Mahabharat All Episodes

હમણા સુધી શું બન્યું: યુધિષ્ઠિરની મુલાકાત યક્ષ સાથે થાય છે, જેણે તેના ચાર ભાઈઓને મૃત્યુ દંડ આપ્યો હતો. યુધિષ્ઠિર તેના ચારેય ભાઈઓને પુનર્જીવિત કરવાના પ્રયત્નમાં યક્ષના પ્રશ્નોના ઉત્તર આપે છે.

બાર વર્ષના વનવાસનું મહત્વ

પ્રશ્ન: સદ્‍ગુરુ, પાંડવો અને રામ, બન્નેને બાર વર્ષનો વનવાસ આપવામાં આવ્યો હતો. શું અહીં બાર વર્ષના ગાળાનું કોઈ ખાસ મહત્વ છે?

સદ્‍ગુરુ: બાર વર્ષ એટલા માટે કારણ કે તે સૂર્યનું એક ચક્ર છે. એક પુરુષની અંદર કઈં પણ મહત્ત્વનું ઘટિત થવા માટે બાર વર્ષનો સમય લાગે છે. તે સ્ત્રીઓ માટે પણ સાચું છે, પણ તે થોડું ઓછું નોંધપાત્ર હોય છે. દરેકનું જીવન બારથી સાડાબાર વર્ષના સમયગાળામાં એક ચોક્કસ ચક્ર હેઠળ પસાર થાય છે. આ સૂર્ય ચક્રના કારણે હોય છે, જેનો તમારા શરીર, મન, ભાવનાઓ, ઊર્જા અને સમગ્ર જીવનની પરિસ્થિતિઓ ઉપર ઘણો પ્રભાવ હોય છે. લોકો એટલા જાગૃત હોતા નથી કે આ બદલાવ તેમના ધ્યાનમાં આવે, કારણ કે બાર વર્ષ જેટલો લાંબો સમય હોય છે. મારા જીવનમાં, હું સ્પષ્ટપણે જાણું છું કે હવે પછીનું બાર વર્ષનું આ ચક્ર ક્યારે આવે છે. કંઇ પણ મહત્ત્વનું ઘટિત થવા માટે તમારે આવા એક સૌર ચક્રનો સમય લેવો જરૂરી છે. આ જ કારણે ઘણી સાધના બાર વર્ષ આસપાસ રચાઈ હતી, તમે કોઈ ગુરુ પાસે જાઓ કે પછી જંગલમાં, સમય હંમેશા બાર વર્ષ રહેતો.

લોકો આજે જંગલમાં જવાને એક સજા સમજે છે. તે સજા નહીં પરંતુ એક પ્રકારનું શિક્ષણ છે. પાંડવો અને દ્રૌપદી માટે તે બાર વર્ષ ઉપરાંતનું એક વર્ષ હતું, માત્ર એ ખાતરી કરવા કે તેઓ પાઠ ભણી લે. બાર વર્ષ પછી, એક વર્ષ તેમણે અજ્ઞાતવાસમાં વીતાવવાનું હતું. એટલે કે, તેમણે કોઈ નગરમાં જઈને, લોકોની વચ્ચે છુપા વેશે રહેવાનું હતું. તેમને ઓળખી જવા સરળ હતા. પાંચ રાજવંશી જેવા દેખાતા પુરુષો અને એક અત્યંત સ્વરૂપવાન સ્ત્રી - આવા લોકોને કઈ રીતે છૂપાવી શકાય? તેઓ જ્યાં પણ જાય ત્યાં જુદા તરી આવતા. સૌથી મોટો પડકાર આ જ હતો. જો આ એક વર્ષમાં તેઓ ઓળખાઈ જાય તો તેમણે ફરી પાછું બાર વર્ષ વનમાં જવું પડે.

