આકાશિક રેકોર્ડસ શું છે અને એ શું દર્શાવે છે?

પ્રશ્નકર્તા: તમે અમને આકાશિક રેકોર્ડ્સ વિષે જણાવશો?

સદ્‍ગુરુ: આજે આપણે એને ઈન્ટરનેટ કહીએ છીએ! જીવનમાં સક્રિય થવાના અનેક રસ્તા છે. તમે શારીરિક કાર્ય કરી શકો, માનસિક કાર્ય કરી શકો અથવા તમારા પ્રાણ પાસે કામ લઈ શકો. જો તમે શરીર સાથે કશું કરો તો એનો એક નિશ્ચિત જીવન કાળ છે. જો તમે મનની સાથે કામ કરો તો એનો જીવનકાળ થોડો લાંબો હોય છે. જો તમે પ્રાણ ઉપર કામ કરો છો તો એનો જીવનકાળ અત્યંત લાંબો હોય છે. પરંતુ જ્યારે તમે આ ભૌતિક પરિમાણની બહાર કામ કરો છો ત્યારે એ હંમેશા માટે રહે છે. કોઈ એનો નાશ કરી શકતું નથી.

જો તમે ઈચ્છો તો કૃષ્ણ જે જાણતા હતા, બુદ્ધ જે જાણતા હતા, જે કંઇ કોઈ બીજું જાણતું હતું, એ સઘળું અહીં જ છે. તમારે એ બકવાસ જે એમની આસપાસના લોકોએ લખી એ ભણવાની કોઈ જરૂર નથી.

હું ક્યારેય  આધ્યાત્મ વિષે  ભણ્યો નથી, પરંતુ માનવ-ચેતના વિષે મારી સ્પષ્ટતા સ્ફટિક જેટલી પારદર્શક છે. હું જે બધું જાણું છું, તે હું નથી જાણતો! હું જ્યારે રસ્તા પર ચાલુ છું ત્યારે હું એ બધું સાથે લઈને નથી ચાલતો. પણ મને જ્યારે જરૂર પડે ત્યારે એ હંમેશા હાજર હોય છે. મારે શા માટે મારી ઉપર એનો બોજો લાદવો જોઈએ જ્યારે મને જરુર પડે ત્યારે એ બધું હંમેશા ઉપલબ્ધ હોય? લોકો આજે આજ પ્રમાણે ઈન્ટરનેટનો વપરાશ કરે છે. તમારે માહિતી તમારી સાથે લઈને ફરવાની જરૂર નથી. બધું ત્યાં જ છે. જ્યારે એ તમને જોઈએ ત્યારે એનો ઉપયોગ કરો.

જ્યાં સુધી મારો પ્રશ્ન છે, કૃષ્ણ, ગૌતમ બુદ્ધ કે ભૂતકાળના બીજા ઘણા યોગી મારે માટે હકીકતમાં ભૂતકાળ નથી. એ સૌ જાણે હમણાં જ છે. શરીર રૂપે એ લોકો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હોઈ શકે, પણ જ્યારે એમણે કરેલા કામોના કેન્દ્ર(હાર્દ)ની વાત આવે, ત્યારે એ હંમેશા આ જ સમયે ઉપસ્થિત હોય એમ લાગે. અત્યારે પણ જે રીતે ગૌતમ કામ કરતા હતા એના સુધી પહોંચી શકાય છે. જ્યાં સુધી મારો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધ હમણાં, આ ઘડીએ છે, ૨૫૦૦ વર્ષ અગાઉ નહિ.

