આદુ – એક જાદુઈ મસાલો: આદુના ૧૦ ફાયદા
પોતાના ઔષધીય, ઉપચારાત્મક અને પાકશાસ્ત્રીય ગુણધર્મો માટે પ્રખ્યાત આદુ એ ખરા અર્થમાં એક જાદુઈ મસાલો છે. ચાલો આપણે તેના થોડાઘણા ફાયદાઓ વિષે જોઈએ.

આદુ વિશ્વમાં મસાલાઓમાં સૌથી વધારે લેવાતો પાક છે. આદુ કદાચ વિશ્વનું સૌથી બહુપયોગી અને પૂરાવા આધારિત સ્વસ્થ્ય ઉપચારક છે. આ જાદુઈ મસાલાના ૧૦૦થી વધારે આરોગ્ય પરિસ્થિતિઓ પર થતા ફાયદાઓ વિષે ઘણા શોધકાર્યો થયા છે. તેના વપરાશનો લાંબો ઇતિહાસ છે અને તેના અઢળક ફાયદાઓને જોતાં, તે પારંપરિક પ્રાકૃતિક ઉપચારોના ૫૦%થી વધુ હિસ્સો છે.
પ્રાચીન ઉપયોગો
ઇતિહાસની વિગતવાર નોંધણી શરૂ થઈ તે પહેલાથી ભારતમાં અને ચીનમાં આદુ મસાલા તરીકે અને ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેની ખેતી થાય છે. બન્ને દેશોના ચિકિત્સા ગ્રંથોમાં આદુ અને સૂંઠની મસાલા તરીકે અને ઔષધ તરીકે વ્યાપક ચર્ચા કરવામાં આવી છે.
ઇ.સ પૂર્વે ૪થી સદીના ચીની ગ્રંથોમાં આદુને પેટની સમસ્યાઓ, ઉબ્કા, કૉલેરા, દાંતના દુ:ખાવા, રક્ર્સ્રાવ અને સંધિવા માટે ઉપચાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. ચીની પ્રકૃતિક ચિકિત્સકો પણ આદુને કફ અને શરદી સહિત શ્વસનતંત્રને લગતી વિવિધ વ્યાધિઓમાં વાપરે છે. પાંચમી સદીમાં ચીની સૈનિકો આદુના વિટામિન સીનો ઉપયોગ તેમના લાંબા સરફ દરમિયાન વિટામિન સીની ઉણપ વખતે કરતા હતા.
ભારતમાં આયુર્વેદિક ગ્રંથો આદુને ઉપલબ્ધ ઔષધિમાંની સૌથી અગત્યનું ગણવામાં આવે છે. તેઓ આદુનું વર્ણન કરતા એ હદ સુધી કહે છે કે આદુ એકલું જ સંપૂર્ણ ઔષધ છે. આયુર્વેદિક ચિકિત્સકો આદુને, તે પાચકાગ્નિને પ્રદીપ્ત કરતું હોવાથી, ભૂખ વધારતું હોવાથી, શરીરની સૂક્ષ્મ-રુધિરાભિસરણ માર્ગોને સ્વચ્છ કરતું હોવાથી શક્તિશાળી પાચક તરીકે વર્ણવે છે. તે ઇજા પામેલી માંસપેશીઓમાં પોષકતત્ત્વોના ગ્રહણ અને પરિવહન સુધારવામાં મદદ કરે છે. આદુ આયુર્વેદમાં સાંધાના દુ:ખાવા, ઉબ્કા અને પ્રવાસમાં ગતિને કારણે થતી સમસ્યા(મોશન સિકનેસ)માટે ઔષધ તરીકે વાપરવામાં આવે છે.
આટલા બધા આસ્ચર્યજનક ફાયદાઓને લીધે તેનો રસોડામાં અને ચિકિત્સા પ્રણાલીઓમાં હજારો વર્ષોથી બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. વધુમાં, તે નીચે વર્ણવાયેલા આધુનિક રોગો માટે પણ અક્સિર કુદરતી ઉપચાર છે.
આદુના સૌથી વધારે મહત્ત્વપૂર્ણ ૧૦ ફાયદાઓ
મોટું ચિત્ર જોવા માટે અહીં ક્લિક કરો
#૧ લોકપ્રિય પાચક પદાર્થ: જે પેટની વ્યાધિઓ દૂર કરે છે
આદુ પાચક પદાર્થ તરીકે પ્રાચીન સભ્યતાઓમાં હજારો વર્ષોથી વપરાતું આવ્યું છે. તેનો વાતહર ગુણ આંતરડામાં થયેલા વાયુને મુક્ત કરી વાતને કારણે પેટના ફૂલવાથી પણ રોકે છે, જ્યારે તેનો સ્નાયુ ખેંચાઇ ગયો હોય ત્યારે રાહત આપનારો ગુણધર્મ જઠરાંત્રિય સ્નાયુઓને રાહત આપી બગડેલા પેટને સાજું કરે છે.
