સદ્‍ગુરુ: ભારતમાં સામાન્ય રીતે કોઈ ખાંભી અથવા અંતિમ સંસ્કાર કરેલા સ્થાને બનેલા સ્મારક કે સ્મૃતિચિન્હને સમાધિ કહેવામાં આવે છે. જ્યારે કોઈ સ્થળે કોઈ વ્યક્તિની અંતિમ વિધિ કરીને તેને દાટી તેના ઉપર કોઈ સ્મારક બનાવવામાં આવે તો તેને લોકો તેને સમાધિ કહેતા હોય છે. પણ, કોઈ વ્યક્તિ પામી શકે તેવી, માનવીય ચેતનાની પરમ્ અવસ્થાને પણ સમાધિ કહે છે.   

જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય અને તેને અંતિમ વિધિ કરીને દાટવામાં આવે તો એ સ્થળને તે વ્યક્તિનું નામ આપવામાં આવે છે. પણ, કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સ્થળે એક ખાસ અવસ્થા પામે તો એ સ્થળનું નામ તે વ્યક્તિને આપવામાં આવે છે. આ જ કારણે અનેક યોગીઓ કોઈ સ્થળના નામથી ઓળખાય છે. આવી રીતે જ શ્રી પલ્લનિ  સ્વામીને નામ મળ્યું કારણ કે તેઓ પલ્લની નામના ગામે સમાધિની અવસ્થામાં બેઠેલા હતા. તેઓ કોઈ દિવસ પોતાનો પરિચય આપતા ન હતા તો લોકો તેમને પલ્લની સ્વામી કહેતા. તેઓ પોતાનું નામ પણ કોઈને જણાવતા નહીં કારણ કે તેઓ નામ સાથે લઈને ફરતા ના હતા. બસ, એ ગામમાં તેઓ સમાધિની અવસ્થામાં પહોંચી ગયા તેથી એમનું નામ જ પલ્લની સ્વામી પડી ગયું. ઘણાં ઋષિઓ અને યોગીઓના નામો આ રીતે જ પડ્યા છે.

સમાધિ શું છે?

લોકો સમાધિ શબ્દ મોટા પાયે ખોટી રીતે સમજ્યા છે. લોકો સમાધિને કંઈક મૃત્યુ જેવી પરિસ્થિતિ સમજે છે. પણ, સમાધિનો શાબ્દિક અર્થ છે સમ અને ઘી - સમનો અર્થ થાય સમતા અને ઘી એટલે બુદ્ધિ. જો તમે બુદ્ધિની સમતાની અવસ્થામાં પહોંચી જાઓ તો એ જ સમાધિ છે.

સમાધિનો શાબ્દિક અર્થ છે સમ અને ઘી. સમનો અર્થ થાય સમતા અને ઘી નો અર્થ થાય બુદ્ધિ. જો તમે બુદ્ધિની સમતાની અવસ્થામાં આવી જાઓ તો એ છે સમાધિ.

બુદ્ધિનું મૂળ કામ ફરક કરવાનું છે - તમે એક વ્યક્તિ અને એક ઝાડ વચ્ચે ફરક કરી શકો છો કારણ કે તમારી બુદ્ધિ કામ કરી રહી છે. જીવવા માટે, ટકી રહેવા માટે ફરક કરવાનો ગુણ ખૂબ જ મહત્વનો છે. જો તમારે એક પથ્થર તોડવો હોય તો તમારે પથ્થર અને આંગળી વચ્ચે ફરક સમજવો પડે નહિતર તમે તમારી આંગળી જ ભાંગી નાખશો. ફરક કરવાનો ગુણ એક એવું સાધન છે જે સ્વબચાવની વૃત્તિ, જે શરીરની દરેક કોષિકામાં રહેલી છે, તેના માટે જરૂરી અને ઉપયોગી છે.