પાંડવોની નવી ઓળખ

રાજ પુરોહિત ધૌમ્ય અને ઋષિ લોમસા પાંડવોની સાથે હતા, તેમણે એક વ્યૂહરચના વિચારી કે પાંડવો અને દ્રૌપદી આ અંતિમ વર્ષમાં કયા છુપા વેશમાં રહેશે. જેમ તેરમું વર્ષ નજીક આવી રહ્યું હતું, દુર્યોધને દરેક દેશમાં પોતાના ગુપ્તચરો મોકલી દીધા, જેથી જેવા પાંડવો આવે તેવા તરત જ પકડાઈ જાય. તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે એક વર્ષના સમયગાળામાં તેના જાસૂસ પાંડવોને શોધી જ કાઢશે. પાંડવો અને દ્રૌપદી જંગલમાં ન રોકાઈ શકે - તેમણે લોકોની વચ્ચે જ રહેવાનું હતું. તે સમયે ફક્ત ચોવીસ નગર હતા; જેમની વસ્તી અમુક હજારની હતી. દુર્યોધનના જાસૂસો બધા શહેરોમાં ફેલાઈ ગયા, પાંડવો આવે તેની રાહ જોતા.

સંતોની સલાહ મુજબ, પાંચ ભાઈઓએ રાજા વિરાટની નગરી મત્સ્યમાં જવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ નગરની નજીક પહોંચ્યા, ત્યારે તેમણે જુદો જુદો વેશ ધારણ કરી લીધો. યુધિષ્ઠિરે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. ભીમ રસોઈયો બન્યો. અર્જુન વ્યંઢળ બન્યો. અર્જુને ખાસ કંઈ કરવાનું ન હતું, તે તો એક વર્ષ માટે વ્યંઢળ હતો જ. ઉર્વશીનો શાપ તેને અહીં કામ આવી ગયો. તેનું સ્નાયુબદ્ધ પુરુષનું શરીર બદલાઈ ગયું હતું અને તે સરળતાથી એક સ્ત્રીનાં સ્વાંગમાં આવી ગયો હતો. નકુલ ઘોડાઓનો રખેવાળ અને સહદેવ ગોવાળ. મુશ્કેલી દ્રૌપદી માટે હતી. તેના સૌંદર્યને કંઈ રીતે સંતાડવું જેથી તે ઓળખાઈ ન જાય? તેણે દાસીનું રૂપ લીધું, છતાં, તેનો રાજ રાણી જેવો ઠસ્સો અને રૂપ છુપાવવું મુશ્કેલ હતું. બધાને ડર હતો કે તે ઓળખાઈ જશે. તે ઉપરાંત, તેને ત્વરિત ગુસ્સો આવી જતો, જો તે ગુસ્સે થઈ જાય તો તરત જ લોકો જાણી જાત કે તે દ્રૌપદી છે, કારણ કે તેના ગુસ્સામાં પણ એવી લિજ્જત હતી જે સામન્ય રીતે જોવા ન મળે.

નગરની બહાર બેસીને, ચર્ચા કરીને, તેઓએ યોજના તૈયાર કરી કે કેવી રીતે તેઓ એક પછી એક, થોડા સમયના અંતરે નગરમાં દાખલ થશે. તેમણે પોતાના નામ નક્કી કર્યા. યુધિષ્ઠિરે કંક નામ રાખ્યું; ભીમ ભલવા; અર્જુન બૃહન્નલ્લા; નકુલ ધમર્ગ્રંથી અને સહદેવ તંત્રીપલ, અને દ્રૌપદી સૈરન્ધ્રી. આ નવા અવતારમાં તેઓ એક પછી એક, રાજાના દરબારમાં દાખલ થઇ ગયા. પહેલા યુધિષ્ઠિર વિરાટ રાજાને મળ્યા અને સેવા કરવાની તક આપવા વિનંતી કરી. યુધિષ્ઠિરનું સૌથી મોટું સ્વપ્ન હતું કે તે પાસાની રમત સારી રીતે રમી શકે. એક દિવસ વનવાસ દરમિયાન, યુધિષ્ઠિરની મુલાકાત બૃહશ્વા ઋષિ સાથે થઈ, જેમણે તેને એક ગુપ્ત મંત્ર આપ્યો, જેના દ્વારા યુધિષ્ઠિર પાસો ફેંકીને ઇચ્છે તે અંક મેળવી શકતો હતો. હવે તે આ મંત્રની મદદથી કોઈની પણ સામે જીતી શકતા હતા. કદાચ એક દિવસ તેનું સ્વપ્ન શકુનિને હરાવવાનું હતું. પરંતુ હવે તે રાજા વિરાટના દરબારમાં હતો. તે દિવસોમાં, પાસાની રમતમાં પણ ઝનૂન રહેતું. તે સમયમાં કોઈ ખાસ મનોરંજન પણ હતું નહીં, સિવાય કે લડાઈ.

