મહાભારત અંક : ૨૬ - પાંડવો માટે નવી શરૂઆત
મહાભારતના આ અંકમાં આપણે જોઈશું કે કઈ રીતે ધૃતરાષ્ટ્રએ પાંડવોને “ભેટ”માં આપેલો શ્રાપિત ઉજ્જડ રણપ્રદેશ ઇન્દ્રના જાદુથી રાતોરાત સુંદર ઇન્દ્રપ્રસ્થ નગરમાં ફેરવાઈ ગયો.
મહાભારત શ્રેણીના આ અંકમાં આપણે જોઈશું કે, રાષ્ટ્રના ભાગલા ટાળવાનું અસંભવ બની જાય છે. જોકે, ધૃતરાષ્ટ્રએ પાંડવોને “ભેટ”માં આપેલો શ્રાપિત ઉજ્જડ રણપ્રદેશ ઇન્દ્રના જાદુથી રાતોરાત સુંદર ઇન્દ્રપ્રસ્થ નગરમાં ફેરવાઈ ગયો.
અત્યાર સુધીની વાર્તા: કૌરવો અને પાંડવો વચ્ચે લાંબા સમય સુધી સત્તા માટે ચાલેલા સંઘર્ષ પછી અને દુર્યોધનના વારંવાર તેના પાંચ પિતરાઈઓને મારવાના પ્રયાસો પછી કૃષ્ણએ છેવટે બંને પક્ષો વચ્ચે શાંતિ સ્થાપવા માટે રાજ્યને બે ભાગમાં વહેંચવાની સલાહ આપી.
સદ્ગુરુ: ભીષ્મની ઊંડી રાષ્ટ્રનિષ્ઠાને કારણે તેઓ કોઈપણ કિંમતે કુરુસામ્રાજ્યને તૂટતું અટકાવવા ઇચ્છતા હતા. તેઓ હસ્તિનાપુરનાં વડીલો પાસે ગયા અને કહ્યું, “આપ સૌએ મધ્યસ્થતા કરવી જોઈએ, નહિતર રાષ્ટ્રનાં બે ભાગ પડી જશે.” વડીલોએ જવાબ આપ્યો, “તમે જ્યારે જીવનપર્યંત બ્રહ્મચર્ય પાળવાનાં સોગંદ લીધા ત્યારે અમને પૂછવા નહોતા આવ્યા. હવે તમે અમારી સલાહ લેવા આવ્યા છો?” તેઓ સૌ જાણતા જ હતા કે એમ પણ પરિસ્થિતિઓ ભાગલા તરફ જઈ રહી હતી અને તેઓ એ ભાગલાનો અમલ કરવાની પીડા ભીષ્મ સહન કરે તેમ ઈચ્છતા હતા.સામ્રાજ્યના ભાગલા
પોતાના પ્રિય કુરુસામ્રાજ્યના બે ભાગ કરવાની જવાબદારી ભીષ્મને માથે જ હતી. તેમણે છેવટે ધૃતરાષ્ટ્રને કહ્યું, “ઠીક છે; બે ભાગ પાડી દો. એક ભાગ પાંડવોને આપી દો. કૌરવો ભલે હસ્તિનાપુર પર રાજ કરે.” ધૃતરાષ્ટ્રએ પાંડવોને બોલાવ્યા અને ભરીસભામાં તેમણે પાંડવોને ખાંડવપ્રસ્થ આપવાની ઘોષણા કરી, જેમાં કુરુઓની પ્રાચીન રાજધાનીનો પણ સમાવેશ થતો હતો. ઘણી પેઢીઓ પૂર્વે બુધનો પુત્ર અને પ્રથમ ચંદ્રવંશી રાજના વંશજ પુરુરવાને ઋષિઓએ શ્રાપ આપ્યો હતો, જેના કારણે ખાંડવપ્રસ્થનું પતન થઈ ગયું અને રણમાં ફેરવાઇને વેરાન થઈ ગયું. ધૃતરાષ્ટ્રએ પાંડવોને આ પ્રકારની ભેટ આપેલી.