ખાતા પહેલા મીઠું ભભરાવેલી આદાચીરી ખાવાથી પાચનમાં લાળરસનો પ્રવાહ વધે છે જે પેટની વ્યાધિઓથી બચાવે છે. પેટના ફૂલવાની સમસ્યાને જમ્યા પછી આદુના પીણું પીને નિવારી શકાય છે. જો તમારી પેટની સમસ્યાઓ વધુ ગંભીર હોય તો તમે ફૂડ પોઈઝનિંગના લક્ષણોને દૂર કરવા માટે પણ આદુનો ઉપયોગ કરી શકો છો.
લાંબા ગાળાના અપચાના ઉપચાર માટે, બાળકોના પેટના દુ:ખાવાથી રાહત મેળવવા માટે અને બૅક્ટેરિયાથી થતાં ઝાડાની સારવાર માટે આદુની વારંવાર સલાહ આપવામાં આવે છે.
#૨ ઉબકા-ઊલ્ટી માટે ઉપચારાત્મક: પ્રવાસ દરમિયાન ગતિને કારણે થતી રુગ્ણતા(મોશન સિકનેસ) ઘટાડે છે
આદુ વિવિધ પ્રકારના ઉબ્કા, ઊલ્ટીઓ તેમજ ગર્ભવતી મહિલાઓને થતી ઊલ્ટીઓ, પ્રગાસમાં ગતિને કારણે થતી ઊલ્ટીઓ અને કૅમોથૅરાપીના દર્દીઓને આવતા ઉબ્કાઓ ઘટાડવામાં ઉત્તમ છે.
કૅમોથૅરાપી હેઠળ જતા ૭૦% દર્દીઓ ઊલ્ટી ન આવે તેની દવાઓ આપી હોવા છતાં ઉબ્કા આવતા હોવાની ફરિયાદો કરે છે. પુખ્ત વયના કૅન્સરના દર્દીઓ ઉપર હાલમાં જ કરવામાં આવેલા એક શોધકાર્યમાં જાણવા મળ્યું હતું કે, કૅમોથૅરાપી પહેલા રોજ ૦.૫ થી ૧ ગ્રામ આદુ લેવાથી ૯૧% લોકોના ઉબ્કાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
આદુ વર્ટિગોની બીમારીને કારણે આવતા ચક્કર અને ઉબ્કા ઘટાડવામાં પણ મદદ કરે છે. આ ક્ષેત્રે થયેલું એક શોધકાર્ય કહે છે કે, આદુના ઉપચારાત્મક રસાયણો મગજમાં અને ચેતાતંત્ર ઉપર ઉબ્કા, બેચેની અને અસ્વસ્થતા પર કાબૂ મેળવવા કામ કરે છે.
#૩ સોજા, બળતરાની પીડા મટાડનાર
આદુ ખૂબ જિંજરોલ નામનું અગત્ત્યનું બળતરા અને સોજા વિરિધી ઘટક ધરાવે છે, જે ઘટક સાંધા અને સ્નાયુઓના દુ:ખાવાને દૂર કરવા માટે જવાબદાર છે. જર્નલ ઑફ મૅડિકલ ફૂડમાં પ્રકાશિત થયેલા એક શોધકાર્ય મુજબ આદુ કોષિય સ્તર ઉપર અમુક સોજા અને બળતરા વિરોધી અસર કરે છે. જે એક ડ્રગ રહિત બળતરા અને સોજા વિરિધી ઔષધ છે, જે તેને તીવ્ર અને લાંબાગાળાના એમ બન્ને પ્રકારના રોગો માટે ઉપચારક બનાવે છે.
બીજા અન્ય વૈજ્ઞાનિક અભ્યાસો પણ આદુની સાંધાઓ પર પીડાનાશક અસરકારિતાને, ખાસ કરીને આર્થરાઇટીસ-સંધિવાના શરૂઆતના તબક્કામાં અસરકારિતાને વર્ણવે છે. જૂના સંધિવાથી પીડાતા દર્દીઓએ પણ રોજ આદુ ખાવાથી દુ:ખાવામાં ઘટાડો આવ્યાનું તેમજ ગતિશીલતામાં વધારો થયાનું કહ્યું છે.
હૉન્કોંગમાં થયેલું એક શોધકાર્ય વર્ણવે છે કે, આદુ અને સંતરાવાળા તેલનો ઉપયોગ કરી ઘૂંટણની સમસ્યાઓના દર્દીઓને માલિશ કરવાથી તેમના ટૂંકા ગાળાની અકડતા અને દુ:ખાવામાં ઘટાડો આવે છે.
આદુ કસરત કરવાથી થતા સ્નાયુઓના સોજા અને બળતરા પણ ઘટાડી શકે છે. જ્યોર્જીયાના એક વિશ્વવિદ્યાલયમાં થયેલા એક અભ્યાસ મુજબ, શોધકાર્ય કરનારાઓએ ૧૧ કરતા વધારે દિવસો સુધી ૩૪ અને ૪૦ સ્વયંસેવકોની બે ટુકડીઓ ઉપર કાચા અને પાકા આદુનો પ્રયોગ કર્યો.જર્નલ ઑફ પૅઇનમાં જેના પ્રકાશિત થયેલાં પરિણામોમાં રોજ આદુનો ગોળીઓ લેવાથી કસરત કરવાથી થતા સ્નાયુઓના દુ:ખાવામાં ૨૫% જેટલો ઘટાડો થતો હોવાનું જાણવા મળે છે. .