વિરાટ રાજાએ પાસા ફેંકની રમતમાં યુધિષ્ઠિરની કુશળતા જોઈ. યુધિષ્ઠિર માટે જુગારની રમતમાં ઉત્તમ હોવું એ સહુથી સલામત વેશપલટો હતો, કારણ સહુ કોઈ જાણતા હતાં કે જુગારમાં યુધિષ્ઠિર કેટલો કાચો હતો. હવે કોઈ માની ન શકે કે, યુધિષ્ઠિર જુગાર રમવામાં આવું જાદુ કરી શકે. જો તે પહેલા આવું રમ્યો હોત તો રાજ્ય ન ખોયું હોત. યુધિષ્ઠિર રાજ દરબારમાં ગોઠવાઈ ગયો. વિરાટ રાજાને તેનું જ્ઞાન અને ડહાપણ એટલા પસંદ આવ્યા કે તેમણે યુધિષ્ઠિરને પોતાનો સલાહકાર નીમી દીધો. ભીમને પણ મહેલના રસોડામાં સ્થાન મળી ગયું. તે ખૂબ સારો રસોઈયો હતો અને મહેલમાં ખાવાના શોખીનોમાં તે પ્રિય બની ગયો.

અર્જુને આવીને નૃત્ય અને સંગીતમાં પોતાની નિપુણતા બતાવી, જે તે અમરાવતી, ઇન્દ્રલોકમાં શીખીને આવ્યો હતો. ઇન્દ્રલોકનો ગંધર્વ ચિત્રસેન, જે તેનો ગુરુ હતો, તે અદ્ભુત નર્તક અને ઉત્કૃષ્ટ ગાયક હતો. તેને કારણે, અર્જુનને વિરાટના દાસીવાસમાં પ્રવેશ મળી ગયો, જ્યાં વિરાટની દીકરી ઉત્તરાએ તેને પોતાના નૃત્ય શિક્ષક તરીકે રાખી લીધો. તેની સામાન્ય તપાસમાં, તેઓએ જોયું કે તે સાચે જ વ્યંઢળ હતો, તેથી તેઓને તેને સ્ત્રીઆવાસમાં બીજી સ્ત્રીઓ સાથે રાખવામાં કોઈ વાંધો ન લાગ્યો. તેની પાસે શરીર સ્ત્રીનું અને મન પુરુષનું હતું. તે કારણે તેને સ્ત્રીઆવાસમાં સેંકડો સ્ત્રીઓની વચ્ચે અનુકૂળ થતાં થોડો સમય લાગ્યો. નકુલ વિરાટ રાજાના તબેલામાં ગોઠવાઈ ગયો.

એવું કહેવાતું કે, ઘોડાને લગતી બાબતમાં નકુલની જાણકારી અદ્ભુત હતી. તેમની અરસપરસ લાગણી અને સમજણ એટલી હતી કે જોતજોતામાં રાજાનો ઘોડાર એક અલગ સ્તરે પહોંચી ગયો. તરત જ રાજાના ધ્યાનમાં આવ્યું કે જે રીતે ઘોડાનો ઉછેર થઈ રહ્યો હતો, જે રીતે તેમની સંભાળ લેવાઈ રહી હતી, જે રીતે ઘોડા કામ આપી રહ્યા હતા, અને જે રીતે બધું બદલાઈ રહ્યું હતું, તે નકુલના ઘોડા સાથેના પ્રેમાળ સંબંધને કારણે હતું, કારણ કે તે અશ્વિનિનો પુત્ર હતો. સહદેવ રાજાનાં ગાય, ભેંસ અને બીજા પશુ રખાતા હતા, તેના કર્મચારીવર્ગમાં શામેલ થઈ ગયો. તેણે ગાયો સાથે ચમત્કારી વસ્તુઓ કરી અને ગાયોનું ઝૂંડ વધતું ગયું. તેણે હજારોની સંખ્યામાં જંગલી ગાયો અને બળદોને તાલીમ આપીને તેમને પાલતુ બનાવ્યા. ઢોર ઢાંખરનાં સ્વરૂપમાં વિરાટની સંપત્તિમાં અનેકગણો વધારો થયો. અને આ પ્રમાણે, પાંચ પાંડવો વિરાટ રાજાના મહેલમાં ગોઠવાઈ ગયા. પરંતુ એક સ્પષ્ટ સમજણથી નક્કી થયું હતું કે તેઓ કદી એકમેકનો સંપર્ક નહીં કરે.

