Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: કુરુક્ષેત્ર યુદ્ધ શરૂ થવાના તરત પહેલા અર્જુનના ગાત્રો શિથિલ થઈ ગયા. કૌરવો યુદ્ધ જીતી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ અને કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તેની યુદ્ધ કરવાની આનાકાની શા માટે એક મહાપાપ છે.

કૃષ્ણ અર્જુનને છેલ્લી ચેતવણી આપે છે

નવમા દિવસે કૃષ્ણ અર્જુનને કહે છે, “હવે બસ - જો તુ યુદ્ધ ન કરવાનો હોય તો આ યુદ્ધ હવે હું લડીશ.” કૃષ્ણએ કૌરવોને વચન આપ્યું હતું કે પોતે સક્રિયપણે યુદ્ધ નહીં કરે. જો હવે તેઓ હથિયાર ઉઠાવે, તો તેઓ હંમેશા માટે એવી વ્યક્તિ તરીકે જોવાશે જેણે પોતાનું વચન પાળ્યું નહોતું. તેમ છતાં કૃષ્ણ કહે છે, “મને એ વાતથી ફરક નથી પડતો કે લોકો મારા વિષે શું વિચારે છે. આમ પણ તેઓ મને રણછોડ, ભાગેડુ, ચોર વગેરે કહે જ છે. ભલે એક અપશબ્દ વધે.” તેઓ પોતાનું સુદર્શન ચક્ર હાથમાં લઈને બોલ્યા, “આ યુદ્ધ હું આજે પૂરું કરીશ.” પછી અર્જુને કહ્યું, “એવું ન કરશો. તમારું નામ હંમેશા માટે કલંકિત થઈ જશે. હું યુદ્ધ કરીશ.”

જેમ જેમ દિવસો પસાર થતા રહ્યા, અગિયારમા કે બારમા દિવસ સુધીમાં બંને પક્ષે સૈન્યની સંખ્યા લગભગ સરખી થઈ ગઈ, કારણ કે કૌરવ પક્ષે ખુવારી ઘણી મોટી થઈ હતી. સોળમા દિવસે પાંડવોની સેના કૌરવસેના કરતા સંખ્યામાં વધુ હતી. પછી કેટલાંક લોકો આવેશમાં આવી ગયા, અને તેમણે બંને સેનાઓનો ભારે નાશ કર્યો. દુર્યોધન નિરાશ થઈ ગયો. કર્ણએ કૌરવસેનાનો હવાલો લઈ લીધો. કર્ણ જાણતો હતો કે અંતે તેઓ યુદ્ધ હારવાના છે. પણ તેના માટે એક જ વાત જે મહત્ત્વની હતી તે એ હતી કે અર્જુન - જેની ગણના સહુથી મહાન ક્ષત્રિય તરીકે થતી હતી, તેને હરાવવાનો યશ પોતાને મળે.

કર્ણ - જીવનપર્યંત કીર્તિ મેળવવા ઝંખતો રહ્યો

કર્ણ સમગ્ર જીવન કીર્તિ મેળવવા માટે જીવ્યો, અને તેને માટે તે મરવા પણ તૈયાર હતો. તે માત્ર અર્જુનને મારવા ઇચ્છે છે. તે પોતે યુદ્ધ હારી જાય તો પણ તેને વાંધો નથી; તે જાણે છે કે કૃષ્ણ કૌરવોને જીતવા નહીં જ દે. તે એ પણ જાણે છે કે, અતિ વિષમ પરિસ્થિતિ ઊભી થાય, તો કૃષ્ણ પોતે યુદ્ધમાં ઊતરશે થશે અને સુનિશ્ચિત કરશે કે પાંડવો જ જીતે. હવે, કર્ણ જાણી ગયો છે કે પાંડવો તેના જ ભાઈઓ છે. તેમ છતાં, કર્ણને યશ જોઈએ છે. તેથી એક પછી એક, તે પાંડવ ભાઈઓ પર હુમલો કરે છે. તે યુધિષ્ઠિરને હરાવે છે, તેને બીજા લોકોથી દૂર લઈ જાય છે અને તેની સામે આવી જાય છે.

