હમણાં સુધી શું બન્યું: કપટથી ભરેલી કુખ્યાત દ્યૂતક્રીડાના આખરી દાવ પછી પાંડવો અને દ્રૌપદી તેર વર્ષના દેશનિકાલ માટે મજબૂર થાય છે. ક્રોધે ભરાયેલી દ્રૌપદી જ્યાં સુધી પોતાના વાળ દુઃશાસનના લોહી વડે ન ધૂએ ત્યાં સુધી તેને ખુલ્લા રાખવાનાની પ્રતિજ્ઞા કરે છે. ભીમ સોગંદ લે છે કે, તે દુઃશાસનનું લોહી પીશે તેમજ દુર્યોધનની જાંઘને કચડી નાખશે અને કૃષ્ણ દ્રૌપદીને કહે છે, “ભલે બધા સ્વર્ગનો નાશ થાય, હિમાલય મેદાન બની જાય, દરિયો કોઈ મૃત વ્યક્તિના હાડપિંજર જેટલો સૂકાઈ જાય, ધરા ફાટી પડે, પણ મેં તને આપેલા વચનનું હું અવશ્ય પાલન કરીશ. તારી સાથે થયેલા અપરાધનો બદલો લેવા એક એવું યુદ્ધ થશે જે બીજા બધા યુદ્ધો નો અંત હશે.”

Mahabharat All Episodes

સદ્‍ગુરુ: દ્યૂતક્રીડા પૂરી થયા પછી પાંડવોએ તેમનું રાજ્ય છોડી દેવું પડ્યું. તેમણે માત્ર પોતાનો ઉત્તરાધિકાર જ નહિ, પરંતુ પોતે ઊભું કરેલું સામ્રાજ્ય પણ ત્યજી દેવું પડ્યું - આ બધું માત્ર એક કે બે કલાકના ગાળામાં જ બની ગયું - તે પણ પાસાઓની રમતમાં, યુદ્ધના મેદાનમાં અથવા કોઈ બીજી રીતે નહિ. હવે તેઓએ વનમાં જવાની તૈયારીઓ શરૂ કરી. પરિસ્થિતિ એ રીતે બદલાઈ ગઈ કે એક સામાજિક જીવનશૈલીને બદલે જંગલના નિયમો પ્રમાણે જીવન વિતાવવું પડે, જેમાં જે બળવાન હોય તે સાચો ગણાય. સુચારુ રૂપે ઘડાયેલા નિયમો, જેના વડે સહુ બાધ્ય હતા, તેમાંથી જંગલરાજમાં ફરવાનું આ પરિવર્તન હતું.

તેઓ જ્યારે વનમાં જવા નીકળ્યા ત્યારે તેમણે રાજસી પોશાક ત્યજીને બદલાયેલી જીવનશૈલીને અનુરૂપ સંન્યાસીના વસ્ત્રો ધારણ કર્યાં. તેઓ જ્યારે હસ્તિનાપુરથી બહાર નીકળ્યા ત્યારે લોકો એકત્ર થઈ ગયા અને વિલાપ કરવા લાગ્યા. મોટેભાગના લોકો પાંડવોને ચાહતા હતા, ખાસ કરીને યુધિષ્ઠિરને, કારણ કે તેઓએ અત્યાર સુધી યુધિષ્ઠિર જેવો નિષ્પક્ષ રાજા જોયો નહોતો. તેથી, જ્યારે પાંડવો અને દ્રૌપદી જંગલમાં જવા નીકળ્યા ત્યારે ઘણા લોકો તેમની સાથે જવા માંગતા હતા. તમે વનવાસ માટે જતા હો અને ઘણા બધા લોકો તમારી સાથે જોડાય તો તે સહાયરૂપ બનવાને બદલે અનેક મુશ્કેલીરૂપ નીવડી શકે છે. લોકોને દૂર રહેવા માટે સમજાવવામાં ઘણી મહેનત પડી. લોકો ઘણાં લાંબા અંતર સુધી તેમની પાછળ ગયા. પણ તે બધાને પાછા વાળી દેવામાં આવ્યા, સિવાય કે ધૌમ્ય, તેમના રાજપુરોહિત અને બારેકથી વધુ બ્રાહ્મણો, જે તેમના જીવનમાં જરૂરી ધાર્મિક વિધિઓનું ધ્યાન રાખી શકે; તેઓ સાથે ગયા.

યુધિષ્ઠિર સિવાય સહુ કોઈ વિચલિત હતા. યુધિષ્ઠિર વનમાં આસપાસ જોઈને આનંદ કરવા લાગ્યો.