જો તમે બુદ્ધિથી આગળ જતાં રહો તો સમતા ધરાવતાથઈ જશો. એનો અર્થ એવો નથી કે તમે ફરક કરવાની યોગ્યતા ગુમાવી દો છો. તમે જો ફરક કરવાની બુદ્ધિ ગુમાવી દો તો ગાંડા થઈ જશો. સમાધિની અવસ્થામાં તમારી ફરક કરવાની બુદ્ધિ તો એકદમ ચોક્કસ હોય છે પણ તમે તેનાથી પાર જતા રહો છો. તમે ફરક કરતા નથી - તમે બસ અહીં છો, જીવનને તેના સાચા અર્થમાં જોઈ રહ્યા છો. જે ક્ષણે તમે બુદ્ધિને છોડી દો અથવા તેનાથી પાર જતા રહો, ફરક કરવાની વાત જ રહેતી નથી.

બધું જ એક થઈ જાય છે અને આ જ વાસ્તવિકતા છે. આ પ્રકારની અવસ્થા તમને અસ્તિત્વની એકરૂપતાનો અનુભવ કરાવે છે, જે બધી જ વસ્તુઓનું એકીકરણ છે, બધામાં એક્ત્વ છે.

આઘ્યાત્મિકતાનો આખો હેતુ જ ફરક કરવાના ભાવ અને સ્વબચાવની વૃત્તિને પાર જતા રહેવાનો છે, જેની જરૂર ફક્ત જીવનની ભૌતિકતા માટે છે. સમાધિ તો સમતાની અવસ્થા છે જેમાં બુદ્ધિ એના ફરક કરવાના સામાન્ય કામથી આગળ જતી રહે છે. જેથી વ્યક્તિ એના ભૌતિક શરીરની પકડથી ઢીલો પડે છે. ‘તમે જે છો’ અને ‘તમારું શરીર’, આ બન્ને વચ્ચે એક અંતર ઉભું થાય છે.

આ અવસ્થામાં સમય અને સ્થાન છે જ નહીં. સમય અને સ્થાન તમારા મને બનાવેલી બાબતો છે. જ્યારે તમે મનની મર્યાદાઓથી આગળ જતાં રહો છો તો સમય અને સ્થાન તમારા માટે રહેતા નથી. જે અહીં છે, એ જ ત્યાં છે. જે અત્યારે છે તે જ ત્યારે છે તમારા માટે કોઈ ભૂતકાળ કે ભવિષ્યકાળ રહેતો નથી. બધું જ અહીં છે, આ જ ક્ષણ માં. તમને લાગે કે કોઈ ત્રણ દિવસથી સમાધિમાં છે પણ એના માટે તો તે જૂજ ક્ષણો હતી - તેના માટે તો આ તે જ રીતે જાય છે. તેઓ “જે છે” અને “જે નથી” તેની દ્વૈતતાથી આગળ જતાં રહ્યાં છે. તેમણે મર્યાદાઓ વટાવી લીધી છે અને ‘જે નથી’ તેનો સ્વાદ લઇ લીધો છે, તે જેનો રૂપ, આકાર, જેનાં ગુણો નથી, કાંઈ જ નહિ.

આખું અસ્તિત્વ, સૃષ્ટિરચનાના ઘણાં આકારો, ત્યાં સુધી જ હાજર હોય છે જ્યાં સુધી બુદ્ધિ છે. જે ક્ષણે તમે તમારી બુદ્ધિનું વિસર્જન કરી દો છો, બધું જ એક થઈ જાય છે.

‘એ જે નથી’

અસ્તિત્વ ‘જે છે’ અને ‘જે નથી’ તે બંનેનું બનેલું છે. ‘એ જે છે’ તેનું રૂપ હોય છે, તેનો આકાર હોય છે, તેનાં ગુણ હોય છે, તેની સુંદરતા હોય છે. ‘જે નથી’ તેમાં આ બધું કાંઈ જ નથી હોતું પણ એ મુક્ત હોય છે. કોઈ કોઈ જગ્યાએ એ ‘જે નથી’ એ ‘જે છે’માં ઉછાળો મારી દે છે અને એ ‘જે છે’ જેમ જેમ વધુ જાગૃત બને છે તેમ એ ‘જે નથી’ તે બનવાની ઇચ્છા ધરાવશે. વ્યક્તિ એ ‘જે છે’ ના રૂપ, સુંદરતા અને ગુણોનો એ આનંદ લે છે પણ પૂર્ણ મુક્તિની અવસ્થામાં પહોંચવાની ઇચ્છા અનિવાર્ય અને અટલ છે. ફક્ત સમયનો જ પ્રશ્ન છે અને સમય અને સ્થાનના બંધનો તો એ ‘જે છે’ના આભાસ જ છે. એ ‘જે નથી’ તે સમય અને સ્થાનના બોધની પાર છે કારણ કે તે અસીમિત અને સનાતન છે તેથી તે સમય અને સ્થાનની મર્યાદાઓમાં બંધાતુ નથી.