યુધિષ્ઠિર જ્યારે કર્ણની સામે ઊભો હોય છે, નિ:શસ્ત્ર, ભયભીત અને મૃત્યુ માટે તૈયાર, ત્યારે કર્ણ પોતાના બાણની અણી તેની  છાતીમાં ઘોંચીને કહે છે, “મને લાગે છે કે, તમારા જેવી વ્યક્તિએ યુદ્ધ લડવા ન આવવું જોઈએ, ખાસ કરીને, જ્યારે હું હાજર હોઉં. તમે તમારી પત્ની પાસે પાછા ફરી જાઓ તે સારું રહેશે. પણ કદાચ તમે તેની પાસે નહીં જઈ શકો, કદાચ અત્યારે કોઈ બીજા ભાઈનો વારો ચાલતો હશે,” તે યુધિષ્ઠિરને કટાક્ષ કરે છે. પછી તે ભીમને હરાવે છે, અને તેને પણ મહેણું મારે છે. તે કહે છે, “તારા એટલા મજબૂત બાવડા છે, છતાં તું શું કરી શકીશ? તું એક આખલાની જેમ મોટો થયો છે, પણ જો હું ધારું તો હમણાં જ તારું મસ્તક કાપી નાંખું. પણ એક બાળકનું મસ્તક છેદીને શું ફાયદો? જતો રહે.” નકુલ અને સહદેવ સાથે પણ તેણે તેમ જ કર્યું, કારણ કે, તેણે વચન આપ્યું હતું કે તે ચાર પાંડવોને નહીં મારે. તે પોતે આપેલું વચન પાળે છે, પણ તે તેમને હરાવવાનો યશ પામવા માંગે છે.

ઇન્દ્ર અને કર્ણ વચ્ચેનો વ્યવહાર 

જ્યારે ઇન્દ્રએ આવીને કર્ણ પાસે તેનું કવચ માંગ્યું, કર્ણએ તે આપી દીધું - સૂર્યદેવે તેને તેમ ન કરવા સમજાવ્યું હતું તેમ છતાં. તે સમયે ઇન્દ્ર તેની બલિદાન આપવાની ભાવનાથી પ્રભાવિત થયા હતા. કર્ણ જાણતો હતો કે, કવચ આપી દીધા પછી મૃત્યુ નક્કી છે, તેમ છતાં કર્ણએ તે આપી દીધું. કારણ કે તેણે વચન આપ્યું હતું. તે સમયે, કર્ણએ માંગ્યું, “કવચ અને કુંડળના બદલામાં મને તમારું ‘શક્તિ’ અસ્ત્ર આપો, જેથી લોકો કહી શકે કે ઇન્દ્રએ કર્ણ પાસે જે માંગેલું તેના બદલામાં તેમણે તેને પોતાનું આયુધ આપી દીધી હતું. ‘શક્તિ’ મારું જીવન બચાવી નહીં શકે - મૃત્યુ હવે મારું ભાગ્ય છે. પણ હું તમારી માટે સમજાવી ન શકાય તેવો સ્નેહ અનુભવી રહ્યો છું, અને હું તમારી પ્રતિષ્ઠા જળવાયેલી રહે તેમ ઈચ્છું છું.”