તેઓ કામ્યક્ વનમાં ગયા, જ્યાં પહોંચતા લગભગ એક દિવસનો સમય લાગે. સાંજ પડતાં સુધી તેઓ વનમાં પહોંચ્યા અને એક નદીકાંઠે પડાવ નાખ્યો. હવે, સાથે આવેલા બ્રાહ્મણોએ પરિવારને મદદ કરવા માટે ધાર્મિક વિધિઓ અને બીજી વસ્તુઓની ગોઠવણ કરી. કોઈ એકબીજા સાથે વાત નહોતું કરી રહ્યું. બધા જ ત્રસ્ત હતા, સિવાય કે યુધિષ્ઠિર – તેણે આસપાસ જોયું અને આનંદમાં આવી ગયો. બીજા લોકો સર્વસ્વ ખોઈ બેસવાને કારણે દુઃખમાં ગરકાવ થઈને બેઠા હતા, યુધિષ્ઠિરે ગાઢ વન, પક્ષીઓના કલરવ ઉપર ધ્યાન દોર્યું - બધું અત્યંત સુંદર હતું, મહેલ કરતા પણ ઘણું વધુ સુંદર. ચહેરા પર સ્મિત સાથે તે આજુબાજુ મહાલવા લાગ્યો. તેના ચહેરા પર સ્મિત જોઈને ભીમ અને ખાસ કરીને દ્રૌપદી નારાજ થઈ ગયા. દ્રૌપદી તેની સાથે જે બન્યું હતું તેનાથી ક્રોધિત હતી, તેમજ મહેલની સુખસગવડ, વસ્ત્રો અને સુવિધા હવે નહોતા. સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓ તે બધી વસ્તુઓ પર વધુ અવલંબિત હોય છે કારણ કે, તેમનું નિર્માણ જ એ પ્રમાણે થયું હોય છે. સ્ત્રીઓ માટે પુરુષોની સરખામણીએ ઘર ઘણું મોટું હોય છે. પુરુષ તો ઝાડ નીચે પણ સૂઈ શકે.

દ્રૌપદી દુઃખી, ક્રોધિત અને બદલો લેવા તરસતી હતી. ભીમ હંમેશા તેની પડખે રહેતો. દ્રૌપદીની ઈચ્છા પૂરી કરવી એ ભીમનું ધ્યેય રહેતું. બીજા શાંત રહેતા. સહદેવ ઘણા દિવસો સુધી મૌન રહ્યો, પણ યુધિષ્ઠિર જંગલની મજા માણવાનું રોકી શક્યો નહિ. બીજે દિવસે તેઓ વનમાં વધુ અંદર વધ્યા અને ત્યાં પોતાને માટે પડાવ બાંધવાની તૈયારીઓ કરી. પણ, થોડા જ દિવસોમાં અનાજ અને બીજો પુરવઠો ખૂટી પડ્યા. ક્ષત્રિય હોવાને કારણે તેઓ હરણ કે રીંછનો શિકાર કરીને ખાઈ શકતા, પણ એક ડઝનથી વધુ બ્રાહ્મણોને જમાડવાનો પડકાર ઘણો મોટો હતો. પાંડવોએ તેમને પાછા ફરી જવાની આજીજી કરી કારણ કે, તેઓ તેમને ભોજન પૂરું પાડવા સક્ષમ નહોતા. ખાસ કરીને દ્રૌપદી તે વાતથી ઘણી દુઃખી હતી. તેઓ જ્યારે ઇન્દ્રપ્રસ્થ હતા ત્યારે તેને લોકોને જમાડવામાં ઘણું સુખ મળતું. જ્યારે તક મળે ત્યારે જે કોઈ શહેરમાં આવે તેને તે જમાડતી.

તે સમયે ભારતીય સંસ્કૃતિમાં, તમે જ્યાં પણ જાઓ, કોઈ ને કોઈ તો તમને ભોજન પીરસી જ દે. તમારે ભોજનાલયમાં જવાની જરૂર નહિ રહે. રોજ, ઘણા મંદિરોમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં અને ઉત્તર ભારતના અમુક સ્થળોએ પણ, તેઓ સાદું અને સ્વાદિષ્ટ ભોજન જે આવે તેને જમાડે છે. ભોજન એ એવી પ્રાથમિક જરૂરિયાત છે જેનાથી તમારે કોઈને વંચિત ન રાખવા જોઈએ. તેથી દ્રૌપદીએ ઇન્દ્રપ્રસ્થમાં એ પ્રથા જાળવી રાખી હતી. હવે જ્યારે તે સાથે આવેલા બ્રાહ્મણોને જમાડી નહોતી શકતી ત્યારે તે અત્યંત દુઃખી હતી. પછી મહર્ષિ વ્યાસ પધાર્યા અને તેમણે દ્રૌપદીને સૂર્યદેવની આરાધના કરવા કહ્યું કારણ કે, સૂર્યદેવ થકી ભોજનની વ્યવસ્થા થઈ શકે તેમ હતું.

