સુપરસ્ટાર ઈસુ ખ્રિસ્ત
@ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી ધર્મ એકબીજાનાં લગભગ સમાનાર્થી છે. પણ, 'ઈશ્વરનાં પુત્ર - ઈસુનાં નામે, શું આપણે ઈસુમાં જે અતુલ્ય માનવતા હતી તેનો સાર ખોઈ નાખ્યો છે? કદાચ. ઈસુની ભાવનાઓને આપણા હૃદયમાં પાછી લાવવાનો સમય આવી ગયો છે.
સદ્ગુરુ : જ્યારે આપણે 'જીસસ'(ઈસુ ખ્રિસ્ત) કહીએ ત્યારે આપણે એક એવા પુરુષની વાત નથી કરી રહ્યા જે ૨૦૦૦ વર્ષ અગાઉ થઈ ગયો. પણ એક ચોક્કસ શકયતાની વાત કરીએ છીએ જે દરેક મનુષ્યમાં રહેલી છે. દરેક વ્યક્તિ આ ગુણને પોતાની અંદર ખીલવા દે તે ખૂબ જરૂરી છે કારણ કે, આજે ધર્મના નામે લોકો એક બીજાના જીવનનો નાશ કરવા પણ તૈયાર છે. દિવ્યતત્વને પામવાની આપણી ઘેલછાઓ પાછળ આપણે આપણી માનવતા ગુમાવી રહ્યાં છીએ.
કોણ તમારું છે અને કોણ તમારું નથી એ જોયા વગર, કોઈ પણ પૂર્વગ્રહો વગર, જીવન જીવવું તે ઈસુની શિખામણોનો સૌથી મહત્વનો ભાગ હતો. જો આમ થાય તો જ તમે ઈશ્વરના સામ્રાજ્યને જાણી શકો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "ઈશ્વરનું સામ્રાજ્ય ઉપર નથી, એ તો તમારી અંદર જ છે.” ફક્ત, શરૂઆતી પ્રચારનાં સમયમાં લોકોને આકર્ષિત કરવા માટે તેમણે લોકોને ઈશ્વરના સામ્રાજ્યમાં લઈ જવાની વાત કરી પણ, જ્યારે પૂરતાં લોકો એમની આસપાસ એકઠાં થયાં, ત્યારે તેમણે વાત ખરી બાજુએ ફેરવી, "ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર જ છે." આ જ ઈસુની શિખામણોનો આધાર છે.
કમનસીબે, 99% લોકો પોતાના અંદરની આ અદ્ભૂત બાબત ચૂકી જાય છે. જો તે ઘણે દૂર હોય તો તમે એ કદાચ યાત્રા કરવા માટે તૈયાર ન પણ થાઓ પણ, જ્યારે તે તમારી પાસે જ હોય, છતાંય તમે તેને ચૂકી જાઓ, તો શું આ એક દુ:ખદાયક બાબત નથી? જો ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર જ હોય તો એની શોધ તમારે અંદર જ કરવી રહી, આ એટલી સરળ વાત છે.
શ્રદ્ધા અંગે શું?
એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે જે તમને તમારી અંદરના એ આયામ, જે મૂળ રૂપથી સર્જનનો સ્ત્રોત છે, તેનાં સુધી પહોંચાડી શકે છે. તમારી પાસે જે શરીર છે તે અંદરથી જ બનેલું છે. ઈસુ પાસે, એમના જીવનમાં, એટલો સમય ન હતો કે તેઓ લોકોને આ વિજ્ઞાન સમજાવી શકે, તેથી તેઓએ શ્રદ્ધાની વાત કરી હતી, જે એક ઝડપી રસ્તો છે. જ્યારે તેમણે કહ્યું કે, "ફક્ત બાળકો જ ઈશ્વરના સામ્રાજ્યમાં પ્રવેશી શકશે," ત્યારે તેઓ નાનાં બાળકોની વાત નહોતાં કરતાં. તેઓ એવા લોકોની વાત કરતા હતા જે બાળક સમાન હોય, એવા લોકો જે દરેક વસ્તુનો આગાઉથી નિષ્કર્ષ કાઢી લેવાની વ્રુત્તિ - પૂર્વગ્રહોથી મુક્ત હોય.
