વાર્તા : એક અંધ માણસ તેના મિત્રના ઘરે થોડા દિવસો રહ્યો અને પછી રાત્રે પાછો તેના ઘરે જવા રવાના થયો. તેના મિત્રે તેના હાથમાં ફાણસ સળગાવી ને આપી દીધી. આંધળા માણસે વિરોધ કરતાં કહ્યું કે, મને ફાણસની શી જરૂર છે? મારા માટે બધું એક સમાન છે. આંધળા વ્યક્તિને દીવો સાથે લઈને ચાલવાથી શું ફાયદો થાય?

મિત્રએ કહ્યું, "મારા પ્રિય મિત્ર, આ તમારા માટે નથી, તે એ લોકો માટે છે જે તારી સામે આવશે. જો તમે આ પ્રકાશ સાથે ચાલશો, તો કોઈ તમારી સાથે અથડાશે નહીં". પછી આંધળા માણસે કહ્યું, "જો આ વાત હોય તો, હું આને લઈ જઈશ".

તે આંધળો માણસ અંધારામાં પ્રકાશિત ફાણસ સાથે ચાલવા લાગ્યો. ફાણસ હોવા છતાં, રસ્તામાં, એક માણસ આવ્યો અને તેનાથી સીધો અથડાઇ ગયો. આંધળા માણસએ લથડિયું ખાઈને જમીન પર પડ્યો અને ગુસ્સાથી બોલ્યો, "તમે મારાથી કેમ અથડાયા? મારી પાસે દીવો હતો, શું તમને દેખાતું નહોતું કે તમે ક્યાં જઈ રહ્યા છો?"

જે માણસ તેની સાથે અથડાયો, તે આજુબાજુ જોતા બોલ્યો, "કયો દીવો? મને એ ક્યાંય દેખાતો નથી. પછી તેને તે દીવો મળ્યો, અને તેણે કહ્યું," હા, અહીં દીવો છે, પણ મારા મિત્ર, તેની જ્યોત ક્યારની ઓલવાઈ ગઈ છે "

સદગુરુ : એ માણસ પાસે દીવો હતો જેનાથી અજવાળું થઈ રહ્યું હતું. પરંતુ જ્યારે તેની જ્યોત બુઝાઈ ગઈ હોય ત્યારે તેને ઉપાડીને ચાલવું એક અર્થહીન કાર્ય છે. ઘણી એવી બાબતો છે જેની શરૂઆત આપણે આપણા જીવનમાં કોઈ વિશિષ્ટ હેતુથી કરી હતી, પરંતુ હવે તે હેતુઓની મૂળ ગુણવત્તા ખતમ થઈ ગઈ છે, અને હવે આપણે આને કોઈ રિવાજ કે વિધિની જેમ જ કરી રહ્યા છીએ.

કર્ણાટકમાં એક વિશેષ પરંપરા છે. જ્યારે માંસાહારી ભોજન અતિથિને પીરસવામાં આવે છે, ત્યારે થાળની એક બાજુ, એક નાનો દસ્તો મૂકવામાં આવે છે. મેં ઘણા લોકોને આનું કારણ પૂછ્યું પણ તેઓ જાણતા નહોતા. તે પછી, પરંપરાઓ સારી રીતે જાણતા કેટલાક વૃદ્ધ વડીલો સાથે વાત કર્યા પછી મને જવાબ મળ્યો.

ઘણા સમય પહેલા, પરંપરા એવી હતી કે જો માંસાહારી ભોજન દરમિયાન દાંતમાં કંઇક અટકી જાય, તો દાંતને ખોતરવા માટે એક નાનકડી લાકડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમય જતા, લાકડીનું કદ મોટું થઈ ગયું અને લોકોએ મોટી છડી અથવા લાકડી રાખવાનું શરૂ કર્યું. અને પછી કેટલાક મૂર્ખ લોકોએ લાકડીની જગ્યાએ દસ્તો મૂકવાનું શરૂ કર્યું. પછી, તે કાયમી પરંપરા બની. કોઈને તેનું કારણ પૂછવું જરૂરી ના લાગ્યું. શું દાંત ખોતરવા માટે કોઈ પણ એક દસ્તાનો ઉપયોગ કરી શકે છે?

એ જ રીતે, આપણા જીવનમાં ઘણી વખત, આપણે કેટલાક વિશેષ ફાયદા મેળવવા માટે કોઈ ખાસ ક્રિયા શરૂ કરીએ છીએ, પરંતુ પછીથી ભૂલી જવાય કે આ ક્રિયા મૂળરૂપે શા માટે કરવામાં આવી હતી. આપણે તે વસ્તુઓ ફક્ત એટલા માટે કરતા રહીએ છીએ કે અમારા પૂર્વજો તે કરતા હતા અને તે ફક્ત એક ધાર્મિક વિધિ બની જાય છે. કેમ કે આપણે જાણતા નથી કે આપણે ઘણી પેઢીઓથી શા માટે અમુક પ્રવૃત્તિઓ કરીએ છીએ, અને આપણે હંમેશાં મૂંઝવણમાં હોઈએ છીએ કે શું તે આપણા જીવનમાં જરૂરી છે કે નહીં?

દીવો લઈને ચાલવા વાળા અંધ માણસની જેમ, કેટલાક એવા સાધનો જે આપણને આપણા જીવનમાં માર્ગ બતાવવા માટે કોઈ સારા હેતુ માટે આપવામાં આવ્યા હતા, તે હવે અંધ વિશ્વાસ બની ગયા છે. હવે સમય આવી ગયો છે કે આપણે તેમના સાચા ઉદ્દેશોને સમજીએ અને તેમને માર્ગ બતાવવા માટે દીવો બનાવીએ. નહિંતર, ઓછામાં ઓછું આપણે આપણા માટે કેટલાક નવા સાધન બનાવવા જોઈએ જે આપણો માર્ગ વિસ્તૃત કરે.

સંપાદકીય નોંધ: આ લેખ વાંચો , જેમાં સદગુરુ ઝેન શું છે તે સમજાવી રહ્યા છે, અને અંતિમ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે તે કેવી રીતે અસરકારક સાધન બન્યું.