Mahabharat All Episodes

હમણાં સુધી શું બન્યું: પાંડવોને દેશનિકાલ મળ્યા પછી દ્રૌપદી યુધિષ્ઠિરને ઉશ્કેરવાનાં ઘણા નિરર્થક પ્રયાસ કરે છે કે, જેથી તે વનવાસ ત્યાગીને સેના ભેગી કરે અને હસ્તિનાપુર સાથે યુદ્ધ કરે. તે દરમિયાન અર્જુન શિવને ગાઢ તપસ્યા દ્વારા પ્રસન્ન કરી શિવનું સુપ્રસિદ્ધ પશુપતાસ્ત્ર મેળવવામાં સફળ થાય છે. પછી અણધારેલી ઘટનાઓ બને છે જેમાં એક સમયે અર્જુનને શ્રાપ મળે છે અને તે વ્યંઢળ બની જાય છે.

 

સદ્‍ગુરુ: વનવાસના બાર વર્ષ પૂરા થવાના આરે હતા અને અર્જુંન હજુ પાછો આવ્યો ન હતો. ચાર ભાઈઓ થોડા દુઃખી હતા. પાંચથી વધુ વર્ષ થઈ ગયા હતા અને અર્જુનના કોઈ સમાચાર ન હતા. સમગ્ર પરિવાર તેને શોધવા માટે હિમાલય ગયો. ત્યાં તેઓ બદ્રીનાથમાં અર્જુનની અથવા તેના કોઈ સમાચારની રાહ જોતા એકાંતવાસમાં રહ્યા. પછી ઋષિ લોમાસા આવ્યા અને તેમણે કહ્યું, “અર્જુન થોડા સમયમાં જ પાછો આવી જશે. તેનું ત્યાં જવાનું ઉદ્દેશ્ય પૂરું થઈ ગયું છે.” તેઓ ત્યાં તેની રાહ જોતા રહી રહ્યા. એક દિવસ દ્રૌપદી અને ભીમ તે સુંદર વનમાં ફરી રહ્યા હતા. દ્રૌપદીએ ત્યાં સૌગંધીકા પુષ્પ જોયું, જે બ્રહ્મકમળ તરીકે પણ ઓળખાય છે. જો તમે હિમાલય પર પગપાળા ફર્યા હશો તો તમે કદાચ તે ફૂલ જોયું હશે. આ પુષ્પને સૂકવીને તમે ઘણો લાંબો સમય રાખી શકો છો. દ્રૌપદીએ પહેલા કદી આવું ફૂલ જોયું ન હતું. ફૂલ જોઈને ઉત્સાહિત થયેલી દ્રૌપદીએ થોડા પુષ્પો ચૂંટી લીધા. તેણે જોયું કે આગળ જતા થોડા વધુ પુષ્પો છે, પણ તેમને મોડું થતું હતું અને પાછા ફરવું જરૂરી હતું. બીજે દિવસે ભીમ તેને માટે થોડા વધુ પુષ્પો લેવા ગયો. ઉત્સાહપૂર્વક તે જંગલમાં ઘણુ અંદર સુધી ગયો અને ત્યાં એક મહત્વની ઘટના ઘટી.

ભારતીય માન્યતામાં “જંગલમાં જવું” એક રૂપક છે, જેનો અર્થ અભ્યાસ માટે જવું તેવો થાય છે. જે તમે શહેરમાં કે વિશ્વવિદ્યાલયમાં ન શીખી શકો તે જંગલમાં શીખી શકો. રામાયણ હોય, મહાભારત હોય કે પછી કંઇ બીજું, “જંગલમાં જવાનું” મહત્વ દર્શાવવું તેનો મહત્ત્વનો ભાગ છે – જીવનની પદ્ધતિઓ શીખવી. ભીમ જ્યારે જંગલમાં ફરી રહ્યો હતો ત્યારે તેણે એક વૃદ્ધ વાંદરાને બેઠેલું જોયું, જેની પૂંછડી વધુ પડતી લાંબી હતી અને તે ભીમના રસ્તામાં વચ્ચે બેઠેલું હતું. ભીમ અહંકારી હતો. તે માનતો હતો કે બીજા લોકોએ તેને રસ્તો આપી દેવો જોઈએ અને આ બાર વર્ષનાં વનવાસમાં તેમને જે શરજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, તેને કારણે તે ક્રોધી પણ થઈ ગયો હતો. પહેલા તે ખૂબ ખુશ-મિજાજ અને કિલ્લોલ કરનારો હતો, પણ હવે તે ગુસ્સાવાળો બની ગયો હતો. અભિમાની અને ગુસ્સાવાળા હોવું તમને મૂર્ખ પણ બનાવી દે છે – જે બીજા માટે અને પોતાના માટે, બન્ને માટે જોખમી છે.

