Mahabharat All Episodes

સદ્‍ગુરુ: પાંડુએ કુંતીભોજની દત્તકપુત્રી કુંતી સાથે તેમજ મદ્રની રાજકુમારી માદ્રી સાથે લગ્ન કર્યા. એક દિવસ, પાંડુ શિકાર કરવા ગયા. તેમણે ત્યાં એક હરણના જોડાને સંવનન કરતા જોયું. તેઓ સંવનન કરે છે તે ગાણકાર્યા વિના તેને સહેલો શિકાર માની તેમણે તીર ચલાવ્યું. તેઓ એટલા કુશળ તીરંદાજ હતા કે એક તીરમાં તેમણે બન્ને હરણોને વીંધી નાખ્યા અધમરી અવસ્થામાં નરહરણ; જેઓ હકીકતમાં એક ઋષિ હતાં જેમણે આ રૂપ ધારણ કર્યું હતું તેઓ બોલ્યાં, “શિકારીઓમાં એક નિયમ છે કે તેમણે ગર્ભવતી અથવા સંવનન કરતાં પ્રાણીઓને ન મારવા, કારણ કે તે સમયે ભવિષ્યની પેઢી આકાર લઈ રહી હોય છે. તમે આ નિયમનો ભંગ કર્યો છે. તમે આમ કર્યું હોવાથી જો તમે કોઈ પણ પ્રકારની ઇચ્છા વડે તમારી પત્નીનો સ્પર્શ કરશો તો તમને ખૂબ જ હિંસક મૃત્યુ મળશે.” તો, પરિસ્થિતિ એ હતી કે પાંડુ હજી નિ:સંતાન હતાં; તેમને બે પત્નીઓ હતી, પરંતુ તેઓ આ શ્રાપને કારણે તેમની પાસે જઈ નહોતા શકતા.

એક રાજા માટે તેનું નિ:સંતાન રહેવું એ તેના રાજ્યના ભવિષ્ય માટે ખૂબ મોટી સમસ્યા હતી; તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે?

એક રાજા માટે તેનું નિ:સંતાન રહેવું એ તેના રાજ્યના ભવિષ્ય માટે ખૂબ મોટી સમસ્યા હતી; તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે? જે ક્ષણે લોકો જોશે કે ઉત્તરાધિકારી બનવા માટે કોઈ યોગ્ય રાજકુમાર નથી તો કોઈ પણ મહત્ત્વકાંક્ષી થઈ શકે છે. આ એક રાજકીય સમસ્યા હતી.

આગળની પેઢીઓ પ્રમાણે ફરી એક વાર કુરુવંશ પાસે કોઈ વંશજ નહોતું. પાંડુ આ પરિસ્થિતિથી એટલા વ્યથિત થઈ ગયા કે તેઓ તેમની બધી સત્તા છોડીને તેમની બન્ને પત્નીઓ સાથે જંગલમાં રહેવા જતા રહ્યા. તેમણે તેમની આસપાસનાં ઋષિઓ સાથે સંપર્ક બનાવ્યો અને પોતાની જાતને વ્યસ્ત રાખવા લાગ્યા અને એ ભૂલી જવા પ્રયત્ન કરવા લાગ્યા કે તેઓ એક રાજા છે, પણ તેમની અંદરની આ ઊંડી વ્યાકુળતા દિવસે દિવસે વધતી જતી હતી. એક દિવસ એ વ્યકુળતા એની પરાકાષ્ઠા ઉપર પહોંચી ગઈ, તેમણે કુંતીને પૂછ્યું કે, તેમણે શું કરવું જોઈએ? મારે મારી જાતને મારવી જ પડશે. જો તમારામાંથી કોઈ પણ સંતાન ન જણે તો કુરુવંશનો અંત આવી જશે. ધૃતરાષ્ટ્રને પણ સંતાનો ન હતાં. અને તે તો નામના જ રાજા હતાં અને અંધ હોવાને કારણે તેમના પુત્રો રાજા ન થઈ શકે.

