Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડે છે અને સમગ્ર કુરુવંશનો વિનાશ થાય તેવો શ્રાપ આપે છે. ઉત્તરાના નવજાત બાળકને કૃષ્ણ બચાવી લે છે. યુદ્ધ પછી પાંડવો હસ્તિનાપુર પાછા ફરે છે. પણ કોઈ વિજય-યાત્રા નથી નીકળતી. ઘણી જાનહાનિ થઈ છે, ઘણું નુકસાન અને વિનાશ થયા છે. મહેલની અંદર ધૃતરાષ્ટ્ર અને ગાંધારી યુધિષ્ઠિર અને ભીમને મારી નાંખવાના છેલ્લા પ્રયાસો કરે છે, પણ તે નિષ્ફળ જાય છે. હવે પાંડવોના રાજમાં વિકાસ અને સમૃદ્ધિનો રસ્તો સાફ છે. 

કોઈ વિજેતા નથી, માત્ર સ્ત્રીઓ વિધવા થઈ

સદ્‍ગુરુ: યુદ્ધના અંત પછી તેઓ સહુએ હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. જ્યારે રાજાઓ આવા યુદ્ધ પછી પાછા ફરે - તેને મહાન કહો કે ભીષણ, સામાન્યપણે તેની ઉજવણી હોય. પણ આ વખતે જ્યારે તેઓ પરત ફર્યા, ત્યારે ત્યાં તેઓ માત્ર વિધવા સ્ત્રીઓના આક્રંદ અને અનાથ બાળકોના રુદન જ સાંભળી શકતા; ત્યાં માત્ર પીડા, ઉદાસી અને દુઃખ જ હતા. યુધિષ્ઠિરનું હૃદય વલોવાઈ ગયું, જયરે તેણે કારમી ઉદાસી અને દુઃખ ભરેલા આક્રંદ સાંભળ્યા કારણ કે, હસ્તિનાપુરમાં જેના હાથ-પગ બેઉ સલામત હોય તેવો એક પણ પુરુષ જીવિત ન્હોતો કારણ કે, તેઓ સહુ યુદ્ધ લડવા ગયા હતા અને બધા જ માર્યા ગયા હતા. પાંડવો જ્યારે હસ્તિનાપુરમાં દાખલ થયા ત્યારે રુદન વધી ગયું - થોડું પીડામાં, થોડું ગુસ્સામાં અને થોડું પાંડવો પ્રત્યેની ઘૃણાથી. પાંડવોને પહેલા આવો કોઈ અનુભવ થયો હતો નહી - લોકો હંમેશા તેમને પ્રેમ કરતા હતા. પ્રથમ વખત તેમણે લોકોની આંખોમાં ક્રોધ જોયો કારણ કે, તેમણે આ આખી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. યુધિષ્ઠિરે પોતાની જાતને સવાલ કર્યો, “આ બધાનું શું પ્રયોજન હતું? મારે તો કદી રાજા બનવું ન જ હતું. મેં શા માટે આ બધું ઊભું કર્યું?”

યુધિષ્ઠિરે પોતાની જાતને સવાલ કર્યો, “આ બધાનું શું પ્રયોજન હતું? મારે તો કદી રાજા બનવું જ ન હતું. મે શા માટે આ બધું ઊભું કર્યું?”

પાંડવો જ્યારે મહેલમાં આવ્યા ત્યારે સર્વપ્રથમ તેઓ ધૃતરાષ્ટ્રને મળવા ગયા. તેઓ જ્યારે તેમને મળ્યા ત્યારે ધૃતરાષ્ટ્રએ શાંતિની વાતો કરી. તેમણે કહ્યું, “તમે પાડુપુત્રો ઘણા સત્યવાદી અને નિષ્ઠાવાન છો. મારા પુત્રએ, પોતાના ઘમંડમા, પોતાને માટે અને આપણા સહુને માટે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. તો રાજ્ય જવે તમારું છે - હવે તમે રાજ કરો. પછી તેમણે કહ્યું, “મારે ભીમને ખાસ મળવું છે.”  ભીમ જેવો મળવા માટે આગળ વધ્યો તેમ કૃષ્ણએ તેને અટકાવ્યો અને ધાતુનું બનેલું પહેલવાનનું એક પૂતળું ધૃતરાષ્ટ્રની સામે મૂકવા કહ્યું.” તેથી, ભીમે તે પૂતળું ધૃતરાષ્ટ્રની સામે મૂક્યું.