એ બધાં જ જેમણે પોતાનાં આંતરિક પરિમાણોના અવરોધોની બધી સીમાઓ તોડી નાખી અને ‘પરમ્’નો સ્પર્શ કર્યો - તેઓ જે સમજ્યા, જે ગ્રહણ કર્યું અને જે કંઈ તારવ્યું એ સદાકાળ માટે છે. એ "આંતરિક નૅટ" અથવા "યોગિક નૅટ" પર છે. બસ, તમારે એના સુધી પહોંચવાનું છે. તમને એને માટે વાઈ-ફાઈની જરૂર નથી! જો તમે ઈચ્છો તો કૃષ્ણ જે જાણતા હતા, બુદ્ધ જે જાણતા હતા, જે કંઈ કોઈ બીજું જાણતું હતું, એ સઘળું અહીં છે જ. તમારે એ અર્થહીન વાતો જે એમની આસપાસના લોકોએ લખી એ ભણવાની કોઈ જરૂર નથી.

આકાશિક મન એટલે શું?

અહીં એક વ્યક્તિગત મન છે અને એક વૈશ્વિક મન છે. એ બંને મન એકબીજાના પ્રતિબિંબ માત્ર છે. વાત ખાલી એટલી જ છે કે વ્યક્તિગત મનમાં એટલો કાદવ-કીચડ પડ્યો છે કે એ વૈશ્વિક મનને તેની સમગ્રતામાં ગ્રહણ નથી કરી શકતું. જો કોઈ વ્યક્તિ જીવનને વ્યક્તિગત મનને બદલે અકાશિક મનથી સ્પર્શી શકે, જો તમે આકાશિક મનને સ્પષ્ટતાથી જોઈ શકો, તો તમે માત્ર તમારી સંભવિત પરિસ્થિતિઓને જ નહિ, લગભગ બધી જ વસ્તુઓની સંભવિત પરિસ્થિતિઓને જોઈ શકો છો. પણ મુશ્કેલી એ છે કે જો તમે આ બાબતમાં વાત સુદ્ધાં કરો તો, લોકો જાત જાતની કલ્પનાઓ કરવા લાગશે જે તેઓએ બીજા લોકો પાસેથી "ગ્રહણ કરેલી" હોય. તેઓ બધા પ્રકારના લોકો વચ્ચે એ માહિતી "ફેલાવશે", તેઓ એવા લોકોમાં પણ ફેલાવશે જેઓની સાથે તેમને બોલવાનો સંબંધ સુદ્ધા નથી. સાથે જ જો આપણે આ શક્યતાઓને નકારી કાઢીએ તો તે માનવતાને અંધ કરવા જેવી વાત છે.

આકાશિક મનના લાભદાયક પરિણામ માટે એક સરળ પ્રક્રિયા

akashic-mind-akasha-akashic-records

આજે, આધુનિક વિજ્ઞાન એ સ્વીકારે છે કે કંઈક એવું છે જેને આકાશિક બુદ્ધિમતા કહી શકાય. મતલબ, અવકાશની એક ખાસ બુદ્ધિમત્તા હોય છે. આ બુદ્ધિમત્તા તમારી તરફેણમાં કામ કરે છે કે વિરૂદ્ધમાં એના પર તમારા જીવનની પ્રકૃતિનો આધાર છે, તમે સુખી રહેશો કે પછી તમારું બાકીનું જીવન અતિશય ઠોકરો ખાઈને વ્યતીત કરશો. ઘણા લોકો જીવનમાં એક નહિ તો બીજા કારણથી મુશ્કેલીથી પીસાયા જ કરે છે જ્યારે અમુક લોકો બધી રીતે સુખી હોય છે. એ કંઈ અકારણ થતું નથી. એ તમારી ક્ષમતા છે – સચેતન રીતે કે અચેતન રીતે; આ વિશાળ બુદ્ધિમત્તા જે રીતે કામ કરે છે એનો સહયોગ તમને મળે છે.