#૪ પીડાથી મુક્તિ આપનાર: આધાશીશી અને માસિકસ્ત્રાવ દરમિયાન થતું દર્દ મટાડાનાર
અભ્યાસો દર્શાવે છે કે આદુ આધાશીશીના દુ:ખાવા માટે દર્દનાશક બની શકે છે. ઇરાનમાં ફિટોથેરાપી રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા એક શોધકાર્ય મુજબ આદુ આધાશીશી માટે આપવામાં આવતી દવા સમટ્રીપ્ટન જેવી જ શક્તિ ધારાવે છે.
ક્લિનિકમાં કરવામાં આવેલા એક પરીક્ષણમાં, આધાશીશીના ૧૦૦ દર્દીઓને સમટ્રીપ્ટન અથવા સૂંઠ લેવા માટે પસંદ કરવામાં આવ્યા. શોધકર્તાઓએ નોંધ્યું કે બેયની અસરકારિતા એક જેવી જ હતી જ્યારે સૂંઠની આડઅસરો સમટ્રીપ્ટન કરતા ઓછી હતી – જે તેને આધાશીશી માટે વધુ સુરક્ષિત દવા બનાવે છે.
આદુ પ્રોસ્ટેગ્લૅન્ડિંગ નામના અંત:સ્ત્રાવને અવરોધીને, જે સ્નાયુઓના સંકોચનને ઉદ્દેપ્ત કરી છે, રક્તવાહિકાઓમાં સોજો કાબૂમાં રાખે છે અને અમુક અમુક જાતીય અંત:સ્ત્રાવો પર અસર કરીને આધાશીશીને સાજી કરવામાં મદદ કરે છે. આધાશીશીના દુ:ખાવાની શરૂઆતમાં અસહ્ય પીડાને રોકવા માટે આદુની ચા પીવાથી તે પ્રોસ્ટેગ્લૅન્ડિંગને અટલાવી દે છે અને ઉબ્કાઓ અને ચક્કર આવતા બંધ થઈ જાય છે.
આદુ સ્ત્રીઓને તેમના ડિસેમૉનોરિયા નામના પીડાદાયક માસિકસ્ત્રાવની પીડા ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. એક અભ્યાસમાં ૭૦ સ્ત્રીઓને ૨ ભાગમાં વહેંચીને એક ભાગને આદુની ગોળીઓ આપવામાં આવી હતી અને બીજા ભાગને પ્લેસ્બો દવા આપવામાં આવી હતી – બન્નેને તેમના માસિકસ્ત્રાવના પહેલા ત્રણ દિવસો દરમિયાન આપવામાં આવી હતી. શોધકર્તાઓએ નોંધ્યું કે આદુની ગોળીઓ લેતી ૮૨.૮૫% સ્ત્રીઓને દુ:ખાવામાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે પ્લેસ્બો લેનારી માત્ર ૪૭.૦૫% સ્ત્રીઓને દુ:ખાવામાં રાહત મળી.
ઘણી સંસ્કૃતિઓ આદુના તાજા રસને બળેલાની સારવાર માટે ચામડી ઉપર લગાડે છે તેમજ આદુના તેલનો દેસી ઉપાય સાંધા અને પીઠના દુ:ખાવાની સારવાર માટે ખૂબ અસરકારક છે.
#૫ મગજની ગાંઠ દૂર કરનાર: કૅન્સરના કોષોને મારનાર
આધુનિક શોધકાર્યો આજકાલ આદુમાં વિવિધ પ્રકારના કૅન્સરના ઉપચારક હોઈ શકવાની સંભાવના જોઈ રહ્યા છે તેમજ તેઓએ અમુક ખાત્રીપૂર્વકના ઇલાજો ઉપર આવ્યા હોવાનું પણ કહે છે.
યુનિવર્સિટિ ઑફ મિશિગન કૉમ્પ્રીહેંસિવ કૅન્સરના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, આદુ માત્ર અંડાશય કૅન્સર જ કોષોને નથી મારતું પણ તેમને કૅમોથૅરાપી સામે બળવાન બનતા પણ અટકાવે છે – જે અંડાશયના કૅન્સરમાં એક સામાન્ય સમસ્યા છે.
એક અભ્યાસમાં શોધકર્તાઓએ સૂંઠ અને પાણીમાંથી બનાવેલો ઘોળ અંડાશયના કૅન્સરવાળા કોષો ઉપર લગાડ્યો. દરેકેદરેક પરીક્ષણમાં તેઓને જોવા મળ્યું કે જ્યારે કૅન્સરયુક્ત કોષો સૂંઠવાળા ઘોળના સંપર્કમાં આવતાં જ મરી જાય છે. દરેક કૅન્સરયુક્ત કોષ ક્યાં તો આત્મહત્યા કરી લે છે જેને મૅડિકલ પરિભાષામાં ઍપૉપ્ટોસિસકહેવામાં આવે છે, અથવા એકબીજા પર હુમલો કરીને મારી નાખે છે, જેને ઑટોફેજી કહેવામાં આવે છે..
