Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: કુરુક્ષેત્રમાં મહાભારતનું ઐતિહાસિક યુદ્ધ આરંભ થવાની તૈયારી થઈ, તેમાં ભાગ લેવા માટે દક્ષિણ ભારતથી એક યોદ્ધો - બાર્બરીક, આવી પહોંચે છે. તેનું સામર્થ્ય અને યુદ્ધમાં તેના સામેલ થવામાં રહેલા જોખમને જાણી લીધા બાદ, કૃષ્ણ ચતુરાઈ પૂર્વક તેના જ હાથે તેનો શિરચ્છેદ કરાવી લે છે, પણ આ ભીષણ યુદ્ધનાં સાક્ષી બનવા માટે તેના મસ્તકને જીવિત રાખે છે.

અર્જુનનો યુદ્ધ પડતું મૂકવાનો પ્રયત્ન

સદ્‍ગુરુ: યુદ્ધ શરૂ થવામાં જ હતું અને, અચાનક અર્જુનને શાંતિ સ્થાપવાનો ઉમળકો આવી ગયો. બેઉ સેનાની મધ્યમાં ઊભા રહીને તે કહે છે, “હું યુદ્ધ નથી ઈચ્છતો. માત્ર રાજ્ય મેળવવા માટે, હું મારા પિતામહ, ગુરુ, ભાઈઓ અને મારા મિત્રોને મારી નહીં શકું. હું વનમાં પાછો ફરી જઈશ.” આ સમયે, કૃષ્ણ તેને ગીતાનાં અઢાર અધ્યાય બોધરૂપે કહે છે અને વિશ્વરૂપના દર્શન પણ કરાવે છે. કૃષ્ણ કહે છે, “જો તારે સાધુ બનવું હતું, તો તારે પહેલા જ બની જવાનું હતું. તે શા માટે આ સૌ લોકોને યુદ્ધના મેદાનમાં ભેગા કર્યા? તેઓ તારી માટે યુદ્ધ લડવા આવ્યા છે. અને હવે તારે જંગલમાં જતું રહેવું છે, જ્યારે આ બધા તમારે માટે લડતા લડતા મૃત્યુ પામશે? તું યુદ્ધના મેદાનમાં આવી પહોંચ્યો છે, તું હવે સાધુ ન બની શકે. આગળ વધ! ક્યાં તો તુ શત્રુને માર અથવા તુ પોતે મર - તારે આ બેમાંથી એકની પસંદગી કરવાની છે.” કૃષ્ણ તો તેને ત્યાં સુધી કહે છે, “આ મારી ઈચ્છા છે, તારે યુદ્ધ કરવું જ પડશે.”

યુદ્ધ શરૂ થાય છે. મહાભારત કથા યુદ્ધમાં છોડાયેલા એક એક બાણનું વર્ણન કરે છે. આપણે તે દરેકમાં ઊંડા નહીં ઉતરીએ. ભીષ્મ કૌરવ સેનાના સેનાપતિ છે. દ્રુપદનો પુત્ર અને દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન, પાંડવસેનાનો સેનાપતિ છે. કૃષ્ણની યાદવ સેના, કૃષ્ણએ કૌરવોને આપેલા વચન પ્રમાણે કૌરવોનાં પક્ષે હતી, જેની આગેવાની કૃતવર્મા કરી રહ્યો હતો. તમે જુઓ, કે આટલી બધી કડવાશ હોવા છતાં, તેઓ આપેલા વચનનું પાલન કરે જ છે. તમે જ્યારે સેના મોકલવાનું વચન આપ્યું, ત્યારે તમે સેના મોકલી. એવું ન કહ્યું કે, “તમે મને છેતર્યો માટે હું મારી સેના નહીં મોકલું.” તેઓ એવા સમયમાં જીવતા હતા. હું તે હિંસક અને લોહિયાળ યુદ્ધની પ્રત્યેક વિગતમાં નહીં જાઉં. ઉત્તર, અર્જુનથી પ્રેરણા લઈને એક મહાન યોદ્ધો બની ચૂક્યો હતો, પણ તે પ્રથમ દિવસે જ વીરગતિ પામે છે.