જ્યારે અસ્તિત્વની મૂળભૂત પ્રક્રિયામાંથી મુક્ત થવાની ઊંડી ઇચ્છા જાગે છે ત્યારે મન અને ભાવનાઓથી ભયભીત સ્વભાવ આ અવસ્થાને ફક્ત પોતાના વિનાશ તરીકે જ સમજી શકે છે. કોઈ વિચારશીલ મન માટે આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ સ્વ ઇચ્છાથી કરેલ આત્મહત્યા જ છે. પણ, ખરેખર તો તે આત્મહત્યા નથી - તે તેના કરતાં ઘણું વધારે છે. આત્મહત્યા પોતાને ખતમ કરી દેવાની ઇચ્છાનો એક નબળો રસ્તો છે. હું તેને નબળો આટલા માટે કહું છું કે આ અસફળ રહે છે, તે કામ નથી કરતું. આ સંસ્કૃતિમાં એવા લોકો છે જે પોતાને ખતમ કરવાનું કામ સાચી રીતે થાય એમાં નિષ્ણાત છે - આ જ આધ્યાત્મિક પ્રક્રિયા છે!

સમાધિના આઠ પ્રકાર

સમાધિ જુદા જુદા પ્રકારની હોય છે. તમે જ્યારે શરીરમાં હોવ તો તમને આઠ પ્રકારની સમાધિઓ ઉપલબ્ધ છે. આ આઠ પ્રકારોને મુખ્યત્વે બે વર્ગોમાં રખાયા છે - સવિકલ્પ કે જેમાં ગુણો છે - તે ખૂબ જ સુખરૂપ, આનંદપૂર્ણ અને ઉલ્લાસપૂર્ણ હોય છે; અને,નિર્વિકલ્પ જેમાં કોઈ ગુણો નથી અને જે સુખદ કે દુઃખદ અવસ્થાઓથી પરે છે.

આત્મજ્ઞાનની દૃષ્ટિએથી સમાધિઓનું કોઈ ખાસ મહત્વ નથી.

જે લોકો નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં જાય છે તેઓને હમેશા સુરક્ષિત વાતાવરણમાં રખાય છે કારણ કે શરીર સાથે એમનો સબંધ ખૂબ જ ઓછો હોય છે. કોઈ નાની ખલેલ જેમ કે  અવાજ થવાથી અથવા એક કાંટો લાગવાથી પણ તેઓ તેમના શરીરથી વિખુટા પડી શકે છે. આવી અવસ્થામાં અમુક સમય સુધી રાખવામાં આવે છે જેથી ‘તમારા શરીર’ અને ‘તમે જે છો’, તેમાં અંતર નક્કી થઈ શકે. પોતાના આધ્યાત્મિક વિકાસમાં આ એક મહત્વનું પગલું છે, છતાંય તે અંતિમ સોપાન નથી. આત્મજ્ઞાનની દૃષ્ટિથી સમાધિઓનું તેમના પોતાનામાં જ કોઈ ખાસ મહત્વ નથી.

