Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: યુધિષ્ઠિર પાસાની રમતમાં હારી ગયા પછી પાંડવો અને ક્રોધે ભરાયેલી દ્રૌપદી વનવાસ વેઠી રહ્યા છે. તેમને આટઆટલી મુશ્કેલીઓમાં મૂક્યા પછી પણ સંતોષ ન થતાં દુર્યોધન અને કર્ણ તેમને વનમાં જ મારી નાખવાના કાવતરા ઘડતા રહે છે – તેમનો શિકાર કરી નાખવાની યોજનાની ગંધ આવી જતાં વિદુર ધૃતરાષ્ટ્રને વિનંતી કરીને તેમને શિકાર પર જતા અટકાવી દે છે. દુર્યોધને પાંડવોને ઋષિ દુર્વાસાનો શ્રાપ મળે તેવી યુક્તિ કરી જેને કૃષ્ણ નિષ્ફળ બનાવે છે. પાંડવોને અપમાનિત કરીને મહેણા મારવાની કર્ણની યોજના તેમના પર જ ભારે પડે છે કારણ કે, ગંધર્વો સાથેની લડાઈમાં અને પાંડવો જ આવીને તેમને બચાવે છે. સમય પસાર થતો રહ્યો અને દ્રૌપદીના અક્ષયપાત્રને કારણે જે કોઈ આવતું તેમને ભોજન મળી રહેતું.

દ્રૌપદી યુધિષ્ઠિરને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે

પાંડવોએ જોયું કે તેમના વનવાસ દરમિયાન ઘણા મુલાકાતીઓ આવી રહ્યા હતા. લોકોને જ્યારે ખબર પડી કે પાંડવો અહીં છે અને ભોજનની સુવિધા પણ છે ત્યારે ઘણા લોકો તેમને મળવા માટે આવતા રહેતા. હવે તો તે જગ્યા જંગલ જેવી લાગતી પણ નહોતી – તે એક ઓછી સુખ-સગવડવાળો મહેલ હોય તેવું લાગતું હતું. તેથી તેમણે જંગલમાં વધુ અંદર જવાનું નક્કી કર્યું. તેઓ દ્વૈતવનમાં રહેવા ગયા, જેને એક કાંઠે યમુના અને બીજે કાંઠે સરસ્વતી વહેતી હતી; તે અત્યંત રમણીય જગ્યા હતી, જનસંસ્કૃતિથી સાવ અલિપ્ત. જ્યારે તેઓ આટલા ગાઢ જંગલોમાં રહેવા લાગ્યા જ્યાં સગવડો અને લોકોની અવર જવર ઓછી હતી તેમજ લોકો જે ભેટ લઈને આવતા હતા તે બધું બંધ થઈ જવાથી દ્રૌપદી હતાશ થઈ ગઈ. જ્યારે તે હતાશ થતી ત્યારે તમે તેની આસપાસ ન રહો ત જ સારું કારણ કે, તે તમને એટલી ઉશ્કેરતી કે તમે તેનાથી વધુ હતાશ થઈ જાઓ.

યુધિષ્ઠિર માટે દ્રૌપદીએ નર્ક ઊભું કર્યું. તે તેને ટોણા મારતી; અપશબ્દો બોલતી અને શક્ય તેટલી બધી જ રીતે તેને ત્રાસ આપતી. ભીમ તે જે કંઈ કહેતી તેમાં સૂર પૂરાવતો અને તેમાં પોતાનો ઉમેરો પણ કરતો. ભીમ દ્રૌપદીની ટચલી આંગળીના ઇશારે રહેતો. તે અર્જુન કરતા અલગ હતો. ભીમ કદાવર અને તાકાતવર હતો પરંતુ મુખ્ય નાયક ન હતો. તે મુખ્ય નાયકના સહાયક જેવો હતો. દ્રૌપદી કંઈ કરાવવા ઇચ્છે ત્યારે તે જાણતી હતી કે, યુધિષ્ઠિર તેમ કરશે નહિ અને બીજા ભાઈઓ પણ યુધિષ્ઠિરની મંજૂરી લીધા વગર તેમ નહિ કરે. તેઓ યુધિષ્ઠિર ન કહે ત્યાં સુધી એક ડગલું પણ ભરતા નહિ – એ તેમની પ્રતિજ્ઞા હતી પણ, ભીમ દ્રૌપદી પાછળ એટલી હદે ઘેલો હતો કે તે બધી સૂચનાઓને અવગણીને તેને માટે કંઇકને કંઇક કરતો રહેતો. ઘણી વખત તેને કારણે સહુને માથે જોખમ પણ આવી પડતું. પરંતુ જ્યારે જરૂર પડતી ત્યારે તે કોઈ રીતે પોતાનું ધાર્યું કરાવી લેતી.

