Mahabharat All Episodes

સદ્ગુરુ: કુંતી જ્યારે યુવાન હતી ત્યારે એક વખત તેણે ઋષિ દુર્વાસાની સેવા અને મહેમાનગતિ કરીને તેમને પ્રસન્ન કરી દીધા હતા, અને ઋષિએ તેને આશીર્વાદ રૂપે, એક મંત્ર આપ્યો હતો જે બોલીને તે તેની પસંદના કોઈ પણ દેવતાને બોલાવી શકતી હતી. એક દિવસ તેને મંત્ર અજમાવી જોવાની ઈચ્છા થઈ. કુંતી બહાર નીકળી અને ઉગતા સૂર્યની તેજસ્વીતા જોઈને સ્વયં સ્ફુરણાથી બોલી ગઈ, "મને સૂર્યદેવ જોઈએ છે." સુર્યદેવતાથી તે ગર્ભવતી થઈ અને બાળક જન્મ્યું

તે બાળક, જે કર્ણ તરીકે ઓળખાયો તે નિયતિનું સંતાન હતું, અને તે પણ અતિ દુર્લભ.

માત્ર ચૌદ વર્ષની ઉંમરે, અવિવાહિત માતા બનેલી કુંતીને સમજાયું નહીં કે તે સમાજનો સામનો કઈ રીતે કરશે. તેણે બાળકને લાકડાની પેટીમાં સુવાડાવીને નદીમાં તરતો મૂકી દીધો, તેનું શું થશે તે વિચાર્યા વગર. તેને તેમ કરતા જાત સાથે ઘણો સંઘર્ષ થયો, પરંતુ તે એક નિશ્ચિત હેતુ પ્રત્યે સમર્પિત રહેતી સ્ત્રી હતી. એક વખત તે કોઈ બાબતમાં સ્પષ્ટ થઈ જાય પછી તે માટે જે કરવું પડે તે કરવા તત્પર રહેતી. તેનાં સ્વભાવ અને વર્તનમાં ઘણી હૂંફ હતી, પણ હૃદયથી તે કઠોર હતી.

અધિરથ, જે ધૃતરાષ્ટ્રના મહેલમાં સારથી તરીકે સેવા આપતો, તે સંજોગવશાત નદી કિનારે હાજર હતો, તેણે આ રત્નો જડિત પેટી જોઈ, ઊંચકી લીધી અને ખોલીને જોયું. તેણે જ્યારે તેમાં એક શિશુને જોયું ત્યારે તે રાજી થઈ ગયો. તેને બાળકો ન હતા તેથી તેણે આને ભગવાન તરફથી મળેલી ભેટ માની લીધી. તે પેટી અને બાળકને લઈને પત્ની રાધા પાસે ગયો. બંને જણા ખૂબ આનંદમાં હતા. પેટી જોઈને તેઓ એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય ઘરનું બાળક નથી, કોઈ રાજા અથવા રાણીએ જ આ બાળકને ત્યજી દીધું છે. તેઓ નહોતા જાણતા કે કોણે, પરંતુ તે બંને આ બાળકને મેળવીને ઘણા ખુશ હતા, જેણે તેમનાં નિઃસંતાન જીવનને ખુશીઓથી ભરી દીધું હતું.

તે બાળક, જે કર્ણ તરીકે ઓળખાયો તે નિયતિનું સંતાન હતું, અને તે પણ અતિ દુર્લભ. જન્મથી જ, તેના કાનમાં સોનેરી કુંડળ હતા અને તેની છાતી પર કુદરતી રીતે યોધ્ધાઓ પહેરે તેવું કવચ હતું. તેનું રુપ અદ્ભૂત હતું. રાધાએ તેને ખૂબ પ્રેમથી મોટો કર્યો. સારથી હોવાને કારણે, અધિરથ ઈચ્છતો હતો કે તે રથ ચલાવતા શીખે, પરંતુ કર્ણ બાણાવળી બનવા ઈચ્છતો હતો. તે સમયે માત્ર ક્ષત્રિય, જે યોદ્ધા પરિવારના સભ્ય હોય, તે જ મલ્લ યુદ્ધ અને તીરંદાજી શીખવાને હકદાર રહેતા. આ રાજાની સત્તા જાળવી રાખવાનો સૌથી આસન ઉપાય હતો. જો દરેક વ્યક્તિ શસ્ત્રો ચલાવતા શીખી જાય તો પછી તેના વપરાશ પર કોઈ નિયંત્રણ ન રહે. ક્ષત્રિય ન હોવાને કારણે, કર્ણને કોઈ ગુરુ સ્વીકારવા તૈયાર ન થયા.