ગૌતમ બુદ્ધના ઘણાં શિષ્યો લાંબા ધ્યાનમાં જતા. તેઓ વર્ષો સુધી બહાર આવતા ન હતા. પણ બુદ્ધે, પોતે, કોઈ દિવસ આવું નથી કર્યું કારણ કે તેમને ખબર હતી કે આ જરૂરી ન હતું. આત્મજ્ઞાન પામતા પહેલાં તેમણે આઠે આઠ પ્રકારની સમાધિઓના અનુભવ મેળવ્યા હતા અને તેમને છોડી દીધેલી. તેઓ સમજી ગયા હતા કે સમાધિથી તેઓ આત્મજ્ઞાનની નજીક નહીં પહોંચે. આ તો બસ એક વધું ઊંચા પ્રકારનો અનુભવ લેવા જેવું છે અને તમે એમાં ફસાઈ જાઓ એવી શક્યતા વધારે છે કારણ કે હાલની વાસ્તવિકતા કરતાં એ વધું સુંદર છે. અત્યારે તો તમે જ્યારે ધ્યાનમાં બેસો છો તો અમુક સમય પછી તમારા પગ દુ:ખવા માંડે છે જેથી તમને હાલની વાસ્તવિકતાનો ખયાલ આવી જાય છે. જો તમને હાલની વાસ્તવિકતાનો ખ્યાલ અપાવતો દુ:ખાવો ના હોય તો એક રીતે આ વધું ખતરનાક છે.

એક કામચલાઉ અવસ્થા

કોઈ ખાસ પ્રકારની સમાધિનો અનુભવ લેવાનો અર્થ એ નથી કે તમે અસ્તિત્વમાંથી મુક્ત થઈ ગયા છો. આ અનુભવનું એક બીજુ સ્તર માત્ર છે, બસ આટલું જ! આ એવું છે કે જેમ તમે જ્યારે બાળક હતાં ત્યારે તમારા અનુભવ એક સ્તરના હતાં. પુખ્ત વયના થયા પછી તમને બીજા સ્તરના અનુભવો થયા. જીવનના જુદા જુદા તબક્કામાં એક જ વસ્તુને અલગ અલગ રીતે અનુભવો છો - કારણ કે તમે અનુભવોના એક સ્તરથી બીજા સ્તરમાં પ્રવેશી ગયા છો. સમાધિઓ બસ એવી જ છે. અનુભવોના એક સ્તરમાંથી તમે બીજામાં, એક વધુ મહત્વપૂર્ણ અને વધારે ઊંડા અર્થમાં જાઓ છો, છતાંય છે તો એ ખાલી અનુભવોનું બીજું સ્તર જ.

કોઈક સમાધિની એક ખાસ અવસ્થામાં જઇ શકે અને વર્ષો સુધી ત્યાં જ રહી શકે કારણ કે તે આનંદપૂર્ણ છે. તેમાં કોઈ સ્થાન નથી કે સમય પણ નથી, કોઈ શારીરિક સમસ્યા નથી. આ વ્યક્તિની એક હદ સુધી ભૌતિક અને માનસિક બાધાઓને તોડી નાખી છે. પણ આ તો કામચલાઉ છે. જે ક્ષણે એ સમાધિમાંથી બાહર આવે, તો પછી એને ભૂખ લાગે, ઊંઘ આવે અને બધી જ વાતો પાછી આવી જાય.

સમાધિના લાભ તો છે જ. એક વ્યક્તિને સમાધિથી ઘણી બધી વસ્તુઓ મળે છે પણ આ બધું આત્મજ્ઞાનની જરા પણ નજીક નથી લઈ જતું. એક સામાન્ય માણસની સરખામણીમાં થોડો દારૂ પીધેલા વ્યક્તિને બીજા સ્તરના અનુભવો મળે છે પણ આખરે તો તેને પણ ફરીથી સામાન્ય અવસ્થામાં આવું જ પડે. મારું કહેવું એમ છે કે બધી જ સમાધિઓ, કોઈ પણ જાતના બહારના રસાયણો વગર, નશાની સ્થિતિમાં જવા જેવી છે. આ અવસ્થાઓમાં જવાથી તમારા માટે એક નવો આયામ ખુલે છે પણ તમારામાં કોઈ કાયમી રૂપાંતરણ નથી આવતું. તમે બીજી કોઈ વાસ્તવિકતામાં નથી પહોંચતા. બસ આટલું જ છે કે એ જ વાસ્તવિકતામાં તમારા અનુભવોનું સ્તર થોડું ઊંડું થઈ જાય. તમે તે જ વસ્તુઓને ઊંડાણપૂર્વક અનુભવો છો. પણ, તમે મનથી મુક્તનથી થતા.