પુત્રના મૃત્યુથી ક્રોધિત થયેલા પિતા વિરાટ, આવેશમાં આવીને આક્રમક બની ગયા અને જે કોઈ તેમના માર્ગમાં આવે તેને મારવા લાગ્યા. કૌરવસેનાને આથી ઘણું મોટું નુક્સાન સહન કરવું પડે છે. ભીમ તેના સૌથી વધુ આક્રમક મિજાજમાં હતો અને યુદ્ધના બીજા દિવસે, પાંડવોનો હાથ થોડો ઉપર હતો. આ ઉતાર-ચઢાવની સ્થિતિ દિવસે દિવસે અને ક્યારેક કલાકે કલાકે બદલાતી રહેતી. ક્યારેક કૌરવોનું વર્ચસ્વ રહેતું, ક્યારેક પાંડવોનું. પણ અમુક દિવસે, કોઈ ખાસ યોદ્ધા જ્યારે પૂરા ઝનૂનથી યુદ્ધ કરતા ત્યારે બંને પક્ષે સૈનિકોની પુષ્કળ ખુવારી થતી.

યુદ્ધની ચડતી પડતી ચાલતી રહી

યુદ્ધના ત્રીજા દિવસે કંઇક એવું થયું કે, પરિસ્થિતિ નાટ્યાત્મકરીતે કૌરવસેના ફાયદામાં રહી. યુધિષ્ઠિર થોડો ગભરાવા લાગ્યો. બે કારણોથી તમે યુદ્ધ ન ઇચ્છો, એક તો તમે હિંસા થાય તેમ ન ઈચ્છતા હોવ; અને બીજું, જો તમને હારવાનો ભય  હોય. જયારે જીતવાની આશા હોય ત્યારે તમને યુદ્ધનો વાંધો નથી હોતો. પણ જ્યારે આ આશા ઓછી થઇ જાય ત્યારે તમે યુદ્ધ નથી ઈચ્છતા. જ્યારે તમે જાણતા હોવ કે તમે જીતવાના છો ત્યારે કહો છો કે, “ચાલો યુદ્ધ પૂરું કરીએ.” જ્યારે તમે જાણતા હોવ કે તમે હારવાના છો, ત્યારે તમે તેમાંથી પાછા હટી જવા ઇચ્છશો.

યુદ્ધ ચાલતું રહ્યું અને પાંચમા અને નવમા દિવસની વચ્ચે, કૌરવસેનાએ પાંડવોને ઘણી જગ્યાએ મ્હાત આપી. તેમ છતાં, ભીમ રોજ રોજ દુર્યોધનના ભાઈઓને મારતો રહ્યો અને દુર્યોધનને કહેતો કે તેણે આજે કેટલાને માર્યા. દુર્યોધન જ્યારે ગણતરી કરતો કે તેના કેટલા ભાઈ મર્યા તેની વ્યથા અને ક્રોધ રોજ વધતો હતો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો પડાવ નજીકમાં જ હતો. ધૃતરાષ્ટ્ર યુદ્ધની રજેરજની જાણકારી મેળવવા માંગતો હતો - એવી જ રીતે, જેવી રીતે તે દ્યૂતક્રીડાની પળ પળની જાણકારી લેતો રહ્યો હતો - એવી આશાથી કે તેના પુત્રો યુદ્ધ જીતી લેશે. જેટલી વખત પાસા ફેંકાતા, તેનો એક માત્ર પ્રશ્ન એ જ રહેતો, “કોણ જીત્યું?” ભલે લોકો સંપૂર્ણ તબાહી તરફ ધકેલાઈ રહ્યા હતા અને સહુ જાણતા હતા કે થોડા જ સમયમાં અહીં ભયંકર રક્તપાત થશે, ધૃતરાષ્ટ્રનો માત્ર એક જ પ્રશ્ન રહેતો, “કોણ જીત્યું?”

અત્યારે યુદ્ધના સમયમાં પણ, ધૃતરાષ્ટ્રને કોણ જીતે છે તેની જ દરકાર છે. સંજય દરેક ઘટના તેને કહી સંભળાવે છે. જ્યારે કૌરવોનું નુકસાન થાય અને તે સમાચાર તેના સુધી પહોચે છે ત્યારે ધૃતરાષ્ટ્ર અત્યંત દુઃખી થઈ જાય. જ્યારે તેઓ થોડો સારો દેખાવ કરી રહ્યા હોય ત્યારે, તેને યુદ્ધ જીતવાની આશા પ્રબળ થઈ ઊઠે, પણ સંજય તેને સતત યાદ અપાવતો રહે છે, “કૃષ્ણ સામે પક્ષે છે. ખેલ ગમે તે થાય, અંતે જીત તેમની જ થશે, તેઓ અને માત્ર તેઓ જ જીતશે.”