એક સરળ પ્રક્રિયા જે તમે આને માટે કરી શકો એ, સૂર્યોદય પછી સૂર્ય ત્રીસ ડિગ્રીનો ખૂણો પાર કરે એ પહેલા, ઉપર આકાશ તરફ જોઈને એને નમન કરો કે આજે એણે તમને ઝાલી રાખ્યા છે. સૂર્ય ત્રીસ ડિગ્રી પાર કરી જાય પછી, દિવસ દરમિયાન ગમે ત્યારે ફરી ઉપર જોઈને તેને નમન કરો. સૂર્યાસ્ત પછી ફરી એક વખત ઉપર જોઈને નમન કરો. ઉપર રહેલા કોઈ ભગવાનને નહિ, માત્ર અવકાશને જેણે તમને આજે ઝાલી રાખ્યા છે. માત્ર આટલું કરો. જીવન નાટ્યાત્મક રીતે બદલાઈ જશે.

આકાશ તત્વ - અવકાશ કે ઈથર?

પ્રશ્ન: આ આકાશ અને અવકાશ એક જ છે?

સદ્‍ગુરુ: પૃથ્વી, પાણી, હવા અને અગ્નિની જેમ આકાશ પાંચ તત્વોમાંનું એક પરિમાણ છે. આ તત્વો એ શૂન્યાવકાશ નથી પણ એક પ્રકારનો પદાર્થ છે. આકાશને માત્ર ખાલી જગ્યા કે શૂન્યાવકાશ સમજવાની ભૂલ નહિ કરતા. એ ઈથર છે. ઈથર શબ્દ એટલો સચોટ નથી પણ એ સૌથી નજીકનું ભાષાંતર છે. ઈથર અવકાશ નથી; એ અસ્તિત્વનું એક સૂક્ષ્મ પાસું છે. અવકાશ એ કાળ છે અથવા તો એ છે જે છે જ નહિ –એટલે “શી-વ”, અવકાશ એટલે એ કે “જે છે જ નહિ” અને આકાશ એટલે એ, ”જે છે.”

આકાશ ભૌતિક અભિવ્યક્તિનું એક સૂક્ષ્મ પાસું છે. તમે આ ઓરડામાં હવા જોઈ શકતા નથી, તેમ છતાં અહીં હવા છે, અને એ તમારા જીવનનો એક અગત્યનો ભાગ છે. એ દૃષ્ટિએ તમારી જિંદગી બધે ફેલાયેલી છે. આ શરીરમાં સ્થૂળ તત્વો છે અને સાથે સૂક્ષ્મ તત્વો પણ છે. જો તમને કબજિયાત છે, તો તમારા શરીરમાં કશુંક સ્થૂળ છે! એની ઉપર શરીરના વધુ વિશુદ્ધ ભાગો છે. એની ઉપર હવાથી ભરેલા ફેફસાં છે, એની ઉપર મગજ, વિચારો, લાગણીઓ અને બીજું ઘણું બધું છે. અને જીવન છે, જે અંદર જાય છે અને બહાર આવે છે. બીજા શબ્દોમાં, જીવન હંમેશા અત્યંત સ્થૂળથી લઈને ઘણી સૂક્ષ્મતાઓમાં ફેલાયેલું છે.. તમે જેટલો વધુ વ્યાપ વધારશો એટલા જીવનની સૂક્ષ્મતાઓને  જોઈ શકશો.

અન્નપૂર્ણેશ્વરી મંદિર

આકાશ વગર, અહીં તમારું અસ્તિત્વ શક્ય નથી. આ ઓરડામાં હવા ન હોય, તો તમારું અસ્તિત્વ ન હોય. મોટા ભાગનો સમય, તો તમે હવા છે કે નહિ એ બાબતે સજાગ હોતા નથી, પણ તમે એના વગર એક ક્ષણ પણ જીવિત ન રહી શકો. એ જ પ્રમાણે તમે આકાશ તત્વ વગર પણ, એક ક્ષણ પણ જીવિત રહી ન શકો.