તમારી પોતાની દુનિયામાં અટકી જવું

ઘણા યોગીઓએ પોતાની દુનિયા બનાવી છે અને આવી વાસ્તવિકતાઓમાં ફસાઈ ગયા છે. હું એક એવી વાત કરી રહ્યો છું જે અસ્પષ્ટ છે. પણ, એવા ઘણા યોગીઓ છે જેઓએ તેમની આજુ બાજુમાં પોતાની દુનિયા બનાવી છે. કોઈ યોગી એક ગુફામાં જાય છે અને ત્યાં, પોતાનું બ્રહ્માંડ બનાવીને ત્યાં જ રહે છે. આ કોઈ મજાક નથી. તેને જે જે જોઇતું હોય છે તે બધું જ બનાવી લે છે. તેના પ્રકારના ગ્રહો, તેના પ્રકારની પૃથ્વી, તેના પ્રકારનું બધું જ અને તે ત્યાં ખૂબ આનંદમાં રહે છે. એક ગુફાની અંદર બ્રહ્માંડ રહી જાય છે. તમે એક પરમાણુ જેટલી જગ્યામાં પણ આખું બ્રહ્માંડ રચી શકો છો કારણ કે ‘અહીં અને ત્યાં’, ‘આટલું અને તેટલું’ આ બધું તો બસ મનની રચનાઓ છે.

એવા ઘણા યોગીઓ છે, પણ, તમારા કરતાં તેઓ કાંઈ આત્મજ્ઞાનની વધું નજીક નથી. તેઓ એક જુદી જ દુનિયામાં રહે છે, બસ આટલું જ. કદાચ તમારા કરતા તે વધું અટકેલા હોઈ શકે કારણ કે એ સૃષ્ટીકર્તા પણ છે - પોતાની સૃષ્ટિ બનાવનાર. તેણે નિર્માણ કરવાની કલા સીખી લીધી છે. પણ તેનાથી કઈ અંતિમ મુક્તિ નથી મળતી. આ બસ એક જુદા પ્રકારનું કામ કરવાની જુદી જુદી રીત બની જાય છે.

કોઈ ચિત્રકાર કેનવાસ પર એક આખી નવી દુનિયાનું ચિત્રણ કરે છે. કોઈ યોગી ખરેખર નવી દુનિયાનું નિર્માણ કરી દે છે. ચિત્રકારની રચના દૈ-પરિમાણીય હોય છે જ્યારે યોગીની કૃતિ ત્રિ-પરિમાણીય હોય છે જેથી એ વધુ ભ્રામક હોય છે. કોઈ કલાકાર, પોતે જે દુનિયા રચી રહ્યો છે, તેની સાથે આટલો બધો સામેલ થઈ જાય છે કે તેને તે સાચી જ લાગવા માંડે અને એના માટે તો તે સાચી હોય છે. કોઈ કવિને એવું લાગે કે એ જે કાંઈ લખી રહ્યો છે, તે સત્ય છે. એ જ રીતે કોઈ ચિત્રકાર જે કાંઈ ચિતરી રહ્યો છે તેમાં આટલો બધો ઊંડી રીતે સામેલ થાય છે કે તેને એવું જ લાગે કે તે જે કાંઈ બનાવી રહ્યો છે એ સત્ય છે. જ્યારે દ્વિ-પરિમાણીય વસ્તુઓ આવી હોય તો જે તમે પોતાની આજુ બાજુ ત્રિ-પરિમાણીય દુનિયા રચી લો તો તેમાં તમે નક્કી જ વધુ ફસાઈ પડશો.

લક્ષ્ય નક્કી કરવું

તમે જ્યારે તમારી પોતાની ચેતનાથી આગળ જવા માગતા હોવ તો તમારી પાસે જે કાંઈ હોય તે બધાની જ જરૂર પડશે. અલગ અલગ અવસ્થાઓમાં જવું મહત્વનું નથી. તે તમને મુક્તિ તરફ નહિ લઇ જાય. ઘણાં લોકોને સમાધિ અવસ્થામાં પહોંચાડવા માટેની જરૂરી ઊર્જા અમારી પાસે છે. જો તમે ત્રણથી છ મહિના સુધી આવી રીતે રહેવા માંગતા હોવ તો એ શક્ય છે પણ તેનો હેતુ શું છે? તેનાથી તમે મટી નહીં જાવ. આ બસ બીજા પ્રકારનું કર્મ જ છે.