જ્યારે તેમણે તેમની આ વ્યાકુળતા એ હદ સુધી વ્યક્ત કરી કે તેઓ આત્મહત્યા કરી નાખવા માટે પણ તૈયાર છે ત્યારે કુંતીઓ પોનાના વિષે અમુક વસ્તુઓ છતી કરી. કુંતીએ કહ્યું, “એક સંભાવના છે.” પાંડુએ પૂછ્યું, “શું?” કુંતીએ કહ્યું, “જ્યારે હું કુંવારી હતી ત્યારે ઋષિ દુર્વાસા મારા પિતાના અતિથિ થઈને આવ્યા હતા અને હું તેમની સેવામાં હતી. તેઓ મારી સેવાથી એટલાં પ્રસન્ન થઈ ગયાં કે તેમણે મને એક મંત્ર આપ્યો. તેમણે કહ્યું છે કે આ મંત્ર વડે હું ઇચ્છું તે દેવતાનું આહ્વાન કરીને તેના થકી પુત્રની પ્રાપ્તિ કરી શકું છું. જો તમે ખરેખર ઇચ્છો તો હું તમારે ખાતર તેમ કરીશ.” કુંતીએ એ ન કહ્યું કે તેણીએ ભૂતકાળમાં પણ કોઈનું આહ્વાન કર્યું હતું. પાંડુ ખૂબ જ ઉત્કંઠિત થઈ ઉઠ્યા. તેમણે કહ્યું, “મહેરબાની કરી તેમ કર. આપણે કોને બોલાવીએ?” તેઓએ ઘડીભર વિચાર કર્યો અને પાંડુ બોલ્યા, “આપણે ધર્મને બોલાવવા જોઈએ. આપણે આપણ કુરુવંશનો રાજા બનાવવા માટે ધર્મના પુત્રને જ નિયુક્ત કરવો જોઈએ.” ધર્મ યમ તરીકે પણ ઓળખય છે, જેઓ મૃત્યુ અને ન્યાયના દેવતા છે.

યુધિષ્ઠિર અને ભીમનો જન્મ

કુંતી જંગલમાં ગઈ અને ધર્મનું આહ્વાન કર્યું, ધર્મ આવ્યા. તેણીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ યુધિષ્ઠિર રાખવામાં આવ્યું અને તે પાંડુનો પહેલો પુત્ર કહેવાયો. એક વર્ષ વીત્યું; પાંડુને લોભ થયો અને તેમણે કહ્યું, “આપણે હજી એક પુત્ર મેળવીએ.” કુંતી બોલ્યાં, “ના, આપણી પાસે પુત્ર છે અને કુરુવંશ પાસે તેનો ઉત્તરાધિકારી છે. આટલું પૂરતું છે.” પાંડુએ કહ્યું, “ના, આપણને હજુ એક સંતાન તો હોવું જ જોઈએ.” તેમણે આજીજી કરી, “લોકો મારા વિષે શું વિચારશે, કે મને એક જ પુત્ર છે? આપણે બીજા પુત્રો મેળવીએ.” “તો હવે આપણા પુત્રનો પિતા કોણ હોવો જોઈએ?” પાંડુએ કહ્યું, “ આપણી પાસે ધર્મ છે, આપણને હવે શક્તિની જરૂર છે. તો આપણે વાયુને બોલાવીએ.” કુંતી ફરી જંગલમાં ગયા અને વાયુનું આહ્વાન કર્યું. પવનદેવ આવ્યા. તેમની ઉપસ્થિતિ ખૂબ જ તીવ્ર હોવાને કારણે તેઓ ત્યાં ન રહી શક્યા. તેઓ કુંતીને લઈ ગયા.”