યુધિષ્ઠિર એવો આદર્શવાદી તે હતો કે તેણે આજ્ઞાંકિતપણે જે આપ્યું તે સ્વીકારી લઈને તેના ભાઈઓ અને પત્ની સાથે જવા માટે તૈયાર થઈ ગયો. કૃષ્ણ વચ્ચે પડ્યા અને કહ્યું, “હવે ન્યાયપૂર્ણ રીતે ખજાનાનું અડધું સોનું, ઢોર, ઘોડા અને રથમાં પણ પાંડવોનો ભાગ તેમને આપી દેવો જોઈએ. તેમજ મલ્લ, લોહાર, સોની અને બીજા જેને પણ તેમની સાથે જવાની ઈચ્છા હોય તેમને જવા દો. અહીં રહેવાનું કોઈ દબાણ નહીં. અહીંથી ચાલ્યા જવાની જબરદસ્તી નહીં.”
મલ્લ એટલે કુસ્તીબાજ લોકો. કુસ્તીબાજો તે સમયે ખૂબ મહત્વના હતા. જો તમે લશ્કર ઊભુ કરવા માંગો તો અખાડાની તાલીમ આપવા માટે તમને મલ્લોની જરૂર પડે. આ કૌરવોની યોજનામાં અણધાર્યો વળાંક હતો, જ્યારે કૃષ્ણએ એવું સૂચન કર્યું કે જેને પાંડવોની સાથે જવું હોય તે જવા માટે મુક્ત રહે. ધૃતરાષ્ટ્ર અને કૌરવો એવું સાબિત કરવા મથી રહ્યા હતા કે તેમણે કરેલી વહેંચણી ન્યાયપૂર્ણ હતી. પણ હકીકતમાં, તેમણે પ્રદેશનો સૌથી ફળદ્રુપ હિસ્સો પોતાની પાસે રાખ્યો હતો અને પાંડવોને શ્રાપિત, ઉજ્જડ વેરાન હિસ્સો આપ્યો હતો.
ઘણા એવું માનતા હતા કે તે શ્રાપિત ભૂમિમાં આમ પણ પાંડવોનું મૃત્યુ નક્કી છે. પણ દુર્યોધન કોઈ કચાશ છોડવા માંગતો ન હતો - તેની પાસે તેમને મારવાની ઘણી યોજનાઓ તૈયાર હતી. પણ પહેલા કૌરવોએ ખજાનાનું અડધું સોનું, ઘોડા અને બીજા ઢોર તેમને આપી દેવાના હતા તેમજ અનેક લોકોએ પાંડવો સાથે જવાનું નક્કી કર્યું. કાફલો નીકળી પડ્યો. ઘણા દિવસ ચાલ્યા પછી અને અડધે રસ્તે પણ ઘણા લોકોના મૃત્યુ પછી આખરે તેઓ ખાંડવપ્રસ્થ પહોંચ્યા. ત્યાં સુધી, પાંચ ભાઈઓ ખાંડવપ્રસ્થને લઈને ઘણા ઉત્સાહિત હતા. પણ જ્યારે તેમણે જોયું કે તે જગ્યા કેટલી ઉજ્જડ હતી, તેમનું હૃદય બેસી ગયું અને ભીમ ક્રોધે ભરાયો. તે બોલ્યો, “હું દુર્યોધન અને તેના ભાઈઓની હત્યા કરવા માંગુ છું! તેઓ આપણને આવી જગ્યા કંઈ રીતે આપી શકે?”
ભીમ
ભીમ પવનપુત્ર હતો - તે વંટોળની જેમ ઊડ્યો. જ્યારે તેમને ખબર પડી કે તેઓ સાવ ઉજ્જડ જગ્યાએ આવી ગયા છે, એક શ્રાપિત નગરના અવશેષોમાં, ત્યારે બીજા ભાઈઓ મૌન થઈ ગયા. કૃષ્ણ પોતાના સામાન્ય સ્વભાવથી વિપરીત સવારે બોલ્યા, “ભીષ્મ આની મંજૂરી કઈ રીતે આપી શકે અને તમારા ગુરુ દ્રોણ અને કૃપાચાર્યએ પણ આમ થવા દીધું! જે લોકોએ તમને આ દશામાં મૂક્યા છે, તેઓ બે હાથ ફેલાવીને પોતાના મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છે. અને હવે તે સમય દૂર નથી.” પહેલી વાર, તે માત્ર દુર્યોધન વિષે જ નહોતું- તેમણે શ્રાપમાં ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, સૌને સમાવી લીધા હતા.