જ્યારે ભીમ આવ્યો અને તેણે આ વાંદરાની પૂંછડી જોઈ ત્યારે તેને અપમાન જેવું લાગ્યું. વાનર તેના રસ્તામાં પૂંછડી ફેલાવીને કેમ બેઠો છે? તેણે કહ્યું, “હે, વાનર! તારી પૂંછડી ખસેડ!” ભારતમાં, પારંપારિક રીતે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિનું અંગ ઓળંગીને આગળ નથી વધતી. તે અપશુકનિયાળ ગણાય છે એટલું જ નહિ, તેમ ન કરવાના તથ્યો પણ છે. તેથી ભીમે કહ્યું, “તારી પૂંછડી ખસેડ, મારે જવું છે.” વાંદરાએ કહ્યું, “હું એટલો વૃદ્ધ થઈ ગયો છું કે, મારામાં મારી પૂંછડી ખસેડવાની પણ તાકાત નથી. શું તું મારી પૂંછડી ખસેડી નાખશે?” ભીમે કહ્યું, “સારું.” તેણે પૂંછડી ઊંચકવામઉ પ્રયત્ન કર્યો, પણ તે અસફળ રહ્યો. આ તેના માનવામાં ન આવ્યું. તે માણસને પોતાના બળનું અભિમાન હતું. તે હંમેશા પોતાના સ્નાયુઓ કસતો રહેતો અને તેને લાગતું કે, તે આ પૃથ્વી પર સહુથી વધુ બળશાળી પુરુષ છે, નાગલોકોએ આપેલા ઔષધે અને બીજા અનેક કારણોને લીધે તે આવું માનતો હતો. જ્યારે હવે તે વૃદ્ધ વાંદરાની પૂંછડી ખસેડી ન શક્યો ત્યારે તેને માટે તે અપમાનજનક અને અસહ્ય હતું. તેણે બન્ને હાથનું જોર લગાડીને ખુબ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. પછી તે ઘૂંટણિયે પડ્યો અને બોલ્યો, “હું આ પૂંછડી ઊપાડી ન શક્યો તેનો અર્થ છે કે, આપ કોઈ વૃદ્ધ વાનર નથી, આપ કોણ છો?” પછી વાનરે જણાવ્યું કે તે હનુમાન છે.

હનુમાને ભીમને કહ્યું, “તારી પાસે ભલે ગમે તેટલી શક્તિ હોય પણ જો તારી પાસે વિનમ્રતા અને ભક્તિ નહિ હોય તો તું નિષ્ફળ જશે.” અર્જુન અને ભીમ બન્નેમાં આનો જ અભાવ હતો – તેઓ બીજી બધી રીતે સારા હતા, પણ તેમને તેઓ પોતે જે હતા તેનું અભિમાન હતું. તેઓ વિચારતા હતા કે કોઈ તેમને હરવી ન શકે. કૃષ્ણ હંમેશા તેમને યાદ અપાવતા કે, જ્યારે વાત યુદ્ધના મેદાનની હોય ત્યારે તમે કોણ છો તે મહત્વનું નથી – સામે પક્ષે લોકો મૂર્ખ નથી. તેઓ પણ સક્ષમ છે.” તેમણે અર્જુનને વારંવાર કહ્યું છે, “એ શત્રુના બાણ નથી જે તને મારશે. તું જો તારું અભિમાન નહિ છોડે, તો તે તને એક દિવસ જરૂર મારી નાખશે – તું એક દેર્ભાગ્યપૂર્ણ મૃત્યુ પામીશ.” શિવ અર્જુનનું અને હનુમાન ભીમનું એ રીતે અપમાન કરીને પાઠ ભણાવે છે કે, બન્ને પોતાની એકમાત્ર ત્રુટિથી મુક્ત થાય છે, જેથી તેઓ પોતાને માટે નિર્ધારીત થયેલા કર્મ માટે સંપૂર્ણપણે તૈયાર રહે.

ક્રમશ:...

More Mahabharat Stories