મહાભારતમાં એનું ખૂબ જ સુંદર અને વિગતવાર વર્ણન છે કે કઇ રીતે તેઓ પર્વતો અને પછી મહાસાગરો ઓળંગીને ક્ષીરસાગર પહોંચ્યા. ક્ષીરસાગર એટલે કે ‘દૂધના દરિયા’ સુધી પહોંચતા પહોંચતા તેમણે કુંતીને બતાડ્યું કે પૃથ્વી ખરેખર ગોળ છે. પવનદેવે એમ પણ કહ્યું કે જ્યારે ભારતવર્ષમાં દિવસ હોય છે ત્યારે ગ્રહના પાછલા ભાગમાં રાત હોય છે અને જ્યારે અહીં રાત હોય છે ત્યારે ત્યાં દિવસ. સાથે જ તેમણે પૃથ્વીના બીજા ભાગમાં જે અન્ય મહાન સંસ્કૃતિ હતી તે તેમજ ત્યાં રહેતા લોકો અને તેમની ક્ષમતાઓ વિષે કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે ધરતીના એ ભાગમાં પણ મહાન સંતો, ઋષિઓ અને યોદ્ધાઓ છે. કુંતીએ તેના બીજા પુત્ર; વાયુપુત્ર ભીમને જન્મ આપ્યો. મોટો થઈને તે જગતના સૌથી શક્તિશાળી મનુષ્ય તરીકે ખ્યાતિ પામ્યો.

અર્જુનનો જન્મ

થોડા સમય પછી પાંડુએ કહ્યું, “મને ખબર છે કે હું લોભી થઈ રહ્યો છું, પણ આ બે અદ્ભૂત બાળકોને જોઈને હું કઇ રીતે મારા લોભ ઉપર કાબૂ રાખું? મને હજી એક પુત્ર જોઈએ છે. બસ બીજો એક જ પુત્ર.” કુંતીએ ના પાડી. સમય વીત્યો પણ પાંડુએ જીદ ન છોડી. તેણીએ છેવટે કહ્યું, “હવે કોને બોલાવવા છે?” પાંડુ બોલ્યા, “આપણે દેવરાજ ઈંદ્રને બોલાવીએ. તેનાથી નીચે કોઈને નહિ.” તેણીએ ઇંદ્રનું આહ્વાન કરીને તેમના પુત્ર અર્જુનને જન્મ આપ્યો, જે સૌથી મહાન તીરંદાજ અને યોદ્ધા હતો. મહાભારતમાં તેને સૌથી મહાન ક્ષત્રિય એટલે કે સૌથી મહાન યોદ્ધા તરીકે ઓળખવામાં આવે છે. તેના જેવો બીજો યોદ્ધો થયો નહોતો અને થશે નહિ.

માદ્રીની ઇર્ષ્યા

આ ત્રણ દૈવીય બાળકો મોટા થયા અને તેમની અસાધારણ આવડતો, ક્ષમતાઓ અને બુદ્ધિમત્તા દર્શાવવાનું શરુ કર્યું. પાંડુનું આખું ધ્યાન તે ત્રણ બાળકો અને તેમની માતા કુંતી ઉપર જતું રહ્યું. પાંડુની નાની પત્ની માદ્રી પાસે ન તો તેનો પોતાનો કહી શકાય એવો પતિ હતો; ન તો બાળકો. તેણીમાં અત્યંત કડવાશ ભરાવા લાગી. એક દિવસ પાંડુનું ધ્યાન ગયું કે માદ્રી લગ્ન સમયે જેવી હતી તેવી મધુરતાસભર પત્ની રહી નથી. એનો ચહેરો વિષયુક્ત લાગતો હતો. પાંડુએ પુછ્યું, “શું વાત છે? શું તું ખુશ નથી?” માદ્રીએ કહ્યું, “હું આ જગ્યાએ ખુશ કઇ રીતે રહી શકું? અહીં બધું તમે, તમારા ત્રણ પુત્રો અને તમારી અન્ય પત્ની વિષે જ છે. મારા માટે શું છે?” થોડી દલીલો પછી તેણીએ કહ્યું, “જો તમે કુંતીને મને તે મંત્ર શીખવાડવા કહી શકો તો હું પણ સંતાનોને જન્મ આપી શકું. તો તમે મારી ઉપર પણ ધ્યાન આપશો. નહીંતર, હું તો માત્ર વધારાના અંગ જેવી બની ગઈ છું.”

