પ્રશ્ન: કહેવાય છે કે આદિ શંકર એક રાજાના શરીરમાં પ્રવેશ્યા હતા અને તેના શરીરમાં ખાસ્સા સમય સુધી વસવાટ કર્યો હતો. શું વાસ્તવમાં આ શક્ય છે? જો હા, તો કેવી રીતે? કેવા પ્રકારની યોગિક નિપુણતા આવા ચમત્કારને સંભવ બનાવે છે?

સદગુરુ: આદિ શંકર એક વ્યક્તિ સાથે ચર્ચામાં ઊતર્યા અને જીત્યા. પછી તે માણસની પત્ની ચર્ચામાં ઊતરી – તમે સ્ત્રીઓને તો જાણો જ છો! આદિ શંકર તર્કસંગતતાનું એક ચોક્કસ સ્તર છે – તમારે તેમની સાથે તે રીતે દલીલ ન કરવી જોઈએ. પણ તે સ્ત્રી ચર્ચામાં ઊતરતાં બોલી, “તમે મારા પતિને મ્હાત આપી, પણ તે સર્વસ્વ નથી. અમે બંને મળીને એક બનીએ છીએ. આથી, તમારે મારી સાથે પણ ચર્ચા/દલીલ કરવી જોઈએ.” આ તર્ક સામે તમે શું દલીલ કરી શકો? આમ, મહિલા સાથે દલીલો શરૂ થઈ. પછી તે સ્ત્રી પામી ગઈ કે તે હારી રહી હતી, આથી તેણે આદિ શંકરને માનવીય જાતીયતા વિશે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. શંકરે કહ્યું, જે પણ તેમણે કહેવું હતું. પછી તે સ્ત્રી વધુ વિગતોમાં ઊતરી અને પૂછ્યું, “તમે અનુભવના આધારે શું જાણો છો?” હવે, શંકર બ્રહ્મચારી હતા. તેઓ જાણતા હતા કે આ તેમને હરાવવા માટેની યુક્તિ છે. આથી તેમણે જવાબ આપ્યો, “મને એક મહિનાનો સમય જોઈએ છે. આપણે જ્યાંથી અટક્યા છીએ, એક મહિના પછી ત્યાંથી જ ચર્ચા શરૂ કરીશું.”

પછી તેઓ ગુફામાં ગયા અને તેમના શિષ્યોને કહ્યું, “ગમે તે થઈ જાય, તો પણ તમે કોઈને પણ આ ગુફામાં પ્રવેશવાની પરવાનગી ન આપશો, કારણ કે હું મારા શરીરનો ત્યાગ કરી રહ્યો છું અને થોડા સમય માટે અન્ય સંભવિતતા તરફ ધ્યાન આપીશ.”

જીવન ઊર્જા અથવા તો પ્રાણ પાંચ પરિમાણોમાં અભિવ્યક્ત થાય છેઃ પ્રાણ વાયુ, સમાના, અપાના, ઉધાના અને વ્યાના. પ્રાણની આ પાંચ અભિવ્યક્તિઓ (અથવા લક્ષણો) આગવાં કાર્યો ધરાવે છે. પ્રાણ વાયુ શ્વાસોચ્છવાસની ક્રિયા, વિચાર પ્રક્રિયા અને સ્પર્શની સંવેદના પર દેખરેખ રાખે છે. તમે કેવી રીતે તપાસો છો કે કોઈ વ્યક્તિ જીવિત છે કે મૃત્યુ પામી છે? જો તેનો શ્વાસ થંભી ગયો હોય, તો તમે કહો છો કે તે મૃત્યુ પામી છે. શ્વાસ અટકી ગયા છે, કારણ કે પ્રાણ વાયુએ નીકડવાનું શરૂ કરી દીધું છે. પ્રાણ વાયુને સંપૂર્ણપણે ત્યાગ કરતાં દોઢ કલાકનો સમય લાગશે.

આથી જ, પરંપરાગત રીતે એવી પ્રથા ગોઠવાઈ ગઈ કે, શ્વાસ થંભી જાય, ત્યાર પછી કોઈના અગ્નિસંસ્કાર કરતાં પહેલાં તમારે ઓછામાં ઓછા દોઢ કલાક રાહ જોવી જોઈએ – કારણ કે, તે વ્યક્તિ બીજી ઘણી બધી રીતે જીવિત છે. આપણે દોઢ કલાક સુધી રાહ જોઈએ છીએ, જેથી તેની વિચાર પ્રક્રિયા, તેની શ્વાસોચ્છવાસની ક્રિયા અને તેની સંવેદનાઓ જતી રહે, જેથી તેને અગ્નિની અનુભૂતિ ન થાય. હવે, પ્રાણનો બાકીનો ભાગ હજી પણ ત્યાં રહેશે. વ્યાના, પ્રાણનું અંતિમ પરિમાણ બારથી ચૌદ દિવસ સુધી રહી શકે છે. દેહનું જતન અને અખંડિતતા મહદઅંશે સિસ્ટમના વ્યાના પ્રાણના કાર્યને આભારી છે. આથી, જ્યારે શંકરે તેમના દેહનો ત્યાગ કર્યો, ત્યારે તેમણે તેમની સિસ્ટમના વ્યાનાનો ત્યાગ કર્યો, કારણ કે તેમના દેહને જળવાવો હતો.