“હું યુદ્ધ લડવા જઈ રહ્યો છું તે સારી રીતે જાણવા છતાં, તમે મારું કવચ માંગો છો. તે અત્યંત હીંચકારુ કૃત્ય છે. દેવતાઓના રાજા તરીકે તમારી પ્રતિષ્ઠાને હાનિ જરૂર પહોંચશે. વધુ નહીં તો મને તમારું ‘શક્તિ’ અસ્ત્ર આપો, જેથી લોકો ભવિષ્યમાં કહી શકે, કે ઈન્દ્રએ બદલામાં કર્ણને કશુંક આપ્યું હતું. તેના કારણે તમારું માન જળવાઈ જશે. કર્ણનાં સમગ્ર જીવનમાં પોતાના વિષે એક વિશિષ્ટ યશ હંમેશા રહ્યો છે. પછી ઇન્દ્રએ તેને કહ્યું, “કર્ણ યુદ્ધમાં હાર કે જીત - નાની વાત છે. આજે તારા કવચ અને કુંડળ મને આપી દઈને તું એક શાશ્વત કીર્તિને પામ્યો છે. તે જન્મથી શરીર સાથે જોડાયેલું કવચ ચીરીને મને આપ્યું તેથી હું તને વૈકર્થના નામ આપું છું. અને હવે પછી લોકો હંમેશા કહેશે કે અસ્ત્રો દેવામાં સૌથી મહાન ઇન્દ્ર નહીં, પણ કર્ણ હતો. જ્યાં સુધી વિશ્વ રહેશે, કર્ણ, ત્યાં સુધી તારા નામની ખ્યાતિ રહેશે.” અને કર્ણ તે જ ઈચ્છતો હતો. ઇન્દ્ર અને કર્ણ, બન્નેને જે જોઈતું હતું તે મળી ગયું.

ઘટોત્કચની ગૂઢ શક્તિ

યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. કર્ણ પાસે કવચ નથી, પરંતુ તેની પાસે શક્તિ અસ્ત્ર છે. આ એક અસ્ત્ર વડે તે અર્જુનને મારી શકતો હતો; તેણે તે અર્જુન માટે બચાવીને રાખ્યું હતું. તે અર્જુનને મારશે, પછી અસ્ત્ર વિના તેની પાસે કોઈ શક્તિ નહીં બચે, તેથી કોઈ શૂરવીર તેને મારી નાંખશે. ઘટોત્કચ, ભીમનો પુત્ર છૂટો મૂકી દેવામાં આવ્યો છે. રાત્રે યુદ્ધ નહીં લડવાનો નિયમ તૂટી ચુક્યો હતો અને રાત્રે પણ યુદ્ધ ચાલુ થઈ ગયું. જ્યારે તેઓ દિવસે યુદ્ધ લડતા હોય ત્યારે ઘટોત્કચ બસ અન્ય એક સામાન્ય યોદ્ધા હતો. પણ રાત્રે, તેની ગૂઢ શક્તિ પૂરા જોશમાં બહાર આવતી અને તે ઉત્પાત મચાવતો. ઘટોત્કચની ગૂઢ શક્તિ એવી હતી કે કૌરવસેનાને સમજ નહોતી પડતી કે કઈ દિશામાં લડવું, કઈ દિશામાં જોવું, કારણ કે દરેક દિશામાં ભ્રામક સૈન્ય હતું, ઉપર આકાશમાં પણ.

પાંડવો માટે તે ખુલ્લી છૂટ જેવુ થઈ ગયું. પરિસ્થિતી આડેધડ સંહારમાં ફેરવાઇ ગઈ. દુર્યોધને આ જોઈને કહ્યું, “આજે રાત્રે, કૌરવ સેના ખતમ થઈ જશે.” તેણે કર્ણ ને કહ્યું, “શક્તિ અસ્ત્ર ચલાવીને આ રાક્ષશને ખતમ કર. કર્ણ થોડો અચકાય છે, કારણ કે શક્તિ અસ્ત્ર તેણે અર્જુનને મારવા માટે બચાવી રાખ્યું હતું. જો તે, તેને ખર્ચી નાખે, તો તેનું અર્જુનને મારવાનું સ્વપ્ન પૂરું નહીં થાય. તે અચકાય છે. અચાનક, દુર્યોધન શંકાશીલ થઈને તેની સામે જુએ છે અને પૂછે છે, “શું વાત છે?” દુર્યોધન હંમેશા એ ભયમાં જીવ્યો કે કદાચ કોઇની વફાદારી ફરી ના ગઈ હોય.

