પ્રશ્ન: સદ્‍ગુરુ, શું આપણે આજે બીજા અગસ્ત્ય મુનિ બનાવી શકીએ?

સદ્‍ગુરુ: અગસ્ત્ય મુનિ વિશેની એક વાત આપણે જાણીએ છીએ તે એ છે કે બાકીના છ મુનિઓને લાગતું કે તે ઠીંગણા અને કદરૂપા છે. તો તમારામાંથી જેને એમ લાગતું હોય કે તમે અગસ્ત્ય મુનિ શકો છો- તો આ થોડી મૂળભૂત લાયકાતો છે! અગસ્ત્ય એક તમિલ વ્યક્તિ હતાં, ઠીંગણા, બેઠી દડીનાં અને કાળા. આ પ્રકારની લાયકાતો હોવી કંઈ અઘરી નથી. અગસ્ત્ય મુનિ અથવા સપ્તર્ષિઓમાંના બીજા કોઈ પણ ઋષિઓના સર્જનમાં મહત્વની બાબત એ છે કે, એ લોકોએ આખું જીવન આપણે જેને સાધના કહીએ છીએ એમાં વિતાવ્યું હતું. તૈયારી, તૈયારી અને તૈયારી. એમ કહેવાય છે કે, તેમણે ચોર્યાસી વર્ષ સુધી સાધના કરી. ચોર્યાસી વર્ષ આપણા તંત્રની આંતરિક વ્યવસ્થા અને બ્રહ્માંડની પ્રવૃત્તિનાં સંદર્ભમાં નોંધપાત્ર છે. એ લોકોએ મનુષ્ય સાથે જે શક્ય બની શકે તે બધી જ શક્યતાઓને આવરી લીધી. તેઓ તમામ ચોર્યાસી પાસાંને સ્પર્શ્યાં, એની ઉપર કામ કર્યું અને પોતાની જાતને તૈયાર કર્યાં.

આદિયોગીએ સમસ્ત જ્ઞાન જે સપ્તર્ષિઓમાં પ્રસારિત કર્યું એ શીખવવાની પ્રક્રિયા કેટલી લાંબી હતી? એ આંકડો કદાચ વાસ્તવિકતા ઓછી અને પ્રતિકાત્મક વધારે લાગી શકે. શક્ય છે કે એમાં બાર મહિના લાગ્યા હોય, બાર વર્ષ લાગ્યાં હોય કે પછી એકસો ચુંમાળીસ વર્ષ લાગ્યાં હોય. આપણે નથી જાણતા. પણ જે કંઈ થઈ શકે એમ હતું એ બધું જ માત્ર આ સાત લોકો સાથે કરવામાં આવ્યું - આદિયોગીએ પાર્વતી સાથે એમ કરવું નકાર્યું. તેમણે પાર્વતીને એ શક્યતા આનુભવિક રીતે આપી પણ, તેમણે એની પાછળનું વિજ્ઞાન તેને ન સમજાવ્યું કારણ કે, એમણે પાર્વતીમાં સપ્તર્ષિઓ જેટલી તૈયારી ન જોઈ. એમણે આ સાતમાં અદ્ઘૂત ગ્રાહ્યતા જોઈ, તેથી એમણે એમની સાથે બધું જ્ઞાન વહેંચ્યુ. એમણે એ જ્ઞાનને સાત ભાગ - જેમાનાં પ્રત્યેકમાં સોળ જુદી જુદી રીત હતી, તેમાં વહેંચ્યું. પછી એમણે એ સોળ માર્ગ પોતાને ફરીથી સમર્પિત કરી દેવાની આખરી કસોટી રાખી - જે અમે હજુ પણ પ્રતીકાત્મક સ્વરૂપે ગુરુપૂજાનાં સ્વરૂપમાં કરીએ છીએ. પરમને પામવાની એમની સાધના અને ધ્યાન એટલી હદે કેન્દ્રિત હતાં કે એ માટે તેઓ આટલાં વર્ષોથી એકઠું કરેલું બધું જ ગુમાવી દેવા તૈયાર હતાં. માત્ર આ જ કારણે તેઓ જે તેઓ હતાં એ બની શક્યા.

