Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: અત્યાર સુધી મહાભારત શ્રેણીમાં, પાંડવો અને દ્રૌપદીએ પોતાનો તેર વર્ષનો વનવાસ પૂરો કરી લીધો છે. તેમ છતાં દુર્યોધન તેમને તેમનું રાજ્ય પાછું સોંપવા તૈયાર નથી થતો. કૌરવો પાંડવો પર હુમલો કરે છે, પણ અર્જુન તેમને શરમજનક પરિસ્થિતિમાં મૂકીને પાછા ફરી જવા વિવશ કરે છે. મહાભારતનો સહુથી બળવાન યોદ્ધો આવી પહોંચતા આ ઘર્ષણ એક ભીષણ યુદ્ધનું સ્વરૂપ લેવાની તૈયારીમાં આવી જાય છે.

શાંતિ માટે છેલ્લો પ્રયાસ

સદ્‍ગુરુ: યુદ્ધ અનિવાર્ય થઈ ગયું. શાંતિની કોઈ આશા દેખાઈ રહી નહોતી, તેમ છતાં શાંતિ સ્થાપવા માટે છેવટનાં કેટલાંક પ્રયાસો થઈ રહ્યા હતા. આવા સમયે વ્યક્તિ જે કહે અથવા જે કરે છે તે તેમના સમગ્ર જીવનનું સત્ય હોય છે. અનુકૂળ પરિસ્થિતિમાં લોકો તમને કંઇ પણ કહીને પ્રભાવિત કરી શકે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં કે કટોકટીના સમયમાં તમે જાણશો કે કોણ કેવું છે - કોણ શું કરી શકે છે કે - કેટલી હદ સુધી જઈ શકે છે. તેઓને ગમે કે ન ગમે, પરિસ્થિતિ તેમને નીચોવી લે છે અને તે સમયે તે જ માણસો સાવ અલગ જોવા મળી શકે છે. કટોકટી માણસોનું નિર્માણ કરે છે. તમે જેને સાવ નકામા સમજતા હોવ તે મહાન નીકળી શકે છે અને જેને તમે મહાન સમજતા હોવ તે મુશ્કેલીની પહેલી જ ક્ષણે કકળાટ કરી શકે છે - કંઇ પણ શક્ય છે, પણ તે સંકટ આવતા પહેલાંનો સમય હોય છે, જ્યારે સંકટ અનિવાર્ય હોય, ત્યારે તમે ખરેખર જાણશો કે કોણ શેનું બનેલું છે.

છેલ્લા તબક્કાની શાંતિ વાર્તામાં યુધિષ્ઠિરે કહ્યું, “હું યુદ્ધનું કારણ બનવા માંગતો નથી. જો બધી જ વાતાઘાટ અસફળ રહેશે તો, શાંતિ સ્થાપવા માટે હું માત્ર પાંચ નગર સ્વીકારી લઈશ . દુર્યોધન મને ઇન્દ્રપ્રસ્થ, વ્રીકપ્રસ્થ, જયંતા, વર્ણાવત આપી દે - તેની સાથે અમારી યાદો જોડાયેલી છે. પાંચમું તેની પસંદગીનું કોઈ નગર હશે તો પણ ચાલશે.” દુર્યોધને તેના પિતા ધૃતરાષ્ટ્રને કહ્યું, “મને સ્પષ્ટપણે સાંભળી લો, મહારાજ અને આપ સહુ, હું ક્યારેય પાંડવોને રાજ્ય પાછું આપીશ નહીં - સંપૂર્ણ રાજ્ય તો નહીં જ પણ પાંચ નગરો કે પાંચ ગામો પણ નહીં. હું તેમને એક સોયની અણી જેટલી જમીન પણ નહીં આપું.”

દ્રૌપદીએ કહ્યું, “મને યુદ્ધ જોઈએ છે કૃષ્ણ! યુદ્ધ અને માત્ર યુદ્ધ. એક લોહિયાળ યુદ્ધ, જે મેં તે કમનસીબ દિવસે સહન કર્યું અને ત્યાર પછીનાં તેર વર્ષ જે વીત્યું તેનું વેર વસૂલવા માટે. હું પ્રત્યેક કૌરવનું મૃત્યુ ઈચ્છું છું અને તે સહુ વડીલો, જે ત્યાં હાજર હતા અને મેં મદદ માટે આજીજી કરી તો પણ તેમણે કશું જ ન કર્યું - હું તે સહુને મૃત જોવા ઈચ્છું છું. હું જાણું છું, યુધિષ્ઠિર હંમેશા શાંતિ જ ઈચ્છશે, પોતાના અને પોતાના પરિવારના ભોગે પણ તે શાંતિનો માર્ગ લેશે, પણ આજે જ્યારે હું ભીમ, અર્જુન અને નકુલને શાંતિની વાતો કરતાં જોઈ રહી છું, તે મારાથી સહન નથી થઈ શકતું. મને કૌરવો સાથે નથી શાંતિ મંજૂર, નથી મિત્રતા. જો તમે મને ચાહતા હોવ કૃષ્ણ, મારી સાથે જે કંઈ બન્યું તેના માટે તમને થોડી પણ સહાનુભૂતિ હોય, તો સુનિશ્ચિત કરો કે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થાય જ. મારા દુશ્મનો, રણમેદાનમાં મૃત પડ્યા હોય અને ગીધ-શિયાળ તેમનું મડદું ચૂંથતા હોય તે જોવું છે.” આ દ્રૌપદી હતી.