બન્યું એવું કે, એક રાજાને કોબ્રાએ દંશ દીધો અને રાજા મૃત્યુ પામ્યો હતો. જ્યારે કોબ્રાનું ઝેર તમારા શરીરમાં પ્રવેશે, ત્યારે તમારૂં રક્ત ઘટ્ટ થવા માંડે છે અને શ્વાસ ભારે થઈ જાય છે, કારણ કે જ્યારે પરિભ્રમણ મુશ્કેલ થઈ જાય, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તમારો પ્રાણ વાયુ જતો રહે, તે પહેલાં તમારો શ્વાસ થંભી જશે. ઘણી બધી રીતે જોતાં, જે વ્યક્તિ તે શરીરમાં પ્રવેશવા ઈચ્છતી હોય, તેના માટે આ એક આદર્શ સ્થિતિ છે. સામાન્યપણે, તે તમને કેવળ દોઢ કલાકના સમયની એક બારી (વિન્ડો) આપશે. પણ જ્યારે એક વ્યક્તિના શરીરમાં કોબ્રાનું વિષ પ્રવેશી ચૂક્યું છે, ત્યારે તમને સાડા ચાર કલાક સુધીનો સમય મળી રહેશે.

આથી, શંકરને આ તક પ્રાપ્ત થઈ અને તેઓ ઘણી જ સરળતાથી રાજાના શરીરમાં પ્રવેશ્યા. અને તેઓ પ્રક્રિયામાંથી પસાર થયા, જેથઈ તેઓ અનુભવના આધારે તે પ્રશ્નોના જવાબ આપી શકે. રાજાના વર્તુળમાં કેટલાક બુદ્ધિશાળી લોકો હતા, જેમણે – તેમણે જેને મૃત જાહેર કર્યો હતો તે વ્યક્તિને અચાનક ઊર્જાથી છલકાતો જોયો – ત્યારે તેઓ રાજાની વર્તણૂંક પરથી પામી ગયા કે આ એ વ્યક્તિ ન હતી, પણ તેના (રાજાના) દેહમાં અન્ય કોઈ હતું. આથી, તેમણે આખા નગરમાં સિપાઈઓ મોકલ્યા અને તેમને આદેશ આપ્યો કે જ્યાં પણ તેમને કોઈ દેહ પડેલો જણાય, ત્યાં તત્કાળ તેને સળગાવી દેવો – જેથી, જો તે શરીર એ વ્યક્તિનું હોય કે જે રાજાના શરીરમાં પ્રવેશી છે, તો તે વ્યક્તિ તેના પોતાના શરીરમાં પરત ન જઈ શકે. કારણ કે, હવે રાજા જીવિત આવ્યા છે – એક અલગ વ્યક્તિ છે, પણ તેનું શરીર તો રાજાનું જ છે, તો પછી શું? પણ તેમને સફળતા ન મળી અને શંકર પરત ફરી ગયા.

તો, શું આવું શક્ય છે? હા, આ સંપૂર્ણપણે શક્ય છે. શું આ અદભૂત પરાક્રમ છે? આ એવું કોઈ અદભૂત પરાક્રમ નથી. તેના માટે ફક્ત તમારી અંદર જીવન કેવી રીતે આકાર પામે છે, તેની રચના ની થોડી સમજૂતીની જરૂર છે. હવે, જો એક માણસ એવી વ્યક્તિના શરીરમાં પ્રવેશવા માંગે છે કે જે જીવિત છે, તો તેના માટે ઘણી વધારે જહેમત કરવી પડશે. જેના શ્વાસ હજી હમણાં જ થંભ્યા છે, તેના શરીરમાં પ્રવેશ કરવો પ્રમાણમાં ઘણો સરળ છે. પહેલા દોઢ કલાકની અંદર આમ કરવું યોગ્ય છે, કારણ કે જરૂરી અવકાશ સર્જાઈ ચૂક્યો છે અને તેની સાથે જ બાકીનું બધું શરૂ થઈ ગયું છે. આ જ કારણસર ભારતમાં, જ્યારે કોઈ વ્યક્તિના શ્વાસ ઓછા થવા માંડે, ત્યારે તેઓ હંમેશા તેમને ઘરની બહાર રાખશે. તેઓ સામ્બ્રાની (એક પ્રકારનો ધૂપ) કરશે અને કશોક મંત્રોચ્ચાર શરૂ કરશે. તે વિદાય લઈ રહેલી વ્યક્તિને શાંતિ આપવા માટે છે અને સાથે જ એ સુનિશ્ચિત કરવા માટે છે કે બીજું કોઈ તે દેહ પર કબ્જો ન જમાવી દે.

ઘણી પદ્ધતિઓ અને રક્ષણોનું સર્જન કરવામાં આવ્યું હતું, જેથી આવું નથાય. પણ આજે, તે ભાગ્યે જ બનતી ઘટના છે, જેથી લોકો હવે તેને ચમત્કારિક પરાક્રમ ગણવા લાગ્યા છે.