 

તમારી જાતને ઘડો

બીજા શબ્દોમાં આ આખી દંતકથા આપણને એમ કહે છે કે સપ્તર્ષિઓ આકાશમાંથી નથી ઊતર્યા. એમનો જન્મ કોઈ ખાસ રીતે નથી થયો - કોઈ એવી વાત નથી કરતું કે એમનાં જન્મ સમયે ગ્રહોની સ્થિતિ કેવી હતી કે કેવી ગાજવીજ થયેલી. કશું નહીં. એક સામાન્ય જન્મ. કોઈ નથી જાણતું કે ભારતીય ઉપખંડમાં તેઓનો જન્મ કયાં થયો હતો. કોઈ સ્ત્રીઓએ એમને જાણીતી ન હોય એવી જગ્યાઓએ જન્મ આપ્યો હશે. એ લોકો સ્વર્ગમાંથી નહોતાં ઉતર્યા; એ લોકોએ પોતાની જાતને એવા ઘડ્યાં હતાં. એમની જીવન કથામાં એ જ વાત નોંધપાત્ર છે અને યોગ અને સાધનાં : તમે કોણ છો, કઈ રીતે તમારો જન્મ થયો છે, તમારા માતાપિતા કોણ છે, તમારા કર્મો કયા પ્રકારના છે તેનાથી કોઈ ફરક નથી પડતો - જો તમે ઈચ્છો તો તમે તમારા જીવનને ઉચ્ચતર સ્તરે લઈ જઈ શકો છો.

એ બધા સમય દરમિયાન, કદી ચલિત થયા વગર – સતત સાધના, સાધના અને સાધના - એ છે અગસ્ત્ય મુનિ. એક વાત એ હતી કે એમની દિશા નક્કી હતી અને બીજું એ કે ભલે કંઈ પણ થાય, એમણે કૃપા હેઠળ રહેવાનું નક્કી કર્યું હતું, એ જે કરી રહ્યાં હતાં એમાંથી જરાય વિચલિત થયા વગર.

જંગલના મોટા મોટા વૃક્ષોએ પણ પોતાને ઊંચા વિકસાવ્યા છે, નહીં? હમણાં આપણે એ વિશાળ વૃક્ષોને ઘણાં આશ્ચર્યથી જોઈએ છીએ, પણ થોડા જ વર્ષો અગાઉ એ કદાચ માત્ર એક છોડવું જ હશે. જે લોકો આ નથી સમજતા અને એમ વિચારે છે કે એવું ક્યાંકથી થઈને આવતું હશે કારણ કે, તેઓ મોટે ભાગે અનુપસ્થિત રહેતા હોય છે. એ લોકો પોતાની માનસિક રમતમાં એટલા ખોવાયેલા રહે છે કે કોઈ વાત પર ધ્યાન નથી આપતા. હું ઈચ્છું છું કે તમે માત્ર કલ્પના કરી જુઓ કે છેલ્લા સાઠ વર્ષમાં જંગલના આ વૃક્ષોને બેફામ જંગલી જાનવરોથી બચવા કેટકેટલું સહન કરવું પડ્યું હશે, સુકી ઋતુઓ, પોષણ માટે ઝઝૂમવું પડ્યું હશે અને એ મેળવવું જે એને વિકસવા અને ટટાર ઊભા રહેવા જોઈતું હોય. કારણ કે, એને માટે ભોજન તૈયાર થાળીમાં પિરસાઈને નથી આવતું. એણે સૂર્યપ્રકાશ બીજા ઝાડ પાસેથી ઝડપી લેવો પડે, એણે પોષકતત્વો જમીનમાંથી ઝડપી લેવા પડે. એને માટે એ કઠિન સાધના છે, શું એવું નથી? પણ એણે પોતાની જાતને વિકસાવ્યા છે અને આજે આપણે એને ઊંચું મોઢું કરીને આશ્ચર્યચકિત થઈને જોઈએ છીએ.