કર્ણ ઘટોત્કચને મારે છે

તેને કર્ણની વફાદારી પર શંકા થાય છે. કર્ણ તેને કહે છે, “હું અહીં યુદ્ધ જીતવા નથી આવ્યો; હું અહીં શાસન કરવાની મહેચ્છાથી નથી આવ્યો; કોઈ રાજ્ય મેળવવા માટે નથી આવ્યો, હું અહીં તારા માટે મરવા આવ્યો છું. હું મારે જે કરવું જોઈએ તેનાથી જરાય પણ ઓછું નથી કરી રહ્યો. તારો આગ્રહ હોય તો હું શક્તિનો ઉપયોગ કરીશ.” અને તે શક્તિ અસ્ત્રનો ઉપયોગ કરીને ઘટોત્કચને મારી નાખે છે. તરત જ, બધી ભેદી શક્તિઓ ગાયબ થઈ ગઈ અને ફરી એક વખત સામન્ય યુદ્ધનો પ્રારંભ થાય છે.

કૃષ્ણએ જ્યારે જાણ્યું કે કર્ણએ શક્તિ અસ્ત્ર ખર્ચી નાખ્યું છે, તેમણે અર્જુનને કહ્યું કે, “કાલે સવારે તારે કર્ણને યુદ્ધ માટે લલકારવો જોઈએ. આ જ સમય છે. હવે તેનો અંત નક્કી છે.” બીજે દિવસે તેઓ જે રીતે કર્ણ સાથે યુદ્ધ કરે છે અને તેને મારે છે તેને સામાન્ય રીતે અનુમોદન આપવું શક્ય નથી. પણ ત્યાં સુધી યુદ્ધમાં નિયમો પાળવાના સ્વીકાર કે અસ્વીકારનો કોઈ માપદંડ રહ્યો જ ન હતો. સહુ પોત-પોતાની મરજીનું જ કરતા હતા. કર્ણએ તેને મળેલા શ્રાપ ભોગવવાના છે. પરશુરામે તેને શાપ આપ્યો હતો, “તને જ્યારે સહુથી વધારે જરૂર હશે, ત્યારે જ તુ મંત્રો ભૂલી જઈશ.” અને એ બ્રાહ્મણ જેની ગાયની હત્યા કર્ણના બાણથી થઈ હતી, તેણે તેને શ્રાપ આપ્યો હતો, “જ્યારે તું યુદ્ધ લડતો હોઈશ ત્યારે, જીવન અને મરણની નિર્ણાયક ક્ષણે, તારા રથનું પૈંડુ જમીનમાં ઊતરી પડશે અને તું જ્યારે લાચાર અને અસુરક્ષિત હોઈશ, જેવી મારી ગાય હતી, જ્યારે તે તેને મારી હતી, તેવી જ રીતે તારું મૃત્યુ થશે.”

અર્જુન કર્ણને હરાવે છે

કર્ણ અને અર્જુનનું યુદ્ધ થાય છે, ઘણી વાર નાટકીય પરિસ્થિતિ સર્જાય છે. પછી કર્ણના રથનું પૈડું જમીનમાં સરકી જાય છે. તે રથમાંથી નીચે ઊતરીને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. યુદ્ધના સામાન્ય નિયમો પ્રમાણે, આવી પરિસ્થિતિમાં, શત્રુ તેની ઉપર વાર ન કરે, તે પાછો રથ પર સવાર થાય તેની રાહ જુએ. કર્ણ કહે છે, “હું માનું છું કે તું સાચો ક્ષત્રિય છે, અને હું જમીન પર છું ત્યારે તું મારી પર હુમલો નહીં જ કરે.” અલબત્ત, અર્જુન પણ એક સાચા યોદ્ધાની નીતિ પૂર્વક તેના પાછા ફરવાની રાહ જુએ છે. કૃષ્ણ પૂછે છે, “તું શેની રાહ જોઈ રહ્યો છે?” “ના, તેને રથનું પૈડું બહાર કાઢી લેવા દો.” કૃષ્ણની ધીરજ ખૂટી રહી છે. તેઓ કહે છે, “તેને મારી નાંખ.” અર્જુન વિરોધ કરે છે, “પણ તે નિ:શસ્ત્ર છે.” “તેનાથી ફરક નથી પડતો - તેને મારી નાંખ.” કર્ણ પોતાના રથનું પૈડું બહાર કાઢવા મથી રહ્યો છે. કૃષ્ણ કહે છે, “રથ તોડી નાખ.” તેથી અર્જુન રથ તોડી પાડે છે.

