સદ્‍ગુરુ: યોગમાં આપણે શરીરને પાંચ પરિમાણો અથવા પાંચ કોષોના રૂપમાં જોઈએ છીએ. ભૌતિક શરીરને અન્નમય કોષ કહેવામાં આવે છે. અન્ન અર્થાત્ ભોજન. આ આપણું ભોજનથી બનેલું શરીર છે. પછીનું પરિમાણ છે મનોમય કોષ અથવા માનસિક શરીર. ત્રીજા ક્રમાંક ઉપર છે પ્રાણમય કોષ જેનો અર્થ છે ઊર્જા શરીર. ભૌતિક, માનસિક અને ઊર્જા શરીર - આ ત્રણે જીવનના ભૌતિક આયામો છે. દાખલા તરીકે, તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે પ્રકાશનો બલ્બ એક ભૌતિક વસ્તુ છે. વિજળી અને તારોમાં વહેતા ઇલેક્ટ્રોન્સ પણ ભૌતિક છે. બલ્બમાંથી આવતો પ્રકાશ પણ ભૌતિક જ છે. આ ત્રણેય ભૌતિક છે. એ જ પ્રમાણે ભૌતિક શરીર સ્થૂળ છે, માનસિક શરીર એના કરતાં સૂક્ષ્મ છે અને ઊર્જા શરીર અથવા પ્રાણ શરીર હજુ વધારે સૂક્ષ્મ છે. પણ, આ બધાનું જ ભૌતિક અસ્તિત્વ છે. દરેક વ્યક્તિના કર્મોની છાપ એના શરીર, મન અને ઊર્જા ઉપર હોય છે. આ કર્મોની છાપ અથવા કર્મોની સંરચના સિમેન્ટની જેમ દરેકને એના ભૌતિક શરીર સાથે જોડી રાખે છે, બાંધી રાખે છે. કર્મો તો બંધન જ છે પણ આ જ કર્મોના કારણે આપણે આપણા શરીર સાથે જોડાયેલા રહી શકીએ છીએ અને અહીં હોઈ શકીએ છીએ.

કોઈ મરી જાય તો આપણે કહીયે છીયે કે એ વ્યક્તિ હવે નથી રહી. પણ આ સાચું નથી. એ વ્યક્તિ ફક્ત તમે એને જે રીતે જાણતા હતા તે રીતે નથી રહી, પણ એનું અસ્તિત્વ તો રહે જ છે.

પછીના બે પરિમાણો છે વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. વિજ્ઞાનમય કોષ અભૌતિક છે પણ એ ભૌતિકતા સાથે સંકળાયેલો છે. વિશેષ જ્ઞાન અથવા વિજ્ઞાનનો અર્થ છે અસાધારણ જ્ઞાન અથવા એવી બાબતનું જ્ઞાન જે આપણી ઈન્દ્રિયોની સમજની બહાર છે. આ આકાશ શરીર છે - પસાર થવા માટેનું શરીર - ભૌતિકતાથી અભૌતિકતા તરફ પસાર થવા માટે! આ ન તો ભૌતિક છે ન અભૌતિક; પણ બન્ને વચ્ચે એક કડી જેવું છે. આનંદમય કોષ આનંદ શરીર છે અને પૂર્ણ રૂપે અભૌતિક છે. એનો કોઈ રૂપ કે આકાર નથી.

શું મૃત્યુ પછી જીવન છે?

કોઈ મરી જાય તો આપણે કહીએ છીએ કે એ વ્યક્તિ હવે નથી રહી, પણ આ સાચું નથી. એ વ્યક્તિ ફક્ત તમે એને જે રીતે જાણતા હતા તે રીતે નથી રહી, પણ એનું અસ્તિત્વ તો હોય જ છે. ભૌતિક શરીર ભાંગી પડશે પણ માનસિક અને ઊર્જા શરીર તો રહે જ છે; જે કર્મોની મજબૂતી ઉપર આધારિત હોય છે. બીજો ગર્ભ મળવા માટે આ કર્મોની સંરચનાની તીવ્રતા ઓછી થવી જોઇએ, એ પરોક્ષ થઈ જવી જોઈએ. જો, કર્મો પૂરા થઈ ગયા હોય અને તેમની સંરચના અશક્ત પડી ગઈ હોય તો એને બીજું શરીર સહેલાઇથી મળી જાય છે. આ જીવન માટે મળેલા કર્મો પૂરા થઈ જાય તો કોઈ રોગ, અપઘાત કે ઇજા વિના વ્યક્તિ સહજતાથી મરી જાય છે અને એને કલાકોની અંદર શરીર મળી જાય છે.

