કૃષ્ણનો આભામંડળ ભૂરો કેમ છે?
ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું એમનું અભિન્ન પાસું એટલે શ્યામ રંગ. જે સમય અને સંજોગોના પરિવર્તન છતાં અપરિવર્તીત છે. ચાલો જાણીએ, એવું તો શું છે એ શ્યામ રંગમાં જે એમના શત્રુઓને પણ એમની તરફ અનિવાર્યપણે દોરી જાય છે.

સદગુરુ : શ્યામ રંગ એ સર્વ સમાવેશક છે. તમે જોયું જ હશે કે જે પણ વસ્તુ અતિ વિશાળ હોય અથવા તો આપણી કલ્પનાશક્તિને પરે હોય, તેનો રંગ શ્યામ છે, પછી તે આકાશ હોય કે સમુદ્ર. જે કંઈ પણ તમારી કલ્પનાશક્તિથી પરે છે તે શ્યામ રંગનું હશે, કારણકે શ્યામ એ સર્વ સમાવેશકતાનો આધાર છે. ભારતમાં ઘણા ભગવાનોને પણ શ્યામવર્ણનાં બતાવવામાં આવ્યા છે. ભગવાન શિવ શ્યામવર્ણી, ભગવાન કૃષ્ણ શ્યામવર્ણી અને ભગવાન શ્રીરામને પણ શ્યામવર્ણી દર્શાવાયા છે. એનો અર્થ એવો નથી કે તેમની ચામડીનો રંગ શ્યામ હતો પરંતુ જે તે સમયના જાણકારો એ તેમની સર્વ સમાવેશક આભામંડળને અનુભવી તેમનું વર્ણન શ્યામવર્ણી તરીકે કર્યું હશે.
આભામંડળ શું છે?
આભામંડળ એ ઉર્જાનું જ એક ચોક્કસ ક્ષેત્ર છે જે દરેક પદાર્થની આસપાસ છે. એક વૈજ્ઞાનિક હકીકત પણ છે, કે સંપૂર્ણ અસ્તિત્વ એ ઉર્જા છે. ઉર્જાનો એક ભાગ ભૌતિક સ્વરૂપમાં પ્રગટ થયો છે જ્યારે તેનો બીજો ભાગ ભૌતિક સ્વરૂપમાં ન હોવા છતાં તે સ્વરૂપ તો ધરાવે જ છે અને તે સ્વરૂપ હજી સુધી ભૌતિક નથી અને હજી સુધી ભૌતિક બનવા ઇનકાર કરી રહ્યું છે અને છતાં તેણે પોતાનું એક સ્વરૂપ જાળવી રાખ્યું છે. તેને અભામંડળ કહેવાય છે.
કૃષ્ણનું શ્યામવર્ણી હોવું એનો અર્થ એવો નથી કે તેમની ચામડીનો રંગ શ્યામ જ હતો. કદાચ તે કાળા રંગના પણ હશે. પરંતુ જે લોકો આ બધી બાબતોએ જાગરૂક હતા, તેમણે તેમની ઉર્જાની શ્યામળતાને જોઈને તેમનું વર્ણન શ્યામવર્ણી તરીકે કર્યું. કદાચ કૃષ્ણ કોણ હતા, શું હતા તે બાબતે વિવાદો હોઈ શકે પરંતુ તે સર્વ સમાવેશક હતા અને તેમના સૌને સાથે લઈને ચાલવાના ગુણને કોઈ અવગણી નથી શકતું. તેથી શ્યામ રંગની પ્રકૃતિ દૂર સુદૂર સુધી સામાન્ય રહી, અને દેશના દરેક ખૂણામાં કૃષ્ણને શ્યામ તરીકે ઓળખવામાં આવ્યા.
મનમોહક શ્યામ રંગ
કૃષ્ણના આભામંડળનું સૌથી બાહરી આવરણ શ્યામ રંગનું હતું કદાચ એના જ કારણે તે અદભુત આકર્ષણના કેન્દ્ર રહેતા ન કે તેમની નાક અને આંખોની સુંદરતાના કારણે. દુનિયામાં સુંદર આંખો, સુંદર નાક, સુડોળ કદ-કાંઠી ધરાવતા અનેક લોકો મળશે, પરંતુ તેમનામાં એટલું આકર્ષણ જોવા નથી મળતું. આ તો કોઈ વ્યક્તિ વિશેષના આભામંડળની શ્યામળતા જ છે જે તેને અનાયાસે જ અત્યંત આકર્ષક બનાવી દે છે.