અનિર્ણયાત્મકતા મોટો અપરાધ છે

યુદ્ધ દરમ્યાન, ઘણી વખત, જ્યારે સામાં પક્ષના અમુક લોકોનો સામનો કરવાનો આવે - ખાસ કરીને ભીષ્મનો - અર્જુન તેમનો વધ કરવાનું ટાળતો. એવી રીતે યુદ્ધ કઈ રીતે લડાય? શક્ય છે કે તમને યુદ્ધનો અનુભવ ન હોય, પણ તમે ક્રિકેટની રમત તો જોઈ જ હશે. તમને કોઈ બેટ્સમેન ગમતો હોય તો તમે તેની સામે ધીરે થી દડો નાંખો - ક્રિકેટ આવી રીતે તો ન રમાય. તેવી જ રીતે, તમે યુદ્ધના મેદાનમાં હોવ ત્યારે તમે સામા પક્ષના એક સૈનિકને મારવા તૈયાર હોવ અને બીજાને નહીં - યુદ્ધમાં એ તો ન ચાલે.  તમે આ રીતે તો કશું જ ન કરી શકો. કૃષ્ણ મૂળભૂત રીતે યુદ્ધના પક્ષકાર નથી. તેઓ એમ કહી રહ્યા છે કે, જ્યાં સુધી તમે પૂરી નિષ્ઠાથી કોઈ કાર્ય ન કરો ત્યાં સુધી ધાર્યું પરિણામ લાવી ન શકો. ગીતાની આ સૌથી સુંદર વાત છે: કૃષ્ણ એવું નથી કહેતાં કે, કરુણા મહાન છે કે કંઈ બીજું - તેઓ કહે છે કે સ્વધર્મમાં અ-નિર્ણયાત્મક રહેવું તે મોટો અપરાધ છે.

તમારા પોતાના જીવન પર એક નજર દોડાવો: તમે કશું કરવાનું નક્કી કર્યું હોય અને પછી આનાકાની કરતા રહો, તો તમે જીવનને તેની સંપૂર્ણતામાં માણી નથી રહ્યા. કૃષ્ણ આ અર્થમાં બોલ્યા છે: તમારી અ-નિર્ણયાત્મકતામાં તમે જીવન ગુમાવો છો. અવઢવનો મતલબ છે, તમે નથી આ બાજુ કે નહિ પેલી. કૃષ્ણ કહે છે, “તમે કોઈ આટલો મોટો, યુદ્ધ કરવા જેવો મોટો નિર્ણય લો, તો શરૂઆતમાં અવઢવ હોય, પરંતુ એક વખત શરૂઆત કરી દીધી, પછી પાછું ફરીને જોવાનો અર્થ નથી હોતો. ક્યાં તો તમે તેની પાર ઉતરો અથવા મૃત્યુ પામો - તે સિવાય તેનું કોઈ બીજું પરિણામ હોતું નથી.” આ માત્ર યુદ્ધની બાબતમાં નહીં, પરંતુ જીવનની ઘણી પરિસ્થિતિઓમાં પણ સત્ય છે. તમે કોઈ કાર્યનો આરંભ કરો છો; થોડા સમય પછી, માત્ર એ કારણે કે તે તમને અનુકૂળ નથી અથવા તમને ગમે તેવું નથી, તમે માની લો છો કે તમે તેને અધવચ્ચે છોડી દઈ આગળ જઈ શકશો.

જે સંદર્ભમાં કૃષ્ણ આ વાત કહે છે, તે કોઈ આધ્યાત્મની વાત હોય તેવું નથી લાગતું. તેઓ કહે છે, “અનિર્ણયાત્મકતા સૌથી મોટો અપ્રરાધ છે, કારણ કે તમારી ગૂંચવણની પળોમાં તમે જીવનને માણવાનું ચૂકી જાઓ છો અને તેવું થાય છે કારણ કે તમે મનથી હારેલા કે ખોવાયેલા હોવ છો. તમારા અભિપ્રાયો, વિચારો, લાગણીઓ તમારા પર હાવી હોય છે અને તે તમને પૂરી શક્તિથી કાર્ય કરવા નથી દેતા.