દક્ષિણ ભારતના કર્ણાટકમાં એક મંદિર છે, જે અન્નપૂર્ણેશ્વરીને સમર્પિત છે. મંદિરની પાછળના ભાગમાં હુલે કન્નડ - પૌરાણિક કન્નડ ભાષા - જે અમુક હજાર વર્ષ જૂની છે, તેમાં એક શિલાલેખ છે જેમાં વિમાન કેવી રીતે બનાવી શકાય એનો ઉલ્લેખ છે. એમાં સમજાવ્યું છે કે તમે કઇ રીતે વિમાન બનાવી શકો, પણ સાથે એ પણ કહ્યું છે કે, જો તમે એવા મશીનને ઉડાવો તો એ ઈથર માં ખલેલ ઊભી કરશે. એમાં તેઓએ લખ્યું છે કે જો તમે આકાશમાં ખલેલ પાડશો તો મનુષ્યો શાંતિ-પૂર્વક રહી નહિ શકે, એક વખત આકાશમાં ખલેલ પડે પછી માનસિક અસ્થિરતા ખૂબ વધી જાય છે. આપણે હાલ આમ થતું જોઈએ છીએ.

રહસ્યવાદમાં આકાશ તત્વનું મહત્વ

sun-worship-akasha-akashic-records

પ્રશ્નકર્તા: પણ સદ્‍ગુરુ,આકાશની ભૌતિક અને મનોવૈજ્ઞાનિક અસર સિવાય, આકાશનું કોઈ આધ્યાત્મિક કે ગૂઢ પાસું પણ છે?

સદ્‍ગુરુ: એ પાંચ મૂળભૂત તત્વો છે જેને આપણે જીવનના મૂળભૂત ઘટકો તરીકે ગણીએ છીએ. હું એને  તત્વોનો જાદુ કહું છું કારણ કે માત્ર આ પાંચ તત્વો ને કારણે જ ઘણું બધું થઈ શક્યું છે. પાંચ તત્વો જે પોતાને જીવન તરીકે પ્રદર્શિત કરે છે, અને એ બધું જ જે આપણે જોઈ, સાંભળી, સૂંઘી, ચાખી અને સ્પર્શી શકીએ છીએ, એની ગોઠવણી અને સંયોજન આપણે વિચારી શકીએ એ તમામ શક્યતાઓથી પર છે. જો કઈંક ગોઠવણીની શક્યતાઓથી પર હોય, તો એ ગણિત નહિ જાદુ કહેવાય. યોગનું સૌથી મૂળભૂત પાસુ આ તત્વોના જાદુ પર મહારત મેળવવાનું છે. ખાસ કરીને જો લોકો શરીરથી મજબૂત બનવા ઈચ્છતા હોય તો પૃથ્વી મહત્વની બનશે, પણ જો કોઈ આધ્યાત્મને માર્ગે હશે, જેઓ બોધ પામવા માંગતા હશે, તેમને માટે આકાશ સૌથી મહત્વનું છે. આ માણવ-રૂપને બનાવવામાં બોત્તેર ટકા પાણી, બાર ટકા પૃથ્વી, છ ટકા હવા, ચાર ટકા અગ્નિ; મોટો હિસ્સો નિર્ધારિત કરે છે. બાકીનું આકાશ છે. "બાકીનું" કહીને મારો મતલબ છ ટકા એવો નથી. મારો કહેવાનો અર્થ છે બાકી રહેતું.

..આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આશય, વિજ્ઞાન અથવા વિશેષ જ્ઞાનનો, પાંચ ઇન્દ્રિયોથી પર એનો બોધ મેળવવાનો કે જેની પ્રકૃતિ ભૌતિક નથી અને આપણા અસ્તિત્વનાં ગૂઢ સ્વભાવને શોધવાનો, આકાશને વિસ્તારવાનો છે.