જો તમે લક્ષ્ય નક્કી કર્યું હોય, જો તમારા જીવનની પ્રાથમિકતા આત્મજ્ઞાન હોય, તો જે તમને આત્મજ્ઞાનની નજીક ના લઈ જાય એ તમારા માટે નકામું છે. જે વ્યક્તિને એવરેસ્ટ ઉપર ચઢવું હોય, એ એક પણ બિનજરૂરી આડું અવળું પગલું નહિ લે. તેની ઊર્જા સંપૂર્ણપણે, ફક્ત ને ફક્ત શિખર સુધી પહોંચવાના ઉપયોગમાં જ લેવાશે. તમે જ્યારે તમારી પોતાની ચેતનાથી આગળ જવા માંગતા હોવ તો તમારી પાસે જે કાંઈ હોય તે બધાની જરૂર પડશે.

મહાસમાધિ

મહાસમાધિ એવું આયામ છે જેમાં તમે ફક્ત અનુભવથી જ નહીં પણ અસ્તિત્વગત રીતે  પણ ફરક કરવાની બુદ્ધિથી પાર જતાં રહો છો.

જ્યાં સુધી તમે શરીરમાં છો ત્યાં સુધી જેટલી પણ મુક્તિ તમે મેળવો, શરીર તો એક મર્યાદા રહેવાનું જ છે. તે સંપૂર્ણ મુક્તિ નથી. કોઈ જ્યારે પોતાનું શરીર સંપૂર્ણ જાગરૂકતામાં છોડે છે ત્યારે આપણે તેને મહાસમાધિ કહીયે છીએ કારણ કે તેણે શરીર છોડી દીધું છે.

મહાસમાધિ એવો આયામ છે જેમાં તમે ફક્ત અનુભવથી જ નહીં પણ અસ્તિત્વગત રીતે પણ ફરક કરવાની બુદ્ધિથી પાર જતાં રહો છો. ‘તમે’ અને ‘બીજો’ એવું કાંઈ રહેતું નથી. અત્યારે તો તમે છો અને બીજા છે. વાસ્તવિકતાનું આ એક સ્તર છે. સમાધિની અવસ્થામાં તમે આ ફરક કરવાની બુદ્ધિથી પાર જતાં રહો છો અને તમારા અનુભવમાં તમે અસ્તિત્વનું એક્ત્વ જોઈ શકો છો.

મહાસમાધિનો અર્થ છે કે તમે ફક્ત તે રીતે જોતા નથી પણ તમે સંપૂર્ણપણે એવી રીતના જ થઈ ગયા છો - ફરક કરવાની વાત જ જતી રહી છે. તેનો અર્થ કે વ્યક્તિગત અસ્તિત્વ રહ્યું જ નથી. તમે કોણ છો એ હવે રહેતું નથી. અત્યાર સુધી જે વ્યક્તિગત જીવનના રૂપમાં હતું તે જીવન હવે સંપૂર્ણપણે બ્રહ્માંડીય અથવા અસીમિત થઈ ગયું છે. પારંપરિક શબ્દોમાં કહીયે તો તમે ઈશ્વર સાથે અથવા દરેક વસ્તુ સાથે એક થઈ ગયા છો.

હું જ્યારે કહું છું, ‘ઈશ્વર સાથે એક’ તો તેનો અર્થ એવો નથી થતો કે તમે ક્યાંક જઈને કોઈની સાથે જોડાઈ જાઓ છો. માત્ર એટલું જ કે તમારો વ્યક્તિગત પરપોટો હવે રહ્યો નથી, એ મટી ગયો છે. કોઈ ઉદાહરણ આપવું હોય તો આમ કહી શકાય કે અત્યારે તમારું અસ્તિત્વ એક પરપોટા જેવું છે, એક પરપોટો, જે આમ તેમ વહી રહ્યો છે. તે એકદમ વાસ્તવિક છે પણ જો તમે તેને ફોડી નાખો તો એ પરપોટાની અંદરની હવા ક્યાં જાય? તે બસ વાતાવરણ સાથે એક થઈ જાય, તે સંપૂર્ણપણે વિસર્જિત થઈ જાય છે. આપણે જ્યારે કહીએ, “દરેક વસ્તુ સાથે એક” તો તેનો અર્થ એવો જ છે. કાંઈ રહેશે નહિ. ‘તમે’ ત્યાં રહેશો નહિ. આપણે જ્યારે મુક્તિની વાત કરીએ તો એનો અર્થ એ છે કે તમે અસ્તિત્વથી મુક્ત છો. અસ્તિત્વને કોઈ એવી વસ્તુના રૂપમાં હું નથી કહેતો કે જેનામાંથી તમે મુક્ત છો. પણ, તમે તમારા પોતાના અસ્તિત્વમાંથી જ મુક્ત થાવ છો - તમારું અસ્તિત્વ રહેતું જ નથી..