ઉચિત ધાર્મિક વિધિઓ અને પ્રાર્થના પછી સૂર્યદેવે દર્શન આપ્યા અને દ્રૌપદીએ કહ્યું, “હું મારું સામ્રાજ્ય પાછું નથી માંગતી.  હું એક રાજરાણી છું, પરંતુ હું ઝવેરાત, વસ્ત્રો અથવા એવી કોઈ વસ્તુઓ નથી માંગી રહી. હું માત્ર એટલું ઈચ્છું છું કે અમારે ત્યાં જે કોઈ મહેમાન આવે તે ભૂખ્યા વિદાઈ ન થાય. લોકો જ્યારે આવે ત્યારે હું તેમને ભોજન કરાવી શકું.” અને પાંડવો તેઓ જે હતા તેને કારણે લોકો તેમને મળવા માટે આવતા રહેતા. સૂર્યદેવે તેને એક પાત્ર આપ્યું અને કહ્યું, “આ પાત્ર વડે તું જે ઇચ્છે તે જે કોઈ આવે તેને જમાડી શકશે. આ પાત્રમાંથી અવિરતપણે ભોજન આવતું રહેશે. શરત માત્ર એટલી જ છે કે તારે સૌથી છેલ્લે જમવાનું. તુ જમી લે પછી તે દિવસ પૂરતું ભોજન આવતું અટકી જશે. પછી તે બીજા દિવસે પાછું આવવા લાગશે."

આશીર્વાદરૂપ આ કટોરો મળી જવાથી બ્રાહ્મણો અથવા બીજા મહેમાનોને ભોજન પીરસવાની તો કોઈ સમસ્યા રહી નહિ. ધીરે ધીરે સહુ વનમાં રહેવાનો અને તેનો હિસ્સો બનવાનો આનંદ લેવા લાગ્યા. કુદરતી સૌંદર્ય જોવા અને તેની સગવડ અને આનંદ માણવા માટે અલગ અલગ લોકોને અલગ અલગ સમય લાગતો હોય છે. હળવે રહીને સહુ વન્યજીવનથી ટેવાઈ ગયા અને બધાને જ જંગલમાં જીવવાનો, ખોરાક માટે અને બીજી વસ્તુઓ મેળવવા માટે જવાનો આનંદ આવવા લાગ્યો. રાજય ચલાવવાનો કોઈ બોજો નહિ, હસ્તિનાપુરના મહેલ તરફથી કોઈ ષડ્યંત્ર નહિ, પોતાના પિતરાઈઓ સાથે સતત ચાલ્યા કરતા કોઈ ઝગડા નહિ – જીવન સુંદર હતું. તેઓને તો જાણે સુંદર રીતે રજાઓ ગાળવાનો સમય મળી ગયો.

તેઓ વનમાં વિશ્રામ કરી રહ્યા હોવાને કારણે ઘણા સંતો અને ઋષિઓએ તેમની મુલાકાત લેવાની શરૂ કરી. હવે જ્યારે તેમની પાસે ખોરાકનો અખૂટ જથ્થો હતો ત્યારે તેઓ સહુ કોઈને આવકાર આપીને ભોજન પીરસી શકતા અને યુધિષ્ઠિરને તો સાધુસંતોની વાતો સાંભળવાનું અને તેમની સાથે ચર્ચા કરવાનું ખૂબ ગમતું. તેને પહેલા કદી આવી તક મળી ન હતી. તે પંદર કે સોળ વર્ષની ઉંમરે હસ્તિનાપુર આવ્યો ત્યારથી તેની હથિયારો ચલાવવાનું અને વહીવટ ચલાવવાનું પ્રશિક્ષણ ચાલ્યા કરતું. ત્યાર પછી કૌરવો સાથે સતત શીત યુદ્ધ ચાલતું રહ્યું અને પછી તેમણે નવું શહેર વસાવ્યું. હવે તેને વનમાં રહેવાની ખરેખર મજા આવી રહી હતી. કોઈએ તેને આટલો ખુશ ક્યારેય જોયો ન હતો. તે દિવસ રાત મહેમાનો અને સંતો સાથે વાતો કરતો અને તેમની વાતો સાંભળતો. તે તો લગભગ ભૂલી જ ગયો હતો કે તે જંગલમાં કયા કારણોસર હતો અને ત્યાર પછી તેણે શું કરવાનું હતું. સ્પષ્ટ રીતે જ, તેમને પાછા ફરવામાં તેર વર્ષની વાર હતી, પરંતુ તેની સાથેના લોકોને એવું લાગવા માંડ્યું હતું કે, યુધિષ્ઠિર વધુ પડતો હળવો થઈ ગયો હતો. જ્યારે કોઈ વ્યક્તિ એ જગ્યાનો વધુ પડતો આનંદ લેવા માંડે ત્યારે મૂળભૂત ધ્યેયનો સદંતર ત્યાગ થઈ જાય તેવું બને.