વૈમનસ્યનું કચ્ચરઘાણ

ધૃતરાષ્ટ્રએ પૂતળાંને ભીમ સમજીને આલિંગન આપ્યું. પૂતળાંનું કચ્ચરઘાણ નીકળી ગયું. ધૃતરાષ્ટ્ર તેના અસાધારણ બળ માટે જાણીતો હતો. તે ભીમને મારી નાખવા ઇચ્છતો હતો કારણ કે, જે રીતે દુર્યોધન મરાયો હતો, જે રીતે દુ:શાસન મરાયો હતો, જે રીતે ભીમે તેનું હૃદય ખાધું હતું અને તેનું લોહી પીધું હતું, આ બધુ તે સ્વીકારી શકતો ન્હોતો . તે ભીમનો અંત કરવા ઈચ્છતો હતો, પણ કૃષ્ણ એ પારખી ગયા અને ધાતુનું પૂતળું સામે મૂકાવ્યું, જેને ધૃતરાષ્ટ્રએ કચડી નાખ્યું. ધૃતરાષ્ટ્રએ શાંતિ અને સમાધાનની વાતો કરી, પરંતુ તેણે જે કર્યું એ દર્શાવી ગયું કે, તેના હૃદયમાં કેટલી ધૃણા અને ગુસ્સો હતા. તમે જ્યારે સશક્ત અને સક્ષમ હો અને શાંતિની વાત કરો તો તે અર્થપૂર્ણ છે. પણ તમે જ્યારે અસમર્થ હોવ ત્યારે શાંતિની વાત કરો તો તે, ભિખારી ત્યાગ કરવાની વાત કરે તેના જેવું છે. તમારી પાસે કશું હોય જ નહિ, અને તમે ત્યાગની વાત કરો, તેનો કોઈ અર્થ નથી.

દૂરદાસ ઊભો થયો, પોતાની તલવાર ખેંચી અને બોલ્યો, “કોઈ નિ:શાસ્ત્ર વ્યક્તિને પકડશે નહિ જે શાંતિ સ્થાપવાનો પ્રસ્તાવ લઈને આવી છે,” અને તેણે યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું.

યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. જ્યારે તે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના આશીર્વાદ લેવા આવ્યો ત્યારે પ્રેમાળ ચહેરો બનાવીને ગાંધારી બોલી, "મારે એક વખત નવા રાજા, યુધિષ્ઠિર ને જોવા છે. હું મારી આંખો પરથી પટ્ટી હટાવીને તેને એક વખત જોઈશ.” કૃષ્ણ તરત પામી ગયા કે તેનું પરિણામ શું આવી શકે.

ગાંધારીનું ક્રોધવશ કરાયેલું કૃત્ય

એક કૌરવ યુદ્ધમાં બચી ગયો હતો. આમ બન્યું હતું કારણ કે, જ્યારે યુધિષ્ઠિર શાંતિનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો ત્યારે તે નિ:શાસ્ત્ર હતો. તેની પાસે શસ્ત્રો ન હોવાથી દુર્યોધન અને કર્ણ તેને પકડી લેવા ઇચ્છતા હતા. તેમની ઇચ્છા ત્યાંરે જ તેને બંદી બનાવી દેવાની હતી. તેથી કૌરવ, જેનું નામ દૂરદાસ હતું, જે ધૃતરાષ્ટ્રનો, ગાંધારીની દાસી દ્વારા થયેલો પુત્ર હતો - ઊભો થયો, તલવાર ઉગામી અને બોલ્યો, “કોઈ નિ:શાસ્ત્ર વ્યક્તિ ને પકડશે નહિ જે શાંતિ સ્થાપવાનો પ્રસ્તાવ લઈને આવી છે,” અને તેણે  યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું. યુધિષ્ઠિરે તેની સામે જોઇને કહ્યું હતું, “હું ખાતરી કરીશ કે, તું મારી પહેલા નહિ મરે.” દૂરદાસે યુધિષ્ઠિરનું રક્ષણ કર્યું એટલે, ભીમે પણ આગળ વધીને કહ્યું, “હું પણ ખાતરી કરીશ કે, તું મારી પહેલા નહિ મરે.” તેથી દૂરદાસ યુદ્ધમાં મરાયો નહિ.


ગાંધારી નવા રાજા યુધિષ્ઠિરને જોવા માંગતી હતી. કૃષ્ણએ યુધિષ્ઠિર તરફ જોઈને તેને બાજુ પર ઊભા રહેવા કહ્યું. યુધિષ્ઠિરને સ્થાને તેઓ દૂરદાસને ગાંધારીની સામે લઈ આવ્યા. જ્યારે તેણે આંખ ખોલી અને દૂરદાસની સામે જોયું, દૂરદાસે આગ પકડી લીધી અને તે સળગી ઉઠ્યો. ગાંધારી યુધિષ્ઠિરને સળગાવી નાખવા ઈચ્છતી હતી, પરંતુ હકીકતમાં તેણે દૂરદાસ, ધૃતરાષ્ટ્રના દાસી દ્વારા થયેલા પુત્રને સળગાવી દીધો.


ક્રમશ:...

More Mahabharat Stories