તે જ રીતે આદુ સ્તનના કૅન્સર(બ્રેસ્ટ કૅન્સર), પૌરુષગ્રંથિના કૅન્સર(પ્રોસ્ટેડ કૅન્સર) અને આંતરડાના કૅન્સર માટે અસરકારક છે.
જર્નલ ઑફ બાયોમૅડિસિન ઍન્ડ બાયોટૅક્નોલૉજીમાં પ્રકાશિત એક શોધકાર્ય અનુસાર આદુના છોડના રસાયણોએ સાદા કોષોને અસર કર્યા વિના સ્તન કૅન્સરના કોષોને પ્રસરતા રોકી દીધાં. આ ગુણને સિલૅક્ટિવ સાયટોટોક્સિટિ કહેવામાં આવે છે, જે ખૂબ નોંધપાત્ર છે કારણ કે, તે બાકીની પદ્ધતિઓમાં જેવા નથી મળતું તેમજ અનેક ટ્યુમરની ગાંઠોએ કૅમોથૅરાપી સારવારમાં સારો પ્રતિસાદ આપ્યો જ્યારે સ્તન કૅન્સરના કોષો વધુ અઘરા હોઈ શકે છે. તેઓ સારવાર સામે ટકી રહેવા અને પ્રતિકાર કરવાનું વલણ ધરાવે છે.
આદુ જેવા પ્રાકૃતિક ઇલાજોનો ઉપયોગ સુરક્ષિત છે અને સ્તન કૅન્સરના કોષોને વિકાસતા અટકાવે છે. આદુની ગોળીઓના ઉપયોગના બીજા ફાયદાઓ છે, તેના વડે તેની આડઅસરો ઘટાડી શકાય છે અને તે કન્વૅન્શનલ ડ્રગનો ઓછો ખર્ચાળ વિકલ્પ છે.
૨૦૧૧માં જ્યોર્જીયા સ્ટેટ યુનિવર્સિટિનો આદુના પ્રોસ્ટેટગ્રંથીના કૅન્સર ઉપર થયેલા એક અભ્યાસમાં, આદુના ગાંઠપ્રતિરોઘક, સોજા-બળતરા પ્રતિરોધક અને ઍન્ટીઑક્સિડંટ ગુણધર્મો છતાં થાય છે. તેના બ્રિટિશ જર્નલ ઑફ ન્યુટ્રીશ્યનમાં પ્રકાશિત થયેલા પરિણામોમાં જાણવા મળ્યું હતું કે આદુનો અર્ક પ્રોસ્ટેટ ગ્રંથીમાં કોઈ પણ પ્રકારના સ્વસ્થ કોષને નુક્સાન પહોંચાડ્યા વિના કૅન્સરના કોષોને મારે છે.
આધુનિક વિજ્ઞાનના પૂરાવાઓ દર્શાવે છે કે, આદુ આંતરડાની બળતરાને અટકાવીને આંતરડાના કૅન્સર સામે રક્ષણ આપે છે. મિશિગન યોનિવર્સિટિના એક અભ્યાસમાં શોધકર્તાઓએ ૨ ગ્રામ આદુના સત્ત્વને અથવા પ્લેસેબોને ૩૦ દર્દીઓને ૨૮ દિવસ સુધી આપ્યા. ૨૮ દિવસ પછી શોધકર્તાઓએ જે લોકો આદુની ગોળીઓ લેતાં હતાં તેમની બળતરાઓમાં નોંધપાત્ર ઘટાડો જોયો. જે આદુને આંતરડાના કૅન્સરનું જોખમ હોય તેમને એક અસરકારક પાકૃતિક સંરક્ષક સાબિત કરે છે.
આદુના ઘટકો બીજા પ્રકારના કૅન્સરો જેવા કે, ગુદામર્ગનું કૅન્સર, યકૃતનું કૅન્સર, ફેફસાનું કૅન્સર, મૅલાનોમા કૅન્સર અને સ્વાદુપિંડનું કૅન્સર રોકતા હોવાના પણ અભ્યાસો થયા છે.
#૬ મધુપ્રમેહ(ડાયાબિટિસ) દૂર કરનાર: બ્લડ શુગર ઘટાડનાર અને વધુ માત્રામાં ઇન્સ્યુલિન છોડનાર
ડાયાબિટિસના કિસ્સામાં અભ્યાસો દર્શાવે છે કે, આદુ ડાયાબિટિસ સામે સંરક્ષણ અને ઉપચાર બન્નેમાં અસરકારક છે.
ઑસ્ટ્રૅલિયાની યુનિવર્સિટિ ઑફ સિડનીમાં થયેલા અભ્યાસમાં આદુ બે પ્રકારના મધુપ્રમેહ ધરાવનાર લોકોમાં ગ્લાયસેમિક કંટ્રોલ(ખોરાકને લીધે લોહીમાં વધતા શર્કરાના પ્રમાણ)ને કરવામાં અસરકારક છે. પ્લાંટા મૅડિકા જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ આદુનો અર્ક ઇંસ્યુલિન લીધા વિના સ્નાયુઓમાં ગ્લુકોઝની માત્રા વધારી શકે છે તેમ દર્શાવે છે, તેથી તે લોહીમાં વધુ પડતી શર્કરાના વહીવટ માટે મદદરૂપ છે.