ધૃતરાષ્ટ્રએ સંજયને શાંતિદૂત તરીકે યુધિષ્ઠિર પાસે મોકલ્યો. “સ્વામી, હું મહારાજનો જે સંદેશ આપની પાસે લાઈને આવ્યો છું, તે આપે પૂરો સાંભળ્યો નથી: ‘મનુષ્યનું જીવન ટૂંકું હોય છે, યુધિષ્ઠિર. શા માટે તેનો નામોશી ભર્યો અંત લાવવો? શા માટે એવું કરવું કે કોઈ તને પોતાના જ સંબંધીઓનું લોંહી વહાવનાર કુરુ તરીકે યાદ કરે? તું આ યુદ્ધની દિશામાં તારું જીવન ન લઈ જા. તમે હારો કે જીતો, છેવટે તો તે તમારો અંત જ હશે. આ પૃથ્વી પરના રાજ્યની આમ પણ શું કિંમત છે, યુધિષ્ઠિર? તારા જેવા ધર્મરાજ માટે, પોતાના લોહી સામે જંગે ચડવા કરતા વૃષ્ણિ અને અંધક અથવા યાદવોનાં કૃપાપાત્ર થઈને જીવવું સારું રહેશે.

“ભૌતિક સુખ સમૃદ્ધિની પ્રબળ ઈચ્છા જ માણસની નિર્ણય શક્તિ છીનવી લે છે. તારા જેવો પુરુષ, જે હંમેશા સત્યની ખોજમાં રહે છે, તેણે પોતાના હૃદયમાંથી જો કોઈ અતિ સૂક્ષ્મ ઈચ્છા હોય તો તેને પણ સળગાવી દેવી જોઈએ. સત્તા અને સમૃદ્ધિની ભૂખ તો આત્માને જકડી રાખતી બેડી છે, મુક્તિના માર્ગમાં અવરોધરૂપ છે. બહુ ઓછા લોકો ઇચ્છાઓનો ત્યાગ કરી શકે છે - તું તેમાંનો એક છે, ધર્મરાજ યુધિષ્ઠિર. મારા તને છેલ્લા શબ્દો છે કે, ક્રોધ ત્યજી દે. જે થયું તે ભૂલી જા અને જંગલમાં પાછો ફરી જા. તારું બાકીનું જીવન મુક્તિની શોધમાં વિતાવ અને શાશ્વત ખ્યાતિ અને નિજાનંદ મેળવ અથવા દ્વારકામાં જઈને કૃષ્ણ સાથે રહે. યાદવોના દાન થકી જીવન વિતાવ. તેઓ તારી બધી જરૂરિયાતો અને સગવડનું ધ્યાન રાખશે. તું આટલા વર્ષોથી ધર્મના પથ પર ચાલ્યો છે. હવે શા માટે પાપની ગલીકૂચીમાં અટવાવું? હું તને આજીજી કરું છું. તું જે લોહિયાળ યુદ્ધની યોજના બનાવે છે તેને પડતી મૂક. શાંતિથી જીવ.”

સ્પષ્ટ છે કે, શાંતિ સ્થાપવાનો આ પ્રયત્ન નિષ્ફળ જવાનો હતો. અનિવાર્યપણે તેઓ યુદ્ધ તરફ ધકેલાયા. એવું નક્કી થયું કે યુદ્ધ કુરુક્ષેત્રનાં મેદાનમાં લડાશે, જેમાં પેઢીઓ પૂર્વે પરશુરામે અસંખ્ય ક્ષત્રિયોનો વધ કરીને લોહીની નદી વહાવી હતી. સૈન્ય મેદાનમાં જમા થવા લાગ્યું. કૌરવો પાસે અગિયાર અક્ષૌહિણી સેના હતી અને પાંડવો પાસે સાત અક્ષૌહિણી. તો પ્રમાણ ૭:૧૧નું હતું. આ યુદ્ધમાં બે અતિ મહત્વની વ્યક્તિઓ કોઈનાં પણ પક્ષે ન રહી: એક રુક્મિણીનો ભાઈ રુક્મિ અને બીજા કૃષ્ણના ભાઈ બલરામ. તેમના કૃષ્ણ સાથેનાં સંબંધને કારણે તેઓ યુદ્ધથી અલિપ્ત રહ્યા.

બાર્બરીકનું મસ્તક કપાઈ જાય છે.