પાંડુ તેની અવદશા સમજ્યા. તેઓ કુંતી પાસે ગયા અને કહ્યું, “માદ્રીને સંતાન જોઈએ છે.” કુંતીએ કહ્યું, “શા માટે? મારા બાળકો તેના પણ તો બાળકો છે.” પાંડુ બોલ્યા, “ના, તેણીને તેના પોતાના સંતાનો જોઈએ છે.શું તું માદ્રીને મંત્ર શીખવી શકે છે?” કુંતીએ કહ્યું, “હું મંત્ર તો ન શીખવી શકું, પણ જો જરૂરી હોય તો હું તેનો ઉપયોગ કરી શકું અને તેણી ઇચ્છે તે દેવતાને બોલાવી શકે છે.” કુંતી માદ્રીને લઈને જંગલની ગુફામાં જતા રહ્યા અને કહ્યું, “હું મંત્રનો ઉપયોગ કરવા જઈ રહી છું. તું ઇચ્છે તે દેવતાનું ધ્યાન કર.” તે યુવતી મૂંઝાઈ ગઈ; તેણીને સમજણ ન પડી કે તેણીએ કોને બોલાવવા જોઈએ? તેણીએ અશ્વિનિકુમારોનું ધ્યાન કર્યું, તેઓ દેવતા તો નથી પણ અર્ધ-દેવતાઓ છે. આ બન્ને દૈવીય અશ્વપુરુષો ઘોડાઓના તજજ્ઞ એવા કુળ સાથે સંબંધ ધરાવતા હતા. માદ્રીએ અશ્વિનિકુમારોના જોડિયા બાળકોને જન્મ આપ્યો.

પાંચ પાંડવો

કુંતીને ત્રણ બાળકો હતાં; યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. માદ્રીને બે બાળકો હતાં; નકુળ અને સહદેવ, પણ પાંડુને હજી વધારે બાળકો જોઈતા હતાં. એક રાજા માટે તેને જેટલા વધુ બાળકો હોય તેટલું વધારે સારું. જ્યારે યુદ્ધ થાય ત્યારે પુત્રોની સંખ્યામાં ઘટાડો પણ થઈ શકે. જો તમારે કોઈ પ્રદેશ ઉપર ચઢાઈ કરવી હોય અથવા માત્ર તેટલા જ રાજ્ય ઉપર રાજ કર્યે રાખવું હોય તો પણ તમને જેટલાં વધુ બાળકો હોય તેટલું ઉત્તમ. કુંતીએ કહ્યું, “હવે નહિ. મને હજી બાળકો નથી જોઈતા.” પાંડુએ કહ્યું, “ઠીક છે, જો તને ઇચ્છ ન હોય તો તું મંત્રનો ઉપયોગ માદ્રી માટે કર.” કુંતીએ કહ્યું, “ના, એમ નહિ થાય.” કારણ કે જે રાણીને સૌથી વધારે સંખ્યામાં પુત્રો હોય તે જ મુખ્ય રાણી કહેવાય. કુંતીને ત્રણ બાળકો હતા અને માદ્રીને બે અને તેણીને પોતાનું વધારે સંખ્યાના બાળકોની માતા હોવાનું માન જતું નહોતું કરવું. તેણીએ કહ્યું, “ના, એમ નહિ થાય. આપણે એ મંત્રનો ઉપયોગ હવે કોઈને માટે કરવો નથી.”

પાંડુના પુત્રો પાંડવો તરીકે ઓળખાય છે. તેમને પંચ પાંડવ કહે છે. તેઓ રાજાના પુત્રો હતા અને રાજવંશ સાથે સંબંધ ધરાવતા હતા છતાં પણ, તેઓનો જન્મ અને પંદર વર્ષ સુધીનો ઉછેર જંગલમાં જ થયો.

ક્રમશઃ ...

More Mahabharat Stories

Editor's Note: A version of this article was originally published in Isha Forest Flower, October 2015.