દ્રોણ કર્ણનો અસ્વીકાર કરે છે

તે સમયે પરશુરામ આ ભૂમિ પરના સૌથી વધુ નિપુણ યોદ્ધાઓમાંના એક હતા. તેઓ દ્રોણના પણ શિક્ષક હતા. દ્રોણને અસ્ત્રો આપતા પહેલાં પરશુરામે એવી શરત મૂકી હતી કે દ્રોણે કોઈ ક્ષત્રિયને આ શક્તિશાળી અસ્ત્ર વિદ્યા શીખવવી નહીં. દ્રોણે તેમને એ વાતનું વચન આપ્યું, પણ પછી સીધા હસ્તિનાપુર રાજદરબારમાં ક્ષત્રિયોને આ વિદ્યા શીખવવા ગુરુ તરીકેની પદવી મેળવવા માટે ગયા. તેઓ આવા જ હતા - મહત્વાકાંક્ષી. સિધ્ધાંતવાદી પરંતુ નીતિ વિહોણા. તેઓ બધા ધર્મો, શાસ્ત્રો, નિયમો જાણતા હતા પરંતુ તેમની પોતાને માટે કોઈ નીતિ ન હતી. એક મહાન શિક્ષક, પરંતુ એક કુટિલ અને લોભી વ્યક્તિ.

દ્રોણાચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષણ શરૂ થયું, અને તે સાથે જ શરૂ થઈ તેમની વચ્ચેની સ્પર્ધા

દ્રોણના હસ્તિનાપુર આવતા પહેલા, કૌરવો અને પાંડવો ગુરુ કૃપાચાર્ય પાસે માર્શલ આર્ટ (દ્વંદ્વ યુદ્ધ) શીખતા હતા. એક દિવસ કુમારો દડો રમી રહ્યા હતા. તે સમયે દડા રબર, ચામડા કે પ્લાસ્ટિકના નહોતા બનતા - તે મોટે ભાગે દોરા કે નીંદણને કઠણ વીંટાળીને બનાવાતા. આકસ્મિક રીતે દડો કૂવામાં જઈને પડ્યો. તેઓએ તેને કૂવામાં તરતો જોયો પરંતુ કોઇને ખ્યાલ ન હતો કે તેને બહાર કઈ રીતે કાઢવો, કારણ કે કૂવો ઊંડો હતો અને તેને પગથિયાં ન હતા.

દ્રોણ ત્યાં આવે છે, પરિસ્થિતિનો તાગ લે છે, અને પૂછે છે, "શું તમે ક્ષત્રિય નથી?" તેમણે કહ્યું,"હા, અમે ક્ષત્રિય છીએ." "તો શું તમારામાંથી કોઈ તીરંદાજી નથી જાણતું?" અર્જુને જવાબ આપ્યો,"હા, હું બાણાવળી છું, અને મારી ઈચ્છા આ દુનિયાનો સૌથી મહાન બાણાવળી બનવાની છે." દ્રોણે તેને નજરથી માપ્યો અને જવાબ આપ્યો, "જો તું બાણાવળી હોય તો આ દડો કેમ કાઢી ન શકે?" કુમારોએ પૂછ્યું, " તીરની મદદથી કૂવામાંથી દડો કઈ રીતે કાઢી શકીએ?" દ્રોણે જવાબ આપ્યો, "હું તમને બતાવું."

