Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: બાર વર્ષનો વનવાસ સમાપ્ત થવાના આરે છે, તેમાં વેઠેલી હાડમારીને કારણે ભીમ કડવાશ અને ગુસ્સાથી ભરાઈ જાય છે. એક સુંદર પ્રસંગ બને છે જેમાં હનુમાન સ્વયં ભીમને વિનમ્રતાનો પાઠ ભણાવે છે.

સદ્‍ગુરુ: એક દિવસ પાંડવો શિકાર કરવા જંગલમાં ગયા, તેઓ થોડા થાકેલા હતા અને તેમને તરસ પણ લાગી હતી. તે સમયે એક બ્રાહ્મણ તેમની પાસે દોડતો આવ્યો અને કહ્યું કે, તેણે પૂજા માટે પવિત્ર ઘાસ સૂકવવા લટકાવ્યું હતું. એક નર હરણ ત્યાંથી પસાર થયું, લટકી રહેલું ઘાસ તેના શિંગડામાં ભેરવાઈ ગયું અને તે ઘાસ સાથે જ જંગલમાં દોડી ગયું. તેણે પાંડવોને વિનંતી કરી, “મહેરબાની કરીને મને તે પવિત્ર ઘાસ પાછું લાવી આપો કારણ કે, આ મારો પૂજાનો સમય છે. મારે આ પૂજા ચૂકવી નથી. તમે બહાદુર ક્ષત્રિયો છો; તમારે મને મદદ કરવી જોઈએ.”

યુધિષ્ઠિરે હરણની શોધમાં તેના ભાઈઓને જુદી જુદી દિશામાં જવા કહ્યું. તેઓને હરણ મળ્યું નહીં. એક સમયે તેઓ ખૂબ થાકેલા અને તરસ્યા થઈ જાય છે. યુધિષ્ઠિર નકુલને પાણીની શોધમાં મોકલે છે. થોડી વારમાં નકુલ એક સરોવર પાસે આવી પહોંચે  છે. જેવો તે તેમાંથી પાણી પીવા જાય છે તેવો એક અવાજ આવે છે, “મારા સવાલના જવાબ આપતા પહેલા પાણી નહીં પીશો.” નકુલ તેને અવગણીને પાણી પીએ છે અને મૃત્યુ પામે છે. 

નકુલ પાછો નહીં આવ્યો એટલે યુધિષ્ઠિર સહદેવને નકુલને શોધવા મોકલે છે. સહદેવ સરોવર પાસે આવે છે ત્યારે તેને પણ અવાજ સંભળાય છે, “થોભો! મારા સવાલોના જવાબ આપ્યા પહેલા એમાંથી પાણી નહીં પીશો.” સહદેવ કહે છે, “પહેલા મને મારી તરસ છીપાવી લેવા દો. પછી હું તમારા સવાલોના જવાબ આપીશ.” તે પાણ પાણી પીએ છે અને મૃત્યુ પામે છે. હવે યુધિષ્ઠિરને ભણકારો વાગે છે કે બે ભાઈઓ કોઈ આપત્તિમાં છે. તેમને શોધવા તે ભીમ અને અર્જુનને મોકલે છે. તેઓ સરોવરની નજીક આવે છે. જેવા તેઓ પાણી પીવા જાય છે કે પેલો અવાજ તેમને રોકે છે, “થોભો! મારા સવાલના જવાબ આપ્યા વગર તેમાંથી પાણી પીશો નહિ.” અર્જુન કહે છે, “તમે કોણ છો? પોતાને પ્રગટ કરો.” ભીમ કહે છે, “રહેવા દે અર્જુન. આપણે પાણી પી લઈએ.” તે બન્ને પણ પાણી પી લે છે અને મૃત્યુ પામે છે.

