શું હું શરીર છું? ન્યુરોસાયન્ટિસ્ટ ડેવિડ ઇગલમેન અને સદ્ગુરુ વચ્ચેની ચર્ચા
મનની પ્રકૃતિ એવી છે કે તે કોઈક વસ્તુ શોધે છે, તેની સાથે ઓળખ બનાવવા માટે. આ તમારા જીવન નિર્વાહ માટે ઉપયોગી છે પરંતુ તે જ્ઞાનના એક અલગ પરિમાણને ઉજાગર નથી કરતું. તેના માટે, સૌથી મહત્ત્વની વસ્તુ છે કોઈપણ વસ્તુ સાથે ઓળખ ન બનાવવી.
ડેવિડ ઇગલમેન: તે “તમે” શું છે જેને ભૌતિક શરીરથી અલગ કરી શકાય?
સદ્ગુરુ: શું તે સાચું છે કે તમે આ શરીર સમયાંતરે એકઠું કરેલું છે?ડેવિડ ઇગલમેન: તે સાચું છે કે આ શરીર સમયાંતરે એકઠું કરવામાં આવ્યું હતું, અને કદાચ આ “હું”નો ભાવ તેના પરિણામ સ્વરૂપે જન્મ્યો – નહિ કે મેં શરીરને એકઠું કર્યું.
સદ્ગુરુ: શું તમે લંચ અને ડિનર લો છો?
ડેવિડ ઇગલમેન: હા
સદ્ગુરુ: તેનો અર્થ છે કે તમે જેને “મારું શરીર” કહો છો તે ખોરાકનો સંચય છે. તમે જેને “મારું મન” કહો છે તે મોટાભાગે સમયાંતરે એકઠી કરવામાં આવેલી છાપોનો જથ્થો છે. જો તમારે આ બધી છાપો અને આવડું શરીર એકઠું કરવાનું હોય, તો કંઇક વધુ મૂળભૂત ત્યાં હોવું જોઈએ.
ડેવિડ ઇગલમેન: ટેક્સાસનું હ્યુસ્ટન શહેર રસ્તાઓ અને મકાનોનો એક સંચય છે, પરંતુ આપણે એવું નહિ કહીએ કે તે રસ્તાઓ અને મકાનો એકઠા થયા તે પહેલા ત્યાં હ્યુસ્ટન શહેર હતું.
સદ્ગુરુ: પરંતુ તમે કોઈ ભૌગોલિક સ્થળ નથી, કે છો?;
ડેવિડ ઇગલમેન: હું કદાચ તે જ છું. મારી દ્રષ્ટિએ, તે એક સંભાવના લાગે છે કેમ કે એવા હજારો લોકો છે જેમનું ભૂગોળ અલ્ઝાઇમર, સ્ટ્રોક, ટ્યુમર અથવા મગજની કોઈ ગંભીર ઈજાથી બદલાઈ જાય છે, અને તેઓ જે છે તે બદલાઈ જાય છે. એવું નથી કે લાગતું કે કંઇક મૂળભૂત છે જે પેશીઓને પહોંચેલી ઈજાથી પરે જળવાયેલું રહે છે.
સદ્ગુરુ: તમે વિચાર અને ભાવના વિષે વાત કરી રહ્યા છો. આપણે મનુષ્યના વિચારને વધુ પડતું મહત્ત્વ આપવાની ભૂલ કરી છે. તમે જે પણ વિચારો, તે તમે સંગ્રહિત કરેલી સીમિત માહિતી અથવા ડેટામાંથી જ ઘટિત થાય છે. આપણે જે માહિતી એકઠી કરી છે, આપણને ભલે તે ગમે તેટલી વિશાળ લાગતી હોય, તે બ્રહ્માંડના સંદર્ભમાં સૂક્ષ્મ છે અને તેનું કોઈ ખાસ મહત્ત્વ નથી. આપણે આ થોડીક એવી માહિતીમાંથી અમુક વિચાર ઉત્પન્ન કરીએ છીએ જે આપણા જીવનના નિર્માણમાં, અમુક વસ્તુઓ બનાવવામાં અને આપણા જીવન નિર્વાહને ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ તે તમને જીવન સુધીની પહોંચ નથી આપતું.