તમે જે કાંઈ નિષ્કર્ષો કરી લો છો તેમાં તમે ખોટા જ પડવાના છો કારણ કે, જીવન તમારા નિષ્કર્ષોના કોઠામાં ફીટ નથી થતું. એવા લોકો જેમણે અગાઉથી જ ઘણા બધા નિષ્કર્ષો કાઢી લીધા છે, તેઓ જીવનને અથવા તેના સ્ત્રોતને નહીં પામી શકે. જો તમે તે વસ્તુને છોડી દો, તો તે ખૂબ સરળ છે.
ઈસુના જીવનનાં અંત સમયમાં, જ્યારે એ બિલકુલ નક્કી હતું કે એમને મૃત્યુદંડ આપવામાં આવશે, ત્યારે એમના શિષ્યો ફક્ત એક જ પ્રશ્નનો વિચાર કરી શકતા હતા, "તમે જ્યારે તમારું શરીર છોડી તમારા પિતાના સામ્રાજ્યમાં જશો, તો તમે એમની જમણી બાજુએ બેસશો, ત્યારે અમે ક્યાં હોઈશું? અમારામાંથી કોણ તમારી જમણી બાજુએ બેસશે"? તેમનાં ગુરુ, જેમને એ લોકો ઈશ્વરના પુત્રનાં રૂપમાં જોતાં હતાં - તેમને ખૂબજ ભયંકર મૃત્યુ મળવાની હતી અને આ લોકોનો પ્રશ્ન આવો હતો! પણ, તમે એ વ્યક્તિનાં ગુણ જુઓ - તેઓએ આ ગુણ તેમનાં આખા જીવન દરમિયાન કાયમ રાખ્યો હતો - કોઈ એમને ગમે તે બાજુ ખેંચે, તેઓ જે કાંઈ સ્થાપિત કરવા માંગતા હતા, તેઓ તે જ ઉદ્દેશ્યની પાછળ ચાલતા હતા. તો ઈસુ બોલ્યા, "જે લોકો અહીં આજે સૌથી આગળ ઊભા છે, તેઓ ત્યાં સૌથી પાછળ હશે. જે લોકો અહીં સૌથી પાછળ ઊભા છે તેઓ ત્યાં સૌથી આગળ હશે." ઈસુએ પદક્રમ તોડી પાડ્યો અને સ્પષ્ટ કર્યું કે ધક્કામુક્કી કરીને સ્વર્ગમાં ઘુસવાની આ વાત છે જ નહીં. આંતરિક ક્ષેત્રમાં માત્ર પવિત્રતા જ કામ કરે છે.
ઈસુની ભાવનાને જીવંત રાખીએ!
હવે વિશ્વાસ પ્રણાલીઓથી આગળ જઈને, જીવનને એ જેવું છે તેવી જ રીતે જોવાનો સમય આવી ગયો છે. છેવટે તો સર્જનનો સ્ત્રોત તમારી અંદર જ છે. જો તમે એને કામ કરવા દો, તો બધું જ તાલમેલમાં રહેશે અને તે જ ઈસુની શિખામણોનો આધાર છે. ઈસુનાં શબ્દો આ જગતમાં ભરપૂર ત્યાગ, દયા અને પ્રેમ લાવ્યાં છે, પણ તેમના જીવનનો સૌથી મહત્વનો ભાગ, જે એમની શિખામણોનો મૂળ આધાર "ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર જ છે." - તેવો છે.
જો તે અંદર છે, તો તે એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ કોઈ અલગ જૂથ, સંપ્રદાય કે પ્રશંસકોનો જમાવડો કરવો - તેવો નથી. આ એક વ્યક્તિગત શોધ છે, જે યોગનું સારતત્વ છે અને વિશ્વના પૂર્વી ભાગની આધ્યાત્મિક પ્રક્રિયા છે. કમનસીબે ઈસુ જે કાંઈ મહત્વપૂર્ણ બાબતો વિષે બોલ્યાં તે ભુલાઈ ગયું છે. હવે સમય આવી ગયો છે કે તેમના શબ્દોનો મર્મ પાછો લાવવામાં આવે - ફક્ત એક જ જૂથ માટે નહીં પણ સૌને માટે. ઈસુની ભાવનાને જીવંત રાખીએ.
નિ:શુલ્ક ઈ-પુસ્તક ‘ઈનર મેનેજમેંટ’ ડાઉનલોડ કરો, જેમાં સદ્ગુરુ આપણી ક્ષમતાઓ વધારવા અસરકારક સાધનો અર્પે છે અને જીવનનું એક આખું નવું પરિમાણ આપે છે જે આપણને બાહ્ય પ્રભાવોથી મુક્તિ આપે.