તેથી દ્રૌપદી અને ભીમે યુધિષ્ઠિરને ઉશ્કેરવાનું શરૂ કર્યું. તેઓ તેને એટલો બધો ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા કે તે લશ્કર ભેગુ કરીને હસ્તિનાપુર પર ચડાઈ કરવા તૈયાર થઈ જાય. પછી યુધિષ્ઠિરે કહ્યું, “ભલે ગમે તે થઈ જાય, ભલે તમે મને છોડીને જતા રહો તો પણ હું મારા શબ્દો ખોટા નહિ પાડું – મેં બાર વર્ષનો વનવાસ સ્વીકાર્યો છે અને હું તે પૂરો કરીશ.” તે પછી સ્થિતિ થોડી થાળે પડી અને દ્રૌપદી પ્રયત્નપૂર્વક હતાશામાંથી બહાર આવી.

અર્જુન અસ્ત્રો પ્રાપ્ત કરે છે

લગભગ છ વર્ષ વનવાસમાં પોતાના ભાઈઓ અને દ્રૌપદી સાથે રહ્યા પછી અર્જુને આવનારા યુદ્ધ માટે અસ્ત્રો ભેગા કરવાનું વિચાર્યું. યુધિષ્ઠિર સિવાય કોઈને કૌરવો પર ભરોસો ન હતો, પાંડવોને કોઈ ભ્રમ ન હતો - તેઓ જાણતા હતા કે યુદ્ધ નિશ્ચિત છે. તેઓ જાણતા હતા કે વનવાસ પૂરો થશે પછી પણ દુર્યોધન તેમનો હક પાછો આપવાનું વચન નહિ જ પાળે. તેથી અર્જુને કહ્યું, “હું અસ્ત્રો પ્રાપ્ત કરવા સાધના કરવા જવા ઈચ્છું છું.” અસ્ત્રો એવા હથિયારો હોય છે જેમાં ગુપ્ત શક્તિ રહેલી હોય છે. અર્જુન ગયો અને વરુણદેવની ઉપાસના કરીને વરુણાસ્ત્ર મેળવ્યું. તે જ પ્રમાણે અર્જુને જુદા જુદા દેવતાઓ અને ઋષિઓના આશીર્વાદ અને અસ્ત્ર મેળવ્યા. પણ તેનું લક્ષ્ય સાક્ષાત્ શિવની આરાધના કરીને પશુપતાસ્ત્ર મેળવવાનું હતું.