એમની શ્યામળતા અને તેમની બધાને પોતાનામાં સમાવી લેવાની કળા કંઈક એવી હતી કે જેઓ પોતાને એમના કટ્ટર વિરોધી માનતા તે પણ ક્યાંક અજાણતા જ તેમની સામે સમર્પિત થઈ જતા. એ એવા લોકોને પણ પોતાના બનાવી લેવામાં સક્ષમ હતા જેઓ તેમને સારુ-ખરાબ કહેતા, અને ન જાણે કેટલી વખત મારવાના પણ પ્રયાસ કરી ચુક્યા હતા. આમ તો એમના વ્યક્તિત્વના અનેક પાસાઓ હતા પરંતુ તેમનું શ્યામવર્ણી આભામંડળ તેમના દરેક કાર્યમાં સતત મદદરૂપ બની રહેતું. તે એટલા બધા મોહક હતા કે એમની શિશુ અવસ્થામાં તેમની હત્યા કરવા માટે આવેલી રાક્ષસી પૂતના પણ તેમના પ્રેમમાં પડી ગઈ હતી. પૂતના એમની સાથે થોડી મિનિટો જ હતી, પરંતુ આ થોડી મિનિટોમાં જ એ તેમના મોહજાળમાં ફસાઈ ગઈ.
આમાં બીજું એક પાસું પણ છે. એક ઉત્ક્રાંતિના રૂપમાં વિવિધ રંગછટાઓ, તે આ આભામંડળમાં સમાઈ જાય છે. જ્યારે યજ્ઞ આપણી સાધનાનો મુખ્ય ભાગ બને છે ત્યારે એમાં કેસરિયો રંગ એ પ્રભાવી રૂપે ઉભરી આવે છે. આ કેસરિયો એ ત્યાગ, શૌર્ય, કૃતજ્ઞતા, સંવેદના અને ક્રિયાનો રંગ છે. જો કોઈ પાસે શુદ્ધ સફેદ આભામંડળ છે તો તેનો અર્થ છે કે એ એક શુદ્ધ અસ્તિત્વ છે. આવા વ્યક્તિની હાજરી અદભુત હશે, પરંતુ આવી વ્યક્તિ કાર્યલક્ષી નહિં હોય. જ્યારે કોઈ વ્યક્તિ તેની સર્વોત્તમ ઊંચાઈએ પહોંચીને પણ સક્રિય રહેવાનું પસંદ કરે છે ત્યારે તેનો આભામંડળ ઉર્જાત્મક શ્યામવર્ણી બની રહેશે. અહીં જે કંઈ પણ ક્રિયાશીલ છે તે શ્યામ છે. આ શ્યામવર્ણનું એક એવું આભામંડળ છે જે તમને એવી રીતે કામ કરતા કરે છે કે લોકો વિચારે કે આ કાર્ય કોઈ વિશેષ વ્યક્તિ જ કરી શકે.
એટલે જ જે તે સમયના સમજદાર લોકો એ કૃષ્ણની આજુબાજુ શ્યામ રંગ કરવાને બદલે કૃષ્ણને જ શ્યામ કહી દીધા, કારણકે તેઓ જ્યારે પણ તેમને જોતા એ સંપૂર્ણ શ્યામ જોવાતા અને આ જ સૌથી મહત્વનું હતું. જ્યારે લોકો આ બધી બાબતે અજાણ હતા ત્યારે તેઓ કૃષ્ણને જોતા, તેમની ચામડીને જોતા, જે ક્યારેય મહત્વનું હતું જ નહિ. તેમના જીવનના તથ્યો કરતા તેમના જીવનનું સત્ય આપણી માટે મહત્વનું છે કારણકે તથ્ય એ આપણા જીવનમાં અસરકારક નથી જ્યારે સત્ય એ આપણા જીવનમાં ખૂબ અસરકારક છે.