જો આપણે જે છીએ એના વિશાળ પરિપેક્ષમાં આપણે આપણી સિસ્ટમમાં આકાશનું પ્રમાણ વધારીએ, તો આપણી બોધ-ક્ષમતા ઘણી વધી જાય છે. જેમનામાં આકાશનું પ્રમાણ ઓછું હોય, અથવા કોઈની સંરચના એટલે બનાવટમાં જ આકાશનું પ્રમાણ ઓછું હોય, તો તેમની બોધ-ક્ષમતા ઘણી ઓછી હશે. જો તેઓ પાસે ઉચ્ચ સ્તરની બુદ્ધિમત્તા હશે તો પણ તમની બુદ્ધિ બીજી ભૌતિક વાતોમાં ખવાઈ જશે. તે એનાથી વધુ બોધ મેળવવાના સ્તર સુધી ક્યારેય નહિ જઈ શકે. આ સંદર્ભમાં, આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો, વિજ્ઞાન અથવા વિશેષ જ્ઞાનનો, પાંચ ઇન્દ્રિયોથી પર એનો બોધ મેળવવો કે જેની પ્રકૃતિ ભૌતિક નથી અને આપણા અસ્તિત્વનાં ગૂઢ અર્થને શોધવાનો, આકાશને વિસ્તારવાનો છે.

આકાશ અસીમિત પરિમાણ છે. જ્યારે આકાશ તત્વનું પ્રમાણ વધે છે, ત્યારે વ્યક્તિનું હોવાપણું પણ અસીમિત બનતું જાય છે. અસીમિત નહિ તો ઓછામાં ઓછું એવી સીમા જે તમે જોઈ કે અનુભવી ન શકો. આનાથી એક વ્યક્તિમા બંધન રહિત હોવાની પ્રબળ ભાવના ઉત્પન્ન થાય છે કે પોતે કોઈ વસ્તુ સાથે બંધાયો નથી. ભીતરથી બંધન રહિત હોવાની આ લાગણી પર્યાપ્ત માત્રામાં અવકાશ હોવાનું પ્રમાણ છે જેને માટે આ પાંચ તત્વો પર નિપુણતા મેળવવા જરૂરી છે. આ તત્વો પર નિપુણતા મેળવવા ઇચ્છતા હો તો શરીર રચનાને અસરકારક અને કાર્યરત રાખવા છતાં એના વડે ન ઓળખાવું એ વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી પગલું છે.

પાંચ તત્વો પર નિપુણતા પ્રાપ્ત કરવી

five-elements-and-human-system-illustration

એક વખત પાંચ તત્વો પર અમુક ચોક્કસ નિપુણતા આવી જાય, પછી આંતરિક અને બાહ્ય જેવું કશું રહેતું નથી કારણ કે, તત્વોને તમારી નક્કી કરેલી સીમાઓ નડતી નથી. જો સરળ ભાષામાં સમજીએ તો, તમે અહીં બેઠા છો અને આ હવાને શ્વાસ માં લો છો. હવા તમારી સીમાઓને માન નથી આપતી. એ તો અવિરત અંદર - બહાર કર્યા કરે છે. આ માત્ર હવાની વાત નથી, એ બધી બાબતોમાં થાય છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ, અને જેનું ઉત્સર્જન કરીએ છીએ એ અને બીજું બધું જ સતત એક આદાન-પ્રદાનની પ્રક્રિયા છે. તમારા શરીરની સીમાઓ તો માત્ર તમારી માનસિક રાહત માટે છે. પરંતુ આ પાંચ તત્વોને તમારી મર્યાદાઓની કોઈ દરકાર નથી અને એ તો તમારી પરવાનગી વગર પણ પોતાની લેવડદેવડ કર્યે રાખે છે. જો તમે કોઈ રીતે આ પાંચ તત્વોની પ્રકૃતિને અનુભવ કરી શકો તો તમે પોતે આ સીમાઓની મર્યાદાઓને પણ પાર કરી શકો છો. અથવા બીજા શબ્દોમાં, તમે તમારા એકાંતનું બલિદાન આપો છો કારણ કે સતત બધુ અંદર અને બહાર ઝરતું રહે છે. જ્યારે કોઈ નિપુણતા મેળવવા માંગે ત્યારે, પહેલું કામ જે સામન્ય રીતે કરવામાં આવે છે તે છે - તમે એ પાંચ તત્વો આગળ તમારી જાતને ખુલ્લી મૂકો. જે ભૂતકાળની આધ્યાત્મિક સાધનામાં ખૂબ સામાન્ય હતું જેમ કે નાગાબાવાઓ, ગોરખનાથીઓ કે પછી જૈનો પોતાને નિર્વસ્ત્ર રાખવાની પ્રારંભિક સાધના કરતા હતા કારણ કે, તેઓ તત્વોની અવરજવર મુક્ત રીતે થાય એમ ઇચ્છતા હતા.