તેમણે ઘાસનું એક ધારદાર તણખલું હાથમાં લીધું અને દડા પર તાક્યું. તે દડામાં જઈને થોડું બહાર રહે તેમ અટક્યું, તેમણે તેને તાકીને એક પછી એક તણખલા છોડ્યા, જેનાથી દડા પર એક સળિયા જેવું ઉભુ થયું, તેને પકડીને દડો બહાર ખેંચી કાઢયો. કુમારો તેમની કુશળતા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા - આ તો લગભગ જાદુ જેવું હતું. તેઓએ તેમને પૂછ્યું કે તેઓ આવું કઈ રીતે કરી શક્યા. દ્રોણે કહ્યું, તેઓ તે નહીં કહે જ્યાં સુધી તેમને ગુરુ તરીકે સ્વીકારવામાં નહીં આવે. કુમારો તેમને ભીષ્મ પાસે લઈ ગયા. ભીષ્મ તરત દ્રોણને ઓળખી ગયા - તેઓ જાણતા હતા કે તે કોણ છે અને તેમની કાબેલિયતનો આદર પણ કરતા હતા. તેઓએ તેમને રાજગુરુ નિયુક્ત કર્યા, જેનો અર્થ છે તેઓ ભવિષ્યમાં બનનાર રાજાઓના ગુરુ બન્યા.

દ્રોણાચાર્યની દેખરેખ હેઠળ રાજકુમારોની કેળવણી ચાલુ થઈ, અને તેની સાથે જ, કૌરવો અને પાંડવો વચ્ચેની હરીફાઈ પણ. થોડા વર્ષોમાં જ તેઓ સહુ મહાન યોદ્ધા જેવા પારંગત થઇ ચુક્યા હતા. ભાલો ફેંકવામાં યુધિષ્ઠિર સહુથી વધુ પારંગત હતો. ગદા યુદ્ધમાં ભીમ અને દુર્યોધન બરાબરી કરતા હતા. તેઓ બન્ને થાકી જાય ત્યાં સુધી લડતા રહેતા, પણ બેમાંથી કોઈ હારવાનું નામ નહોતા લેતા. તીરંદાજીની વાત આવે ત્યારે, અર્જુન અવ્વલ રહેતો. તલવારબાજી અને ઘોડે સવારીમાં નકુલ અને સહદેવ ચડિયાતા હતા.

સુતપુત્ર નું છળ

મહાન બાણાવળી બનવાની તીવ્ર ઈચ્છા ને વશ, કર્ણ દ્રોણાચાર્ય પાસે ગયો, પણ દ્રોણાચાર્યે તેને નિરાશ કર્યો, એમ કહીને કે, તુ સુતપુત્ર છે, જેનો સીધો અર્થ એ કે તે સારથી પુત્ર હતો અને તેને કારણે તે નિમ્ન જાતિનો ગણાય. તેમનું આમ ઉતારી પાડવું કર્ણને ઊંડો ઘા કરી ગયું. સતત ભેદભાવ અને અપમાન વેઠીને જે કર્ણ ખૂબ પ્રામાણિક અને નિખાલસ હતો તે ખૂબ અધમ માણસ બની ગયો. જેટલી વખત તે સુતપુત્ર શબ્દ સાંભળતો તેટલી વખત તે વધુને વધુ અધમ પ્રકૃતિનો બનતો ગયો, જે તેના મૂળ સ્વભાવથી સદંતર વિપરીત હતું. દ્રોણે તેને ક્ષત્રિય ન હોવાને કારણે ઠુકરાવી દીધો, એટલે કર્ણએ પરશુરામ પાસે જવાનું નક્કી કર્યું, જેઓ તે સમયે માર્શલ આર્ટમાં સૌથી નિપુણ હતા.

કર્ણ જાણતો હતો કે પરશુરામ માત્ર બ્રાહ્મણને શિષ્ય તરીકે સ્વીકારે છે. તેની શીખવાની તીવ્ર ધગશને કારણે, તેણે દેખાવની જનોઈ ધારણ કરી, બ્રાહ્મણ હોવાનો ડોળ કર્યો અને પરશુરામ પાસે પહોંચી ગયો.