અન્ય એક ક્લિનિક પરીક્ષણ મુજબ ડાયાબિટિસના દર્દીઓ, જેમણે ૩૦ દિવસ સુધી સૂંઠ ખાધું, તેઓને લોહીમાં ગ્લુકોઝ, ટ્રાયગ્લિસરાઈડ અને એલ.ડી.એલ કોલૅસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું.
આમ, આદુ ઇંસ્યુલિન મુક્ત કરીને અને સંવેદનશીલતાને વધારીને, કર્બોદિત પદાર્થોના ચયાપચયમાં ઉત્સેચકોને અટકાવીને લિપિડ પ્રોફાઇલમાં સુધારો કરીને ડાયાબિટિસ ઉપર કામ કરે છે. આદુનો ગ્લાયસેમિક ઇંડેક્સ – જી.આઈ પણ ખૂબ નીચો છે(તેમાં કર્બોદિત પદાર્થોની માત્રા ખૂબ ઓછી છે), જેનો અર્થ એ છે કે તેનું વિઘટન થઈને તેમાંથી ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે અને તેથી જ તે ઉચ્ચ જી.આઇ ખોરાકોની જેમ લોહીની શર્કરામાં વધારો નથી કરતું.
બીજા અનેક અભ્યાસો પણ કહે છે કે, આદુમાં ડાયાબિટિસનો પ્રતિકાર કરવાનો ગુણધર્મ રહેલો છે. આદુ ડાયાબિટિસના દર્દીઓના યકૃત, મૂત્રપિંડ અને ચેતાતંત્રને સંરક્ષણ પૂરું પાડે છે તેમજ મોતિયાનું જોખમ ઘટાડે છે.
#૭ હૃદયને સાજું કરનાર: હૃદય તથા રક્તવાહિકાઓ સંબંધી અનેક પ્રકાની સ્થિતિઓ માટે ઉપચારકર્તા
બહોળા પ્રમાણમાં પોટૅશિયમ, મેગ્નૅશિયમ અને ઝિંક ધરાવતું આદુ તેની સોજા-બળતરા વિરોધી ગુણધર્મો માટે પ્રખ્યાત છે, વર્ષોથી આદુ હૃદયરોગની સારવાર માટે વપરાતું આવ્યું છે.
ચીની દવાઓમાં આદુના ઉપચારક ગુણધર્મોને હૃદયને મજબૂત કરનાર કહેવામાં આવ્યું છે તેમજ આદુના તેલને હૃદયરોગની સારવાર માટે વાપરવું ખૂબ સામાન્ય હતું.
આધુનિક અભ્યાસો દર્શાવે છે કે, આદુના ઘટકો કોલૅસ્ટ્રોલ ઘટાડવામાં, લોહીનું દબાણ સામાન્ય રાખવામાં, લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદરૂપ છે તેમજ ધમનીઓના બ્લૉક થઈ જવા અને લોહીના ગંઠાવા સામે સક્ષણ આપે છે – આ બધું હાર્ટઍએટૅક અને સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદરૂપ નીવડે છે.
#8 સ્વસન તંત્રને લગતી વ્યાધિઓમાં રાહત આપનાર: દમના રોગમાં પ્રભાવી
આદુના ઘટકોએ શ્વસનતંત્રને લગતી સમસ્યાઓને સાજી કરવા માટે પણ સારા પરિણામો આપ્યા છે અને શોધકાર્યો જણાવે છે કે, એ દમના દર્દીઓ માટે ખાત્રીની સારવાર છે. દમ એ લાંબાગાળાની બીમારી છે જે ફેફસાના સ્નાયુઓની વાહિકાઓમાં સોજો આવવાથી અને વિભિન્ન પદાર્થો જે ચૂંક આપે છે તેમના સંપર્કમાં આવવાથી થાય છે.
અમેરિકન જર્નલ ઑફ રેસ્પિરૅટરી સેલ ઍન્ડ મૉલેક્યુલર બાયોલૉજીમાં પ્રકાશિત થયેલું એક શોધકાર્ય દર્શાવે છે કે, આદુ દમને સાજો કરવામાં બે રીતે મદદરૂપ છે: પહેલું, વાયુમાર્ગની માંસપેશીઓને સંકુચિત કરનારા દ્રવ્યોને અટકાવીને અને બીજું, અલગ પ્રકારનું દ્રવ્ય ઉત્પન્ન કરીને જે વાયુમાર્ગને રાહત આપવા માટે મદદરૂપ છે.
આદુ તેની ઍન્ટી-ઑક્સિડંટ, સોજા-બળતરાવિરોધી અને પીડાનાશક ઘટકોને કારણે કારગર છે, જે સ્ટીરોઇડ વિનાની સોજાવિરોધી દવાઓ જેવા જ ગુણધર્મો ધરાવે છે અને તે પણ કોઈ આડઅસરો વિના. જ્યારે અસ્થમા એક જીવલેણ રોગ હોઈ શકે છે, ત્યારે અસ્થમાની સારવાર માટે વપરાતી કેટલીક દવાઓ પરેશાન કરતી આડઅસર પણ થઈ શકે છે. તેથી, આદુ જેવા વૈકલ્પિક, સલામત ઉપાયો શોધવા એ આ રોગની સારવારમાં આશાસ્પદ શોધ છે.