વિચાર અને ભાવનાઓ તમારી અંદર ઘટિત થઈ રહેલા માનસિક નાટકો છે જે તમે પોતે ઈચ્છો તે રીતના રાખી શકો. કોઈ અકસ્માત, ઈજા અથવા બીમારી વિના પણ લોકોના નાટક દરરોજ ખોટી દિશામાં જઈ શકે છે. તમારા સાધનો કાં તો તમારી પાસેથી સૂચનાઓ લઈ રહ્યા છે, અથવા તો તે કોઈક કારણે વિવશતાપૂર્ણ બની ગયા છે. કાં તો તમે તમારા શરીર અને મનને જાગરૂક રીતે ચલાવી શકો અથવા તે વિવશ બની ગયા છે. તમે તેને શારીરિક બીમારી કહો કે માનસિક બીમારી, ખાલી એટલું જ થયું છે કે તમે આ ગ્રહ પરના અસ્તિત્વના તમારા મૂળભૂત સાધનો: તમારા શરીર અને તમારા મન પરનો કાબુ ગુમાવી દીધો છે. જો તમારું શરીર અને મન તમારી પાસેથી સૂચનાઓ લે તો શું તમે હતાશા, બીમારી કે એવું કંઇ નિર્મિત કરશો? તમે પોતાના માટે શક્ય તેટલી સુખદ અવસ્થાનું નિર્માણ કરશો, નહિ?
ડેવિડ ઇગલમેન: પરંતુ શું કોઈ અલગ “તમે” છે જે કાબુ મેળવી શકે?
સદ્ગુરુ: તમે સતત “મારું મગજ.”એમ કહી રહ્યા છો. જો તમે કહો “મારું મગજ,” તો તેનો અર્થ છે કે તે તમારું છે. જે તમારું હોય તે તમે ન હોય શકો.
ડેવિડ ઇગલમેન: આ મગજને દર્શાવવા માટે બોલચાલમાં આપણે આ રીતનો શબ્દ વાપરીએ છીએ. આપણે કહેવું પડે કે ક્યા મગજની વાત થઈ રહી છે તે માટે.
સદ્ગુરુ: જ્યારે હું કહું કે “મારો હાથ,”હું જાણું છું કે હું તેના વિના પણ અસ્તિત્વમાં રહી શકું છું. તે જ રીતે, જો મગજના અમુક ભાગ ચાલ્યા જાય, તો આપણી પહેલાની જેમ વિચારવાની અને અનુભવવાની ક્ષમતા કદાચ ચાલી જાય, પરંતુ વ્યક્તિ હજુ ગઈ નથી.
ડેવિડ ઇગલમેન: તે જ પ્રશ્ન છે. જો હું મારી આંગળીનો થોડોક ભાગ ગુમાવું તો પણ હું હજુ હું જ છું, પરંતુ હું મગજની પેશીઓનો તેવડો ભાગ ગુમાવો, તો હું કોઈક સાવ અલગ જ બની જઈ શકું છું.
સદ્ગુરુ: તમે વ્યક્તિત્વની વાત કરો છો. વ્યક્તિત્વ એક બહારથી પ્રાપ્ત કરેલ વસ્તુ છે.
ડેવિડ ઇગલમેન: વ્યક્તિત્વથી પરે, હું સ્મૃતિ, ચેતના અને આપણે અત્યારે વાસ્તવિકતાને જે રીતે જોઈએ છીએ તે રીતે જોવાની ક્ષમતા ગુમાવી શકું છું. હું મગજના કોઈ ચોક્કસ ભાગને નુકસાન પહોંચવાથી કલર બ્લાઇન્ડ (અમુક રંગ ન જોઈ શકવા) બની શકું અને વસ્તુઓને સમજવાની ક્ષમતા ગુમાવી શકું.
સદ્ગુરુ:ઠીક છે, ચાલો આ સમજીએ. ધારો કે દુર્ભાગ્યે કોઈ વ્યક્તિ ઈજાને કારણે કલર બ્લાઇન્ડ થઈ જાય છે. તે વ્યક્તિ હજુ સમજે છે કે તેઓ કલર બ્લાઇન્ડ થઈ ગયા છે. તેઓ હજુ ત્યાં છે.