કર્ણ સમજી જાય છે કે તે જમીન પર હોવા છતાં તેઓ યુદ્ધ કરશે. તેથી તે પોતાનું બાણ ઉઠાવી લે છે. કૃષ્ણ કહે છે, “તેનું બાણ તોડી નાખ.” અર્જુન તેનું બાણ તોડી નાખે છે. કૃષ્ણ અર્જુનને કહે છે, “જ્યારે કર્ણ સાવ નિ:શસ્ત્ર હોય ત્યારે તેનું માથું વાઢી નાખ.” અર્જુન તેનું માથું વાઢી નાંખે છે અને કર્ણનો અંત આવે છે. એક મહાન વ્યક્તિ, એક મહાન કરુણાંતિકા અને એક મોટી ભૂલ. કર્ણ દુષ્ટ નહોતો, તેણે જીવનમાં ભૂલ મોટી કરી હતી. કર્ણનાં મૃત્યુથી દુર્યોધન ભાંગી પડ્યો. કર્ણ હંમેશા તેના માટે એક ખાતરી સમાન હતો.

અંતિમ યુદ્ધ

દુર્યોધન શલ્યને સેનાપતિ નિયુક્ત કરે છે. શલ્ય બહાદુરીથી લડે છે, પણ યુધિષ્ઠિર તેને તે જ દિવસે મારી નાખે છે. ત્યાર પછી, પાંડવસેનાએ તોફાન મચાવી દીધું અને કૌરવસેના વિનાશને આરે આવી ગઈ. આ સમય દરમિયાન પાંડવ સેનાની પણ ઘણી ખુવારી થઈ હતી. અશ્વત્થામાએ મોટા પાયે પાંડવ સૈનિકોને મારી નાખ્યાં. યુદ્ધના અઢાર દિવસ પૂરા થઈ ચૂક્યા હતા. પાંડવો જીવત હતા, ધૃષ્ટદ્યુમ્ન જીવિત હતો, પાંડવોના પુત્રો પણ હજુ જીવિત હતા. તે સિવાય યુદ્ધમાં જે મહત્ત્વના હતા તે બધા મહારથી મૃત્યુ પામ્યા હતા.

દુર્યોધન સિવાયનાં બધા કૌરવો વીરગતિ પામ્યા હતા. અશ્વત્થામા અને કૃપાચાર્ય જીવિત હતા, પાયદળનાં ઘણા યોદ્ધાઓ મરી ચૂક્યા હતા અથવા યુદ્ધભૂમિ છોડીને જતા રહ્યા હતા. આવો વિવેકહીન અને અવિરત ચાલી રહેલો હત્યાકાંડ જોઈને, અને પોતે પણ તેમાં શામેલ છે તે સમજાતા, ઘણા સૈનિકો ભાંગી પડ્યા અથવા પાગલ થઈ ગયા - કારણ ગમે તે હોય, તેઓ યુદ્ધભૂમિ છોડીને નાસી છૂટયા.

ક્રમશ:...

More Mahabharat Stories

Editor’s Note : A version of this article was originally published in the Forest Flower magazine, January 2019. To subscribe online, click here.