રણમેદાનમાં દક્ષિણ ભારતથી એક શૂરવીર આવી પહોંચે છે. તેનું નામ બાર્બરીક હતું. આ પહેલા તેને કોઈએ જોયો ન હતો. તે બસ ત્રણ તીર લઈને યુદ્ધમાં આવેલો. કૃષ્ણ અને બીજા બધા ત્યાં હતા અને યુદ્ધની પૂર્વતૈયારીઓ ચાલી રહી હતી. લોકોએ તેને પુછ્યું, “તારી જોડે બસ ત્રણ જ તીર કેમ છે?” તેણે કહ્યું, “એક તીરથી હું બધા કૌરવોને મારી શકું છું. એક જ તીરથી કરીને હું સહુ પાંડવોને મારી શકું છું. એટલે, ત્રણ તીર મારી માટે પૂરતા છે.” જ્યારે કૃષ્ણએ આ બડાઈ સાંભળી, તેમણે કહ્યું, “તું તારી કુશળતા કેમ નથી બતાવતો?” તેમણે હજારો પાંદડાથી ભરેલા એક વડના ઝાડ તરફ આંગળી ચીંધી અને કહ્યું, “ચાલ હું જોઉં કે એક તીરથી તું કેટલાં પાંદડા વીંધી શકે છે.” એક ગૂઢ વિદ્યાથી સંચારિત થયેલું એક જ બાણ ચલાવીને તેણે એક ઝાડના બધા પાંદડા છેદી નાખ્યા. તે તીર ફરતું ફરતું નીચે ગયું અને છેવટે કૃષ્ણના પગની આસપાસ ઊડવા માંડ્યું, જેની નીચે એક તૂટેલું પાંદડું પડ્યું હતું – તીર તેને છેદવા જઈ રહ્યું હતું.

કૃષ્ણ બોલ્યા, “આ ખૂબ પ્રભાવશાળી છે. તું કોની તરફથી યુદ્ધ લાડવાનો છે? બાર્બરીકે કહ્યું, “હું હંમેશા જે હારશે તેની તરફથી લડીશ. હું રોજે રોજ જોઈશ - જો કૌરવો હારી રહ્યા હશે તો હું તેમને માટે લડીશ, પાંડવો હારી રહ્યા હશે તો તેમની તરફથી લડીશ. કોઈપણ સમયે હું જોઈશ અને જેની સેના હારતી હશે હું તેની તરફથી લડીશ. કૃષ્ણ જાણી ગયા, જો આ યોદ્ધો તમારી સામેની તરફથી લડે તો તમારે જીતવું જોઈએ નહીં - એ સફળ થવા માટેની યોજના હશે. કારણ કે, જો આ વીર તમારી તરફથી લડે અને તમે જીતી રહ્યા હોવ તો, તે જઈને તમારી સામે વાળા પક્ષમાં જોડાઈ જશે. તેથી કૃષ્ણએ પૂછ્યું, “જો હું તારી પાસે કશુંક માંગુ તો તું મને આપીશ? હું ઈચ્છું છું કે તું એક યોદ્ધાનું માથું કાપી નાખે.” બાર્બરીક બોલ્યો, “તમારે માટે હું તેમ કરીશ. મને કહો તે કોણ છે.” કૃષ્ણ પોતાના તંબુમાં ગયા, એક અરીસો લઈને બહાર આવ્યા અને બાર્બરીકની સામે ધરી દીધો.

બાર્બરીક સમજી ગયો કે તે ફસાઈ ચૂક્યો છે, પણ તેણે વચન આપ્યું હતું. તેણે એક વિનંતી કરી: “ભલે, પણ હું છેક દક્ષિણથી આ ભવ્ય યુદ્ધ જોવા માટે આવ્યો છું. હું પોતે એક યોદ્ધો છું અને મારે આ ભવ્ય યુદ્ધને જોવાનો મોકો જતો નથી કરવો.” કૃષ્ણએ કહ્યું, “તે ઠીક છે. તું તારું મસ્તક છેદી નાંખ, હું તને ખાતરી આપું છું કે, તું યુદ્ધ જોઈ શકીશ અને બોલી પણ શકીશ.” પછી બાર્બરીકે તેની તલવાર લીધી અને જાતે જ પોતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. તેનું ધડ જમીન પર પડે તે પહેલા તેને વાળથી પકડીને મસ્તક કૃષ્ણના હાથમાં આપ્યું. તેઓએ યુદ્ધના મેદાનમાં બાર્બરીકનું મસ્તક એવી રીતે ગોઠવ્યું, જેથી તે સંપૂર્ણ રીતે યુદ્ધ જોઈ શકે અને થયું એવું કે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે તે કોઈ પણ રીતની કાયરતા જોતો, કંઇ પણ હાસ્યાસ્પદ થતું જોતો, તો તે એવું અટ્ટહાસ્ય કરતો કે, એક સાથે ઘણા યોદ્ધાઓની હિંમત તૂટી જતી. માત્ર એનું અટ્ટહાસ્ય આવી વિસંગતિ સર્જી શકતું હતું.

ક્રમશ:...

More Mahabharat Stories