#૯ રોગપ્રતિકારકશક્તિ વધારનાર: શરદી અને કફ મટાડનાર
આદુ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ખૂબ મહત્ત્વનું છે, તાવ અને શરદીના સમયે ખૂબ સારો ઉપચાર છે તેમજ તે શ્વસન તંત્રના ઉપલા ભાગોને લાગતા ચેપ ઉપર પણ કારગર હોવાથી તે ઉધરસ, ગળાનો દુ:ખાવો અને બ્રોંકાઈટીસ્ટ મટાડવા માટે ઉપયોગી છે.
આદુ શરીરના સૂક્ષ્મ રૂધિરાભિસરણ માર્ગોને શુદ્ધ કરે છે જેમાં શરદી દરમિયાન થતા પેસ્કી સાઈનસનો પણ સમાવેશ થાય છે.આદુના રસને લીંબુ અને મધ સાથે લેવાથી તાવ અને શરદી માટે ઔષધ છે જેને પેઢીદર પેઢી પૂર્વ અને પશ્ચિમ બન્ને જગ્યાઓએ ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
આદુમાં ઉષ્ણતા વધારવાનો ગુણધર્મ પણ રહેલો છે, જે શરીરને તાવ દરમિયાન ફૂંફાળું રાખે છે તેમજ સૌથી અગત્યનું તે હેલ્દી સ્વૅટિંગ(સ્વસ્થ રીતે થતા પરસેવાને હેલ્દી સ્વૅટિંગ કહે છે)માં પણ મદદરૂપ છે. આ પ્રકારનો પરસેવો થવાથી શરીરને વિષમુક્ત કરવામાં અને શરદીના લક્ષણો ઘટાડવા માટે મદદરૂપ છે તેમજ બેક્ટૅરિયા અને ફૂગને કારણે લાગતા ચેપ સામે પણ લડે છે.
તે ઇ.કોલી જેવા બેક્ટૅરિયા અને કૅન્ડિડા આલ્બિકંસ જેવી ફૂગ સામે રક્ષણ પૂરું પાડે છે.
અને સૌથી શ્રેષ્ઠ, આદુમાં એવા સંકેન્દ્રિત પદાર્થો છે જે સક્રિય છે અને શરીર દ્વારા સરળતાથી શોષાય જાય છે, જેથી તમારે તેનો ફાયદો મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર પડતી નથી.
#૧૦ શક્તિશાળી ઍન્ટીઑક્સિડંટ: ડી.એન.એ ક્ષતિને ધીમી પાડનાર
વિશ્વભરમાં થયેલા અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, આદુમાં ખૂબ જ શક્તિશાળી ઍન્ટી-ઑક્સિડંટ રહેલા હોય છે જે લિપિડ પપૅરોક્સિડૅશન અને ડી.એન.એને થતા નુક્સાનથી બચાવે છે.
ઍન્ટી-ઑક્સિડંટ ખૂબ જ મહત્ત્વના છે કારણ કે, તે એકકોષીય જીવો સામે રક્ષણ પૂરું પાડે છે, જે ઉંમર વધવા, કૅન્સર, હૃદયરોગ, મધુપ્રમેહ, દમ, અલ્ઝાઈમરને કારણે થતી વિવિધ પ્રકારની ડી.એન.એને ક્ષતિ પહોંચાડનારી સમસ્યાઓને ઘટાડવા માટે ઉપયોગી છે.
જ્યારે બધા જ મસાલાઓ શક્તિશાળી ઍન્ટી-ઑક્સિડંટ તરીકે પ્રખ્યાત છે ત્યારે આદુ તે બધામાં મોખરે છે. તે ૨૫ પ્રકારના વિભિન્ન આગવા ઍન્ટી-ઑક્સિડંટ ધરાવે છે. તેથી આદુ વડે શરીરના અલગ ભાગોમાં એકકોષીય જીવો સામે લડવામાં ખૂબ સહાય મળે છે.
આદુના ઘટકો
આદુ હળદર, એલચી અને ગલંગલ(જે એક પ્રકારનું આદુ છે) સાથે ખૂબ નજીકનો સંબંધ ધરાવે છે. બીજા છોડની માફક, આદુમાં સંયોજનોનું ખૂબ જટિલ મિશ્રણ રહેલું હોય છે જેમાં બીટા-કૅરોટીન, કૅપ્સેસીન, કૅફિક ઍસિડ અને કર્ક્યુમિન જેવા સેંકડો ઘટકો રહેલા છે.
આદુની તીક્ષ્ણતા જિંજરૉલ, શૉગોલ અને ઝિંગરૉન નામના ઘટકોને કારણે હોય છે.
જિંજરૉલ તાજા આદુમાં રહેલું સક્રિય ઘટક છે અને તે મરચા અને મરીમાં મળી આવતા સક્રિય ઘટક કૅપ્સેસિન સાથે સંકળાયેલું છે. ઝિંગરૉન – તીખાશ માટે સૌથી મંદ સંયોજન છે –જે જિંજરૉલને સાંધવાથી પેદા થાય છે, જ્યારે શૉગોલ – જે બમણું તીખું છે – તે જિંજરૉલના સૂકાવાથી પેદા થાય છે.