આજે દુનિયામાં નિર્વસ્ત્ર હાલતમાં ફરવું શક્ય નથી, છતાં ભારતમાં હજુ એમ થાય છે. હજારોની સંખ્યામાં તમે એમને નગ્ન અવસ્થામાં ફરતા જોઈ શકો છો અને એ લોકો સામજિક નિયમોની દરાકાર નથી કરતા. પણ એ તમારા સૌના માટે શક્ય નથી. એક સરળ વસ્તુ જે તમે શકો છો એ છે ઢીલાં કપડાં પહેરવાં. કદાચ તમે સુડોળ ન દેખાઓ, પણ તાત્વિક સ્તરે તમારો કોઈ આકાર નથી. એ સતત બદલાવની સ્થિતિમાં હોય છે. આને સહાયભૂત થવા માટે, આના પ્રત્યે જાગૃત થવા માટે, એ મહત્વનું છે કે તમારા શરીર અને તમે જે પહેરો એની વચ્ચે થોડી જગ્યા રહે, તમે ટાઇટ-ફિટિંગવાળા કપડાં ન પહેરો. આ એક ડગલું તમે ભરી શકો છો. જો તમે ધ્યાન આપશો તો સમજાશે કે શ્વાસની પ્રક્રિયા સિવાય પણ આખા શરીરમાં ઘણાં આદાન-પ્રદાન થાય છે. જો કોઈ વ્યક્તિ આ વ્યવહારો ઉપર પૂરતું ધ્યાન આપે તો તે ધીરે ધીરે શરીરમાં રહેલા તત્વોની પ્રકૃતિ અને બંધારણ પણ સમજી શકશે. પછી કોઈ એક પાસાની વૃદ્ધિ કરવા કે શરીરમાં આકાશનું પ્રમાણ વધારવા માટે યોગ્ય અભ્યાસ કરવો એ એક સંભાવના બની શકે છે.

પ્રશ્ન: સદ્‍ગુરુ, એ અભ્યાસ કયો છે?

સદ્‍ગુરુ: અભ્યાસ પ્રથમ નથી આવતો, ધ્યાન પહેલાં આવે છે. જો કોઈ સમજે કે વ્યવહાર થાય છે - બુદ્ધિ દ્વારા નહિ - ધ્યાન આપીને એ પ્રક્રિયાને કઈ રીતે આપણા ફાયદા માટે ઝડપી લેવી એ બાબતમાં આપણે કશુંક કરી શકીએ. સૌથી પહેલા તત્વોના આ દેખીતા વ્યવહારો ઉપર કાબૂ લાવવો જરૂરી છે. આવા સ્પષ્ટ વ્યવહારોમાં શ્વાસ લેવો; ખોરાક અને પાણી આરોગવાં, શરીરનું તાપમાન અને બહારનું તાપમાન છે. આ સૌથી વધારે દેખીતા આદાન-પ્રદાન છે. આ દેખીતા આદાન-પ્રદાનો પર થોડું વધુ ધ્યાન આપો. મને હંમેશા આશ્ચર્ય થાય છે કે મોટા ભાગના લોકોએ ક્યારેય શ્વશન પ્રક્રિયા પર ધ્યાન નથી આપ્યું, જે સાવ દેખીતું છે અને એ તો કંઈ નીરવ(ગૂપચૂપ થનારી) પ્રક્રિયા પણ નથી, એ તો આખા શરીરમાં હલન ચલન કરે છે. જો તમે શ્વાસોચ્છવાસ પર ધ્યાન નહિ આપી શકો તો એનાથી પણ સૂક્ષ્મ પ્રક્રિયાઓ ઉપર કઈ રીતે ધ્યાન આપશો? જો તમે ધ્યાન આપી શકો કે તમે કઈ રીતે ખાઓ છો, પીઓ છો, શ્વાસ લો છો અને બધી વસ્તુઓને સ્પર્શ કરો છો તો તમે જોશો કે તમારા જીવનનો અનુભવ તદ્દન જુદા સ્તરે વૃદ્ધિ પામશે.