ઇન્દ્રપ્રસ્થ: એક જાદુઈ નગરી
યાત્રાથી થાકેલા પાંડવો અને સાથે આવેલા સૌ કઈ રણમાં ખુલ્લા આકાશ નીચે સૂવા માટે આડા પડ્યા. કૃષ્ણએ બધાના આડા પડવાની રાહ જોઈ. પછી તેઓ આસપાસની જગ્યાનો અનુભવ લેવા નીકળ્યા. આકાશ તરફ માથું ઊઠાવીને તેમણે ઇન્દ્રનું આહ્વાન કર્યું. ગાજવીજ સાથે ઇન્દ્ર પધાર્યા. કૃષ્ણ બોલ્યા, “તમારે ચમત્કાર કરીને અહીં શહેર ઊભું કરવાનું છે. પછી અમે તેને ઇન્દ્રપ્રસ્થ નામ આપીશું. આ નગર તમારું હશે. તે દુનિયાએ ક્યારેય જોયું ન હોય એટલું સુંદર નગર હોવું જોઈએ.” અને જાદુ શરૂ થઈ ગયું.
વિશ્વકર્માને બોલાવામાં આવ્યા જેઓ ઇન્દ્રના સ્થપતિ હતા. તેઓને શહેરની રચના કરવાનો આદેશ અપાયો. જ્યારે બધા સૂતા હતા ત્યારે તેમણે પોતાના અલૌકિક સ્વર્ગીય સ્વરૂપને નગરમાં એક ચાદરની જેમ પાથરી દીધું અને તેની દીવાલો, મિનારાઓ, મહેલો અને તેના સભાખંડ, તેમજ ઘરો - બધું જાદુઈ રીતે ઊભું થઈ ગયું. આ જાદુના સાક્ષી કેવળ ઇન્દ્ર અને કૃષ્ણ હતા. સવારે જ્યારે સૌ જાગ્યા ત્યારે જોયું કે તેઓ તો એક સુંદર શહેરમાં હતા. આ સમાચાર દાવાનળની જેમ પ્રસરી ગયા કે, “રાતોરાત પાંડવોએ એક નગર ઊભું કરી દીધું છે.”
આ ઘટના પછી, સામાન્ય લોકો પાંડવોને દિવ્યપુરુષો સમજવા લાગ્યા. પહેલેથી જ, તેઓ મૃત્યુ પછી પાછા આવ્યા હોવાની વાર્તાઓ ચાલતી હતી. લોકો કહેતા, “પાંડવો મૃત્યુ પામ્યા હતા, દેવલોકમાં ગયા અને દેવોમાં રૂપાંતરિત થઈને પૃથ્વી પર પરત ફર્યા, અને હવે તેમણે રાતોરાત નગર ઊભું કરી દીધું.” ઇન્દ્રપ્રસ્થ સૌથી સુંદર નાગર બની ગયું. આજે પણ, ભારતની રાજધાની ઇન્દ્રપ્રસ્થ છે - તે નવી દિલ્હીનો એક હિસ્સો છે. ઇન્દ્રપ્રસ્થ ઘણા રાજવંશ માટે રાજધાની રહી છે. બહારથી આવેલા આક્રમણકારીઓએ પણ ઇન્દ્રપ્રસ્થથી રાજ કરવાનું પસંદ કર્યું છે. આજની તારીખમાં પણ સત્તાનું કેન્દ્રસ્થાન ઇન્દ્રપ્રસ્થ જ છે અને તે ધબકતું રહ્યું છે. હજુ એ જાદુઈ રહ્યું છે કે નહીં એ અલગ પ્રશ્ન છે.
ક્રમશ:...