તેનું મૂળ અને વેપારી માર્ગો
મોટું ચિત્ર જોવા માટે અહીં ક્લિક કરો
આદુ દક્ષિણ એશિયાના ઉષ્ણકટિબંધીય જંગલોમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. જેના મૂળ ભારતીય ઉપમહાદ્વિપની પેદાવાર હોવાનું માનવામાં આવે છે. ભારતમાં ઉગવવામાં આવતા આદુમાં સૌથી વધારે વૈવિદ્યતા રહેલી છે, જે સૂચવે છે કે, તે પ્રદેશમાં આદુ સૌથી વધુ વિકસિત થયું છે.
આદુ એશિયામાંથી ઇ.પૂર્વે ૧લી સદીમાં મસાલાઓના વેપારના માર્ગે નિકાસ પામ્યું હતું. અરબ વેપારીઓને કારણે તેણે ૨૦૦૦ વર્ષો પહેલા ભૂમધ્ય દેશોમાં દેશોમાં દેખાદીધી હતી, આ વેપારીઓ તેને રાતો સમુદ્ર પાર કરી અરબના દેશોમાં લાવ્યા, જ્યાં તે ગ્રીક અને રોમન લોકોને વેચવામાં આવતું.
પ્રાચીન રોમના અભિલેખો દર્શાવે છે કે, ઍલેક્ઝેંડ્રિયામાં આયાત પામેલા આદુ પર કર લાગતો હતો . રોમના પડી ભાંગવાથી ૧૧મી સદી સુધી આદુ અને તેના ઉપયોગો મોટેભાગના યુરોપ માટે ૧૧મી સદી સુધી અપ્રાપ્ય રહ્યા. તે માત્ર તેના ઔષધિય ગુણધર્મો માટે જ નહિ પરંતુ તેના વ્યાપારિક મૂલ્ય માટે પણ વાંછનીય હતું.
ઇ.સ. ૧૧૨૮ સુધીમાં, માર્સેલિસે આદુની આયાત ઉપર શુલ્ક લેવાનું શરૂ કર્યું અને પછી ૧૨૯૬માં પૅરિસમાં પણ તે જ થયું. ૧૩મી અને ૧૪મી સદીઓમાં આદુએ યુરોપ જવાનો રસ્તો શોધી નાખ્યો હતો અને કાળા મરી પછી ત્યાંનો સૌથી લોકપ્રિય મસાલો બની ચૂક્યું હતું.
મધ્યયુગ સુધીમાં, મીઠાઇઓમાં ઉપયોગમાં લેવા માટે આદુ પ્રીઝર્વ્ડ(લાંબા સમય સુધી સાચવી શકાય તેવા) રૂપમાં આયાત થવા લાગ્યું. ઇંગ્લૅન્ડની રાણી ઍલિઝાબેથ પ્રથમ મસાલાઓના ખૂબ શોખીન હોવાનું કહેવાય છે અને તેમની અધિકૃત વાનગી જિંજરબ્રેડ(સૂંઠવાળી કૅક) આજે યુરોપ અને ઉત્તર અમેરિકામાં નાતલ પર્વ ઉપર પારંપરિક છે.
આ ઔષધિ યુરોપથી સ્પૅનિશ વિજેતાઓ સાથે નવા વિશ્વમાં ગઈ અને પછી, પશ્ચિમ યુરોપીય વસાહતીઓ સાથે તે અમેરિકા પહોંચી.
આજના સમયમાં આદુનું ઉત્પાદન
આજે, આદુ દુનિયાના ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉગવવામાં આવે છે અને બાકીના વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે.
ભારત આદુનું સૌથી મોટું ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકર્તા છે, ચીન તેની ખૂન નજીક છે, તેની પછી બાકીના એશિયાઈ દેશો જેવા કે, નેપાળ, જાપન અને થાઇલૅન્ડ આવે છે.
કૅરેબિયાના ટાપુઓ આદુના ઉત્પાદન માટે જાણીતા છે, ખાસ કરીને જમાઇકા, જ્યાંના આદુની પ્રજાતિ ભારતીય પ્રજાતિ સાથે ખૂબ સામ્યતા ધરાવે છે.