તમે ધ્યાન આપી શકો કે તમે કઈ રીતે ખાઓ છો, પીઓ છો, શ્વાસ લો છો અને બધી વસ્તુઓને સ્પર્શ કરો છો તો તમે જોશો કે તમારો જીવનનો અનુભવ તદ્દન જુદા સ્તરે વૃદ્ધિ પામશે.

મોટા ભાગના લોકો આ સામાન્ય વસ્તુઓ પણ કરતાં નથી. એ લોકો તેમના ખોરાક અને પાણીને ઉતાવળ-ઉતાવળમાં ગળી જાય છે. તેઓ સાવ અભાનપણે શ્વાસ લે છે. એ લોકો પ્રત્યેક વસ્તુને હાથ લગાડે છે પણ જાણતા નથી કે કઈ વસ્તુને સ્પર્શ કરે છે અને તે સ્પર્શનો અનુભવ કેવો છે. લોકો એવું માને છે કે તમે જ્યારે શ્વાસ લેતા હો ત્યારે બીજું કશું કરવું ન જોઈએ, તમારે માત્ર શ્વાસ લેવો જોઈએ. મનુષ્ય હોવાની સુંદરતા એ છે કે, આપણા મગજનું એટલું સામર્થ્ય છે કે જે જટિલ પ્રક્રિયાઓ આપણી અંદર થાય છે તે ચાલતી રહે અને છતાંય આપણું ધ્યાન કેન્દ્રિત રહી શકે. આ એવું છે કે તમે વાહન ચલાવતા હો અને છતાં કોઈની સાથે વાત કરી શકો. એટલે બે જગ્યાએ ધ્યાન તો સાવ સ્વાભાવિક રીતે આપી શકાય છે. તમે જે કોઈ કાર્ય કરી રહ્યા હો, એ કરતી વખતે તમે શ્વાસ પર ધ્યાન આપી શકો છો. શ્વસન એવી પ્રક્રિયા છે જે હંમેશા ચાલતી રહે છે. તમે એની પર ધ્યાન આપી શકો છો. તમે જે ખોરાક લો છો એની ઉપર પણ ધ્યાન આપી શકો છો અને જે પાણી પીઓ એની ઉપર પણ.

અસ્તિત્વથી પરના પરિમાણોને ઓળખવાની અને અસ્તિત્વની ગહન પ્રકૃતિમાં ડૂબકી મારવાની સંભાવના, આપણે જે છીએ એના તાત્વિક સંયોજનનાં પાયામાં રહેલી છે. એમાં લાવેલો બદલાવ  તમારે માટે અદ્‍ભૂત ચીજો કરી શકે.

ભૂતશુદ્ધિ અથવા પાંચ તત્વોનું શુદ્ધિકરણ યોગિક પ્રક્રિયાનો આધાર છે.  શિવરાત્રિ દરમિયાન સદ્‍ગુરુ સાથે “ધ ગ્રેસ ઓફ યોગા” કાર્યક્રમ આ તત્વોને ઊંડાણપૂર્વક જાણવા માટેનો ખાસ કાર્યક્રમ છે.