તે સમયે માર્શલ આર્ટ માત્ર મલ્લ યુદ્ધ પૂરતું સીમિત ન રહેતું. તેમાં બધી જાતના હથિયાર ચલાવવાની કેળવણી અપાતી અને તેમાં ખાસ મહત્વ તીરંદાજીને અપાતું. કર્ણ જાણતો હતો કે પરશુરામ માત્ર બ્રાહ્મણને શિષ્ય તરીકે સ્વીકારે છે. તેની શીખવાની તીવ્ર ધગશને કારણે, તેણે દેખાવની જનોઈ ધારણ કરી, બ્રાહ્મણ હોવાનો ડોળ કર્યો અને પરશુરામ પાસે પહોંચી ગયો. પરશુરામે તેને શિષ્ય તરીકે સ્વીકારીને પોતે જેટલું જાણતા હતા તે બધું શીખવ્યું. કર્ણ બધું ખૂબ ઝડપથી શીખી ગયો. બીજા કોઈ શિષ્યમાં તેના જેટલી કુશળતા કે યોગ્યતા ન હતી. પરશુરામ તેનાથી અનહદ ખુશ હતા.

તે સમયે પરશુરામ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. એક દિવસ શિષ્યોની કેળવણી જંગલમાં ચાલી રહી હતી, ખૂબ થાકી જવાને કારણે પરશુરામને ચક્કર આવી ગયા. તેમણે કર્ણ ને કહ્યું, તેમને સૂવાની જરૂરત લાગે છે, કર્ણ બેસી ગયો, જેથી પરશુરામ તેના ખોળામાં માથું રાખી શકે, અને પરશુરામને ઊંઘ આવી ગઈ. એક લોહી ચૂસવાવાળો જળો કર્ણની નજીક આવ્યો અને તેની જાંઘ પરથી લોહી ચૂસવા માંડ્યું. થોડા સમયમાં જ કર્ણને ઘણું લોહી નીકળવા લાગ્યું અને દર્દ પણ ઘણું થયું, પરંતુ ગુરુની ઊંઘ બગાડ્યા વગર તે કીડાને હટાવવો શક્ય ન હતો. તે ગુરૂની નિંદ્રા ભંગ કરવા માંગતો ન હતો. ધીરે ધીરે તેનું લોહી પરશુરામના કાન સુધી પહોંચી ગયું, અને તેની ભીનાશને કારણે પરશુરામની ઊંઘ તૂટી ગઈ. તેમણે આંખ ખોલીને જોયું કે તેઓ લોહીથી લથબથ હતા. "આ કોનું લોહી છે?" તેમણે પૂછ્યું. કર્ણએ કહ્યું, "તે મારું છે."

પછી કર્ણની જાંઘ પરનો ખુલ્લો ઘા પરશુરામના ધ્યાનમાં આવ્યો, લોહી ચૂસી રહેલો જળો તેના સ્નાયુમાં ઊંડે સુધી ખૂંપેલો હતો, અને તેમ છતાં, આ છોકરો ત્યાં જ બેસી રહ્યો હતો, હાલ્યા કે અવાજ પણ કર્યા વગર. પરશુરામે તેની તરફ જોયું અને કહ્યું, "તું બ્રાહ્મણ ન હોઈ શકે - જો તું હોત તો તેં ચીસ પાડી હોત. તું એક ક્ષત્રિય જ હશે જે આટલું તીવ્ર દર્દ સહન કરીને પણ ડરે નહીં અને અવિચળ બેસી રહે. કર્ણએ કહ્યું, "હા, હું બ્રાહ્મણ નથી. તમે કૃપા કરીને ગુસ્સે ન થતાં." પરશુરામ ક્રોધિત થઈ ઉઠ્યા, "મૂર્ખ છોકરા, તને લાગ્યું કે તું અહીં જૂઠી જનોઈ પહેરીને આવે, અને મારી પાસેની બધી વિદ્યા શીખી લેશે? હું તને શાપ આપીશ." કર્ણ એ આજીજી કરી. "કૃપા કરો ગુરુદેવ. હું બ્રાહ્મણ નથી, પરંતુ ક્ષત્રિય પણ નથી. હું સુતપુત્ર છું, તેથી હું માત્ર અડધું જૂઠું બોલ્યો છું."