જ્યારે ભીમ અને અર્જુન પણ પાછા ન ફર્યા ત્યારે યુધિષ્ઠિર પોતે તેમની શોધમાં નીકળે છે. આખરે, તે પણ સરોવર પર પહોંચે છે, પોતાના ભાઈઓને ત્યાં મૃત પડેલા જુએ છે. તે સરોવરને પૂછે છે, “પાણી! શું આ માટે તમે દોષી છો? શું મારા ભાઈનું મૃત્યુ તમારે કારણે થયું છે? મારું જીવન પણ લઈ લો.” એક અવાજ કહે છે, “થોભો! મારા પ્રશ્નોનાં જવાબ આપતા પહેલા પાણી પીશો નહિ.”

યુધિષ્ઠિર કહે છે, “આપ કોણ છો? ક્યાં છો? સામે આવો.”

એક યક્ષ સામે આવે છે અને કહે છે, “આ સરોવર મારું છે. તમારા ભાઈઓ મૃત્યુ પામ્યા છે કારણ કે, તેઓએ મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર તેમાંથી પાણી પીધું. શું તું પણ તેવું જ ભાગ્ય ઇચ્છે છે?” યુધિષ્ઠિરે કહ્યું, “જે મારું નથી તે લેવા હું ઇચ્છતો નથી. મને તમારા પ્રશ્નો પૂછો, હું મારાથી શક્ય બને તેટલો શ્રેષ્ઠ જવાબ આપીશ."

પ્રશ્ન: પૃથ્વી કરતાં પણ વધુ મહત્વનું શું છે?
યુધિષ્ઠિર: વ્યક્તિની માતા.

પ્રશ્ન: પૃથ્વી કરતાં પણ વધુ મહત્વનું શું છે?
યુધિષ્ઠિર: વ્યક્તિની માતા.

પ્રશ્ન: પવનથી પણ વધુ ઝડપી શું છે?
યુધિષ્ઠિર: મન.

પ્રશ્ન: ઘાસના તણખલાઓ કરતા પણ કોની સંખ્યા વધારે છે?
યુધિષ્ઠિર: મનના વિચારો.

પ્રશ્ન: ધર્મનું ઉચ્ચતમ સ્થાન કયું છે?
યુધિષ્ઠિર: ઉદારતા.

પ્રશ્ન: મહત્તમ યશ કયો છે?
યુધિષ્ઠિર: દાન

પ્રશ્ન: સ્વર્ગથી પરે શું છે?
યુધિષ્ઠિર: સત્ય

પ્રશ્ન: સૌથી વધુ વખાણવાલાયક શું છે?
યુધિષ્ઠિર: કૌશલ્ય

પ્રશ્ન:  કઇ વસ્તુની માલિકી શ્રેષ્ઠ ગણાય?
યુધિષ્ઠિર: જ્ઞાન

પ્રશ્ન: સહુથી મોટું ધન?
યુધિષ્ઠિર: સ્વાસ્થ્ય.

પ્રશ્ન: સૌથી મોટું સુખ?
યુધિષ્ઠિર: સંતોષ.

પ્રશ્ન: સૌથી ઊંચો ધર્મ?
યુધિષ્ઠિર: કોઈ જીવને હાનિ ન પહોંચાડવી.

પ્રશ્ન: શેની ઉપર નિયંત્રણ રાખવું જોઈએ?
યુધિષ્ઠિર: મન.

પ્રશ્ન: મનુષ્યને યોગ્ય બનાવવા માટે શેનો ત્યાગ કરવો જોઈએ?
યુધિષ્ઠિર: અભિમાન.

પ્રશ્ન: શ્રીમંત થવા શું ત્યાગ કરવું પડે?
યુધિષ્ઠિર: ઈચ્છાઓ.

પ્રશ્ન: ખેદ વિના શું છોડી શકાય છે?
યુધિષ્ઠિર: ક્રોધ.

પ્રશ્ન: સુખ મેળવવા શેનો ત્યાગ કરવો?
યુધિષ્ઠિર: લોભ.

પ્રશ્ન: શું માર્ગ પ્રશસ્ત કરે છે? 
યુધિષ્ઠિર: સત્કાર્ય માર્ગ પ્રશસ્ત કરે છે, ખરેખર તે પોતે જ માર્ગ છે.