જે કોઈ પોતાનું જીવન પૂરું કરી લે છે અને શાંતિથી મરે છે, એને મૃત્યુ પછી ભટકવું નથી પડતું, એ બીજા જીવનમાં તાત્કાલિક જતું રહે છે. પણ, જેની કાર્મિક સંરચના ખૂબ જ તીવ્ર હોય, પૂરી ના થઈ હોય, એને એ પૂરી કરવી પડે. તો, તેને નવું શરીર મેળવવા માટે વધુ સમય જોઈશે. તેઓને જ આપણે ભૂત કહીયે છીયે. તેમની કાર્મિક સંરચના વધારે તીવ્ર હોવાથી એ આપણા અનુભવોમાં વધારે આવે છે. તમને ખબર પડે કે ના પડે પણ તમારી ચારે બાજુ આવા અસંખ્ય જીવો હોય છે. એમનામાંથી મોટા ભાગ ના ભૂતોનો તમે અનુભવ ના કરી શકો કારણ કે તેમના કર્મો નબળા પડતા જાય છે. આ લોકો રાહ જોતા હોય છે કે તેમના કર્મો વધારે નબળા પડે જેથી એમને નવું શરીર મળે.

આપણે મરી ગયા પછી ક્યાં જઇએ છીએ?

આ શરીર તો પૃથ્વીનો, માટીનો ટુકડો છે, જેણે આપણે ધીરે ધીરે, અહીં જ ભેગું કર્યું છે. આપણે, આપણા શરીરના રૂપમાં જે કાંઈ ભેગું કર્યું છે, તેનો દરેક કણ અહીં જ છોડી દેવો પડે. મનની વાત કરીએ તો વિશ્લેષક બુદ્ધિ પણ શરીરની સાથે જ મૃત્યુની પ્રક્રિયામાં અહીં જ છૂટી જાય છે. આ બધી માહિતિ જે આપણે ભેગી કરી છે; સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ મન અને એ માહિતિ જેને આપણે કર્મ કહીએ છીએ. એ સોફ્ટવેર હજુ અકબંધ રહે છે પણ વિવેકબુદ્ધિ અથવા વિશ્લેષક બુદ્ધિ જતી રહે છે.

જો તમે પ્રસન્ન અવસ્થામાં જાઓ તો એને સ્વર્ગ કહેવાય છે, જો તમે અપ્રસન્ન અવસ્થામાં જાઓ તો એ નર્ક કહેવાય છે.

ધારો કે, આજે તમે વાંચ્યું કે શૅર માર્કેટ ડાઉન છે અને તમને અમુક રકમનું નુક્સાન થયું છે, પણ તમારામાં વિવેકબુદ્ધિ છે તો તમે આવું કાંઈક વિચારશો, “સારું, મેં કાંઈક ગુમાવ્યું છે પણ મારી પાસે હજી આટલું છે. હું આજે ખુશ રહીશ.” અને તમે બીજી વસ્તુઓ સાથે પોતાને પોરવી દેશો અને ખુશ રહેશો.

જો તમે આ વિવેકબુદ્ધિ ગુમાવી દો તો પછી તમે હતાશા અનુભવશો અને તમારી વૃત્તિઓ પ્રમાણે વર્તન કરશો, તમારા કેળવેલા ગુણો પ્રમાણે. જ્યારે તમારું શરીર જતું રહે, ત્યારે તમારી વિવેકબુદ્ધિ પણ જતી રહે છે. પછી, જે પ્રમાણેનું તમારું સોફ્ટવેર હોય, તમે ફક્ત તમારી વૃત્તિઓ પ્રમાણે વર્તશો, એ જે પણ રીતે તમને આગળ લઈ જાય.

હવે, વિવેકબુદ્ધિ અથવા સમજદારી નથી, તો જેણે હમણાં જ શરીર છોડ્યું છે, એના મનમાં જો તમે પ્રસન્ન અવસ્થાનું એક પણ ટીપું નાખી દો તો એ પ્રસન્ન અવસ્થા લાખો ગણી વધી જશે. જો તમે દુઃખનું એક ટીપું નાખશો તો એનામાં દુઃખદ અવસ્થા લાખો ગણી વધશે. આ એવું છે જેવું નાના બાળકોનું હોય છે; નાના બાળકો રમવા જાય તો જ્યાં સુધી થાકી ના જાય અને તેમની આખી ક્ષમતા પતી જાય ત્યાં સુધી રમ્યા જ કરશે કારણ કે બાળકો પાસે એવી સમજદારી નથી હોતી કે ક્યારે થોભવું જોઈએ?

મૃત્યુ પછી સમજદારી તદ્દન ગાયબ હોય છે, કોઈ નાના બાળકમાં હોય એનાથી પણ વધારે. તો તમે જે કોઈ પણ ગુણ એના મનમાં નાખો એ લાખો ગણો વધી જશે. આ જ એ છે જેને આપણે સ્વર્ગ કે નર્ક કહીએ છીએ. જો તમે પ્રસન્ન અવસ્થામાં જાઓ તો એને સ્વર્ગ કહેવાય છે. જો તમે અપ્રસન્ન અવસ્થામાં જાઓ તો એને નર્ક કહેવાય છે. સ્વર્ગ અને નર્ક કાંઈ ભૌગોલિક સ્થાનો નથી પણ અનુભવની વાસ્તવિકતાઓ છે જેમાંથી શરીરથી છુટેલું જીવન પસાર થાય છે.

Editor's Note:  તંત્રીની નોંધ: સદ્‍ગુરુની નવીનતમ, સૌથી વધારે વેચાતી પુસ્તક, ‘ડૅથ: એન ઇનસાઈડ સ્ટોરી’ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Death-Book-Banner