કૃષ્ણ “ભાગેડુ” હતા, પણ તે તેમની વ્યૂહ રચના હતી

આધ્યાત્મિકતાના રસ્તે આ રોજિંદી ઘટના હોય છે. “મારું જીવન હું તમને આપુ છું, સદ્‍ગુરુ.” પછી હું કહું, “તે મને ન આપો, તમારી પાસે રાખો અને સારી રીતે રાખો. હું તમને કહીશ કે તમે તેને ખરા અર્થમાં સુંદર કઈ રીતે બનાવી શકો, કઈ રીતે તમે તેને એક સાર્થક જીવન બનાવી શકો.” બીજા કોઈ દિવસે તેઓ કહે, “સદ્‍ગુરુ, મને આશ્રમનું ભોજન પસંદ નથી. મારાથી નહીં થઈ શકે.” અથવા “સદ્‍ગુરુ, હું તો બિલકુલ પ્રતિબદ્ધ હતો. પણ તમે જાણો છો, પેલી વ્યક્તિએ મને શું કહ્યું?” હું પૂછું, “ઓહ! તેમણે તમારી માટે પણ કશુંક કહ્યું? શું તેણે મારા માટે કશુંક કહ્યું?” કોઈ વ્યક્તિ કંઇ કરે અથવા ન કરી શકે, બધી વાતે ટીકા થતી જ હોય છે.

ક્ષત્રિયો કૃષ્ણને “રણછોડ” કહે છે. જેનો અર્થ છે, "રણ(યુદ્ધ) છોડીને ભાગેલા”, કાયર, ભાગેડુ. કારણ કે જ્યારે જરાસંઘે મથુરા પર આક્રમણ કર્યું અને બીજા એક અફઘાનિસ્તાનના રાજાએ પશ્ચિમ દિશાથી હુમલો કર્યો ત્યારે કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે આ બે સેના એકસાથે સાથે લડવાનું શક્ય નથી. તેથી તે પોતાના લોકોને મથુરાથી લઈને દ્વારકા જતા રહ્યા, કારણ કે યુદ્ધ થાય તો બધાનું જ મોત થાય, અને તેનો કોઈ અર્થ ન હતો. શહેર ભલે નાશ પામે, લોકો બચે તો ક્યાંક બીજે જઈને જીવી શકશે. તેથી તેમણે મથુરા છોડીને બીજે જઈને એક સુંદર શહેર વસાવ્યું. તે સમયનું દ્વારકા શ્રેષ્ઠ અને સમૃદ્ધ શહેર તરીકે વિકાસ પામ્યું હતું. આ રીતે ચાલી જવાથી, કૃષ્ણ રણછોડ, ભાગેડુ, કાયર કહેવાયા અને તેઓ આજે પણ તે નામથી પ્રસિધ્ધ છે.

તેમણે કોઈ જાતની અસ્પષ્ટતાને કારણે પલાયન નથી કર્યું; તેઓ સમજતા હતા કે જો તેઓ મથુરામાં રહેશે તો કારણ વગર બધા લોકો મરી જશે. યુદ્ધ સામે હોય ત્યારે રણનીતિ પ્રમાણે નિર્ણય લેવો તે એક વાત છે. પણ જો તમે એક વ્યક્તિને મારવા તૈયાર હોવ અને બીજીને નહીં, અને જ્યારે તે બન્નેનો ગણવેશ એકસમાન હોય - તે અલગ વાત છે. એક રીતે જોતાં તમે તેનાં ગણવેશને મારો છો, તેમાં રહેલી વ્યક્તિને નહીં. તમે તમારી સામે જે વ્યક્તિ છે, તેનું જીવન જુઓ તો શક્ય છે કે તે ઘણી રીતે અદ્ભુત હોય જેને કારણે તમે તેને મારવા ન ઈચ્છતા હોવ. તમે તેને જુઓ અને કદાચ તમે તેના પરિવારને જાણતા હોવ - તેની પત્નીને, તેના બાળકોને - તો તમે તેને મારી ન શકો. પણ તમે તેના ગણવેશ પર નજર કરો તો, તમે ઇચ્છશો કે તેવો ગણેવેશ ધારણ કરેલા લોકો તમારી સામે ઓછામાં ઓછા હોય.

ક્રમશ:....

More Mahabharat Stories

Editor’s Note : A version of this article was originally published in the Forest Flower magazine, December 2018.