 

એ જ પ્રમાણે, આપણે અગસ્ત્ય અને બીજા સપ્તર્ષિઓને પણ આશ્ચર્યપૂર્વક જોવા પડે કારણ કે, આ મનુષ્યો સામાન્ય મનુષ્યો નથી લગતા. એ લોકો ખૂબ ખાસ લાગે છે પણ, ખરેખર તો એ લોકોએ પોતાની જાતને એવા વિકસાવ્યા છે. આકાંક્ષા, દૃઢ નિશ્ચય, અચલ ધ્યાન, બીજા કોઈની મદદ વગર, ફક્ત મહેનત કરી, જ્યારે તેમની અવગણના થઈ ત્યારે પણ મહેનત કર્યાં કરી - આવી તૈયારી એમનાં જીવનનું સૌથી મહત્વનું પરિબળ છે. એમને ચોર્યાસી જન્મો સુધી તૈયારી કરવી પડી શકે એનાથી પણ ફરક નહોતો પડતો, તેઓ એમ કરવા પણ રાજી હતાં.

 

કૃપા હેઠળ અને અવિચલિત

આપણે માની લઈએ કે અગસ્ત્ય મુનિ અહીંના કોઈ ગામડામાંથી આવ્યા હતાં અને અચાનક ગાયબ થઈ ગયાં. એ આદિયોગીની પાસે રહેવા માટે હિમાલય જતાં રહ્યાં. તમને શું લાગે છે, ગામના લોકો અગસ્ત્ય માટે શું બોલતા હશે? તમને લાગે છે કે તેઓ એમનાં મા બાપના વખાણ કરી એમ કહેતા હોય, "ઓહ! તમારો દીકરો તો મહાન ઋષિ બનશે?” ના. એ લોકો તો એના મા બાપની મશ્કરી ઊડાવશે, "તમારો મૂર્ખ છોકરો, છે કયાં એ?" એ કદાચ વર્ષો પછી પાછો પણ આવે તો શું એ લોકો એને જોઈને રોમાંચિત થયા હોત? એ હિમાલય જઈને આદિયોગીને મળીને પાછો આવ્યો એ બાબતે ઉત્સાહિત થયાં હોત? ના, એ લોકો એની પર હસ્યા હોત કે એ લંગોટી પહેરીને કોઈ જંગલી જાનવર જેવો બનીને પાછો ફર્યો છે. અત્યારે આપણે તેમને જે એ બન્યા એ સંદર્ભમાં માનભેર જોઈએ છીએ પણ, એમનાં સમયમાં એમની કોઈ કદર કે સન્માન ન હતું. કોઈએ તેમને વખાણ્યાં નહોતાં. બધા એમ જ વિચારતા કે એ પાગલ છે જેણે મા બાપને છોડી દીધા, બેજવાબદાર છોકરો જે ભાગી ગયો. પણ, એ બધા સમય દરમિયાન કદી ડગ્યાં નહીં – સતત સાધના, સાધના અને સાધના - એ છે અગસ્ત્ય મુનિ. એક વાત એ હતી કે કંઈ પણ થાય એમની દિશા નક્કી હતી અને બીજું એ કે, એમણે કૃપા હેઠળ રહેવાનું નક્કી કર્યું હતું, એ જે કરી રહ્યાં હતાં એમાંથી જરાય વિચલિત થયા વગર.

 

જો તમે પણ અગસ્ત્ય મુનિ બનવા માંગતા હો... અને તમે આમ અનુકરણ કરી શકતા હોવ, શા માટે નહીં?

તંત્રીની નોંધ : સદ્‍ગુરુ બીજા એક મહાન જીવની ચર્ચા કરે છે, આદિ શંકર(શંકરાચાર્ય), એ કોણ હતાં, શા કારણે એમની ઉત્પત્તિ આ દેશની મૂળ પ્રકૃતિ અને સામર્થ્ય માટે પ્રતિકાત્મક છે, અને તેઓ જેને માટે કાર્યરત રહ્યાં તે આજે પણ વિશ્વ માટે કઈ રીતે સુસંગત છે. સદ્‍ગુરુ આધુનિક વિજ્ઞાન અને આદિ શંકરાચાર્યે ૧૨૦૦ વર્ષ પૂર્વે કહેલી વાતોમાં સામ્યતાનું દર્શાવે છે.