નિર્વાણ - અસ્તિત્વને પાર જવું

મહાસમાધિ એવી અવસ્થા છે જેમાં કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી પોતાનું શરીર છોડી દે છે. તેના માટે જીવનચક્ર પૂરું થઈ જાય છે. પુનર્જન્મનો પ્રશ્ન જ નથી. તે સંપૂર્ણ વિસર્જન છે. તમે કહી શકો કે તે વ્યક્તિ હવે સાચી રીતે નથી રહી.

આપણે જ્યારે મુક્તિ, નિર્વાણ અથવા મોક્ષની વાત કરીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે - અસ્તિત્વના બોજાથી જ મુક્તિ. આ પરમ્ મુક્તિ છે કારણ કે જ્યાં સુધી તમે રહો છો ત્યાં સુધી એક કે બીજી રીતે બંધાયેલા હોવ છો. જો તમે ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવો છો તો આ એક પ્રકારનું બંધન છે. જો તમે ભૌતિક શરીર છોડીને બીજી કોઈ રીતે રહો તો આ એક બીજી રીતનું બંધન છે. અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ, કોઈ નિયમ હેઠળ જ હોય છે. મુક્તિનો અર્થ એ છે કે તમે બધા નિયમો તોડી દીધા છે અને બધા નિયમો ત્યારે જ તોડી શકાય જ્યારે તમારું અસ્તિત્વ જ ના હોય.

નિર્વાણ વધું યોગ્ય શબ્દ છે કારણ કે નિર્વાણનો અર્થ થાય - “અસ્તિત્વ નો અભાવ.” જ્યારે કોઈ અસ્તિત્વ જ ના રહે તો તમે મુક્તિથી પણ મુક્ત થઈ જાવ કારણ કે મુક્તિ પણ એક પ્રકારનું બંધન જ છે. તો તમે તમારા અસ્તિત્વમાંથી જ મુક્ત થઈ જાઓ છો. તમે જે છો અને તમે જે નથી તેનો બધો જ ફરક મટી જાય છે.

જે કોઈને આવું કરવું હોય - શરીરને ઇજા પહોંચાડ્યા વગર પોતાનું જીવન બહાર ફેંકી દેવું હોય - તો તેના માટે ખૂબ જ ઊર્જા જોઈએ. મહાસમાધિ એવી અવસ્થા છે કે જેમાં કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી પોતાનું શરીર છોડી દે છે. તેના માટે જીવન ચક્ર પૂરું થઈ જાય છે. પુનર્જન્મનો પ્રશ્ન જ નથી. તે સંપૂર્ણ વિસર્જન છે. તમે કહી શકો કે તે વ્યક્તિ હવે સાચી રીતે નથી રહી.

જીવન ફક્ત એક સ્તરેથી બીજા સ્તરે જતું રહે. ખરેખર તો મૃત્યુ જેવી કોઈ વસ્તુ નથી. મૃત્યુ ફક્ત એવા વ્યક્તિ માટે છે જેને જીવન પ્રત્યેની કોઈ જાગરૂકતા નથી. અહીં તો બસ જીવન, જીવન અને ફક્ત જીવન જ છે. પણ મહાસમાધિનો અર્થ છે વાસ્તવિક અંત. દરેક આધ્યાત્મિક સાધકનું  આ જ લક્ષ્ય હોય છે. છેવટે તો તે અસ્તિત્વથી આગળ જવા માંગે છે.