પ્રશ્ન: તપસ્વી કોણ છે?
યુધિષ્ઠિર: જે શ્રદ્ધાવાન રહે છે.

પ્રશ્ન: ખરો સંયમ શેનો છે?
યુધિષ્ઠિર:  મનનો.

પ્રશ્ન: સાચી ક્ષમા કોને કહેવાય?
યુધિષ્ઠિર: જે શત્રુતા મટાડીને તે સાચા અર્થમાં માફ કરે છે.

પ્રશ્ન: સાચું જ્ઞાન કયું છે?
યુધિષ્ઠિર: ઈશ્વરનું જ્ઞાન

પ્રશ્ન: શાંતિ શું છે?
યુધિષ્ઠિર: હૃદયની સ્થિરતા.

પ્રશ્ન: દયા કોને કહેવાય?
યુધિષ્ઠિર: પ્રાણીમાત્રના સુખની કામના.

પ્રશ્ન: સાદગી ક્યારે કહેવાય?
યુધિષ્ઠિર: જ્યારે હૃદય શાંત હોય.

પ્રશ્ન: કયો શત્રુ દુર્જય છે?
યુધિષ્ઠિર: ક્રોધ.

પ્રશ્ન: કયા રોગનો ઈલાજ નથી?
યુધિષ્ઠિર: લોભ.

પ્રશ્ન: પ્રામાણિક વ્યક્તિ કોને કહેવાય?
યુધિષ્ઠિર: જે પ્રાણીમાત્રના સુખની કામના કરે.

પ્રશ્ન: અપ્રામાણિક કોણ છે?
યુધિષ્ઠિર: જેનામાં દયા નથી.

પ્રશ્ન: અજ્ઞાન કોને કહેવાય?
યુધિષ્ઠિર: પોતાનો ધર્મ ન જાણવું તે અજ્ઞાન છે.

પ્રશ્ન: અભિમાન કોને કહેવાય?
યુધિષ્ઠિર: જ્યારે માણસ એમ વિચારે કે જીવન તેની મરજીથી ચાલે છે.

પ્રશ્ન: દુઃખ શું છે?
યુધિષ્ઠિર: માત્ર અજ્ઞાન.

પ્રશ્ન: માણસ ધૈર્યવાન શી રીતે બની શકે?
યુધિષ્ઠિર: ઈન્દ્રિયોને વશ કરીને.

પ્રશ્ન: સાચું સ્નાન કયું?
યુધિષ્ઠિર: જ્યારે હૃદય સાફ થાય.

પ્રશ્ન: ધર્માદા કોને કહેવાય?
યુધિષ્ઠિર: પ્રાણીમાત્રની રક્ષા.

પ્રશ્ન: દુષ્ટતા કોને કહેવાય?
યુધિષ્ઠિર: બીજાનું ભૂંડું બોલવું.

પ્રશ્ન: કોઈની સાથે સહમતિ ક્યારે શક્ય બને?
યુધિષ્ઠિર: જ્યારે તે અનુકૂળ રીતે વાત કરે.

પ્રશ્ન: માણસની ઈચ્છાપૂર્તિ ક્યારે થાય?
યુધિષ્ઠિર: જ્યારે તે સમજદારીપૂર્વક વર્તે.

પ્રશ્ન: બીજી દુનિયામાં આનંદ કંઈ રીતે મળે?
યુધિષ્ઠિર: આ દુનિયામાં સદાચારી બનીને.

પ્રશ્ન: આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે?
યુધિષ્ઠિર: માણસનું મૃત્યુ નિશ્ચિત છે છતાં બધા અહીં એવી રીતે જીવે છે કે જાણે તેઓ અમર હોય, એ સૌથી મોટું આશ્ચર્ય છે.