અર્જુન હિમાલય જઈને શિવને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરવા બેસી ગયો. ઘણા દિવસો પછી એક દિવસ તે અત્યંત ભૂખ્યો થયો હતો અને તેણે એક જંગલી સૂવરનો અવાજ સાંભળ્યો. તેણે આંખો ખોલી અને સૂવરને જોયું, પોતાના ધનુષ્ય-બાણ હાથમાં લીધા અને ખૂબ જ સહજતાથી તેને વીંધી નાખ્યું. તે ઊભો થઈને શિકારની નજીક ગયો અને તેના આશ્ચર્ય વચ્ચે તેણે ત્યાં બે તીર જોયા. બીજું તીર કોણે માર્યું? એક આદિવાસી તેની પત્ની સાથે ત્યાં આવ્યો અને અર્જુનને પૂછ્યું, “તું કોણ છે, અહીં સંન્યાસીની જેમ બેઠો છે અને સાથે પાસે તીર-કામઠા રાખે છે? આ સમજાય તેવું નથી. આમ પણ, આ સૂવરને મેં પહેલા માર્યું છે. જો, મારું તીર સૂવરના હૃદયમાં વાગ્યું છે. આ શિકાર મારો છે.” અર્જુન બોલ્યો, “તારે હિંમત કઈ રીતે થઈ!” અર્જુન ખૂબ મિથ્યાભિમાની હતો - તે ઉચ્ચકુળનો હતો, ક્ષત્રિય હતો અને પોતાને સર્વશ્રેષ્ઠ બાણાવળી માનતો હતો.

અર્જુનને હંમેશા એમ લાગતું હતું કે તે સહુથી ચડિયાતો બાણાવળી છે. તે હંમેશા એ હદે સ્પર્ધાત્મક હતો કે, કોઈ બીજું તેના કરતાં વધુ સારું ન હોવું જોઈએ અને જો તે કોઈ બીજાને પોતાનાથી ચઢિયાતું જુએ, તો તે ચોક્કસપણે એવા પ્રયત્નો કરતો કે છેવટે તે જ શ્રેષ્ઠ બાણાવળી રહે, પછી ભલે તે માટે કોઈનો અંગુઠો કપાવી દેવો પડે, જેવું એકલવ્યના કિસ્સામાં બન્યું હતું. તેનો આ સૌથી મોટો અવગુણ હતો - તે સિવાય તે નખશિખ ઉમદા હતો. હવે તે આ આદિવાસી પુરુષ સાથે તકરારમાં પડ્યો અને તેમણે બન્નેએ બાણયુદ્ધ કરવાનું નક્કી કર્યું પણ, યુદ્ધમાં બંને બરોબરિયા રહ્યા. પછી તેઓએ મલ્લયુદ્ધ કરવાનું નક્કી કર્યું અને તેમાં આદિવાસી પુરુષ અર્જુન કરતા ચઢિયાતો સાબિત થયો અને તેણે અર્જુનને હરાવી દીધો. પછી શું કરવું તે ન સમજાતા અર્જુને તેના હાથમાં જે આવ્યું તે ઉંચકીને આદિવાસી પુરુષ ઉપર ફેંકવા માંડ્યું. આ પ્રયત્નોમાં તેણે એક ફૂલછોડ ઉખેડીને પેલા પુરુષ તરફ ફેંક્યો અને પેલાએ થોડી પીછેહઠ કરી. 

અર્જુન જાણતો હતો કે જો તે પાછો આવશે તો તેની પાસે સ્વબચાવ માટે હવે કશું છે નહિ. અર્જુન એ લિંગ તરફ ગયો જેની તે સાધના અને ઉપાસના કરી રહ્યો હતો. અર્જુન તેને પગે લાગીને બોલ્યો, “હે મહાદેવ, મને શક્તિ આપો. અહીં બેસીને હું જ તમારી રાહ જોઈ રહ્યો છું. અને આ કોણ જંગલી પુરુષ છે જે અહીં આવીને મને શરમમાં પાડી રહ્યો છે?” અર્જુને લિંગ ઉપર ફૂલ મૂક્યું અને પાછળ ફર્યો, ત્યારે તેણે તે જ ફૂલ પેલા આદિવાસી માણસના માથા ઉપર જોયું. પછી અર્જુનને સમજાઈ ગયું કે તે આદિવાસી કોણ છે. અર્જુન તેના પગે પડ્યો અને પછી શિવ પોતાના મૂળરૂપમાં આવ્યા. અર્જુન પર ખુશ થઈને શિવે તેને પશુપતાસ્ત્ર આપ્યું. તે દિવસોમાં પશુપતાસ્ત્ર સહુથી વધુ શક્તિશાળી અસ્ત્ર ગણાતું. અર્જુન જાણતો હતો કે આ અસ્ત્રથી સજ્જ થયા પછી તે યુદ્ધ જીતી જશે.