શહેરમાં આવતા પહેલા પાંડવોએ પોતાના ખાસ હથિયારો, જેમાં અર્જુનના ગાંડીવનો પણ સમાવેશ થતો હતો, તેમને સાથે લીધા હતા અને સ્મશાનમાંથી સડી રહેલું હાડપિંજર ઉઠાવીને તેની સાથે બધા હથિયાર મૂકીને શેતરંજીમાં બાંધીને ઝાડ પર લટકાવી દીધા. ઘણી જાતિઓની એવી પરંપરા હતી કે તેઓ તેમની મૃત વ્યક્તિને બાળવા કે દાટવાને બદલે, ઝાડ પર લટકાવી દેતા જેથી પક્ષીઓ તેમને ખાઈ શકે. લોકો જુએ કે તે મૃત શરીર છે, એટલે તેની નજીક ન જાય. આ રીતે એક સલામતી ઊભી થઈ જેથી તેમના હથિયાર ચોરાઈ ન જાય.

દ્રૌપદી સૌથી છેલ્લે નગરમાં દાખલ થઈ. લોકોએ ચીંથરેહાલ દશામાં અપ્રતિમ સૌંદર્યવાન સ્ત્રીને મહેલની દિશામાં જતી જોઈ. પુરુષો તેની નજીક જઈને તેને તાકવા લાગ્યા. આટલી સ્વરૂપવાન સ્ત્રીને રસ્તા ઉપર, કોઈ પુરુષના સાથ વગર સાવ એકલી ચાલતી જોઈને લોકોને શંકા થઈ આવી. તેઓએ પૂછ્યું, “તું કોણ છે?” દ્રૌપદીએ જવાબ ન આપ્યો. પછી તેઓએ તેને હેરાન કરવાની, છેડવાની શરૂઆત કરી. દ્રૌપદી મુશ્કેલીમાં મુકાઇ ગઈ.

વિરાટ રાજાની રાણી ત્યાંથી પાલખીમાં મહેલ તરફ જઈ રહી હતી, તેણે દ્રૌપદીને તકલીફમાં જોઈ અને તેને પોતાની સાથે મહેલમાં લઈ ગઈ. રાણીને પણ આશ્ચર્ય થયું જ્યારે તેણે મહેલમાં જઈને દ્રૌપદીને જોઈ, ત્યારે તેને દ્રૌપદી રાણી જેવી લાગી રહી હતી, પોતે નહીં. રાણીએ પૂછ્યું, “તું કોણ છે?” દ્રૌપદી એ કહ્યું, “હું માલણ છું. હું દ્રૌપદીના વાળ ગૂંથીને તેમાં ફૂલ સજાવતી હતી. પરંતુ પાંડવો રાજ્ય ગુમાવી બેઠા પછી હું બેરોજગાર થઈ ગઈ છું. હવે હું આમતેમ ભટકી રહી છું. મારે પાંચ ગંધર્વ પતિ છે. તેઓ હાલ બીજા પ્રદેશમાં ગયા છે. અને તેઓ પાછા આવે ત્યાં સુધી મને આશ્રય જોઈએ છે. તેઓ એક વર્ષમાં પાછા આવી જશે.” રાણીએ ફૂલની વેણી અને ગજરા બનાવવામાં દ્રૌપદીની આવડત જોઈ અને તેમણે તેણીને પોતાના વાળની સજાવટ કરવા કહ્યું, અને દ્રૌપદીએ તેમાં જાદુ કરી દીધો. રાણીને લાગ્યું કે આ તો તેને મોટી ભેટ મળી હોય તેવું છે, અને તેણે દ્રૌપદીને પોતાની પાસે રાખી લીધી.

ક્રમશ:...

More Mahabharat Stories