પ્રશ્ન: કીર્તિ શું છે? ખરા અર્થમાં પુરુષ કોને કહેવાય?
યુધિષ્ઠિર: જેના સત્કર્મોના સમાચાર સ્વર્ગમાં પહોંચે અને આ સમાચાર પૃથ્વી પરથી ત્યાં પહોંચે તે કીર્તિ છે, જ્યાં સુધી આ વિશ્વ છે ત્યાં સુધી તેની કીર્તિ રહે, તે ખરા અર્થમાં પુરુષ ગણાય છે.

પ્રશ્ન: યુધિષ્ઠિર, કોની પાસે બધા પ્રકારનું ધન છે?
યુધિષ્ઠિર: માત્ર એ, જેને માટે સુખ અને દુઃખ, અમીરી અને ગરીબી, ભૂત અને ભવિષ્ય; બધું સમાન છે.

યક્ષ: યુધિષ્ઠિર, તું પૃથ્વી પરનો સહુથી વિદ્વાન અને ન્યાયી પુરુષ છે. હું તને વરદાન આપું છું. તારા કોઈ એક ભાઈને હું જીવનદાન આપુ છુ, તું કહે હું કોને પુનર્જીવિત કરું.
યુધિષ્ઠિર (થોડું વિચાર્યા પછી): મને નકુલ આપો.

યક્ષ: મને આશ્ચર્ય થાય છે. હું જાણું છું કે બધા ભાઈઓમાં તને ભીમ સૌથી પ્રિય છે. આવનારા યુદ્ધને જીતવા તું અર્જુન ઉપર નિર્ભર છે. તેમ છતાં તું તેમને છોડીને નકુલને પુંનર્જીવિત કરવા ઇચ્છે છે, શા માટે?

યુધિષ્ઠિર: મારી બે માતા છે, કુંતી અને માદ્રી. કુંતીનો પુત્ર હું, જીવિત છું. તો ચોક્કસ જ, માંદ્રીનો એક પુત્ર જીવિત હોવો જ જોઈએ.

યક્ષ: વાહ! તું સાચે જ એક મહાન આત્મા છે. યુધિષ્ઠિર! મેં તારા જેવો કોઈ પુરુષ હજુ સુધી જોયો નથી. હું માત્ર નકુલને જ નહીં, તારા ચારેય ભાઈઓને પુનર્જીવિત કરું છું.

યક્ષે ચારેય ભાઇઓને પુનર્જીવિત કર્યા.

યક્ષ ધર્મ હતા, યુધિષ્ઠિરના પિતા.

યક્ષ સાથેના આ સંવાદનું એક આગવું મહત્વ છે: યુધિષ્ઠિર જ્યારે દ્યૂતક્રીડા વખતે પોતાના ચાર ભાઈઓને દાવ પર લગાડવાની લાલચ કરી બેસે છે, ત્યારે તે સહુથી પહેલા નકુલ અને સહદેવને દાવ પર લગાડે છે. તે બન્ને તેના સાવકા ભાઈઓ હતા – ક્યાંક, તે તેઓને હારી જવા તૈયાર થઈ ગયો હતો. પરંતુ વનમાં રહ્યા પછી, તેનામાં આ ડહાપણ તેમાં ઊગી આવ્યું: જ્યારે તેને એક ભાઈને જીવિત કરવાની તક મળી, ત્યારે તેણે નકુલને પસંદ કર્યો. “કુંતીનો એક પુત્ર – હું, જીવિત છું. માદ્રીનો પણ એક પુત્ર જીવિત હોવો જોઈએ.” આ પ્રસંગ એ દર્શાવે છે કે વનમાં રહેવાથી પાંડવોમાં કેવું રૂપાંતરણ આવ્યું હતું. બાર વર્ષનો આ વનવાસ અભિશાપ ન હતો. વનવાસે તેમને વધુ સારા મનુષ્યો બનાવ્યા, જે આગળ જતાં વધુ સારા રાજા બનવાના હતા. આ બધું જ કૃષ્ણની લીલા હતી.

ક્રમશ:...

More Mahabharat Stories