ડેવિડ ઇગલમેન: તે એવી વ્યક્તિ માટે સાચું છે જે કલર બ્લાઇન્ડ બની જાય છે, પરંતુ એવી વ્યક્તિ માટે સાચું નથી જેઓ કલર બ્લાઇન્ડ જન્મ્યા હોય. તેમની પાસે રંગની કોઈ ધારણા જ નથી હોતી. તે જ રીતે, પૂરેપૂરા અંધ તરીકે જન્મેલ વ્યક્તિ પાસે દ્રષ્ટિ શું છે તેની ધારણા પણ નથી હોતી. તેથી, તેમના માટે “તમે” કોણ છે?
સદ્ગુરુ: એવી વ્યક્તિ પણ જેઓ અંધ છે અને જેમણે ક્યારેય આસપાસની દુનિયા જોઈ નથી, તેઓ પણ તેમની અંદર અસ્તિત્વમાં હોય છે, અને તેઓ પણ બીજા કોઈ જેટલા જ એક પુરુષ કે એક સ્ત્રી છે. કોઈકની પાસે આ એક ક્ષમતા છે જે તેમની પાસે નથી, બસ એટલા માટે જ તેમનામાં જાણે એક ખામી છે. જો આપણી કોઈ પાસે આંખો ન હોત, તો પણ આપણે આપણું કામ કરવાનો રસ્તો શોધી લીધો હોત, ખાલી બીજી કોઈ રીતે. છેવટે એવા સસ્તન પ્રાણીઓ છે જેઓ અવાજનો ઉપયોગ કરીને ઉડી રહ્યા છે.
ડેવિડ ઇગલમેન: હા, તેવા ઘણા બધા પરિમાણો છે જેના પ્રત્યે આપણે અત્યારે અંધ છીએ. આપણે જેને દ્રશ્યમાન પ્રકાશ (વિઝિબલ લાઈટ) કહીએ છીએ તે વિદ્યુતચુંબકીય તરંગોની આખી શ્રેણીનો એક લાખ કરોડમો ભાગ ખાલી છે. ભૌતિકવિજ્ઞાનની અમુક શાખાઓ અવકાશના આપણે અત્યારે જેને જાણીએ છીએ તે ત્રણ જ નહિ પરંતુ 10 થી 13 પરિમાણો હોવા વિષે વાત કરે છે, છતાં આપણે આ ત્રણમાં ફસાયેલા છીએ. પરંતુ મારો પોઇન્ટ એ છે કે આપણે અત્યારે મોટાભાગની દુનિયા પ્રત્યે અંધ છીએ. તેથી, હું તમારી સાથે સહમત છું.
સદ્ગુરુ: જુઓ, તમે એ વિષે અસહમત ન થઈ શકો કે તમે જીવન છો, બરાબર? તમે જીવનનો એક ટુકડો છો, હું જીવનનો એક ટુકડો છું, બધા જ છે. આપણે જેવું વ્યક્તિત્વ મેળવ્યું છે, પસંદ અને નાપસંદ, દેવ અને દાનવ અને બીજી વસ્તુઓ જે આપણે મેળવી છે તે આપણી સાથે ઘટિત થયેલી એક સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે. જો તમે દુનિયાના કોઈ બીજા ભાગમાં જન્મ્યા હોત, તો તે પૂરેપૂરું અલગ હોત. આ છાપો છે જે આપણે કેવી વસ્તુઓના સંપર્કમાં આવ્યા તેના આધારે આપણે અંદર એકઠી કરી છે. તેને બાજુ પર મૂકીને, ચાલો એક મૂળભૂત વસ્તુ પર ધ્યાન આપીએ. તમે જે પણ એકઠું કરો તે વિષે તમે ખાલી તે “મારું,” છે તેવો દાવો કરી શકો, તમે કહી ન શકો કે તે “હું” છું.
ડેવિડ ઇગલમેન: શું તમે તમારા શરીર વિષે વાત કરો છો?