દુર્યોધને તેના સાથીઓ સાથે મળીને જે પરિણામ મેળવ્યું તેનાથી તે ખૂબ સંતુષ્ટ હોવા છતાં તે ચિંતિત હતો, શું થાય જો પાંડવો પુનર્વિચાર કરે, “એવી કઈ મોટી વાત છે - અમે માત્ર જુગારની રમત હાર્યા છે, એના માટે કંઇ વનવાસ કરવાનો હોય?” ગુપ્તચરોને પાંડવોની પાછળ મોકલવામાં આવ્યા હતા અને વનમાં તેમની આસપાસ ગોઠવવામાં આવ્યા હતા, જેથી દુર્યોધનને તેમની માહિતી મળતી રહે. તેમની પરિસ્થિતિ કેવી છે? તેઓ શું કરે છે? એ લોકોને પૂરતી તકલીફ પડે છે કે નહિ? તેઓને તકલીફ પડે તે દુર્યોધનને માટે ખૂબ અગત્યનું હતું. જ્યારે ગુપ્તચરોએ માહિતી આપી કે પાંડવો, ખાસ કરીને યુધિષ્ઠિર, તેમના વનવસવાટનો ભરપૂર આનંદ માણી રહ્યા છે ત્યારે દુર્યોધનની ચિંતાઓ સતત ચાલુ રહી, “જો તેઓ આટલા ખુશ છે તો તેઓની યોજના શું હશે? તેણે વિચાર્યું કે પાંડવો પાંચાલ અને યાદવ સેનાઓને એકત્ર કરીને પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે આવી શકે છે.” તેથી થોડા ગુપ્તચરોને પાંચાલ અને દ્વારકા માટે રવાના કરાયા કે ત્યાં એવી કોઈ તૈયારીઓ ચાલી રહી છે કે નહિ. “શું તેઓ અચાનક આક્રમણ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે?” કારણ કે, હવે બધા જ નિયમો તૂટી ચૂક્યા હતા એથી કોઈ ધર્મની વાતો નહોતું કરતું. જ્યારે ગુપ્તચરોએ પાછા ફરીને માહિતી આપી કે એવી સંધિ થઈ હોવાના કોઈ સંકેત નથી અને પાંડવોએ તેર વર્ષનો વનવાસ સ્વીકારી લીધો છે ત્યારે દુર્યોધને થોડી હળવાશ અનુભવી. પણ તે હજુ એવું જ વિચારતો હતો, કે જો તેઓ જંગલમાં એટલા ખુશ હોય તો તેમનું જીવન જંગલમાં સમાપ્ત થઈ જાય તે વધુ સારું રહેશે અને તે ચોક્કસ તેમ થાય તેમ કરવા ઇચ્છતો હતો.

દુર્યોધન અને કર્ણએ સાથે મળીને એક યોજના બનાવી. જે જંગલમાં પાંડવો રહેતા હતા તેમાં તેઓ શિકાર માટે જવા ઇચ્છતા હતા અને નિ:શસ્ત્ર પાંડવોનો જંગલી પશુનો શિકાર કરે તેમ શિકાર કરવાની તેમની યોજના  હતી. પણ ધૃતરાષ્ટ્રની સંમતિ વગર ત્યાંથી નીકળવું અશક્ય હતું, જેનો અર્થ ભીષ્મની પણ સંમતિ મેળવવી એવો થતો હતો. ભીષ્મ અને વિદુરને તેમના બદઈરાદાની ગંધ આવી ગઈ અને તેમણે ધૃતરાષ્ટ્રને તેમના તે જંગલમાં જવા દેવાની મંજૂરી ન આપવા સમજાવવા પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, “તમે તેમ કરવાની પરવાનગી આપી ન શકો. આપણે તેમનું સર્વસ્વ લઈ લીધું છે, તેમને કંગાળ કરી નાખ્યા છે અને જંગલમાં મોકલી દીધા છે. હવે ત્યાં તો તેમને રહેવા દો. તેમની પાછળ જવાની કોઈ જરૂર નથી.” પણ દુર્યોધન અને કર્ણને તો હજી પણ શિકાર પર જવું જ હતું.

ક્રમશ:...

More Mahabharat Stories