દક્ષિણ અમેરિકાના દેશો જેવા કે, બ્રાઝિલ અને આફ્રિકાના દેશો જેવા કે નાઇજીરિયા અને સિરિયા લિઅઉન પણ આ ઔષધિની ખેતી કરે છે તેમજ ઑસ્ટ્રેલિયા અને ફિજિ પણ, જ્યાં તેમની નાનાપાયે ખેતી થાય છે
અમુક નોંધપાત્ર બાબતો
- બે વર્ષથી નાનના બાળકોને આદુ આપવું જોઈએ નહિ
- સામાન્ય રીતે, પુખ્ત વયના લોકોએ રોજના ૪ ગ્રામ કરતા વધુ આદુનું સેવન કરવું જોઈએ નહિ, રસોઈમાં વપરાતા આદુ સાથે
- ગર્ભવતી મહિલાઓએ રોજના ૧ ગ્રામ કરતા વધુ આદુ ખાવું જોઈએ નહિ
- તમે આદુ કે સૂંઠનો ઉપયોગ કરીને જિંજર ટી બનાવી શકો છો અને તેને દિવસમાં બેથી ત્રણ વખત પી શકો છો
- સોજા ઘટાડવા તમે આદુના તેલનું સોજાવાળા ભાગ ઉપર દિવસમાં અમુક વાર માલિશ કરી શકો છો
- કહેવામાં આવે છે કે બીજા કોઈ પણ રૂપ કરતા આદુની ગોળીઓ વધુ ફાયદાકારક હોય છે
- આદુને લોહી પાતળું કરનાર દવાઓ સહિતની અન્ય દવાઓ સાથે મેળવીને પણ લઈ શકાય છે
- આદુનો ડોઝ લેતા પહેલા તેના અમુક ચોક્કસ મદ્દાઓ અને સંભવિત આડઅસરો વિષે ડૉક્ટર સાથે ચર્ચા કરો
આદુની ત્રણ ઉપચારાત્મક વાનગીઓ
#૧ આદુના પીણાઓ
રસ #૧: લોહી શુદ્ધિકરણમાં મદદરૂપ
- આદુને છીણીને તેનો રસ નીચવો. આ રસને એક કાચના વાસણમાં ૧૫ મિનિટ સુધી રહેવા દો.
- તળિયે બેસી ગયેલું દ્રવ્ય રહેવા દો અને સ્વચ્છ રસને ફ્રીજમાં ૫-૬ દિવસ રાખો.
- ૨ ચમચી આદુના રસને ૨ ચમચી મધ સાથે ભેળવો અને દરરોજ સવારે ભૂખ્યા પેટે ખાઓ.
- એ દર ૬ મહિનામાં એકસાથે ૪૮ દિવસ સુધી ખાઈ શકાય છે.
રસ #2: પાચનમાં મદદરૂપ
- તાજા આદુને ધોઈને તેની છાલ કાઢો
- આદુને નાના ટુકડાઓમાં સમારો અને તેને એક મોટા મોઢાના કાચના વાસણમાં મધમાં પલાળો
- વાસણને એક પાતળા, સફેદ, સુતરાઉ કપડા વડે ઢાંકો અને તેને ૧૨ દિવસ માટે તડકે મૂકો
- દરરોજ સવારે અને સાંજે ૨-૪ ટુકડાઓ ખાઓ અને કોઈ પણ પ્રકારની પાચનની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવો
રસ #3: તાવનું જોખમ ઘટાડે છે
- ચાર ચમચી આદુનો રસ, ૪ ચમચી મધ અને ૨ ચમચી લીંબુના રસને એક કપ હૂંફાળા પાણીમાં મેળવીને લો. આ તમારા તાવના જોખમને ઘટાડવા માટે ઉત્તમ ઔષધિ છે..
#૨ આદુ-લીંબુની ચા
આ સ્વાસ્થ્યવર્ધક ચા તમને કોઈ પણ પ્રકારની કૅફિનની આડઅસર વિના તરોતાજા અને સ્ફૂર્તિલા અનુભવ કરાવશે.
- તપેલીમાં ૪.૫ કપ પાણી ઉકાળવા મૂકો
- પાણી ઉકળે છે ત્યાં સુધી ૨-ઈંચ તાજા આદુના ટુકડાને ૨૫-૩૦ તુલસીના પાંદડાઓ સાથે વાટો
- વાટેલા મિશ્રણને ઉકળતા પાણીમાં ઉમેરો, તેમાં ૨ ચમચી સૂકા ધાણા નાખી શકાય છે
- ૨-૩ મિનિટ સુધી ઉકાળો
- ચાને કપમાં કાઢી એક ચમચી લીંબુના રસ અને તેમાં સ્વાદાનુસાર ગોળ ઉમેરો. ચા ગરમાગરમ પીરસો!
#૩ તરબૂચ-આદુ-ફૂદીનાવાળું પીણું
અહીં પ્રસ્તુત છે આદુ, મધ અને તરબૂચની ઠંડક આપનારી એક વાનગી, જે ઉનાળાના મહિનાઓ દરમિયાન વરદાનરૂપ નીવડી શકે છે.
સામગ્રીઓ:
- ૧/૪ તરબૂચ
- ૧-ઈંચ આદુનો ટુકડો
- ૧/૪ સપ તાજા ફૂદીનાના પાન
- સ્વાદાનુસાર મીઠું
- સ્વાદાનુસાર મરીનો ભૂકો
- ૩ ચમચી મધ
પદ્ધતિ:
- તરબૂચને છોલી, બીયા કાઢી સમારો
- તરબૂચના ટુકડાઓને મિક્સર જારમાં નાખો
- આદુ છોલીને છૂંદીને તેને મિક્સર જારમાં નાખો
- ફૂદીનાના પાંદડા, મીઠું, મરીનો ભૂકો અને મધ નાખો
- બધું એકરસ થાય ત્યાં સુધી મિક્સર ફેરવો અને પછી ગળણી વડે ગાળો
- રસને ગ્લાસમાં કાઢી પીરસો