ વર્ણ ધરાવતી રૂપસુંદરી હતી. અને તમે માત્ર બે નહીં; પાંચ છો. તમે જ્યારે મુશ્કેલ સમયનો સામનો કરતા હતા ત્યારે તમારી વચ્ચે વિખવાદ નથી થયો, પણ હવે જ્યારે સુખ વધ્યું છે ત્યારે શક્ય છે કે તમે દ્રૌપદી માટે લડવા માંડો. તેનાથી બચવાનો એક માત્ર ઉપાય એ છે કે તમારા લગ્ન માટે કૃષ્ણએ જે નિયમ નક્કી કર્યો છે તેનું તમે સહુ ચુસ્ત રીતે પાલન કરો.” નિયમ એવો હતો કે, દ્રૌપદી પ્રત્યેક પાંડવ સાથે એક વર્ષ રહે અને બાકીના ચાર, તે સમય દરમિયાન તેની નજીક પણ ન જાય. જે આ નિયમનો ભંગ કરે તેણે દેશનિકાલ વેઠવાનો.

તેઓ જ્યારે હસ્તિનાપુરમાં રહેતા હતા ત્યારે સતત ષડયંત્રો અને રાજકારણનાં પડકારોને કારણે આ નિયમનું એટલી સખતાઈથી પાલન નહોતા કરી રહ્યા. હવે જ્યારે તેમની પાસે પોતાનું રાજ્ય હતું અને પરિસ્થિતિ સ્થિર હતી, નારદે કૃષ્ણની હાજરીમાં તેમને આ નિયમને વળગી રહેવા સૂચન કર્યું. 

સૌ ખુશ હતા. ઈન્દ્રપ્રસ્થ સુંદર હતું અને સક્રિયતા તથા કાબેલિયતથી ભરપૂર નગર દરરોજ મોટું થઈ રહ્યું હતું. તેમની પાસે ખૂબ સુંદર મહેલ હતો, માયાસુરે બાંધેલો ઉત્તેજનાસભર સભાગૃહ હતો. લોકો દૂર દૂરથી આ સભાગૃહ જોવા માટે આવતા. તે સમયે નારદે તેમને સલાહ આપી : હવે જ્યારે ધર્મની સ્થાપના કરવા માટે તમે પોતાનું રાજ્ય સ્થાપિત કરી લીધું છે અને કૃષ્ણ પણ અહીં છે, હવે સમય છે કે તમારે રાજસૂય યજ્ઞ કરવો જોઈએ. 

રાજસૂય યજ્ઞની તૈયારી

રાજસૂય યજ્ઞ એક રાજાને એક સમ્રાટ બનાવવાની એક ધાર્મિક વિધિ હતી. તેને માટે બીજા રાજાઓને સૂચિત કરવામાં આવતા કે આ યજ્ઞ કરનાર રાજા રાજાઓના રાજા બનવા માટે બધી રીતે યોગ્ય અને શક્તિશાળી બની ગયા છે. ક્યાં તો બીજાઓએ તે સ્વીકારવું પડતું નહિતર તેમની સાથે યુદ્ધ કરવું પડતું. યુધિષ્ઠિરે દલીલ કરી, "એવી શું જરૂર છે? અમે ઈન્દ્રપ્રસ્થમાં સુખી છીએ. આપણે બીજા રાજાઓ પર આક્રમણ કરવાની શી જરૂર છે? આપણે શા માટે કોઈને ફરજ પાડવી કે યુદ્ધે ચઢીને તેમની સાથે બળજબરી કરવી કે તેઓ આપણી સર્વોપરિતાનો સ્વીકાર કરે? મારી આવી કોઈ મહત્વાકાંક્ષા નથી.” 

કેટલીય સદીઓમાં એક એવો રાજા થતો જે એટલો કાબેલ અને શક્તિશાળી હોય, જેને એટલું પ્રાધાન્ય મળે કે તે રાજસૂય યજ્ઞ કરી શકે. એક ક્ષત્રિયનાં જીવનની આ સર્વોચ્ચ ઘટના ગણાતી.

નારદે કહ્યું, “આ તમારે માટે નથી. તમારા પિતા હજુ સ્વર્ગે નથી ગયા. તે હજુ યમલોક માં છે. તમે તેના પુત્રો છો. જ્યાં સુધી તમે રાજસૂય યજ્ઞ ન કરો ત્યાં સુધી તેમને,  દેવતાઓ જ્યાં રહે છે તે સ્વર્ગ માં જવા નહીં મળે.” આ દલીલ પછી યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવા સંમત  થઈ ગયા.

કેટલીય સદીઓમાં એક એવો રાજા થતો જે એટલો કાબેલ અને શક્તિશાળી હોય, જેને એટલું પ્રાધાન્ય મળે કે તે રાજસૂય યજ્ઞ કરી શકે. એક ક્ષત્રિયના જીવનની આ સર્વોચ્ચ ઘટના ગણાતી.પાંડવોએ આમંત્રણ પાઠવી દીધા. જે રાજાઓએ વિરોધ કર્યો તેમની સામે તેમણે પોતાનું લશ્કર મોકલ્યું. ચાર ભાઈઓ - ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ - ચાર જુદી જુદી દિશાઓમાં ગયા અને એક પછી એક પ્રદેશો, એક પછી એક રાજ્યો જીતી લીધા અને અઢળક ધન લઈને પાછા ફર્યા. જે રાજાઓએ તેઓ સાથે મૈત્રી કરી તેમની પાસેથી ભેટ સ્વરૂપે અને જે તેમની સામે હારી ગયા અને શરણમાં આવ્યા તેમણે ન્યોછાવરમાં આપેલું સોનું, ઘરેણાં અને હીરા ઝવેરાત હાથીઓ પર લાદીને લઇ આવ્યા. તેમણે માત્ર કૌરવોના રાજ્યને છોડી દીધું કારણ કે, તેઓ તેમના પિતરાઈ હતા. કૌરવોને રાજસૂય યજ્ઞમાં પરિવારના સભ્યો તરીકે આમંત્રિત કરાયા હતા અને કૌરવો તેને નકારી નહીં શક્યા.

દુર્યોધનનું દિલ ક્રોધથી સળગી ઊઠ્યું. તે સહન ન કરી શક્યો. તેણે પાંડવોને લાખના મહેલમાં મોકલીને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ ન મર્યા. તેણે તેમને રણમાં મોકલ્યા તો, તેમણે તેને સ્વર્ગમાં રૂપાંતરિત કરી નાખ્યું અને ભવ્ય નગર વસાવી દીધું અને હવે તેઓ રાજસૂય યજ્ઞ કરવા જઈ રહ્યા હતા. એક પેઢીમાં માત્ર એક રાજા રાજસૂય યજ્ઞ કરી શકે. તેનો અર્થ હતો કે હવે દુર્યોધનને તેના જીવનમાં આ તક ક્યારેય મળવાની નહોતી - સિવાય કે યુધિષ્ઠિર મૃત્યુ પામે, અને દુર્યોધનની એક માત્ર મહત્ત્વાકાંક્ષા એ જ રહી. 

ક્રમશ:...

More Mahabharat Stories