કીર્તિ માટે ઝંખના

પરશુરામે કર્ણની વાત સાંભળી નહીં. તેમણે પરિસ્થિતિ જોઈને માની જ લીધું કે કર્ણ ક્ષત્રિય છે, અને તેમણે કહ્યું, "તેં મને છેતર્યો છે, મેં તને જે શીખવ્યું છે તેનો ફાયદો તને થશે, પણ જ્યારે તને તેની ખરેખર જરૂર હશે ત્યારે તું મંત્રો ભૂલી જશે અને તે તારો અંત હશે." કર્ણ તેમના પગે પડ્યો અને કાકલૂદી કરી, "કૃપા કરીને આવું ના કહો, હું ક્ષત્રિય નથી અને મારો આપને છેતરવાનો કોઈ ઈરાદો ન હતો. માત્ર એટલુ જ હતું કે મારી શીખવાની ઈચ્છા અતિશય તીવ્ર હતી અને કોઈ મને શિષ્ય સ્વીકારવા તૈયાર ન હતું. આપ એકલા જ હતા જે ક્ષત્રિય ન હોય તેને શિક્ષણ આપતા હતા."

પરશુરામનો ગુસ્સો થોડો શાંત થયો અને તેમણે કહ્યું, "પણ તું જૂઠું તો બોલ્યો છે. તું મને તારી વાત સમજાવી શક્યો હોત. તું મારી સાથે ચર્ચા કરી શક્યો હોત. પણ તારે મારી પાસે જૂઠું નહોતું બોલવું જોઈતું. હું શાપ પાછો ન લઈ શકું. હું સમજી શકું છું કે તારી શીખવાની ઈચ્છા કેટલી પ્રબળ છે, અને તે બાણાવળી બનવા માટે, રાજ્ય મેળવવા માટે કે સત્તાની લાલસાથી નથી - તારી મહત્વાકાંક્ષા માત્ર કીર્તિ મેળવવા માટેની છે, અને તે તને જરૂર મળશે. લોકો હંમેશા તને એક મહાન યોદ્ધા તરીકે યાદ રાખશે, પરંતુ તારી પાસે કદી સત્તા કે રાજ્ય નહીં હોય, ન તો તું સર્વશ્રેષ્ઠ બાણાવળી તરીકે ઓળખાશે, પણ તારી કીર્તિ હંમેશા માટે હશે. અને તારી એ જ ઝંખના છે."

આ શાપ લઈને કર્ણ ફરતો રહ્યો. તે ખુશ હતો કે તેને આ તાલીમ મળી હતી, તેની પોતાની કાબેલિયત માટે તે ખુશ હતો - પણ તે બતાવવી કોને? યુધ્ધ તો માત્ર ક્ષત્રિય લડી શકે અને મુકાબલો પણ તેમની જ સાથે હોય. તે બંધ આંખે ચોક્કસ નિશાન તાકી શકતો હતો, પણ તે કોઈને તેમ કરીને બતાવી શકતો ન હતો. તે પ્રસિદ્ધિ ઈચ્છતો હતો પણ તે પણ તેને મળી રહી ન હતી. હતાશ થઈને તેણે નૈઋત્ય દિશા (દક્ષિણ પશ્ચિમ) ની વાટ પકડી, અને દરિયા કિનારે બેઠો, હાલના ઓડિસ્સા રાજ્યમાં આવેલા કોણાર્કની આસપાસની કોઈ જગ્યા, જ્યાં સૂર્યદેવની આરાધના અને કૃપા મેળવવાનું સહુથી વધુ આસાન બને.