સદ્ગુરુ: કોઈપણ વસ્તુ. હું કહી શકું કે “આ મારી ખુરશી છે.” જો હું અહીં રોજ બેસું અને પછી કહું કે, “આ હું છું,” તો પછી તે એક સમસ્યા છે.
ડેવિડ ઇગલમેન: ઠીક છે. શું તમે ઓળખ વિષે વાત કરી રહ્યા છો? તમે પોતાને શેની સાથે ઓળખાવો તે વિષે.
સદ્ગુરુ: હા. મનની પ્રકૃતિ એવી છે કે તે કોઈક વસ્તુ શોધે છે, તેની સાથે ઓળખ બનાવવા માટે. આવું એટલા માટે છે કે મનુષ્યની બુદ્ધિ અને પ્રજ્ઞા એક બંધનમાંથી મુક્ત થઈ ગઈ છે. આ બંધન બીજા બધા જીવો માટે રહેલું છે જે તેમને અમુક વૃત્તિ આધારિત પ્રક્રિયાઓ દ્વારા એક ઓટોમોટિક મશીનની જેમ કામ કરાવે છે. ઉત્ક્રાંતિ સાથે, મનુષ્યો વૃત્તિ આધારિત પ્રક્રિયાઓથી દૂર થયા છે અને તેમની પાસે એક એવી બુદ્ધિમતા છે જેને જાગરૂક રીતે કામ કરવાનું છે. જેનો અર્થ છે કે જીવનની દરેક ક્ષણ એક ખોજ છે જે ઘણા લોકો માટે બહુ ડરામણું છે. તેથી તેઓ કોઈક વસ્તુ સાથે ઓળખાય જાય છે જે તેમને તેઓ શું છે તેનો એક ભાવ આપે છે. તમે શું છો તેનો આ ભાવ, જે તમારી સામાજિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પર આધારિત છે, તે તમારા જીવન નિર્વાહ માટે ઉપયોગી છે પણ ખોજની પ્રક્રિયા માટે નહિ. તે બસ તમને પાગલ થતા અટકાવીને સાંત્વનાની અવસ્થામાં રાખે છે. તે તમને રાતે સારી રીતે ઊંઘવામાં મદદ કરે છે. તે જ્ઞાનના એક અલગ પરિમાણને ઉજાગર નથી કરતું, તે જે હજુ તમારી અંદર નથી તેવા પરિમાણોની ખોજ કરવાની સંભાવનાને ઉજાગર નથી કરતું. તે થાય તે માટે, સૌથી મહત્ત્વની વસ્તુ છે અહીંયા કોઈપણ વસ્તુ સાથે ઓળખ બનાવ્યા વિના બેસવું.
આ કારણે હું કહું છું કે આ દુનિયામાં અશિક્ષિત રહેવું બહુ અઘરું છે, કેમ કે બધા તમને કૈક ને કૈક શીખવાડવામાં વ્યસ્ત છે. મેં મારા જીવનમાં ખાલી આ જ કર્યું: અશિક્ષિત રહેવું, મારા માતાપિતા, શિક્ષકો, ધર્મ, સંસ્કૃતિ અથવા લોકો મારા પર જે શિક્ષણ થોપી રહ્યા હતા તેનાથી પ્રભાવિત ન થવું. હું બસ સર્જન જેવું મને બનાવવા માંગતું હતું તેવો રહેવા માંગતો હતો - બસ એમ જ. હું કદાચ યુનિવર્સીટીના વાતાવરણમાં બંધ નહિ બેસું પણ હું ઠીક છું. જેમ તમે જન્મ્યા હતા તેમ, તમારી બુદ્ધિમતાને કોઈ એક વસ્તુ સાથે બાંધ્યા વિના - જેમ કે રાષ્ટ્રીયતા, ધર્મ, જાતિ, સંપ્રદાય, કુટુંબ, લિંગ કે બીજી કોઈપણ પ્રકારની ઓળખ - બસ તમારા જીવનને જીવનના એક ટુકડા તરીકે જોવું. જો વ્યક્તિ આ કરે, તો તેમનો બોધ તેમણે વિચાર્યું પણ ન હોય તેટલી રીતે વિસ્ફોટીત થશે.