અર્જુન તેના પિતા ઇન્દ્ર સાથે રહે છે

પછી અર્જુનના પિતા ઇન્દ્ર અવકાશયાન લઈને આવ્યા અને તેને પોતાના નિવાસ અમરાવતી લઈ ગયા. અર્જુન તેના પિતા સાથે પહેલી જ વાર રહીને ખૂબ ખુશ થયો. પિતા ઇન્દ્રને પણ પોતાના પુત્ર ઉપર ખૂબ ગર્વ હતો. તેઓએ સાથે સમય વીતાવ્યો, સાથે યુદ્ધો લડ્યા અને પછી, ઇન્દ્રએ તેને સંગીત અને નૃત્ય શીખી લેવા ચૂચવ્યું. શરૂઆતમાં અર્જુને વિચાર્યું કે, “હું એક યોદ્ધો છું – મારે સંગીત અને નૃત્ય શા માટે શીખવા?” ઇન્દ્રએ તેને કહ્યું, “એ તને ક્યારેક કામ લાગશે. સંગીત અને નૃત્ય શીખવામાં કંઈ ખોટું નથી અને હૃદયમાં સંગીત અને પગમાં નૃત્ય સાથે તો તું વધુ સારો યોદ્ધા બની શકીશ. ઇન્દ્રની સાથે રહેતા ગંધર્વો સર્વોત્તમ નૃત્યકાર અને સંગીતકાર હતા. અર્જુનને શિક્ષક તરીકે ચિત્રસેન મળ્યો અને તે પોત પણ ઉત્તમ સંગીતકાર અને નૃત્યકાર બની ગયો.

ઇન્દ્રના દરબારમાં એક અપ્સરા હતી જેનું નામ ઉર્વશી હતું અને તે સૃષ્ટિની સૌથી સુંદર સ્ત્રી ગણાતી. ઉર્વશી રાજા પુરૂરવાની પત્ની રહી ચૂકી હતી, જે અર્જુનના પૂર્વજ હતા. ઉર્વશીએ અર્જુનને જોયો, તેને માટે કામના જાગી અને તે એક સ્ત્રી તરીકે તેની પાસે આવી. અર્જુન તેને પગે લાગ્યો અને બોલ્યો, “તમે ગમે તેટલા એટલા સુંદર હો, હું તમને મારી માતા તરીકે જોઉં છું કારણ કે, આપ પુરુરવાના પત્ની હતા. હું તમને એક સ્ત્રી તરીકે ન જોઈ શકું.” ઉર્વશીએ કહ્યું, “તું જે આદર્શની વાત કરે છે તે તો મનુષ્યો માટે છે. હું મનુષ્ય નથી, તેથી એનાથી કોઈ ફરક નહિ પડે.” અર્જુને કહ્યું, “પણ હું મનુષ્ય છું તેથી, મને તેનાથી ફરક પડે છે અને હું તમને માતા માનીને વંદન કરું છું."

ઉર્વશીને અપમાનજનક લાગ્યું અને તેણે અર્જુનને શ્રાપ આપ્યો, “તું વ્યંઢળ બની જશે! હું તારી પાસે એક સ્ત્રી તરીકે આવી હતી. એક પુરુષ તરીકે તે મારો અસ્વીકાર કર્યો છે, માટે તું વ્યંઢળ બની જશે.” યોદ્ધા અર્જુનને વ્યંઢળ બાવાનો શ્રાપ મળી ગયો. તદ્દન હતાશ થઈને તે ઇન્દ્ર પાસે ગયો. ઈન્દ્રએ ઉર્વશીને વિનંતિ કરી અને ઉર્વશીએ તે શ્રાપની મર્યાદા એક વર્ષની કરી આપી.

ક્રમશ:..

More Mahabharat Stories