બેવડો શાપ

તેણે કઠોર તપ આદર્યું અને દિવસો સુધી ધ્યાનમાં બેસી રહેતો. ત્યાં કશું ખાવા માટે ન હતું, તેમ છતાં તે ધ્યાનમાં બેસતો. જ્યારે તે ખૂબ ભૂખ્યો થતો, ત્યારે થોડા કરચલા પકડતો અને ખાઈ લેતો, જેનાથી તેને પોષણ મળતું પરંતુ ભૂખ વધી જતી. થોડા અઠવાડિયાની સાધના પછી, તેની ભૂખ બીજી બધી બાબતોને ગૌણ કરી મૂકે તે હદે વધી ગઈ. આ હાલતમાં તેણે ઝાડીમાં કોઈ પ્રાણીનો સંચાર જોયો. તેને લાગ્યું, તે હરણ હશે, તીર કામઠું હાથમાં લઈને તેણે આંખ મીંચીને બાણ ચલાવ્યું, અવાજ આવ્યો અને સમજાયું કે તીર નિશાના પર લાગ્યું હતું. તે હરણનું માંસ ખાઈને ભૂખ સંતોષવાનું માનસિક ચિત્ર જોઈ રહ્યો હતો. પરંતુ જ્યારે તે ગીચ ઝાડીમાં ગયો ત્યારે ગાયને જોઈને તેના હોશ ઉડી ગયા.

ગૌ હત્યા કોઈ આર્ય માટે સહુથી અધમ કૃત્ય ગણાતું હતું. ગભરાઈને તેણે ગાયની સામે જોયું. ગાયે તેની સામે શાંત, મૃદુ નજરે જોયું, અને આંખ મીંચી દીધી. તે વ્યાકુળ થઈ ઊઠ્યો - તેને સમજાતું ન હતું કે શું કરવું. એ જ સમયે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો, મૃત ગાય સામે જોયું, અને આક્રંદ કરવા લાગ્યો. તેણે કહ્યું, "તેં મારી ગાયને મારી છે! તને શાપ મળવો જોઈએ. તું એક યોદ્ધા જેવો દેખાય છે. તેથી હું તને શાપ આપું છું, કે જ્યારે તું યુદ્ધના મેદાનમાં હશે ત્યારે, અણીનાં સમયે જ તારા રથનું પૈડું ધરતીમાં એટલું ઊંડે ઉતરી જાય, કે તું એને પાછું કાઢી જ ન શકે. અને તને તે સમયે મારવામાં આવે જ્યારે તું અસહાય હોય. કારણ કે તેં આ નિરાધાર ગાયની હત્યા કરી છે. કર્ણએ તેના પગમાં પડીને કાકલૂદી કરી "મહેરબાની કરો - હું ખૂબ ભૂખ્યો હતો. મને ખબર ન હતી કે તે એક ગાય છે. તમે ચાહો તો હું તમને સો ગાયો આપી શકું છું." બ્રાહ્મણે કહ્યું, " આ ગાય મારે માટે માત્ર એક પ્રાણી નથી. બીજી કોઈ પણ વસ્તુ કરતા તે મને વધુ પ્રિય હતી. એક અમૂલ્ય એવી ગાયના બદલામાં, કશુંક વધુ આપવાની લાલચ આપવાને કારણે હું તને વધુ શાપ આપું છું."

આવા બેવડા શાપ લઈને કર્ણ ભમતો રહ્યો, સાવ અજાણ કે ક્યાં જવું. તે તેના બાણ વડે ધૂળની એક રજકણને પણ તાકી  શકતો હતો, પણ તેનો શું ઉપયોગ? તે એક ક્ષત્રિય ન હતો, કોઈ તેને હરીફાઈમાં ભાગ લેવા નહીં દે, યુદ્ધ તો બહુ દૂરની વાત હતી. કોઈ ચોક્કસ ધ્યેય વગર, તે આમ તેમ રખડતો રહ્યો.

ક્રમશ:...

More Mahabharat Stories